ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ/સોમક રાજાની કથા
એક સોમક નામનો રાજા. ભારે ધામિર્ક. તેને એવી જ સો રાણીઓ, પણ એકે પુત્ર નહીં; મોટી ઉંમર થઈ છતાં પુત્રજન્મ ન થયો. છેવટે એક જન્તુ નામનો પુત્ર જન્મ્યો. બધી જ માતાઓ એ પુત્રની ચારે બાજુએ બેસી ગઈ. પછી સંસારી સુખ પર કોઈએ ધ્યાન ન આપ્યું. એક દિવસ એ પુત્રને કીડીએ ચટકો ભર્યો, એટલે બાળકે ચીસ પાડી. માતાઓ તો તેને વીંટળાઈ વળી અને રુદન કરવા લાગી, આને કારણે ત્યાં બહુ શોરબકોર થયો. રાજા તો મંત્રીઓ, ઋષિઓ અને બીજાઓની વચ્ચે બેઠો હતો, ત્યાં તેને કાને આ અવાજ પડ્યો. કોઈ સેવકને આ અવાજ શાનો છે તે જાણવા મોકલ્યો. સેવકે આવીને રાજાને બધી વાત કરી. આ વાત સાંભળતાવેંત રાજા મંત્રીઓ તથા ઋત્વિજોને લઈને તરત જ અંત:પુરમાં ગયા, અને પુત્રને શાંત કર્યો, અને તરત જ ઋત્વિજ તથા મંત્રીઓની સાથે રાજસભામાં બેસી ગયો. રાજાએ કહ્યું, ‘એક પુત્રવાળાની તે કઈ જિંદગી છે? એક પુત્ર હોય તેના કરતાં તો સંતાન ન હોય તો સારું. એક જ પુત્ર હોય તો તેની ચિંતા જ બધા કર્યા કરે. પુત્રને માટે હું પરીક્ષા કરીને સો સ્ત્રીઓ સાથે પરણ્યો. પણ એ સ્ત્રીઓએ પુત્રને જન્મ ન જ આપ્યો. હવે એક પુત્ર તો જન્મ્યો છે, પણ તે શા કામનો? આનાથી વધારે દુઃખ તો શું હોઈ શકે? મારી અને મારી પત્નીઓની તો ઉમર પણ થઈ ગઈ. એટલે અમારો જીવ આ એક જ પુત્રમાં પરોવાયેલો રહ્યો છે. એવો કોઈ ઉપાય ખરો કે મને સો પુત્ર થાય. એ માટે હું બધા જ પ્રયત્ન કરીશ.
આ સાંભળી ઋષિઓએ કહ્યું, ‘એક ઉપાય છે, તમને સો પુત્ર થઈ શકે. તમે કહેતા હો તો કહીએ.’
રાજા બોલી ઊઠ્યા, ‘સો પુત્ર જન્મતા હોય તો એ કાર્ય કરવા યોગ્ય હોય કે ન હોય તેની ચિંતા ન કરતા.’
ઋષિઓએ કહ્યુું, ‘અમે યજ્ઞ કરાવીએ પણ તમે જન્તુ વડે યજ્ઞ કરાવો, તો તમને સો પુત્ર થશે. જ્યાં ઘી હોમાશે ત્યારે એના ધુમાડાની વાસ વડે તમારી સ્ત્રીઓ પરાક્રમી પુત્રોને જન્મ આપશે. જે જન્તુની માતા છે તેને ફરી પુત્ર જન્મશે અને એની બગલમાં એક સુવર્ણચિહ્ન હશે.’
સોમકે કહ્યું, ‘બ્રાહ્મણો, આ માટે જે જે કરવું પડે તે બધું કરવા માંડો, પુત્રની ઇચ્છાથી હું બધું કરીશ.’
રાજાનો યજ્ઞ શરૂ થયો એટલે ઋત્વિજે જન્તુનો વધ કરવાની તૈયારી કરી પરંતુ જન્તુની માતાઓને પુત્રની દયા આવી, રડતાં રડતાં ચીસો પાડવા લાગી. ‘અમારો તો સર્વનાશ થઈ ગયો.’ બાળકનો જમણો હાથ પકડીને માતાઓ ખેંચતી હતી, અને ડાબો હાથ ઋત્વિજ ખેંચતો હતો. જેવી રીતે હરણી રુદન કરે એવી રીતે માતાઓ રુદન કરતી હતી. પણ ઋત્વિજે બળપૂર્વક બાળકને ખેંચી લીધો અને એનો વધ કર્યો, તેની ચરબી વડે હવન કર્યો. એ આહુતિ અપાઈ એટલે તેની ગંધથી સ્ત્રીઓ મૂર્છા પામી અને યજ્ઞના પ્રતાપે બધી રાણીઓ ગર્ભવતી થઈ. દસ મહિને એ બધી રાણીઓએ સો પુત્રને જન્મ આપ્યો. જન્તુ સૌથી મોટો થયો, બીજા બધા પુત્રો કરતાં જન્તુ તેમને વધારે વહાલો હતો અને તેની બગલમાં સુવર્ણચિહ્ન હતું, બધા ભાઈઓમાં તે વધુ ગુણવાન અને મહાન હતો. થોડા સમયે રાજાના ઋત્વિજનું મૃત્યુ થયું અને પછી રાજાનું પણ મૃત્યુ થયું. રાજાએ નરકમાં જઈને જોયું તો ઋત્વિજ નરકમાં બહુ દુઃખી હતો. રાજાએ તેને પૂછ્યું, ‘તમે શા કારણે નરકમાં છો?’
નરકના અગ્નિમાં સળગતા પુરોહિતે કહ્યું, ‘મેં તમારી પાસે જે યજ્ઞ કરાવ્યો હતો તેનું આ ફળ.’
રાજાએ આ સાંભળીને ધર્મરાજને કહ્યું, ‘મારા બ્રાહ્મણને છોડી દો. હું આ નરકાગ્નિમાં પ્રવેશું છું.’
ધર્મરાજે કહ્યું, ‘હે રાજન્, દરેકે કર્મફળ તો પોતાનાં જ ભોગવવાં પડે. તમારાં કર્મફળ હવે તૈયાર છે.’
સોમકે કહ્યું, ‘આ બ્રાહ્મણને અહીં મૂકીને હું પુણ્યલોકમાં જવા માગતો નથી. દેવતાઓના નિવાસસ્થાનમાં આ બ્રાહ્મણની સાથે જ મારે રહેવું છે. નરકમાં કે સ્વર્ગમાં અમે બંને સાથે જ રહીશું. અમારાં બંનેનાં કર્મ સરખાં છે. પુણ્ય અને પાપનું ફળ અમને બંનેને સરખું જ મળશે.’
આ સાંભળી ધર્મરાજે કહ્યું, ‘તમારી આવી જ ઇચ્છા હોય તો તમે પણ આ બ્રાહ્મણની સાથે રહીને કર્મફળ ભોગવો. સમય આવે ત્યારે આની સાથે ઉત્તમ ગતિ પ્રાપ્ત કરજો.’
આ રાજાએ એમ જ કર્યું. પોતાના કર્મથી તેઓ ઉત્તમ લોકમાં ગયા, ગુુરુની સાથે જ રહીને સ્વર્ગમાં સુખ પામ્યા.
(આરણ્યક પર્વ, ૧૨૭-૧૨૮)