ભારતીયકથાવિશ્વ-૩/કથાસરિત્સાગરની કથાઓ/ઉંદર વડે ધનવાન બનેલાની કથા
જે સંયમ રાખે છે તે જ ધન કમાય છે એ કેટલા આશ્ચર્યની વાત છે. હું જ્યારે જન્મ્યો પણ ન હતો ત્યારે મારા પિતાનું મૃત્યુ થયું. મારી મા પાસે જે કંઈ ધન હતું તે બધું દુષ્ટ સગાંઓએ પટાવીફોસલાવીને લઈ લીધું. ત્યારે મારી માતા ભય પામીને ગર્ભની રક્ષા કરતી તેના પિતાના મિત્ર કુમારદત્તને ત્યાં જઈને રહેવા લાગી. તે કુમારદત્તના ઘરમાં પતિવ્રતાના આધાર જેવા મારો જન્મ થયો, મારી માતા કઠણ કાર્યો કરી કરીને મને મોટો કરવા લાગી. હું થોડો મોટો થયો એટલે તે અકિંચન અને લાચાર માતાએ ગુરુને પ્રાર્થના કરીને મને લખતાંવાંચતાં અને થોડું ગણિત શીખવાડ્યાં.
હું થોડું ઘણું ભણ્યો એટલે એટલે એક દિવસે મારી માતાએ કહ્યું, ‘દીકરા, તું વાણિયાનો દીકરો છે, એટલે વેપાર કર. આ નગરમાં વિશાખિલ નામનો એક ધનવાન વેપારી છે. કુલીન ઘરના દરિદ્ર લોકોને તે વ્યાપારનો સામાન આપે છે. તું એની પાસે જા અને વેપાર કરવા કંઈક માંગ.’
માતાની વાત સાંભળી હું તે વેપારી પાસે ગયો. તે સમયે વિશાખિલ વાણિયો ક્રોધે ભરાઈને કોઈ વાણિયાના છોકરાને કહી રહ્યો હતો કે ‘અહીં નીચે એક મરેલો ઉંદર પડ્યો છે. ચતુર વાણિયો હોય તે તો આ વેચીને પણ ધન મેળવી શકે છે. અરે દુષ્ટ, મેં તને ઘણી સુવર્ણમુદ્રાઓ આપી હતી, એમાં ઉમેરો કરવાની વાત તો દૂર રહી, તું એ મૂળ મૂડી પણ ગુમાવી બેઠો.’
વાણિયાની વાત સાંભળીને મેં વિશાખિલને કહ્યું, ‘હું તમારી પાસેથી ભાડે આ ઉંદર લઉં છું.’ એમ કહીને મેં મરેલા ઉંદરને હાથ વડે ઊંચકીને એક દાબડામાં મૂક્યો અને એક ખત વાણિયાના ચોપડામાં લખી આપ્યું. મારા આ કાર્યથી વાણિયો હસવા લાગ્યો.
મેં બે મૂઠી ચણાના બદલામાં એ ઉંદર કોઈ વાણિયાની બિલાડીને ખાવા આપ્યો. તે ચણા ભાંડભૂજા પાસે શેકાવીને તેના દાળિયા કરાવ્યા. એક ઘડો પાણી ભરી નગરની બહાર મેદાનમાં છાંયડે બેઠો. લાકડાની ભારી લઈને આવનારા થાક્યાપાક્યા કઠિયારાઓને હું નમ્રતાથી ચણા ખવડાવતો અને પાણી પીવડાવતો રહ્યો. દરેક કઠિયારાએ મને પોતપોતાના ભારામાંથી બબ્બે લાકડી પ્રેમથી આપી. બજારમાં કંદોઈને દુકાને એ લાકડાં વેચ્યાં. તે પછી વળી થોડા દાળિયા લઈ બીજે દિવસે પણ કઠિયારાઓને આપી લાકડાં લઈ આવ્યો. થોડા સમયમાં મારી પાસે લાકડીઓનો એક મોટો ભારો થઈ ગયો, અને મેં તે ભારો બજારમાં વેચી દીધો. લાકડીઓ વેચીને મળેલાં નાણાંમાંથી મેં ફ્રી ચણા ખરીદ્યા અને બીજે દિવસે ચૌટે જઈને પાણી પીવડાવવા માંડ્યું. આ પ્રકારે મારી પાસે પૂરતા જથામાં લાકડીઓ એકઠી થઈ ગઈ. આમ દરરોજ મેં ધન મેળવ્યું અને ત્રણ દિવસમાં કઠિયારાઓ પાસેથી બધી લાકડીઓ ખરીદી લીધી. એક વાર બહુ વરસાદ પડ્યો એટલે જંગલમાંથી લાકડીઓ આવતી બંધ થઈ. ત્યારે મેં મારી પાસેની લાકડીઓ મોંઘા ભાવે વેચીને પૂરતું ધન હું કમાયો. એ ધન વડે મેં બજાર ઊભું કર્યું અને વેપારની આવડતથી બહુ ધનવાન હું થઈ ગયો. મેં સોનાનો ઉંદર બનાવીને તે વિશાખિલ શ્રીમંતને ભેટ આપ્યો. તે મારી વેપાર કરવાની આવડત પર ખુશ થયો અને પોતાની દીકરી મારી સાથે પરણાવી. એક મરેલા ઉંદર વડે વેપાર કરવાથી તે નગરમાં હું મૂષક વેપારીના નામે જાણીતો થયો. આમ નિર્ધન હોવા છતાં મેં લક્ષ્મી પ્રાપ્ત કરી.
આ સાંભળીને ત્યાં એકત્રિત થયેલા બધા વાણિયા આશ્ચર્ય પામ્યા.