ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ/ખાંડવવનકથા


ખાંડવવનકથા

અગ્નિદેવે બ્રહ્મા પાસે જઈને કહ્યું, ‘શ્વેતકિના યજ્ઞમાં હું બહુ તૃપ્ત થઈ ગયો છું, પણ મને અરુચિ થઈ છે. એને કારણે હું તેજહીન અને નિર્બળ થઈ ગયો છું. તમારી કૃપાથી હું સ્વસ્થ થઈ જવા માગું છું.’

અગ્નિની વાત સાંભળીને બ્રહ્માએ હસતાં હસતાં કહ્યું, ‘તેં બાર વર્ષ સુધી ઘી પીધું છે. એટલે તને અજીર્ણ થયું છે. તેજહીન થવાને કારણે તને એવું લાગે છે. તું પાછો સ્વસ્થ થઈ જઈશ. સમય આવે તારી અરુચિ દૂર કરીશ. ભૂતકાળમાં તેં દેવતાઓના કહેવાથી દૈત્યોના નિવાસસ્થાન ખાંડવવનનું દહન કર્યું હતું. અત્યારે ત્યાં બધા પ્રકારનાં પ્રાણીઓ રહે છે. તું એમના મેદથી સ્વસ્થ થઈ શકીશ. એ વનને તું પ્રજ્વલિત કર, તો જ તું સ્વસ્થ થઈ શકીશ.’

બ્રહ્માના કહેવાથી અગ્નિ ખાંડવવનને બાળવા માટે ગયા. વાયુદેવતાની સહાયથી ક્રોધે ભરાયેલા અગ્નિદેવ ખાંડવવનમાં પ્રજ્વલિત થઈ ઊઠ્યા. એ વનને સળગતું જોઈ ત્યાં રહેતાં પ્રાણીઓએ આગ હોલવવાનો બહુ પ્રયત્ન કર્યો, સેંકડો અને હજારોની સંખ્યામાં હાથીઓએ દોડી આવીને પોતાની સૂંઢમાં પાણી ભરી ભરીને ઉતાવળે છાંટવા માંડ્યું, અનેક ફેણવાળા નાગ પણ ક્રોધે ભરાયા અને પોતાના મસ્તક વડે અગ્નિજ્વાળાઓ પાસે જઈને પાણી વરસાવવા લાગ્યા. અને આમ જ બીજાં પ્રાણીઓએ પણ પોતપોતાની રીતે પાણી વરસાવીને આગ ઓલવી નાખી. આમ અગ્નિદેવે સાત વખત ખાંડવવનને પ્રજ્વલિત કરવાનો પ્રયત્ન કર્યો પણ ત્યાં રહેતા જીવોએ આગ ઓલવી જ નાખી.

પોતાના પ્રયત્નો નિષ્ફ્ળ જવાથી અગ્નિદેવને ભારે નિરાશા થઈ, તેઓ શોકમગ્ન થઈ ગયા અને ક્રોધે ભરાઈને પિતામહ પાસે ગયા. ત્યાં બધી વાત માંડીને કહી, બ્રહ્માએ થોડો સમય વિચાર કરીને કહ્યું, ‘તારે ખાંડવવનને કેવી રીતે સળગાવવું જોઈએ એનો ઉપાય મને મળી ગયો છે પણ એ માટે તારે ધીરજ રાખવી પડશે. પછી જ તું ખાંડવવન સળગાવી શકીશ. તે વેળા તારી મદદે નરનારાયણ આવશે. તે બંનેની સાથે રહીને તું ખાંડવવન સળગાવી શકીશ.’

અગ્નિએ બ્રહ્માની વાત માની. ઘણા સમય પછી નરનારાયણના અવતારના સમાચાર અગ્નિદેવને મળ્યા. ત્યારે બ્રહ્માએ કહેલી વાત અગ્નિને યાદ આવી. ફરી અગ્નિ બ્રહ્મા પાસે ગયા. તે વખતે બ્રહ્માએ કહ્યું, ‘હવે ઇન્દ્રના દેખતાં જ તું ખાંડવવન સળગાવી શકીશ. સાંભળ, નરનારાયણ અત્યારે દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે ધરતી પર અવતર્યા છે. લોકો તેમને અર્જુન અને વાસુદેવના નામે ઓળખે છે. તેઓ અત્યારે ખાંડવવનની પાસે જ બેઠા છે. ખાંડવવન સળગાવવા માટે તેમની મદદ માગ. ઇન્દ્ર વગેરે દેવતાઓ રક્ષવા મથશે પણ નરનારાયણ આ વનનાં બધાં પ્રાણીઓને અટકાવશે અને દેવરાજ ઇન્દ્રનો સામનો પણ કરશે. મને એમાં કશી શંકા નથી.’

શ્રીકૃૃષ્ણ અને અર્જુન ખાંડવવન પાસે બેસીને ભૂતકાળની અનેક કથાઓ કહીને આનંદપ્રમોદ કરતા હતા. તે વખતે તેમની પાસે એક બ્રાહ્મણ આવ્યો. તે બ્રાહ્મણ સાલ વૃક્ષ જેટલો ઊંચો, તપેલા સોના જેવા તેજવાળો, લીલીપીળી દાઢીવાળો, પ્રમાણસર બાંધાનો હતો. એ જટાધારી બ્રાહ્મણે કાળું વસ્ત્ર પહેર્યું હતું. કમળપત્ર જેવું તેનું મોં હતું, તેની સમગ્ર કાયા તેજસ્વી હતી. આવા બ્રાહ્મણને પાસે આવતો જોઈ શ્રીકૃષ્ણ અને અર્જુન ઊભા થઈ ગયા. ખાંડવવન પાસે ઊભેલા જગતના શ્રેષ્ઠ વીરપુરુષોને જોઈને અગ્નિએ કહ્યું, ‘હું બહુ ખાઉધરો છું, અમર્યાદ ભોજન નિત્ય જમું છું. હું તમારા બંનેની પાસે ભોજન માગું છું, મને તૃપ્ત કરો.’

આ સાંભળી શ્રીકૃષ્ણે અને અર્જુને પૂછ્યું, ‘બોલો, કેવા પ્રકારનું અન્ન ખાવાથી તમને તૃપ્તિ થશે? તો અમે એની વ્યવસ્થા કરીએ.’ બંને જણ કેવા પ્રકારનું ભોજન તૈયાર કરીએ તેની વાતો અંદરઅંદર કરતા હતા ત્યારે બ્રાહ્મણવેશી અગ્નિદેવે કહ્યું, ‘મારે અન્ન ખાવું નથી. તમે મને અગ્નિ જ સમજો. જે અન્ન મારા માટે યોગ્ય હોય તે ખાવા આપો. દેવરાજ ઇન્દ્ર ચોવીસે કલાક આ વનની રક્ષા કરે છે, એટલે હું આ વનને પ્રજ્વલિત કરી શકતો નથી. ઇન્દ્રનો મિત્ર તક્ષક નાગ પોતાના સાથીઓ સમેત આ વનમાં રહે છે, આ નાગલોકોને કારણે વજ્રધારી ઇન્દ્ર આ વનની રક્ષા કરે છે. ઉપરાંત આ વનમાં બીજાં અનેક પ્રાણીઓ વસે છે, એમને મારે ભસ્મ કરવા છે પણ દેવરાજ ઇન્દ્રના તેજને કારણે હું તેમને આંચ પહોંચાડી શકતો નથી. અને હું વન પ્રજ્વલિત કરું ત્યારે આકાશમાંથી જળ વરસાવીને તે મારી જ્વાળાઓ ઓલવી નાખે છે. એટલે ખાંડવવન પ્રજ્વલિત કરવાની ઘણી ઇચ્છા હોવા છતાં હું એમ કરી શકતો નથી. તમે બંને અસ્ત્રવિદ્યામાં નિપુણ છો, તમારી સહાય વડે હું ખાંડવવનને સળગાવી શકીશ. મારું ભોજન એટલે આ. ખાંડવવન જ્યારે સળગવા લાગે અને બધાં પ્રાણીઓ આમતેમ ભાગવા માંડે ત્યારે તમે તેમને રોકજો. આકાશમાંથી મેઘ વરસે ત્યારે તેમની ધારાને પણ તમે અટકાવજો.

ઇન્દ્રની ઇચ્છા વિરુદ્ધ ખાંડવવનને સળગાવવા માગતા અગ્નિને અર્જુને કહ્યું, ‘મારી પાસે ઘણાં દિવ્ય, ઉત્તમ અસ્ત્ર છે, તે વડે હું અનેક ઇન્દ્રો સાથે યુદ્ધ કરી શકું. પરંતુ મારી પાસે યુદ્ધ દરમિયાન મારો વેગ સહી શકે એવું — મારા બાહુબળને અનુરૂપ ધનુષ નથી. વળી, મારે ઉપરાછાપરી તીર ચલાવવાં પડશે, એટલે મારે અક્ષય ભાથાની જરૂર પડશે. બાણના વેગને વેઠી શકે એવો રથ પણ મારી પાસે નથી. એટલે શ્વેત રંગના, વાયુ જેવા વેગવાન, અશ્વ મારે જોઈએ, વાદળની જેમ ગરજવાવાળો સૂર્ય જેવો તેજસ્વી રથ પણ જોઈએ. ઉપરાંત આ શ્રીકૃષ્ણના બાહુબળને અનુરૂપ કોઈ અસ્ત્ર નથી, અસ્ત્ર હોય તો જ નાગ, પિશાચ વગેરેને પરાજિત કરી શકાય એટલે આ કાર્ય સિદ્ધ કરવા માટે એવો કોઈ ઉપાય બતાવો જેથી આ વિશાળ વનમાં વર્ષાધારા વરસાવતા ઇન્દ્રનો અમે સામનો કરી શકીએ. પુરુષાર્થથી જે કંઈ કરી શકાય તે બધું કરીશું પણ યુદ્ધ માટે જરૂરી સાધનસંરજામ તમારે અમને આપવો પડે.’

ભગવાન હુતાશને અર્જુનની આ વાત સાંભળીને વરુણદેવનું સ્મરણ કર્યું, અગ્નિ મને યાદ કરે છે એવું જાણી વરુણ અગ્નિ પાસે જઈ પહોંચ્યા. અગ્નિએ રક્ષક, મહેશ્વર, જળના સ્વામી વરુણનું સ્વાગત કરીને કહ્યું,

‘રાજા સોમે તમને જે ધનુષબાણ તથા કપિધ્વજ રથ આપ્યા હતા તે બધા શીઘ્ર આપો. અર્જુન ગાંડીવ ધનુષ વડે અને વાસુદેવ સુદર્શન ચક્ર વડે આ મોટું કાર્ય પાર પાડશે. એટલે મને આપો.’

વરુણે આ બધું આપવાની હા પાડી.

પછી વરુણે ધનુષ અને બાણના ભાથાં આપ્યાં. તે ધનુષ બધાં શસ્ત્રોનો ધ્વંસ કરનારું, ‘યશ-કીતિર્માં વૃદ્ધિ કરનારું — શસ્ત્રો વડે તેનો નાશ ન કરી શકાય એવું, બધાં અસ્ત્રોથી મોટું, શત્રુઓનો સામનો કરનારું, રાજ્યની સીમાઓ વિસ્તારનાર, સેંકડો — હજારો ધનુષનો સામનો કરવાનો આવે છતાં ભાંગી નહીં જનારું, અનેકરંગી, ધનુષ હતું. તેની પૂજા દેવદાનવગંધર્વો નિત્ય કરે છે. ઉપરાંત બે અક્ષય ભાથા પણ આપ્યા.

વળી મનોવેગી, પવનવેગી, ચાંદી જેમ ચમકતો, ઉત્તમ વર્ણવાળો, ગંધર્વ દેશના અશ્વોવાળા, સુવર્ણમાળા ધરાવતો, હનુમાનની ધ્વજા ધરાવતો એક રથ પણ આપ્યો. તે રથ બધાં જ સાધનોથી સજ્જ હતો, દેવદાનવો સામે ટક્કર લઈ શકે એવો હતો. તેનો અવાજ બહુ દૂરથી સાંભળી શકાતો હતો. રત્નજડિત હોવાને કારણે તે સુંદર અને તેજસ્વી હતો. તેનું સર્જન ખૂબ કાળજી લઈને વિશ્વકર્માએ કર્યું હતું. સૂર્યની સામે ન જોઈ શકાય તેમ તેની સામે જોવાથી પણ આંખો અંજાઈ જતી હતી. તેના પર ચઢીને ભગવાન સોમે દાનવોને હરાવ્યા હતા, પર્વત અને વાદળ જેવો તે ઊંચો હતો. તેના ઉપર ઇન્દ્રધનુષ જેવી સુંદર ધજા હતી, વાઘ-સિંહ જેવા જ પરાક્રમી દિવ્ય વાનર ગર્જનાની ઇચ્છાથી રથની ઉપર હતો. ધજાપતાકામાં જાતજાતનાં પ્રાણીઓ હતાં, તેમનો અવાજ સાંભળીને જ શત્રુઓનાં ગાત્ર શિથિલ થઈ જતાં હતાં, આવો રથ વરુુણદેવે આપ્યો. અનેક ધજાપતાકાથી શોભતા તે સુંદર રથની પ્રદક્ષિણા કરીને, દેવતાઓને વંદન કરીને, અર્જુને કવચ પહેર્યું, તલવાર લીધી, હાથમોજાં પહેર્યાં, આંગળીને ઇજા ન થાય એવાં મોજાં પહેર્યાં. પુણ્યાત્માઓ માટેના વિમાન પર ચઢતા ન હોય એવી રીતે અર્જુન રથ પર પડ્યા. બ્રહ્માએ નિર્મેલા દિવ્ય, શ્રેષ્ઠ ગાંડીવ ધનુષને જોઈને અર્જુન રાજી રાજી થઈ ગયા.

પછી અગ્નિને પ્રણામ કરીને ગાંડીવ ધનુષની પ્રત્યંચા ચઢાવી. પ્રત્યચાનો ટંકાર સાંભળીને બધાનાં હૃદય ધૂ્રજી ઊઠ્યાં. આ રીતે રથ, ધનુષ તથા બે ભાથાં મેળવીને અર્જુન પ્રસન્ન ચિત્તે અગ્નિને સહાય કરવા તત્પર થયા. પછી અગ્નિએ કૃષ્ણને વજ્રની નાભિવાળું ચક્ર અને અગ્ન્યસ્ત્ર આપ્યાં, એટલે તે પણ અગ્નિની મદદ કરવા તૈયાર થઈ ગયા. અગ્નિએ શ્રીકૃષ્ણને કહ્યું, ‘હે મધુસૂદન, હવે તમે આ અસ્ત્ર વડે માનવ સિવાયનાં બીજાં પ્રાણીઓને પરાજિત કરી શકશો. પણ ભૂમિમાં આ અસ્ત્ર વડે દેવ, દાનવ, રાક્ષસ, પિશાચ, નાગ વગેરે અધિક શક્તિશાળી શત્રુઓનો નાશ કરી શકશો. આ અસ્ત્ર શત્રુસેના પર વારંવાર ફંગોળો તો પણ જરાય રોકાયા વિના શત્રુુઓનો નાશ કરીને તમારા હાથમાં પાછું આવી જશે.’ વરુણે દૈત્યોનો નાશ કરનારી, વજ્ર જેવી ભયંકર કૌમોદકી નામની ગદા આપી.

પછી અસ્ત્રનિપુણ, શસ્ત્રસંપન્ન, રથના સ્વામી અર્જુન અને શ્રીકૃષ્ણ આનંદ પામીને અગ્નિને કહેવા લાગ્યા, ‘હવે અમે બધા દેવદાનવો સામે યુદ્ધ કરવા અને સમર્થ છીએ, પછી સર્પરક્ષા માટે યુદ્ધ કરવાની ઇચ્છા ધરાવતા ઇન્દ્ર સામે લડવાની તો વાત જ શી.’

અર્જુને કહ્યું, ‘હે અગ્નિ, આ પરાક્રમી જનાર્દને યુદ્ધભૂમિ ઉપર છોડેલાં ચક્ર અને બાણથી નાશ ન પામે એવી કોઈ શક્તિ ત્રણે લોકમાં કોઈ નથી. હું પણ આ અક્ષય ભાથા અને ગાંડીવ ધનુષ વડે યુદ્ધમાં બધાને પરાજિત કરવાનો ઉત્સાહ ધરાવું છું.’

અર્જુન અને કૃષ્ણની આ વાત સાંભળીને અગ્નિ તેજસ્વી રૂપ ધારણ કરીને એ વનને પ્રજ્વલિત કરવા લાગ્યા. સાત સાત જ્વાળાવાળા અગ્નિદેવ ચારે તરફ ફેલાઈને ખાંડવવનને સળગાવવા લાગ્યા, ત્યારે એવું લાગતું હતું કે યુગના અંતે આવનારો કાળ સામે આવી પહોંચ્યો છે. મેઘગર્જના જેવા અવાજ કરીને અગ્નિએ વનને ચારે બાજુથી ઘેરીને બધાં પ્રાણીઓને બાળવા લાગ્યા. પ્રજ્વળતું એ વન સોને મઢેલા તેજસ્વી મેરુ પર્વત જેવું દેખાવા લાગ્યું.

નરવ્યાઘ્ર એવા કૃષ્ણ અને અર્જુન રથ પર ચઢીને વનની બંને બાજુએ રહીને ચારે દિશાઓમાં પ્રાણીઓનો મહાસંહાર કરવા લાગ્યા. ખાંડવવનનાં પ્રાણીઓ જ્યાં જ્યાં નાસતાં ત્યાં આ બંને વીર દોડી જતા હતા. તે બંને રથ પર વનની ચારે બાજુ એવી શીઘ્ર ગતિથી ફરતા હતા કે બંને રથ જોડાયેલા લાગતા હતા, આમ ખાંડવવન સળગવાથી હજારો પ્રાણીઓ ભયંકર કોલાહલ કરીને દસે દિશામાં નાસવાં લાગ્યાં. કોઈનું એક અંગ સળગી ગયું, કોઈ પુષ્કળ તાપથી શેકાઈ ગયું, કોઈની આંખો જતી રહી, કેટલાંક બેસુધ થઈ ગયાં, કેટલાંક ગભરાઈ જઈને દોડવા લાગ્યાં. કોઈ પ્રાણી બચ્ચા સાથે કોઈ સ્વજનને ત્યજી ન શક્યું. કેટલાંક તો સળગી મરવાથી કુરૂપ થઈને કેટલીય વાર પડ્યાં, કેટલાંક ચકરાઈ ચકરાઈને આગમાં પડવા લાગ્યાં. બધાં જળાશયોનાં પાણી આગથી ઊકળવા લાગ્યાં અને એને કારણે હજારો કાચબા, માછલાં આમ તેમ મરી ગયાં, જે બધાં પ્રાણીઓનાં શરીર સળગી ગયાં, તેમનાં શરીર જાતજાતના અગ્નિદેહ જેવાં દેખાતાં હતાં. તે વનમાં ઊડતાં પક્ષીઓ બાણ વડે ટુકડા કરીને અર્જુન હસતાં હસતાં અગ્નિમાં ફંગોળવા લાગ્યા. તે બધાં પક્ષી શરીરમાં બાણ પેસી જતાં એટલે ચીસરાણ કરતા થોડા ઉપર ઊડીને પાછા તે અગ્નિમાં પડી જતાં હતાં. સમુદ્રમંથન વખતે જે ઘોર અવાજ થયો હતો તેવો જ અવાજ બાણોથી ઘવાયેલા, અગ્નિમાં સળગતાં વનવાસી પ્રાણીઓનો અવાજ સંભળાવા લાગ્યો. પ્રજ્વલિત અગ્નિજ્વાળાઓ, આકાશમાં પહોંચી અને તેને કારણે દેવતાઓ ભયભીત થઈ ગયા. બધા જ દેવ સહાક્ષ ઇન્દ્ર પાસે ગયા. તેમણે કહ્યું, ‘હે ઇન્દ્ર, આ માનવીઓ અગ્નિ વડે આ બધું શા માટે બાળી રહ્યા છે? શું આ લોકનો પ્રલય આવી પહોંચ્યો છે?’

આ સાંભળીને વૃત્રનાશી ઇન્દ્ર ખાંડવવનની રક્ષા કરવા નીકળી પડ્યા. વજ્રધારી ઇન્દ્રે આકાશમાં ઘનઘોર વાદળ સર્જી વરસાદ વરસાવવાનો શરૂ કર્યો. ખાંડવવનમાં પ્રજ્વળતા અગ્નિ પર રથનાં પૈડાં જેવી મોટી મોટી ધારાએ વરસાદ વરસાવ્યો, પણ આ બધી ધારા અગ્નિના તેજથી આકાશમાં જ સુકાઈ ગઈ, એક પણ ધારા અગ્નિ સુધી પહોંચી ન શકી. એટલે નમુચિ રાક્ષસનો વધ કરનારા ઇન્દ્રે પુષ્કળ ક્રોધે ભરાઈને ફરી વરસાદ વરસાવ્યો. અગ્નિ અને પાણીના મિશ્રણને કારણે થયેલો ધુમાડો, વીજળી અને મેઘગર્જના — આ બધાંને કારણે વન બહુ ભયાનક લાગવા માંડ્યું.

પાંડુનંદન અર્જુને ઇન્દ્રને મેઘ વરસાવતો જોઈ પોતાનાં અસ્ત્ર વડે વર્ષાધારાને અટકાવી દીધી. તે વનમાંથી વરસાદને દૂર કરી આખા વનને ચારે બાજુથી બાણોથી ઢાંકી દીધું. સવ્યસાચી અર્જુને આ રીતે વનને બાણોથી ઢાંકી દીધું એટલે એક પણ પ્રાણી વનની બહાર જઈ ન શક્યું. મહા બળવાન તક્ષક તે સમયે ત્યાં ન હતો. ખાંડવવન દહનની શરૂઆત થઈ ત્યારે તે કુરુક્ષેત્ર ગયો હતો. તક્ષકનો પુત્ર અશ્વસેન ત્યાં હતો. તેણે અગ્નિમાંથી બહાર નીકળવાનો બહુ પ્રયત્ન કર્યો પણ અર્જુનનાં બાણોથી વીંધાઈને તે નીકળી ન શક્યો. ત્યારે તેની માતા તેને ગળી ગઈ અને એ રીતે પુત્રને બચાવ્યો. પુત્રને બચાવવા માગતી નાગકન્યા પુત્રનું માથું ગળી ગયા પછી પૂછડી ગળી રહી હતી અને તે જ અવસ્થામાં આકાશમાર્ગે બહાર જઈ રહી હતી. તે વેળા અર્જુને તેને જોઈને એક પહોળી અણીવાળા બાણથી તે નાગકન્યાનું મસ્તક ભેદી નાખ્યું. દેવરાજ ઇન્દ્રે આ જોયું. અશ્વસેનને બચાવવા માટે વજ્રધારી ઇન્દ્રે તે જ વેળા પવન સર્જીને અર્જુનને મોહિત કરી નાખ્યો અને અશ્વસેન ત્યાંથી ભાગી નીકળ્યા. અર્જુને આ સાપ દ્વારા પોતે છેતરાઈ ગયો તે જોયું. અને ભયાનક માયા જોઈ એેટલે આકાશ સુધી પહોંચેલા ભયાનક પ્રાણીઓના બે ત્રણ ટુકડા કરી નાખ્યા. અર્જુને, શ્રીકૃષ્ણે અને અગ્નિએ ક્રોધે ભરાઈને તે સાપને શાપ આપ્યો, ‘તારી પ્રતિષ્ઠા ધૂળમાં મળી જશે.’

પછી પાંડુપુત્રે એ છેતરપિંડી યાદ રાખીને તરત જ વેગીલાં બાણો વડે આકાશને આવરી લીધું અને ઇન્દ્ર સાથે યુદ્ધ આરંભ્યું. દેવરાજે પણ અર્જુનને યુદ્ધ કરતો જોઈ પોતાનું તીક્ષ્ણ અસ્ત્ર ફંગોળ્યું. અને એનાથી આકાશ છવાઈ ગયું. આકાશી પવને ગર્જના કરી સમુદ્રમાં તોફાન સર્જ્યું અને ખૂબ જ ઘોર વાદળ સર્જ્યાં અને એ વાદળોએ જલધારા આરંભી. પ્રતિકાર કરવાની આવડતવાળા અર્જુને એ બધું દૂર કરવા માટે વાયવાસ્ત્ર ફેંક્યું. એનાથી ઇન્દ્રના વજ્રનું, વાદળોનું તેજ નાશ પામ્યું. જળધારા સુકાઈ ગઈ અને વીજળીઓ ચમકતી બંધ થઈ ગઈ, ઘડીવારમાં આકાશ સ્વચ્છ થઈ ગયું. સુખદાયક ઠંડો પવન વાવા માંડ્યો અને સૂર્યમંડળ પહેલાંની જેમ તેજસ્વી થઈ ગયું. હવે અગ્નિએ કોઈ પણ રોકટોક વિના જુદા જુદા આકાર ધારણ કરીને, મોટી મોટી ગર્જનાઓ કરી ચારે બાજુ જ્વાળાઓ ફેલાવી. સુપર્ણ વગેરે પક્ષીઓએ જોયું કે ખાંડવવનના દાવાનળની રક્ષા અર્જુન અને કૃષ્ણ કરી રહ્યા છે ત્યારે વજ્ર સમાન પાંખ, ચાંચ, નખવાળા ગરુડ વાસુદેવ અને અર્જુનને મારવા આકાશમાંથી નીચે ઊતરી આવ્યાં.

સળગતાં મોઢાંવાળા ઝેરી સાપ ભયંકર ઝેર ઓકતા પાંડવની આગળ ભમવા લાગ્યા. પાર્થે ક્રોધે ભરાઈને આકાશગામીઓને બાણ વડે વીંધી નાખ્યા, પછી લાચારી અનુભવતા તે બધા પોતાના શરીરને આગમાં હોમવા લાગ્યાં. પછી યુદ્ધ કરવાની ઇચ્છાથી દેવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, પન્નગો મોટે મોટેથી બૂમો મારતા દોડ્યા. ક્રોધે ભરાયેલા તે બધા જાતજાતનાં યંત્રો વડે હુમલા કરી કૃષ્ણ અને અર્જુનનો વધ કરવા તૈયાર થયા. અર્જુન તેમને ગમે તેમ સંભળાવતાં તીક્ષ્ણ બાણો તેમના પર ફંગોળવા લાગ્યા. તેજસ્વી શ્રીકૃષ્ણ ચક્ર વડે બધા દૈત્ય-દાનવોનો સંહાર કરવા લાગ્યા. કેટલાક અતિ બળવાન દૈત્યો બાણોથી અને ચક્રથી વીંધાઈને નિરુત્સાહી થઈ ગયા. જેવી રીતે પાણીનાં મોજાનાં હડસેલાથી તણખલા કિનારે સ્થિર થઈ જાય તેમ તેઓ શાંત થઈ ગયા. પછી ક્રોધે ભરાયેલા દેવરાજ ઇન્દ્રે તેમના પર અમોઘ વજ્ર ફેંક્યું અને તેમણે દેવોને કહ્યું, ‘આ વખતે તો આ બંને મૃત્યુ પામશે.’

દેવરાજ ઇન્દ્રને મહાવજ્ર ઉઠાવતાં જોઈને બધા દેવોએ પણ પોતપોતાનાં અસ્ત્ર સજ્જ કર્યાં. યમરાજ કાલદંડ લઈને, ધનપતિ કુબેર ગદા લઈને, વરુણ પાશ અને શિવ ચક્ર લઈને ઊભા. બંને અશ્વિનીકુમારોએ હાથમાં દેદીપ્યમાન ઔષધિ લીધી, ધાતાએ ધનુષ સજ્જ કર્યું, જયે મૂસલ લીધું: મહા બળવાન ત્વષ્ટાએ ક્રોધે ભરાઈને પર્વત ઊંચક્યો, સૂર્ય હાથમાં દેવશક્તિ લઈને સજ્જ થયા, મૃત્યુદેવ પરશ્વધ લઈને ઊભા. અર્યમા ઘોર પરિઘ લઈને ઘૂમવા લાગ્યા, ંમિત્ર અત્યન્ત ધારદાર ચક્ર લઈને તૈયાર થયા. ભગ, ભૂષા અને સવિતા ભયાનક ધનુષ, તલવાર લઈને અર્જુન અને શ્રીકૃષ્ણ સામે ધસ્યા. પોતાના તેજથી દેદીપ્યમાન રુદ્રગણ, મરુત્ગણ, વિશ્વદેવગણ, સાધ્યગણ — તથા બીજા ઘણા દેવતા જાતભાતનાં અસ્ત્ર લઈને પુરુષોત્તમ અને અર્જુનનો વધ કરવા દોડ્યા.

યુગાન્ત થવાનો હોય તેમ પ્રાણીઓના વિનાશ માટેના આ યુદ્ધમાં અચરજભર્યાં અને મીઠાં ચિહ્નો પ્રગટવા લાગ્યાં. યુદ્ધવીર અર્જુન અને શ્રીકૃષ્ણ દેવતાઓને અને દેવરાજને યુદ્ધ માટે સજ્જ જોઈને ધનુષ લઈને નિર્ભયતાથી અને અડગતાથી ઊભા રહી ગયા. યુદ્ધ માટે સામે આવી ચઢેલા દેવોને વજ્ર જેવા અણિયાળાં બાણોથી પાછળ ધકેલવા લાગ્યા. કૃષ્ણ અને અર્જુનને કારણે વારેવારે સંકલ્પભંગ થવાથી દેવતાઓ ભયભીત થઈને યુદ્ધભૂમિ ત્યજીને દેવરાજ ઇન્દ્રના શરણે ગયા. આકાશમાં ઊભા રહેલા ઋષિમુુનિઓ અર્જુને અને કૃષ્ણે ભગાડેલા દેવોને જોઈને આશ્ચર્ય પામ્યા. અર્જુન અને શ્રીકૃષ્ણને રણભૂમિમાં વારંવાર પરાક્રમ કરતાં જોઈ દેવરાજ બહુ પ્રસન્ન થયા અને ફરી બંને સાથે લડવા લાગ્યા.

ઇન્દ્ર અર્જુનની શક્તિ કેટલી છે તે જાણવા માગતા હતા એટલે એમણે ઘણા પથ્થરો વરસાવ્યા. અર્જુને બાણ વડે એ પથ્થરોને અટકાવ્યા, એ જોઈને ઇન્દ્રે વધુ પથ્થર વરસાવ્યા. પોતાના પિતાનો આનંદ વધારતાં તીક્ષ્ણ બાણો વડે એ ભયાનક પથ્થરવર્ષા અર્જુને અટકાવી દીધી. પછી ઇન્દ્રે પાંડુપુત્રને મારવાની ઇચ્છાથી મન્દાર પર્વતના વૃક્ષાચ્છાદિત એક શિખરને ફંગોળ્યું. અર્જુને વેગીલાં બાણો વડે એ શિખરને સેંકડો ટુકડાઓમાં ભાંગી નાખ્યું. જેવી રીતે આકાશમાંથી ગ્રહોના ટુકડા પડતા દેખાય તેવી રીતે પર્વતશિખરના ટુકડા દેખાવા લાગ્યા. એ બધા ખાંડવવન પર પડવાને કારણે વનનાં ઘણાં પ્રાણીઓ મૃત્યુ પામ્યાં. એ શિખર પડવાથી બી ગયેલા ખાંડવવનવાસી દાનવ, રાક્ષસ, સાપ, રીંછ, વરુ, ઘવાયેલા હાથી, યાળ વગરના સિંહ, વાઘ, હરણ, પાડા, જંગલી પ્રાણીઓ, પક્ષીઓ પણ બીજાઓની જેમ બી બીને ભાગવા લાગ્યાં. પ્રાણીઓએ શ્રીકૃષ્ણે અને અર્જુને અસ્ત્ર ઉઠાવેલા જોયા અને વનને મોટા મોટા અવાજે સળગતું જોઈને તે ભય પામ્યાં. પછી શ્રીકૃષ્ણે ચક્ર ઉગામ્યું, અને એ ચક્ર વડે દાનવો, નિશાચરો બધાં અનેક ટુકડાઓમાં વીંધાયાં અને આગમાં હોમાઈ ગયાં. શ્રીકૃષ્ણના ચક્ર વડે ટુકડેટુકડા થયેલા દૈત્યો ચરબી અને લોહીથી લથપથ થઈને સાંજના ઘેરાં વાદળ જેવાં દેખાવા લાગ્યાં.

શ્રીકૃષ્ણ યમરાજની જેમ પિશાચ, પક્ષી, નાગ, પશુઓને મારી ચારે બાજુ ઘૂમવા લાગ્યા. શત્રુનાશક કૃષ્ણનું ચક્ર વારંવાર બધાં પર ફેંકાઈને ફરી તેમના હાથમાં આવી જતું હતું. બધાં પ્રાણીઓનો વધ કરીને શ્રીકૃષ્ણનો દેખાવ ભયંકર લાગ્યો. લડવા આવેલા દેવોમાંથી એક પણ કૃષ્ણ-અર્જુન સામે વિજેતા થઈ ન શક્યા. તે વનનું રક્ષણ કરવાનું તથા દાવાનળ ઓલવવાનું દેવતાઓ કરી ન શક્યા એટલે પીઠ બતાવીને ભાગી ગયા. આમ દેવોને આમ નાસી જતા જોઈ ઇન્દ્ર કૃષ્ણ અને અર્જુનની પ્રશંસા કરવા લાગ્યા. બધા સ્વર્ગવાસી દેવતાઓ જતા રહ્યા એટલે કોઈ અશરીરી વાણીએ ઇન્દ્રને કહ્યું, ‘તમારો મિત્ર તક્ષક મૃત્યુ પામ્યો નથી. ખાંડવવન દહન વખતે તે કુરુક્ષેત્ર ગયો હતો. મારી વાત સાંભળો. યુદ્ધમાં ઊભા રહેલા કૃષ્ણ અને અર્જુનને તમે હરાવી નહીં શકો. આ બંને દેવલોકમાં વિખ્યાત નર-નારાયણ છે, તેમનાં શક્તિ-સામર્થ્ય તો તમને પરિચિત છે. યુદ્ધમાં બંને અજેય છે, શ્રેષ્ઠ છે, ત્રણે લોકમાં કોઈ તેમને હરાવી નહીં શકે. દેવ, દાનવ, યક્ષ, રાક્ષસ, ગંધર્વ, નર, કિન્નર, પન્નગ — આ બધા તેમની પૂજા કરે છે. એટલે હે ઇન્દ્ર, તમે દેવોની સાથે અહીંથી જતા રહો, આ ખાંડવવનનો નાશ વિધાતાએ જ યોજ્યો છે એમ માની લો.’

દેવરાજ ઇન્દ્ર આ વાત સાંભળીને ક્રોધ અને ઈર્ષ્યા ત્યજીને દેવલોક જતા રહ્યા. ઇન્દ્રને પાછા આવતા જોઈ બધા દેવતા પણ તેમની પાછળ પાછળ ચાલી નીકળ્યા. દેવોની સાથે ઇન્દ્રને પાછા જતા જોઈ અર્જુને અને કૃષ્ણે સિંહનાદ કર્યો. પછી નિર્ભય થઈને બંને ખાંડવવન ફરી સળગાવવા લાગ્યા. પવન જેવી રીતે વાદળોને વિખેરે છે તેવી રીતે અર્જુન દેવોને પરાજિત કરીને ખાંડવવનનાં પ્રાણીઓને બાણો વડે વીંધીને સળગાવવા લાગ્યા. અર્જુને ફેંકેલાં બાણો વડે વીંધાયેલું કોઈ પ્રાણી ત્યાંથી બહાર જઈ ન શક્યું. ખૂબ જ શક્તિશાળી પ્રાણીઓ યુદ્ધમાં અર્જુન સામે જોઈ પણ શકતા ન હતા, પછી લડવાની તો વાત જ ક્યાંથી? અર્જુન ક્યારેક તો સો બાણ વડે એકને મારતા હતા તો ક્યારેક એક બાણ વડે સોને મારતા હતા. તે બધાં પ્રાણીઓ જાણે સાક્ષાત કાળ દ્વારા મૃત્યુ પામીને, પ્રાણત્યાગ કરીને અગ્નિજ્વાળાઓમાં હોમાઈ જતાં હતાં.

તે પ્રાણીઓ ક્યાંય નહીં, કાંઠા-સ્મશાન-ક્યાંય પણ આશરો લઈ ન શક્યાં. બધી જગ્યાઓ તપી ગઈ હતી. હજારો પ્રાણી લાચારીથી કણસવા લાગ્યાં; હાથી, હરણ, પક્ષી રુદન કરવાં લાગ્યાં, તે અવાજથી નદી અને સમુદ્રમાં રહેનારી માછલીઓ ખૂબ જ ભયભીત થઈ ગઈ. તે સમયે કોઈ મહાબાહુ અર્જુન સામે કે કૃષ્ણ સામે જોઈ પણ શકતું ન હતું. પછી યુદ્ધની તો વાત જ ક્યાં આવે? જે રાક્ષસો, દાનવો અને નાગો ભાગવા ગયા તેમને કૃષ્ણે ચક્ર વડે મારી નાખ્યા. તે વિશાળ શરીર ધરાવતાં પ્રાણીઓના ધડ અને માંસ, રક્ત, ચરબીથી અગ્નિ અતિ તૃપ્ત થયા અને ધુમાડા વગરના થઈ ઊંચા કેશને પ્રજ્વલિત કરીને, રાતાં નેત્રે પ્રાણીઓની ચરબી પીવા લાગ્યા. કૃષ્ણ અને અર્જુનની મદદ વડે અગ્નિએ અમૃત પીધું, તૃપ્ત થઈને પરમ સંતોષ મેળવ્યો. પવનના સારથિ આક્રમણ કરવા તૈયાર થયા ત્યારે વાસુદેવ તેને મારવા ચક્ર લઈને ઊભા રહી ગયા. મય દાનવે તેમને ચક્ર ઉગામતા જોયા, અને તેમણે બૂમ પાડી, ‘અર્જુન, બચાવો- બચાવો.’

અર્જુને તેમની કરુણ ચીસ સાંભળીને મયને ધીરજ બંધાવી. ‘ભય ન પામો.’

પછી અર્જુને નમુચિના ભાઈ મહાદાનવને ધીરજ આપી એટલે શ્રીકૃષ્ણે એનો વધ ન કર્યો, અગ્નિએ પણ તેને સળગાવવાની ઇચ્છા ન કરી.

અગ્નિએ વનને સળગાવી મૂક્યું પણ અશ્વસેન, મય અને શાંગકિ નામનાં ચાર પક્ષી — આમ આ છ જણ બચી ગયાં.

(આદિ પર્વ, ૨૧૪થી ૨૧૯)