ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ/રાજા શ્વેતકિની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રાજા શ્વેતકિની કથા

પ્રાચીન કાળમાં ઇન્દ્ર જેવા બળસંપન્ન અને પરાક્રમી શ્વેતકિ નામના એક રાજા હતા. તે સમયે તેમના જેટલા યજ્ઞ કરનાર, દાતા, બુદ્ધિમાન કોઈ ન હતા. તેમણે પૂરતી દક્ષિણાવાળા અનેક મોટા મોટા યજ્ઞોનું અનુષ્ઠાન કર્યું હતું. પ્રત્યેક દિવસે તેમના મનમાં યજ્ઞ અને દાન સિવાય કોઈ બીજો વિચાર આવતો ન હતો. તેઓ યજ્ઞકર્મના આરંભમાં અને વિવિધ દાનોમાં રચ્યાપચ્યા રહેતા હતા. આ પ્રકારે તે બુદ્ધિમાન રાજા ઋત્વિજો સાથે યજ્ઞ કર્યા કરતા હતા. યજ્ઞ કરતાં કરતાં તેમના ઋત્વિજોની આંખો ધુમાડાથી વ્યાકુળ થઈ ઊઠી. લાંબા સમય સુધી આહુતિ આપી આપીને બધા ખિન્ન થઈ ગયા. એટલે રાજાને છોડીને જતા રહ્યા. ત્યારે રાજાએ યજ્ઞ માટે ફરી ઋત્વિજોને બોલાવ્યા, પરંતુ જેમની આંખો દુઃખવા આવી હતી તેઓ તેમના યજ્ઞમાં ન આવ્યા. ત્યારે રાજાએ તેમની અનુમતિ લઈને બીજા બ્રાહ્મણોને ઋત્વિજ બનાવ્યા અને તેમની સાથે ચાલુ કરેલા યજ્ઞો પૂરા કર્યા.

આમ યજ્ઞપરાયણ રાજાના મનમાં એક વખત એવો વિચાર આવ્યો કે હું સો વરસ ચાલે એવો એક યજ્ઞ કરું. પરંતુ એ મહામનાને યજ્ઞ કરાવનાર કોઈ ઋત્વિજ ન મળ્યા. તે મહાયશસ્વી રાજાએ મિત્રોને લઈને યજ્ઞકાર્ય માટે બહુ પ્રયત્ન કર્યો. ઋત્વિજોના પગે પડ્યા, સાંત્વનાપૂર્ણ વચન કહી, ઇચ્છાનુસાર દાન આપી વારંવાર તેમને મનાવ્યા, યજ્ઞ માટે વિનંતીઓ કરી પણ તેમણે અમિત તેજસ્વી રાજાના મનોરથને સફળ ન કર્યો. ત્યારે રાજર્ષિએ ક્રોધે ભરાઈને આશ્રમવાસી મહર્ષિઓને કહ્યું, ‘બ્રાહ્મણો, જો હું પતિત હોઉં, તમારી સેવાચાકરી કરવામાં આળસ કરતો હોઉં તો તમે મારો શીઘ્ર ત્યાગ કરો તે બરાબર, તે સિવાય નહીં; એટલે યજ્ઞકાર્ય માટે વધતી જતી શ્રદ્ધામાં તમારે અંતરાયો ઊભા ન કરવા જોઈએ. આમ કોઈ અપરાધ વિના મારો ત્યાગ કરવો તમારા માટે યોગ્ય નથી. હું તમારી શરણે આવ્યો છું. તમે કૃપા કરીને મારા પર પ્રસન્ન થાઓ. હે બ્રાહ્મણશ્રેષ્ઠો, હું કાર્યાર્થી છું, સાંત્વન આપીને દાન આપવાની વાત કરીને યોગ્ય વચન દ્વારા તમને પ્રસન્ન કરી તમારી સેવામાં મારા કાર્યનું નિવેદન કરું છું. હે દ્વિજોત્તમો, જો તમે દ્વેષપૂર્વક મારો ત્યાગ કરશો તો આ યજ્ઞ ક્રાવવા બીજા ઋત્વિજોને આમંત્રું.’

આમ કરીને રાજા ચૂપ થઈ ગયા જ્યારે તે ઋત્વિજો રાજાનો યજ્ઞ કરાવવા માટે તત્પર ન થયા ત્યારે તેઓ ક્રોધે ભરાઈને બોલ્યા, ‘હે ભૂપાલ, તમારા યજ્ઞકર્મ તો નિરંતર ચાલ્યા કરે છે. સદા કાર્યરત રહેવાને કારણે અમે થાકી ગયા છીએ. પહેલાંના પરિશ્રમથી અમારું કષ્ટ વધી ગયું છે. આવી સ્થિતિમાં બુદ્ધિ મોહિત થવાને કારણે તમે ઇચ્છો તો અમને પડતા મૂકી શકો. હે નિષ્પાપ રાજા, તો પછી તમે ભગવાન રુદ્ર પાસે જાઓ. હવે તેઓ જ તમારો યજ્ઞ કરાવશે.’

બ્રાહ્મણોનાં આવાં આક્ષેપવાળાં વચન સાંભળીને રાજા શ્વેતકિને બહુ ગુસ્સો આવ્યો. તેઓ કૈલાસ પર્વત પર જઈને તપ કરવા મંડી પડ્યા. તીવ્ર વ્રતનું પાલન કરવાવાળા રાજા શ્વેતકિ મન — ઇન્દ્રિયો પર સંયમ રાખીને ઊભા ઊભા મહાદેવની આરાધના કરતાં કરતાં બહુ દિવસો સુધી નિરાહાર રહ્યા. તેઓ ક્યારેક બારમા દિવસે તો ક્યારેક સોળમા દિવસે ફળ-મૂળનો આહાર લેતા હતા. બંને હાથ ઊંચા કરીને એકીટશે જોતાં શ્વેતકિ રાજા એકાગ્ર ચિત્તે છ મહિના ઠૂંઠાની જેમ ઊભા રહ્યા. તે નૃપશ્રેષ્ઠને આમ ભારે તપસ્યા કરતા જોઈને ભગવાન શંકરે અત્યંત પ્રસન્ન થઈને તેમને દર્શન આપ્યાં. સ્નિગ્ધ અને ગંભીર વાણીમાં ભગવાને કહ્યું, ‘હે નરશાર્દૂલ, હું તારી તપસ્યાથી પ્રસન્ન છું. તારું કલ્યાણ થાઓ. તારે જે જોઈએ તે વરદાન માગી લે.’

અમિત તેજસ્વી રુદ્રનું આ વચન સાંભળીને રાજા શ્વેતકિએ શંકરને પ્રણામ કર્યા અને કહ્યું,

‘હે દેવદેવેશ, સુરેશ્વર, જો સર્વલોક દ્વારા પુજાતા ભગવાન પ્રસન્ન થયા હો તો મારો યજ્ઞ તમે જાતે કરાવો.’ રાજાની વાત સાંભળીને ભગવાન શિવ પ્રસન્ન થઈ સ્મિતપૂર્વક બોલ્યા, ‘રાજન, યજ્ઞ કરાવવો એ મારું કામ નથી. પરંતુ તેં આ વરદાન માટે જ ભારે તપ કર્યું છે, એટલે હે પરંતપ, હું એક શરતે તારો આ યજ્ઞ કરાવીશ. હે રાજેન્દ્ર, તું એકાગ્ર ચિત્તે બાર વરસ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીને ઘીની અવિરત ધારા વડે અગ્નિદેવને તૃપ્ત કરીશ તો જે ઇચ્છાથી તું પ્રાર્થના કરે છે તે પ્રાપ્ત કરી શકીશ.’

ભગવાન રુદ્રે આવું કહ્યું એટલે રાજા શ્વેતકિએ શૂલપાણિ શિવની આજ્ઞાથી સમગ્ર કાર્ય સંપન્ન કર્યું. બાર વરસ પૂરાં થયાં એટલે શિવ પાછા ત્યાં આવ્યા. લોકભાવન શંકર નૃપશ્રેષ્ઠ શ્વેતકિને જોઈને અત્યંત પ્રસન્ન થઈને બોલ્યા, ‘નૃપશ્રેષ્ઠ, તેં આ વિધિવત્ કર્મ દ્વારા મને પૂરેપૂરો સંતોષ આપ્યો છે. પરંતુ શાસ્ત્રીય વિધિ પ્રમાણે યજ્ઞ કરાવવાનો અધિકાર બ્રાહ્મણોને જ છે. એટલે હે પરંતપ, હું સ્વયં તારો યજ્ઞ નહીં કરાવું, પૃથ્વી પર મારા જ અંશ ભૂત એક દ્વિજશ્રેષ્ઠ છે. તેઓ દુર્વાસા નામે વિખ્યાત છે. મહાતેજસ્વી દુર્વાસા મારી આજ્ઞાથી તારો યજ્ઞ કરાવશે. તું સામગ્રી તૈયાર કર.’

ભગવાન રુદ્રની વાત સાંભળીને રાજા પાછા નગરમાં આવ્યા અને યજ્ઞસામગ્રી તૈયાર કરાવવા લાગ્યા. આ બધી વ્યવસ્થા કરીને તેઓ ફરી રુદ્ર પાસે ગયા અને બોલ્યા, ‘મહાદેવ, તમારી કૃપાથી યજ્ઞસામગ્રી અને અન્ય ઉપકરણોની વ્યવસ્થા થઈ ગઈ છે. હવે આવતી કાલે મને યજ્ઞદીક્ષા મળવી જોઈએ. મહામના રાજાનું આ વચન સાંભળીને રુદ્રે દુર્વાસાને બોલાવ્યા અને કહ્યું, ‘હે દ્વિજશ્રેષ્ઠ, આ મહારાજ શ્વેતકિ છે. મારી આજ્ઞાથી તમે આ રાજાનો યજ્ઞ કરાવો.’ આ સાંભળી મહર્ષિએ રુદ્રની વાત સ્વીકારી લીધી.

ત્યાર પછી યથાકાળે વિધિપૂર્વક તે મહાત્મા નરેશનો યજ્ઞ આરંભાયો. શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે બધું કાર્ય થયું. એ યજ્ઞમાં મોટા પાયે દક્ષિણા આપવામાં આવી. તે મહામના રાજાનો યજ્ઞ પૂરો થયો એટલે જે તેજસ્વી સદસ્યો તથા ઋત્વિજો દીક્ષિત થયા હતા તે સૌ દુર્વાસાની આજ્ઞા લઈને પોતપોતાને ઘેર ગયા. તે ભાગ્યશાળી રાજા પણ વેદપારંગત બ્રાહ્મણો દ્વારા સમ્માનિત થઈને પોતાની રાજધાનીમાં ગયા. તે સમયે બંદીજનોએ તેમની યશગાથા ગાઈ અને નગરજનોએ તેમને અભિનંદન આપ્યા. નૃપશ્રેષ્ઠ રાજર્ષિ શ્વેતકિનો આચાર આવો જ હતો. દીર્ઘ કાળ પછી તેઓ પોતાના યજ્ઞના સર્વ સદસ્યો તથા ઋત્વિજો સહિત સ્વર્ગે ગયા. તે યજ્ઞમાં અગ્નિએ બાર વર્ષ સુધી અવિરતપણે ઘીનું પાન કર્યું. તે અદ્વિતીય યજ્ઞમાં નિરંતર ઘીની સતત ધારાને કારણે અગ્નિ પરમ તૃપ્તિ પામ્યા, હવે તેમને બીજા કોઈ હવિષ્ય અન્નની ઇચ્છા ન રહી.

તેમનો વર્ણ ફિક્કો પડી ગયો, કાન્તિ ઝાંખી થઈ, પહેલાંની જેમ તેઓ હવે પ્રકાશતા ન હતા. હવે અગ્નિદેવના ઉદરમાં વિકાર જન્મ્યો, તેજહીન થઈને ગ્લાનિ પામ્યા. પોતાને તેજહીન જોઈને હુતાશન (અગ્નિદેવ) બ્રહ્માજીના લોકપૂજિત સદનમાં ગયા. ત્યાં બેઠેલા બ્રહ્માને કહ્યું, ‘ભગવન શ્વેતકિએ યજ્ઞમાં મને ખૂબ સંતુષ્ટ કરી દીધો. પરંતુ હવે મને અરુચિ થઈ છે. તે હું દૂર કરી શકતો નથી. અરુચિને કારણે હું તેજહીન, બળહીન થઈ રહ્યો છું. હું તમારી કૃપાથી સ્વસ્થ થવા માગું છું, મારી સ્વાભાવિક પ્રકૃતિ યથાવત્ રહે.’

અગ્નિદેવની વાત સાંભળીને સર્વ લોકના ષ્ટા ભગવાન હવ્યવાહન અગ્નિને હસતાં હસતાં કહેવા લાગ્યા, ‘હે મહાભાગ, તેં બાર વરસ સુધી વસુધારાની આહુતિ રૂપે ઘીની ધારાનું પાન કર્યું છે. એટલે તને આ ગ્લાનિ થઈ છે. હે હવ્યવાહન, તેજહીન થવાને કારણે મનમાં ગ્લાનિ ન થવી જોઈએ. હે વહ્નિ (અગ્નિ), તું ફરી સ્વસ્થ થઈશ. સમય આવે ત્યારે તારી અરુચિ દૂર કરીશ. ભૂતકાળમાં દેવતાઓના આદેશથી તેં દૈત્યોના ઘોર નિવાસસ્થાન ગણાતા ખાંડવવનનું દહન કર્યુ હતું. ત્યાં અત્યારે બધા જ પ્રકારનાં જીવજન્તુ છે. હે વિભાવસુ, તેમના મેદથી તૃપ્ત થઈને તું સ્વસ્થ થઈ શકીશ. તે વનને પ્રજાળવા તું સવેળા જા. તો જ આ ગ્લાનિમાંથી મુક્ત થઈશ.’ પરમેષ્ઠી બ્રહ્માનું આ વચન સાંભળીને અગ્નિદેવ ત્વરાથી ત્યાં ગયા. ખાંડવ વનમાં પહોંચીને ઉત્તમ બળ વડે અને વાયુની સહાય વડે કુપિત અગ્નિદેવ સહસા પ્રજ્વલિત થઈ ઊઠ્યા. ખાંડવવન પ્રજળતું જોઈ ત્યાં રહેનારાં પ્રાણીઓએ તે આગ ઓલવવા માટે બહુ પ્રયત્ન કર્યો. સેંકડો અને હજારોની સંખ્યામાં હાથી સૂંઢમાં પાણી ભરીને વેગે દોડતા અને ક્રોધે ભરાઈને ત્યાં પ્રગટેલી આગ પર છાંટતા. અનેક મસ્તકવાળા નાગ ક્રોધથી મૂર્છિત થઈને પોતાનાં મસ્તક દ્વારા અગ્નિની પાસે સત્વરે જલધારા કરતા. આમ બીજા અનેક જીવોએ અનેક પ્રકાર અને ઉદ્યમ વડે એ આગને જલદી ઓલવી નાખી. આમ ખાંડવવનમાં અગ્નિએ વારંવાર પ્રજ્વલિત થઈને સાત વખત તેને પ્રજાળવાનો પ્રયત્ન કર્યો, પણ પ્રત્યેક વેળાએ ત્યાંના નિવાસીઓએ તે આગ ઓલવી નાખી.’

(ગીતાપ્રેસ, આદિ પર્વ, ૨૨૨)