ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ/અષ્ટાવક્રની કથા


અષ્ટાવક્રની કથા

ઉદ્દાલક મુનિના એક શિષ્ય હતા, તેમનું નામ કહોડ. ગુુરુની ભારે સેવા કરે, તેમની આજ્ઞાનું પાલન કરે. દિવસોના દિવસો સુધી તે અધ્યયન કરતા રહ્યા. ગુરુ પાસે તો ઘણા શિષ્યો, એ બધામાં સૌથી વધારે બુદ્ધિશાળી આ કહોડ હતો, એટલે ઉદ્દાલકે તેને બધા વેદ શીખવાડી દીધા અને પોતાની પુત્રી સુજાતા પણ તેની સાથે પરણાવી. થોડા સમયે સુજાતા સગર્ભા થઈ. તેનો ગર્ભ અગ્નિ જેવો પ્રકાશિત. એક દિવસ તે બાળકે અધ્યયન કરી રહેલા પિતાને કહ્યું, ‘પિતાજી, તમે આખી રાત ભણ્યા જ કરો છો પણ સરખી રીતે તો ભણતા જ નથી.’

હવે બધા શિષ્યો ત્યાં બેઠા હતા. અને બધાની વચ્ચે પોતાની નિંદા થઈ એટલે કહોડ ગુસ્સે થયા અને ગર્ભને શાપ આપ્યો, ‘તું પેટમાંથી જ બોલે છે એટલે આઠ જગાએથી તું વાંકો થઈશ.’ પછી કહોડ ઋષિનો પુત્ર આઠ જગ્યાએથી વાંકો હતો એટલે તેનું નામ પડ્યું અષ્ટાવક્ર, ઉદ્દાલકને એક પુત્ર પણ હતો, તેનું નામ શ્વેતકેતુ. આ બંને મામાભાણેજ સરખી વયના.

એક દિવસ અષ્ટાવક્રના જન્મ પહેલાં સુજાતા વિકસી રહેલા ગર્ભથી બહુ દુઃખી થઈ. તેને ધનની ઇચ્છા હતી, પતિને પ્રસન્ન કરીને તે એકાંતમાં બોલી, ‘મહર્ષિ, મને દસમો મહિનો જાય છે. ધન વગર હું શું કરીશ? તમારે ત્યાં તો ધન જ નથી. તો મારી પ્રસૂતિ થશે કેવી રીતે?’

કહોડ મુનિ પત્નીની વાત સાંભળીને ધન મેળવવા જનક રાજાને ત્યાં ગયા. બંદી સાથે વિવાહ કર્યો. કહોડ હારી ગયા એટલે તેમને પાણીમાં ડુબાડી દીધા. ઉદ્દાલક મુનિએ જ્યારે સમાચાર સાંભળ્યા કે જમાઈને બંદીએ શાસ્ત્રાર્થમાં હરાવીને પાણીમાં ડુબાડી દીધા છે, ત્યારે પુત્રી સુજાતાને કહ્યું, ‘તું આ વાત અષ્ટાવક્રથી છાની રાખજે.’

અષ્ટાવક્રનો જન્મ થયો ત્યારે પણ કોઈને ખબર ન પડી. અષ્ટાવક્રે ઉદ્દાલકને પિતા અને શ્વેતકેતુને ભાઈ માની લીધા.

એમ કરતાં કરતાં અષ્ટાવક્ર બાર વરસના થયા. તે ઉદ્દાલક મુનિના ખોળામાં બેઠા હતા, તે જ વખતે ત્યાં શ્વેતકેતુ આવી ચઢ્યા અને અષ્ટાવક્રનો હાથ ખેંચીને કહ્યું, ‘આ તારા પિતાનો ખોળો નથી.’

શ્વેતકેતુની આ નિર્દય વાત અષ્ટાવક્રના હૈયાને વીંધી ગઈ, તેમને બહુ દુઃખ થયું. ઘરમાં જઈને માતાને કહ્યું, ‘મારા પિતા ક્યાં છે?’

સુજાતા તો આ સાંભળીને દુઃખી દુઃખી થઈ ગઈ, શાપની બીકે બધી વાત કરી દીધી. બધી વાત બરાબર સાંભળીને અષ્ટાવક્રે શ્વેતકેતુને કહ્યું, ‘રાજા જનકનો યજ્ઞ બહુ વખણાય છે. ચાલો, તે યજ્ઞમાં જઈએ અને સારું સારું ભોજન જમીએ. બ્રાહ્મણોના વિચાર સાંભળીશું, આપણી બુદ્ધિમાં વધારો થશે. બ્રહ્મઘોષ પુષ્કળ કલ્યાણકારી અને સૌમ્ય હોય છે.’