ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ/મંદપાલની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મંદપાલની કથા

ભૂતકાળમાં મંદપાલ નામના પ્રખ્યાત તપસ્વી વ્રતધારી ધર્મજ્ઞોમાં શ્રેષ્ઠ એવા ઋષિ થઈ ગયા. તેઓ સ્વાધ્યાયમાં નિયુક્ત રહેતા હતા, જિતેન્દ્રિય બનીને સદા તપસ્યા કરતા રહેતા, ધર્માનુસારી આચરણ કરતા હતા. તેઓ ઊર્ધ્વરેતા ઋષિઓના માર્ગે ચાલતા હતા. જ્યારે તેઓ શરીર ત્યજીને તપસ્યાથી પર એવા પિતૃલોકમાં ગયા ત્યારે તે તપસ્યાનો કોઈ લાભ તેમને પ્રાપ્ત ન થયો. તે મહર્ષિએ પોતાની કઠોર તપસ્યાથી મેળવેલા લોકને ન જોઈ ધર્મરાજની નિકટના દેવોને પૂછ્યું, ‘મેં તપસ્યા દ્વારા મેળવેલો આ પુણ્યલોક કેમ બંધ છે? જે કર્મો કરવાથી આ પુણ્યલોકમાં જવાય છે તે કર્મો શું મેં નથી કર્યાં? જે કારણે મારી તપસ્યાનું ફળ મને મળ્યું નથી તે કારણ મને જણાવો.’

દેવોએ કહ્યું, ‘એમાં કોઈ શંકા નથી કે માનવીઓ ક્રિયા, બ્રહ્મચર્ય અને સંતાનોત્પત્તિ માટેના ઋણ લઈને જન્મે છે. યજ્ઞ, તપસ્યા, અને પુત્રજન્મ — આ ત્રણ વડે આ ઋણ ચૂકવાય છે. તેં બહુ તપસ્યા કરી છે પણ તને કોઈ સંતાન નથી. એટલે પુત્રોત્પત્તિ ન હોવાથી આ બધા પુણ્યલોક તમારા માટે બંધ છે. તું પુત્રને જન્મ આપીશ તો આ શ્રેષ્ઠ લોકનું સુખ ભોગવી શકીશ. હે દ્વિજશ્રેષ્ઠ, પુન્ નામના નરકમાંથી પુત્ર પિતાને ઉગારે છે, એટલે તું પુત્રપ્રાપ્તિ માટે પ્રયત્ન કર.’

દેવતાઓનું આવું વચન સાંભળીને મંદપાલ વિચારવા લાગ્યા, ‘ક્યાં જન્મ લઉં તો ત્વરાથી અને વધુ સંતાન ઉત્પન્ન થઈ શકે.’ પછી તેમણે વિચાર્યું, પક્ષીની જાતિમાં થોડા સમયમાં બહુ સંતાનો જન્મી શકે છે, તેઓ ર્શાંગક પક્ષી બનીને જરિતા નામની શાર્ગિંકાને મળ્યા. તેના ગર્ભ વડે ચાર બ્રહ્મવાદી પુત્રોને જન્મ આપ્યો. ઈંડાંમાંથી જન્મેલા બચ્ચાંને તેમની માતા પાસે એ જ વનમાં મૂકીને લપિતા પાસે ગયા. તે મહાભાગ લપિતા પાસે ગયા એટલે જરિતા પુત્રસ્નેહથી વિહ્વળ થઈને ખૂબ જ ચિંતા કરવા લાગી. ઋષિએ ખાંડવ વનમાં ઈંડાંમાં રહેલાં બચ્ચાંને ત્યજી દીધાં, તેમનો ત્યાગ જરિતા કરી ન શકી અને ઈંડાંમાંથી બચ્ચાં બહાર આવ્યાં એટલે સ્નેહવશ પોતાના ભોજનમાંથી પણ એમને આપીને ઉછેરવા લાગી. થોડા સમય પછી લપિતા સાથે વનમાં વિહાર કરતા ખાંડવ વનને બાળી નાખવા આવતા અગ્નિને જોયો. બ્રહ્મજ્ઞાની વિપ્ર મંદપાલ જાતવેદા(અગ્નિ)નો હેતુ જાણી લઈને પોતાનાં સંતાનોને બાળક માની તેમના માટે ભયભીત થઈને તે તેજસ્વી લોકપાલ અગ્નિની સ્તુતિ કરવા લાગ્યા.

મંદપાલે કહ્યું, ‘હે અગ્નિ, તમે બધા દેવોના મુખ સ્વરૂપ છો. તમે હવનની સામગ્રી ગ્રહણ કરો છો. હે પાવક, તમે બધાં જ પ્રાણીઓમાં ગૂઢ રહીને સંચાર કરો છો. કવિગણ તમને અદ્વિતીય કહે છે, તમને ત્રણ પ્રકારના ઓળખાવે છે, તમને અષ્ટધા માન આપીને યજ્ઞવાહક બનાવ્યા છે. હે હુતાશન, પરમ ઋષિઓ કહે છે કે તમે આ સૃષ્ટિ રચી છે, તમે નહીં હો તો તત્ક્ષણ આ જગત નાશ પામશે. બ્રાહ્મણગણ તમને પ્રણામ કરીને સ્ત્રીપુરુષોની સાથે પોતાના કર્મથી જીતેલી શાશ્વત ગતિને પ્રાપ્ત કરે છે. હે અગ્નિ, તમને વિદ્યુતની સાથે આકાશમાં સ્થિર મેઘ કહેવામાં આવે છે. તમારામાંથી નીકળતી જ્વાળાઓ બધાં પ્રાણીઓને બાળી નાખે છે. હે મહાદ્યુતિવાળા અગ્નિ, આ બધા સ્થાવર જંગમ જીવ તમારા જ કર્મનું પરિણામ છે, આ સમગ્ર સૃષ્ટિ તમારી જ છે. હે અગ્નિ, પહેલાં તમે જળનું સર્જન કર્યું, આ સંપૂર્ણ જગત તમારામાં સ્થિર છે, સમગ્ર હવ્યકાય તમારા જ આશ્રયે અસ્તિત્વ ધરાવે છે. હે દેવ, તમે જ્વલન, તમે વિધાતા, તમે બૃહસ્પતિ, તમે બંને અશ્વિનીકુમાર, તમે જ સોમ, તમે જ અનિલ છો.’

આ સ્તુતિથી અગ્નિ તે તેજસ્વી મુનિ પર પ્રસન્ન થયા અને પ્રીતિથી પૂછ્યું, ‘બોલો, તમને ગમતું કર્યું કાર્ય કરું? તે હું પૂર્ણ કરીશ.’

મંદપાલે બે હાથ જોડીને હવ્યવાહન (અગ્નિ)ને કહ્યું, ‘જ્યારે તમે ખાંડવવનને પ્રજાળો ત્યારે મારાં બચ્ચાંને ન અડકતાં, તેમને જીવતા રહેવા દેજો.’

ભગવાન અગ્નિએ ‘તથાસ્તુ’ કહી વચન આપ્યું અને તે જ ક્ષણે ખાંડવવન પ્રજાળવાની ઇચ્છાથી સળગી ઊઠ્યા.

ત્યાર પછી અગ્નિ પ્રગટ્યો એટલે શાર્ઙ્ગક પક્ષીનાં બચ્ચાં બહુ ભયભીત થઈ ઊઠ્યાં, એમને બચવાનો કોઈ માર્ગ ન મળ્યો. તેમની માતા તપસ્વિની બચ્ચાં બહુ નાનાં હતાં એટલે દુઃખથી સંતપ્ત થઈને વિલાપ કરવા લાગી.

‘મારું દુઃખ વધારનારો આ ભયાનક અગ્નિ વનને સળગાવતો બધે પ્રકાશ ફેલાવતો ભીષણ રૂપે આવી રહ્યો છે. એક બાજુ પૂર્વજોના રક્ષક તથા પગ અને પાંખ વિનાનાં અજ્ઞાની બચ્ચાં મને તેમની તરફ ખેંચે છે અને બીજી બાજુ આ અગ્નિ પ્રત્યેક ઘડીએ વૃક્ષોને ચાટતો અને ભયભીત કરતો આગળ વધી રહ્યો છે. મારાં બચ્ચાં અશક્તિને કારણે ભાગી શકવાનાં નથી અને મારામાં એવી શક્તિ નથી કે આ બધાંને લઈને અન્યત્ર જઈ શકું. એમનો ત્યાગ પણ કરી શકતી નથી. મારું હૃદય દુઃખી થઈ રહ્યું છે. હું ક્યા બચ્ચાને લઈને જઉં, કોને છોડી દઉં? શું કરું તો મનોરથ સિદ્ધ થાય? હે પુત્રો, તમે શું વિચારો છો? બહુ વિચાર કર્યા પછી પણ તમારા બચવાનો કોઈ માર્ગ મળતો નથી. હું મારા શરીરમાં તમને છુપાવીને તમારી સાથે બળી મરીશ. મારા ચાર પુત્રોમાં સૌથી મોટો જરિતારીથી વંશ પ્રતિષ્ઠિત થશે; સારિસૃક્વ પુત્ર સંતાનોત્પત્તિ કરી કુળવૃદ્ધિ કરશે. સ્તંબમિત્ર તપ કરશે અને દ્રોણ નામનો પ્રશંજ્ઞિત પુત્ર વેદપંડિત થશે. આવું કહીને તમારા નિર્દય પિતા અહીંથી ચાલ્યા ગયા હતા. અત્યારે આ આપત્તિ આવી પડી છે, હું કોને લઈ જઈ શકીશ? શું કરવાથી કાર્ય પૂર્ણ થશે?’ જરિતા આમ વિચારતી ગભરાઈ ગઈ, તેને પોતાની બુદ્ધિથી પુત્રોને બચાવવાનો કોઈ ઉપાય સૂઝ્યો નહીં; શાર્ઙ્ગકોએ માતાનો વિલાપ સાંભળી કહ્યું, ‘માતા, તું સ્નેહ ત્યજીને જ્યાં આગ ન હોય ત્યાં ઊડી જા. અમે મરી જઈશું તો તારાં બીજાં સંતાનો જન્મ લેશે, પણ તું મૃત્યુ પામીશ તો વંશ રહેશે કેવી રીતે? હે માતા, તારા માટે કાળ આવી પહોંચ્યો છે. અમારી સાથે મૃત્યુ પામવું છે કે અમને ત્યજીને તારી જાતને બચાવ. આ બંને પર ખાસ્સો વિચાર કરીને જેનાથી આપણા કુળનું હિત થાય એવું કરવું જોઈએ. તું અમારા પર એવો સ્નેહ ન કર જેથી કુળનો નાશ થાય. એમ કરવાથી સ્વર્ગલોક આપનારા પુત્રની ઇચ્છા ધરાવતા અમારા પિતાનું કર્યું કારવ્યું ધૂળમાં મળી જશે.’

જરિતાએ કહ્યું, ‘હે પુત્રો, આ વૃક્ષની પાસે જ ધરતીની અંદર ઉંદરોનું દર જણાય છે. તમે બધાં એમાં પેસી જાઓ, ત્યાં તમને અગ્નિનો ભય નહીં નડે. હું ધૂળથી આ દરનું મોં ઢાંકી દઉં છું. આ પ્રજ્વલિત અગ્નિથી બચવાનો આ એક માર્ગ મને દેખાય છે. આગ ઓલવાઈ જશે ત્યારે દરના મોં આગળ જામેલી રાખ દૂર કરવા આવીશ. તમે અગ્નિથી બચવા મારું આ વચન માનો.’

શાર્ઙ્ગકોએ કહ્યું, ‘અમને હજુ પાંખો ફૂટી નથી. અમે માત્ર માંસપિંડ છીએ. એટલે માંસ ખાનારા ઉંદર અમને નિશ્ચિત મારી નાખશે. આવો ભય જોયા પછી અમે આની અંદર રહી નહીં શકીએ. હવે જો કોઈ રીતે અગ્નિ અમને બાળી ન શકે, કોઈક કારણે ઉંદર અમને ખાઈ ન જાય, કોઈક રીતે પિતાને થયેલા પુત્રની ઉત્પત્તિ વ્યર્થ ન જાય, કોઈ રીતે અમારી માતા અમને ધારણ કરી રાખે — દરમાં પેસીશું તો ઉંદર ખાઈ જશે, બહાર રહીશું તો અગ્નિથી મૃત્યુ પામીશું, બે મૃત્યુ વિશે વિચાર કરીએ તો અગ્નિથી બળી મરવું વધુ સારું છે, ઉંદરો ખાઈ લે એ સારું નથી. દરમાં ઉંદર મારી નાખે તો અમારું મૃત્યુ નિંદાપાત્ર ગણાશે, પણ અગ્નિ વડે શરીરનો ત્યાગ કરવાનું સજ્જનો પણ કહેશે.’

જરિતાએ કહ્યું, ‘આ ખાડામાંથી એક નાનો ઉંદર નીકળ્યો હતો, એક બાજ તેને પંજામાં પકડીને લઈ ગયો, એટલે હવે આ દરમાં તમને કોઈ ભય નથી.’

ર્શાંઙ્ગકોએ કહ્યું, ‘બાજ ઉંદરને લઈ ગયો તેની અમને જાણ નથી. અને લઈ પણ ગયો હોય તો આ દરમાં બીજા ઉંદર તો હશે, અમને એમની બીક છે. આ અગ્નિ અહીં આવશે કે નહીં તે નક્કી નથી. વાયુ અગ્નિને ઓલવી નાખે છે તે જોયું છે. માતા, દરમાં રહેવાથી તો ચોક્કસ અમારું મૃત્યુ જ થશે. જે સ્થળે મૃત્યુ નિશ્ચિત છે તેના કરતાં જે સ્થળે મૃત્યુ થાય અને ન પણ થાય તે સ્થળ વધુ સારું એટલે ન્યાય પ્રમાણે તું આકાશમાં ઊડી જા, તારો જીવ બચશે તો તું બીજા પુત્રો પામી શકીશ.’

જરિતાએ કહ્યું, ‘મેં દરની પાસે ઉંદર લઈ જતા બળવાન બાજને જોયો છે. જ્યારે બાજ દરમાંથી ઉંદર લઈને ઉતાવળે ભાગ્યો હતો ત્યારે મેં તેનો પીછો પકડીને તેને આશિષ આપી હતી, ‘હે શ્યેનરાજ (બાજ), તું અમારા શત્રુને લઈને જઈ રહ્યો છે, તું શત્રુ વગરનો થઈ દેવલોકમાં સુવર્ણમય દેહ પામજે.’ ત્યાર પછી તે ભૂખ્યો બાજ ઉંદરને ખાઈ ગયો એટલે તેને આજ્ઞા આપી ઘેર પાછી આવી. હે પુત્રો, હવે તમે મનમાં કશી શંકા ન લાવો, દરમાં નિર્ભય થઈને પ્રવેશો. નિ:શંક બાજ મારા દેખતાં જ ઉંદર ખાઈ ગયો છે.’

ર્શાંઙ્ગકોએ કહ્યું, ‘હે માતા, બાજ ઉંદરને લઈ ગયો છે તે અમે નથી જોયું, એટલે અમે બીજું કશું જાણ્યા વિના દરમાં નહીં પ્રવેશીએ.’

જરિતા બોલી, ‘પુત્રો, મારી વાત માનો. હવે તમને કોઈ ભય નથી, કારણ કે બાજ ઉંદર લઈ ગયો છે તે હું જાણું છું.’

ર્શાંઙ્ગકોએ કહ્યું, ‘તું મિથ્યા ઉપચાર વડે અમને નિર્ભય ન કર. સંદેહયુક્ત કાર્યમાં હાથ નાખવો બુદ્ધિશાળીનું લક્ષણ નથી. અમે ક્યારેય તારા પર કોઈ ઉપકાર કર્યો નથી. તને એ પણ ખબર નથી કે અમે કોણ છીએ? તો પછી કષ્ટ ઉઠાવીને અમને બચાવવાનો પ્રયત્ન શા માટે કરે છે? તું અમારી કોણ છે? અમે તારા કોણ છીએ? હે મા, તું તરુણી છે, રૂપવાન છે. પતિ શોધવાનું સામર્થ્ય ધરાવે છે. એટલે તું તારા પતિની પાછળ જા, તેમની સહાયથી તું સારા પુત્રો મેળવી શકીશ. અમે પણ અગ્નિમાં પ્રવેશીને શુભ લોકને પામીશું, જો અગ્નિ અમને બાળી ન નાખે તો પછી તું અમારી પાસે આવજે.’

પુત્રોની આવી વાત સાંભળીને શાર્ઙ્ગી ખાંડવવન ત્યજીને જ્યાં અગ્નિ ન હતો ત્યાં જતી રહી. ત્યાર પછી મંદપાલના પુત્રો જ્યાં હતા ત્યાં અગ્નિ પુષ્કળ વેગે અને તેજ જ્વાળાઓ લઈને આવ્યા. ત્યારે તે પક્ષીઓએ પોતાના તેજથી પ્રજ્વલિત અગ્નિને જોયો અને જ્યેષ્ઠ જરિતારિ તે અગ્નિને કહેવા લાગ્યો,

‘જ્ઞાની આપત્તિ આવતાં પહેલાં જ જાગેલો હોય છે, તે કદી આપત્તિ પામીને વ્યથા પામતો નથી. જે અજ્ઞાની આપત્તિ કાળ આવે છતાં સૂતેલો રહે છે તે આપત્તિ કાળમાં દુઃખી થઈને કશું પણ જાણી શકતો નથી.’

સારિસુક્વે કહ્યું, ‘અમારા પ્રાણો પર સંકટ આવી પડ્યું છે, તમે ધીર અને બુદ્ધિમાન છો, તમે અમારી રક્ષા કરો. ઘણા બધામાં એક જ બુદ્ધિમાન અને શૂર હોય છે તેમાં કોઈ શંકા નથી.’

સ્તંબમિત્રે કહ્યું, ‘જ્યેષ્ઠ ભાઈ નાના ભાઈઓનો ત્રાતા હોય છે, એટલે જ્યેષ્ઠ ભાઈ જ વિપત્તિમાંથી બચાવે છે. જો મોટો ભાઈ જ બચાવી ન શકે તો નાનો ભાઈ શું કરી શકે?’

દ્રોણે કહ્યું, ‘આ સુવર્ણરેતા (અગ્નિ) સાત જીભ અને સાત મોં લઈને વેગથી પ્રજ્વલિત પદાર્થોને ચાટતો અમારી તરફ આવી રહ્યો છે.’

આ પ્રકારે ભાઈઓએ કહ્યા પછી જરિતારિએ હાથ જોડીને અગ્નિની સ્તુતિ કરી,

‘હે અગ્નિ, તમે પવિત્ર કરવાવાળા વાયુનો આત્મા છો, તમે વનસ્પતિઓનું શરીર છો, તમારા ઉત્પન્ન થવાનું સ્થાન જળ છે, તમે જળનું ઉત્પત્તિસ્થાન છો, હે મહાવીર્ય, તમારી જ્વાળાઓ સૂર્યકિરણોની જેમ ઊંચે, નીચે, પાછળ, બાજુમાં અને સર્વત્ર ફેલાય છે.’

સારિસૂક્વે કહ્યું, ‘હે ધૂમકેતુ, હે વીર, અમારી માતા દૃષ્ટિમર્યાદાની બહાર ઊડી ગઈ છે, પિતાને અમે ઓળખતા નથી, હજુ અમને પાંખો નથી ફૂટી, અમે સાવ નાના છીએ, હવે તમારા સિવાય અમને બચાવનાર કોઈ નથી. એટલે તમે અમને ઉગારો, હે અગ્નિ, તમારું જે શિવ રૂપ છે, તમારી જે સાત જ્વાળાઓ છે તે વડે તમારી શરણમાં આવ્યા છીએ, તમારી સ્તુતિ કરનારાઓનું આજે રક્ષણ કરો. હે જાતવેદા (અગ્નિ) તમે એકલા જ તાપ ફેલાવો છો, હે દેવ, તપાવનારાં સૂર્યકિરણોમાં તપ્ત થનારા તમારા સિવાય કોઈ અન્ય નથી. હે હવ્યવાહન, અમે ઋષિપુત્રો છીએ, બાળક છીએ, અમારી રક્ષા કરો, તમે અમારા આ સ્થાનથી દૂર જાઓ.’

સ્તંબમિત્રે કહ્યું, ‘હે અગ્નિ, તમે એકલા જ સર્વરૂપ છો, આ સંપૂર્ણ જગત તમારામાં જ વિરાજમાન છે, તમે જીવોને ધારણ કરો છો, તમે ભુવનોનું પાલનપોષણ કરો છો. તમે તેજ પદાર્થ છો, હવ્યનું વહન કરો છો, તમે ઉત્તમ હવિ છો, પંડિતો તમને એકરૂપ અને બહુરૂપ કહે છે. હે હવ્યવાહન અગ્નિ, તમે પહેલાં ત્રણ સૃષ્ટિઓ રચો છો, ત્યાર પછી સમય આવે ત્યારે તમે પ્રદીપ્ત થઈને ફરી તેમનો નાશ કરો છો, તમે સંપૂર્ણ ભુવનના ઉત્પત્તિસ્થાન છો અને પ્રલયસ્થાન પણ છો. હે જગત્પતિ, તમે જીવોની અંદર રહીને તેમનું ખાધેલું અન્ન નિત્ય પચાવો છો, એટલે બધાં પ્રાણીઓ તમારામાં પ્રતિષ્ઠિત છે.’

દ્રોણે કહ્યું, ‘હે શુક્ર, હે જાતવેદ, તમે સૂર્ય બનીને કિરણો દ્વારા ભૂમિમાં ઉત્પન્ન થયેલા બધા રસ અને ધરતીમાં રહેલા જળને લઈને સમયે સમયે તેને વૃષ્ટિ રૂપે વરસાવીને બધું અનાજ ઉપજાવો છો. હે શુક્ર, તમારા વડે જ આ પર્ણોવાળી લતા, સરોવર, સમુદ્ર પાછા ઉત્પન્ન થાય છે. હે તીવ્ર કિરણોવાળા અગ્નિ, અમારી આ કાયા રસનેન્દ્રિયના સ્વામી જળપતિ વરુણ પર નિર્ભર છે,

તમે એ જળના વિધાતા છો, અમારા કલ્યાણકારી છો, તમે અમારો વિનાશ ન કરો. હે પિંગલનેત્ર, હે લોહિતગ્રીવ, હે કૃષ્ણવર્ત્મન, હે હુતાશન, તમે અમારાથી દૂર જતા રહો, સાગર પાસે બનેલા ઘરની જેમ અમને ત્યજી દો.’

ત્યારે પ્રતીતાત્મા જાતવેદા અગ્નિ સરળ કર્મ કરનારા દ્રોણની વાત સાંભળીને પ્રસન્ન થયા અને મંદપાલની પ્રતિજ્ઞાનું સ્મરણ કરીને દ્રોણને કહેવા લાગ્યા, ‘હે દ્રોણ, તમે ઋષિ છો, તમારું બોલવું વેદસ્વરૂપ છે. તમારી અભિલાષા પૂરી કરીશ, તમે ભય ન પામતા. પહેલાં મંદપાલે મને કહ્યું હતું કે જ્યારે હું ખાંડવવનને બાળું ત્યારે આ પુત્રોને બચાવી લેજો. હે દ્રોણ, મંદપાલની વાત અને તમારી વાત મારે માટે બહુ બધી છે એટલે કહો, તમારા માટે હું શું કરું? હે બ્રહ્મશ્રેષ્ઠ, તમારી આ સ્તુતિ પર હું ખૂબ પ્રસન્ન છું, તમારું મંગલ થાઓ.’

દ્રોણે કહ્યું, ‘હે હવ્યવાહ અગ્નિ, આ બધી બિલાડીઓ અમને નિત્ય સતાવે છે, એટલે તમે તેમના સ્વજનોને તમારી દાઢો વચ્ચે દબાવી દો.’

ત્યાર પછી અગ્નિએ શાર્ઙ્ગકોએ કહ્યા પ્રમાણે તેમની પ્રાર્થના પૂરી કરી અને સમિદ્ધ બનીને તેઓ ખાંડવવનને પ્રજાળવા લાગ્યા.

મન્દપાલ તેજ કિરણોવાળા અગ્નિને પોતાની વાત કરીને પણ પુત્રો માટે વિચારતા સંતુષ્ટ ન થયા. તેઓ પુત્રો માટે સંતપ્ત થઈને લપિતાને કહેવા લાગ્યા. ‘લપિતા, મારા પુત્ર ઊડવા માટે શકિતશાળી નથી, તેઓ કેવા હશે? વાયુ શીઘ્ર વાતો હશે એટલે અગ્નિ વધારે પ્રજ્વલિત થશે, મારા પુત્રો અગ્નિથી બચવાને શક્તિશાળી નથી. તેમની તપસ્વિની માતા એ બચ્ચાંને બચાવવા અસમર્થ હશે, તે શું કરતી હશે? પુત્રોને બચાવવાનો કોઈ ઉપાય ન જોઈને શોકવિહ્વળ થતી હશે. ચાલવામાં અને ઊડવામાં અસમર્થ મારાં બચ્ચાંને કારણે દુઃખી હૈયે બહુ જ રડતી હશે, દોડ્યા કરતી હશે, અરે જરિતારિ કેવો હશે? સારિસૃક્વ કેવી રીતે પ્રાણ બચાવશે? સ્તંબમિત્ર કેમ કરીને બચશે? દ્રોણનું શું થશે? મારી તે તપસ્વિની સ્ત્રી કેવી રીતે જીવશે?’

તે વનમાં આ પ્રકારે વિલાપ કરતા મંદપાલને લપિતા ઈર્ષ્યાવશ કહેવા લાગી,

‘તમારે પુત્રો વિશે બહુ વિચારવાની જરૂર નથી, તમે જે ઋષિઓની વાત કરી છે તે તેજસ્વી અને પરાક્રમી છે, અગ્નિથી તેમનો ભય નથી. તમે મારા દેખતાં જ પુત્રોની રક્ષા માટે અગ્નિને તમે કહ્યંુ હતું, ભગવાન હુતાશને પણ એ વાત સ્વીકારી લીધી હતી. તે લોકપાલ અગ્નિ અસત્ય નહીં કહે. તેઓ સમર્થ વક્તા છે એટલે તેમના વિશે ચિંતા કરવાની તમારે જરૂર નથી. તમે મારી શત્રુ જરિતાનું સ્મરણ કરીને ચિંતાતુર થયા છો. જરિતા પર પહેલાં જેટલો સ્નેહભાવ હતો તેવો મારા પર નથી. પાંખોથી યુક્ત અને અત્યંત પ્રેમ કરનારે જોવું જોઈએ કે શક્તિમાન થઈને આપત્તિગ્રસ્ત સ્ત્રી-પુત્રોની ઉપેક્ષા ન કરે. એટલે તમે જેને માટે શોક કરો છો તે જરિતા પાસે જતા રહો, હું પણ કોઈ કાપુરુષનો આશ્રય લીધેલી સ્ત્રીની જેમ એકલી જ ભટકીશ.’

મંદપાલે કહ્યું, ‘તું મને જેવો સમજે છે તેવી રીતે હું વ્યવહાર કરતો નથી. હું માત્ર સંતાનહેતુ માટે જ આમ ફરી રહ્યો છું. અત્યારે મારાં સંતાનો આપત્તિમાં છે. જે ભૂતકાળને ભૂલીને ભવિષ્યની આશા કરે છે તે મૂઢ લોકોની અવમાનના પામે છે, તું તારી ઇચ્છા પ્રમાણે કર. આ પ્રજ્વલિત અગ્નિ વૃક્ષોને ચાટતો મારા વિકલ હૃદયમાં અમંગલ અને દુઃખ જન્માવે છે.’

ત્યાર પછી અગ્નિ તે સ્થળ છોડીને આગળ જતો રહ્યો એટલે પુત્રોની કામના કરતી જરિતા ત્વરાથી પુત્રો પાસે પહોંચી ગઈ. વનમાં અગ્નિથી બચી ગયેલા અને કુશળ પુત્રો જોયા, તેમને કશું કષ્ટ પડ્યું ન હતું, વનમાં તે મોજ કરતા હતા. તેમને વારંવાર જોઈને તે નેત્રોમાંથી આંસુ વહેવડાવવા લાગી. અને વારંવાર તેમને બોલાવીને બધાંને મળી. એ જ સમયે મંદપાલ ત્યાં જઈ પહોંચ્યા, પણ તેમના પુત્રોએ તેમનું અભિવાદન ન કર્યું. બધા પુત્રોને અને જરિતાને વારંવાર પ્રેમ કરનારા તે ઋષિને તેમણે કશું ખરું ખોટું સંભળાવ્યું નહીં.

મંદપાલે કહ્યું, ‘આમાં કોણ મોટો, કોણ વચલો, કોણ ત્રીજો અને કોણ બધાથી નાનો? હું દુઃખી થઈને આમ બોલું છું પણ તું મારી સાથે બોલતી કેમ નથી? હું તને મૂકીને અહીંથી જતો તો રહ્યો પણ મને શાંંતિ મળી નહીં.’

જરિતાએ કહ્યું, ‘તમારે મોટાનું શું કામ? તમારે વચલાનું શું કામ? ત્રીજા પુત્રનું શું કરવું છે? અને તપસ્વી એવા દીકરાનું શું પ્રયોજન? પહેલાં તમે એકેએક બાબતમાં હીન માનીને મને ત્યજી ગયા, તો હવે તે ચારુહાસિની તરુણી લપિતા પાસે જ જાઓ.’

મંદપાલે કહ્યું, ‘સ્ત્રીઓ માટે શોક્ય અને પરપુરુષ સિવાય વધુ મોટો શત્રુ દેખાતો જ નથી. હે કલ્યાણી, ઋષિશ્રેષ્ઠ મહાનુભાવ વસિષ્ઠ અતિ પવિત્ર, નિત્ય પત્નીના ચાહક હતા, હિતકારક કાર્યોમાં મગ્ન રહેતા હતા. છતાં બધા લોકમાં પ્રશંસિતા સુવ્રતા અરુંધતીએ પણ તે વસિષ્ઠ પર શંકા આણી હતી અને સપ્તર્ષિઓમાં એક એવા ઋષિનો અનાદર કર્યો હતો. તે કલ્યાણી અરંુધતીએ આવી શંકા કરી એટલે અરુંધતી ધૂમ્ર અને અરુણના જેવા રંગવાળી થઈ ગઈ, ક્યારેક દેખાય, કયારેક ન દેખાય, અને એમ સૌંદર્યહીન બની ગઈ. હું માત્ર સંતાન માટે આવ્યો હતો અને તેં પણ સંતાન માટે જ સમાગમ કર્યો હતો. તું તારી ઇચ્છા પૂરી થઈ એટલે હવે અરુંધતીના જેવો વ્યવહાર કરે છે. પુરુષોએ સ્ત્રીઓને ભાર્યા કહીને તેમનો ક્યારેય વિશ્વાસ કરવો ન જોઈએ, કારણ કે પુત્રવતી થયા પછી તે પતિની સેવા પર ધ્યાન આપતી નથી.’

ત્યાર પછી તેના બધા પુત્રો તેમની ઉપાસના કરવા લાગ્યા, તેમણે પણ પુત્રોને ધીરજ બંધાવી. મંદપાલે કહ્યું, ‘તમારી રક્ષા માટે અગ્નિને પ્રાર્થના કરી હતી, અગ્નિએ તથાસ્તુ કહીને મારી વાત માની હતી. હું અગ્નિનું વચન, તમારી માતાની ધર્મનિષ્ઠા અને તમારા સત્ત્વનું સ્મરણ કરીને પહેલાં અહીં આવ્યો ન હતો. હે પુત્રો, તમે વેદપારંગત છો, અગ્નિ તમને ઓળખે છે. એટલે તમારે મરણ વિશે સંતાપ કરવો નહીં.’

ત્યાર પછી મંદપાલ પુત્રોને સમજાવીને, પત્નીને સાથે લઈને તે સ્થળેથી બીજે સ્થળે ચાલ્યા ગયા.

(આદિ પર્વ, ૨૨૦થી ૨૨૫)