ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ/જરાસંધની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જરાસંધની કથા

મગધ દેશમાં બૃહદ્રથ નામનો રાજા. ત્રણ અક્ષૌહિણી સેનાનો રાજા ભારે વ્રત કરનારો એટલે દુર્બળ શરીરવાળો હતો, પણ તેજમાં ઇન્દ્ર જેવો. જેવી રીતે સૂર્યકિરણો બધી ધરતી પર છવાઈ જાય તેવી રીતે તેના ગુણોથી ધરતી ઢંકાઈ ગઈ હતી. તે રાજાએ કાશીરાજની કન્યાઓ સાથે લગ્ન કર્યું હતું. તે રાજાએ પોતાની બે રાણીઓને કહ્યું હતું, ‘તમને બંનેને હું સરખો અધિકાર આપીશ.’ જેવી રીતે ગજરાજ બે હાથણીઓ સાથે સુખેથી રહે તેવી રીતે આ રાજા પણ પોતાની પત્નીઓ સાથે સમય પસાર કરતો હતો. એક રાણી જાણે ગંગા અને બીજી રાણી યમુના. પણ યુવાની વીતી ગઈ તોય રાજાને પુત્ર નહીં. બહુ યજ્ઞ કર્યા, બહુ વ્રત કર્યાં પણ પુત્ર ન જન્મ્યો તે ન જ જન્મ્યો. પછી તપસ્વી ગૌતમના કુળમાં જન્મેલા કક્ષીવાનપુત્ર ઉદાર ચંડકૌશિકની વાત રાજાના કાને પડી. વૃક્ષના થડને ટેકે બેઠેલા ચંડકૌશિક પાસે રાજા તેમની રાણીઓને લઈને ગયા અને અઢળક રત્નોની ભેટ ધરીને ઋષિને પ્રસન્ન કર્યા. સત્યવ્રતી ઋષિએ કહ્યું, ‘હે રાજા, તમારા પર પ્રસન્ન. બોલો, શી ઇચ્છા છે?’

બંને પત્નીઓએ અને રાજાએ તેમને પ્રણામ કર્યા. પુત્ર ન હોવાની નિરાશાથી તેમની આંખોમાં આંસુ આવ્યાં અને ગદ્ગદ થઈને બોલ્યા, ‘હવે તો રાજગાદી ત્યજીને વનમાં જવા માગું છું, પુત્ર વિનાના રાજ્યને શું કરું?’

રાજાની વાત સાંભળીને ઋષિ પણ ક્ષુબ્ધ થઈ ધ્યાનમગ્ન થયા અને આંબા નીચે બેઠા. તે જ વખતે પોપટે ન ખાધેલી એક કેરી આમ જ તેમના ખોળામાં પડી. ઋષિએ તે અદ્ભુત ફળ પર મંત્રસંસ્કાર કર્યા અને તે રાજાને આપ્યું, ‘રાજા, તમારી ઇચ્છા ફળી. હવે ઘેર જાઓ.’ તે રાજાએ બંને પત્નીઓને ફળ આપ્યું. બંને રાણીઓએ અંદરઅંદર વહેંચીને એ ફળ અડધુંઅડધું ખાધું. ઋષિના આશીર્વાદથી બંને રાણીઓને ફળ ખાઈને દિવસો રહ્યા. દસ મહિના પૂરા થયા એટલે અડધા શરીરવાળાં બાળકોને જન્મ આપ્યો. દરેક બાળકને એક આંખ, એક હાથ, એક પગ, અડધું મોં, અડધું પેટ, આ જોઈને રાણીઓએ ખૂબ જ દુઃખી થઈને એકબીજાને પૂછીને અધૂરાં શરીરોને ફેંકી દીધાં. તેમની ધાત્રીઓએ બે સુંદર ગર્ભ છુપાવીેને કોઈ ચોકમાં ફેંકી દીધા. તે વેળા માંસ ખાનારી, લોહી પીનારી જરા નામની રાક્ષસીએ ચોકમાં ફેંકેલાં આ શરીરોને ઊંચકી લીધાં. પછી તો એ રાક્ષસીએ ભાગ્યબળથી પ્રેરાઈને બંને અધૂરા દેહને જોડી દીધા. એટલે બંને ખંડ જોડાઈને સુંદર કુમાર બની ગયો. રાક્ષસીની આંખો તો આ જોઈને ચાર થઈ ગઈ, બાળકને તે ઉઠાવવા ગઈ પણ ઉઠાવી ન શકી. પછી તે મોટે મોટેથી રડવા લાગ્યો, તેનો અવાજ સાંભળીને બધા ગભરાઈ ગયા, રાજા સાથે રાણીઓ પણ બહાર નીકળી ત્યાં દોડી ગઈ. રાક્ષસીએ જોયું — તો રાજા સંતાન માટે પ્રયત્નશીલ હતા, રાણીઓની એવી હાલત જોઈ. પછી વિચારવા લાગી — હું આ રાજાના રાજ્યમાં રહું છું. પુત્રની ઇચ્છા આ રાજાની છે, તો પછી સૂર્ય જેવા તેજસ્વી અને મેઘની જેમ અવાજ કરનારા આ બાળકને મારે લઈ જવો ન જોઈએ એટલે તે રાક્ષસીએ માનવરૂપ ધારણ કર્યું, ‘હે રાજા, આ પુત્ર તમારો છે. હું તમારા હાથમાં મૂકું છું. એક ઋષિના વરદાનથી તમારી પત્નીઓએ એને જન્મ આપ્યો હતો, ધાત્રીઓ તેને મૂકીને જતી રહી, મેં તેને સાચવી લીધો છે.’ પછી રાણીઓએ બાળકને લીધો, સ્તનમાંથી નીકળેલા દૂધ વડે તેને ત્યાં ને ત્યાં નવડાવ્યો. પછી રાજાએ માનવરૂપે આવેલી તે રાક્ષસીને પૂછ્યું, ‘મને આ પુત્ર તમે આપ્યો, કોણ છો તમે? મન ફાવે ત્યાં વિહાર કરનારી કોઈ દેવી લાગો છો.’

રાક્ષસીએ કહ્યું, ‘મારું નામ જરા. ઇચ્છા પ્રમાણે રૂપ ધારણ કરનારી એક રાક્ષસી છું. તમારે ત્યાં હું આનંદથી રહી છું. તમારા ઉપકારનું ઋણ ચૂકવવા માગતી હતી. આજે બે ભાગમાં વહેંચાયેલા તમારા પુત્રના શરીરને જોયું. દૈવયોગે બંને ભાગ જોડી દીધા. તમારા ભાગ્યથી જ આ બન્યું. હું તો નિમિત્ત.’ આમ કહી રાક્ષસી અંતર્ધાન થઈ ગઈ. રાજા બાળકને લઈ મહેલમાં ગયા. બાળકને યોગ્ય સંસ્કાર કર્યા. રાજ્યમાં રાક્ષસીના નામે મહોત્સવ કરાવ્યો. જરા રાક્ષસીએ શરીરના બે ખંડ જોડ્યા એટલે બાળકનું નામ પાડ્યું જરાસંધ.

ધીમે ધીમે આ કુમાર મોટો થવા લાગ્યો. થોડા સમયે ચંડકૌશિક ઋષિ ત્યાં આવ્યા. રાજા પ્રસન્ન થઈને મંત્રી, પુરોહિત, રાણીઓ, પુત્રને લઈને ઋષિ પાસે ગયા અને તેમની પૂજા વિધિપૂર્વક કરી. રાજાએ પુત્રની સાથે આખું રાજ્ય ઋષિને સોંપી દીધું. રાજાની પૂજા સ્વીકારીને ઋષિએ આનંદિત થઈને કહ્યું,

‘હું દિવ્ય દૃષ્ટિથી બધું જોઈ શકું છું. તમારા પુત્રનું ભવિષ્ય સાંભળો ત્યારે. કોઈ રાજા તેના જેવો બળવાન નહીં થાય. દેવતાઓનાં શસ્ત્ર પણ તેને કશી આંચ પહોંચાડી નહીં શકે. બધા રાજાઓને તે વશ કરશે. સૂર્ય જેવી રીતે બધા ચળકતા પદાર્થોની ચમક દૂર કરે છે તેવી રીતે તે પણ બધા રાજાઓના સૌભાગ્યને ઝાંખું કરશે. બધા રાજાઓ જો લડવા આવશે તો તેમનો નાશ થશે. જેવી રીતે આ વિશાળ પૃથ્વી શુભ-અશુભ બધાને ધારણ કરે છે તેવી રીતે આ જરાસંધ, ચારે વર્ણોને ધારણ કરશે. જેવી રીતે બધા શરીરધારીઓ વાયુના વશમાં હોય છે તેવી રીતે બધા રાજા પણ આની આજ્ઞામાં રહેશે. આ રાજા મહાદેવનાં દર્શન કરશે.’ પછી ઋષિને કશું યાદ આવ્યું એટલે રાજાને વિદાય કર્યો.

જરાસંધને રાજગાદી સોંપી રાજા રાણીઓને લઈને વનમાં ગયા અને બહુ તપ કરીને સ્વર્ગે સિધાવ્યા.

(સભાપર્વ, ૧૮થી ૨૨)