ભારતીયકથાવિશ્વ-૩/કથાસરિત્સાગરની કથાઓ/જીમૂતવાહનના પૂર્વજન્મની વાત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જીમૂતવાહનના પૂર્વજન્મની વાત

પૂર્વે હું આકાશમાં ફરનારો વિદ્યાધર હતો. એક દિવસ હું હિમાલયના શિખરના માર્ગે ગયો. તે શિખરની નીચે પાર્વતી સહિત શંકર ક્રીડા કરતા હતા. હું તેમને ઉપરથી ઓળંગી ચાલ્યો, ત્યારે ઉલ્લંઘન કરવાથી ક્રોધે ભરાયેલા દેવે મને કહ્યું, ‘તું મનુષ્યની યોનિમાં પડ. ત્યાં વિદ્યાધરી સ્ત્રી પામી પોતાના સ્થાન પર પુત્રની યોજના કરી પછી જાતિ સંભારીશ ત્યારે તું વિદ્યાધરની યોનિ પામીશ.’ એવી રીતે શાપનો અંત કહી શંકર અંતર્ધાન થયા. તે પછી તરત હું પૃથ્વી પર વણિકકુળમાં જન્મ્યો. મારું નામ વસુદત્ત. ત્યાં હું ધીરે ધીરે મોટો થયો અને યુવાન થયો. પિતાએ નોકરચાકરની સગવડ કરી આપી. ત્યારે તેમની આજ્ઞાથી બીજા દ્વીપમાં વેપાર અર્થે ગયો. ત્યાંથી પાછા આવતાં ઘોર જંગલમાં ચોરોએ હુમલો કર્યો, મને લૂંટી પોતાના ગામમાં લઈ ગયા. ત્યાં પશુના પ્રાણ લેવાને ઇચ્છતા યમરાજની જીભ સરખી ચપળ અને લાંબી, રાતા કપડાની પતાકાથી ભયંકર દેખાતી ચંડીના મંદિરમાં મને લઈ ગયા. ત્યાં દેવીની પૂજા કરવા પુલંદિક નામના ભીલરાજાને બલિદાન માટે સોંપ્યો. પણ તે રાજા મારી સામે જોઈ આર્દ્ર હૃદયવાળો થઈ ગયો. કારણ વિના સ્નેહ કરતું મન જન્માંતરની પ્રીતિ કહી આપે છે. પછી તે ભીલરાજાએ મને છોડી દીધો. અને સ્વાત્માર્પણથી પૂજા પૂરી કરવા ઇચ્છા કરી. ત્યારે આકાશવાણી થઈ, ‘હું તારા પર પ્રસન્ન થઈ છું, વરદાન માગ.’ આ સાંભળી તે બોલ્યો, ‘હે દેવી, તું જો પ્રસન્ન થઈ તો હવે બીજું વરદાન શું માગું? તો પણ એટલું માગું કે જન્માંતરમાં પણ આ વણિક સાથે મૈત્રી રહે.’ ત્યારે એવમસ્તુ ‘એમ થાઓ’ એમ કહી દેવવાણી શાંત થઈ. પછી ભીલે કેટલુંક વિશેષ ધન આપી મને મારે ઘેર મોકલ્યો. મૃત્યુના મોઢામાંથી અને પ્રવાસેથી પાછો આવું છું તે જાણી મારા પિતાએ મોટો મહોત્સવ કર્યો. તે પછી કેટલોક કાળ વીત્યા પછી સંઘ લૂંટવાના અપરાધ માટે અમારા રાજાએ પકડી મંગાવેલા તે ભીલરાજાને મેં જોયો. તે ક્ષણે મારા પિતાને એ વાત મેં કહી. પછી અમારા નગરના રાજાને વિનંતી કરી લાખ સોનામહોરનો દંડ આપી ફાંસીની સજામાંથી તેને છોડાવ્યો. મારી ઉપર તેણે પ્રાણદાનનો ઉપકાર કર્યો હતો તેથી મેં તેનો પ્રત્યુપકાર કરી પ્રીતિપૂર્વક તેને મારે ઘેર બોલાવ્યો અને તેનું ઘણું સન્માન કરી તેને વિદાય કર્યો. ત્યારે તે પુલંદિક પોતાનું પ્રેમાર્દ્ર હૃદય મારામાં રાખી પોતાને ગામ ગયો. ત્યાં મારા પ્રત્યુપકારને માટે નજરાણાનો વિચાર કરતાં પોતાની પાસેનાં મોતી અને કસ્તુરી વગેરેને પણ તેણે અલ્પ ગણ્યાં. પછી મારે માટે વધારે સરસ મોતી મેળવવા તે પોતાની સાથે ધનુષ લઈ હાથીઓનો શિકાર કરવા હિમાલય પર ગયો. ત્યાં ફરતાં ફરતાં એકસરખાં મિત્રરાગી તે તળાવનાં કમળ સાથે પ્રીતિ કરનારો તે પુલંદિક, જેના કિનારા ઉપર દેવમંદિર છે એવા તળાવ પાસે જઈ પહોંચ્યો. ત્યાં વનના હાથી પાણી પીવા આવશે, એવું ધારી એકાંતમાં હાથીને મારવા ઊભો રહ્યો. તેટલામાં તે તળાવને કાંઠે રહેલા શિવજીની પૂજા કરવા એક અદ્ભુત રૂપવતી ને સંહિ પર બેઠેલી કુમારિકા ત્યાં આવી. કન્યાના ભાવમાં વર્તનારી, શંભુની સેવામાં તત્પર, બીજી હિમાલયની પુત્રી હોય તેવી તેને દીઠી. તેને જોઈ પુલંદિક વિસ્મય પામ્યો અને વિચારવા લાગ્યો કે ‘એ કોણ હશે? જો માનવસ્ત્રી હોય તો તેને સંહિનું વાહન કેમ હોય? અને જો દિવ્ય સ્ત્રી હોય તો મારા જેવાની નજરે કેમ પડે? જરૂર એ નેત્રના પૂર્વપુણ્યનો દેહધારી પરિપાક છે. આની સાથે જો તે મિત્રને પરણાવું તો તેનો કોઈ બીજી રીતનો જ પ્રત્યુપકાર કર્યો કહેવાય. હવે હું પ્રશ્ન પૂછવા પ્રથમ તેની પાસે જઉં.’ એવું ધારી તે મારો મિત્ર ભીલ તેની પાસે ગયો. તેટલામાં તે કન્યા સંહિ પરથી ઊતરી પડી. એટલે તરત તે સંહિ ઝાડની છાયામાં જઈ બેઠો. તે કન્યા તળાવનાં કમળ વીણવા લાગી. પછી ભીલરાજે પાસે જઈ નમસ્કાર કર્યા. તે જોઈ અપૂર્વ અતિથિની પ્રીતિથી તેનો સત્કાર કરી તેને રાજી કર્યો. અને ‘તું કોણ છે? અને આ અતિ દુર્ગમ ભૂમિમાં કેમ આવ્યો છે?’ એવું પૂછ્યું. ત્યારે પુલંદિકે ઉત્તર આપ્યો કે ‘હું પાર્વતીના ચરણને શરણે રહેનારો ભીલરાજ છું. અને ગજમુક્તા લેવા આ વનમાં આવી ચડ્યો છું. હે દેવી, હમણાં તમને જોઈ મને જીવનદાન આપનારો લક્ષ્મીવાન શેઠનો પુત્ર વસુદત્ત નામનો મારો મિત્ર યાદ આવ્યો. હે સુંદરી, તે રૂપ અને યૌવનમાં તમારા જેવો છે. તે આ જગતને અદ્વિતીય નેત્રામૃતના ઝરણ સરખો છે. મૈત્રી, દાન, દયા અને ધૈર્યના ખજાના જેવો તે વસુદત્ત છે. તેનો કંકણવાળો હાથ જે કન્યા ગ્રહણ કરશે તે કન્યા આ લોકમાં ધન્ય બનશે. જો આ તમારી આકૃતિ તેવાની સાથે ન જોડાય તો કામદેવ પોતાનું ધનુષ વ્યર્થ ધારણ કરે છે એમ હું માનીશ.’ કામદેવના મોહમંત્રના અક્ષર સરખાં તેનાં વચન સાંભળી તત્કાળ તે કુમારિકાનું મન મોહ પામ્યું. પછી કામદેવે પ્રેરણા કરેલી તે કુમારિકાએ પુલંદિકને કહ્યું, ‘તે તારો મિત્ર ક્યાં છે? તેને બોલાવી મને દેખાડ તો ખરો.’ તે સાંભળી ‘બહુ સારું.’ કહી તે જ વખતે તેની પાસેથી રજા લઈ પોતાને કૃતાર્થ માનનારો તે ભીલરાજ ખુશ થઈ ત્યાંથી તરત જ ચાલી નીકળ્યો. તે લાગલો પોતાને ગામ આવી, ત્યાંથી મોતી અને કસ્તુરી વગેરે લઈ મારે ઘેર આવ્યો. ત્યાં આવી પોતાની સાથે લાવેલો લાખો સોનામહોરની કંમિતવાળો નજરાણો મારા પિતાને અર્પણ કર્યો. તે આખો દિવસ અમે આનંદ, ઉત્સવથી કાઢ્યો. પછી રાતે એકાંતમાં મારી પાસે તે દિવ્ય કન્યા જોયાની હકીકત પૂરેપૂરી કહી સંભળાવી. મને કહ્યું, ‘ચાલ આપણે જઈએ.’ હું પણ જવા ઉત્સુક થયો. પછી મને સાથે લઈ રાતે અમે પ્રયાણ કર્યું. સવારે તે ભીલરાજની સાથે હું ક્યાંક ગયો એમ જાણી મારા પિતા ભીલરાજના ભરોસે ધીરજ રાખી રહ્યા. રસ્તાનો પૂરો ભોમિયો ભીલરાજ બહુ ઝડપથી મને તે સ્થળે લઈ ગયો. અમે સાંજે તે તળાવે પહોંચ્યા. મીઠાં ફળ ખાઈ હું અને તે ભીલ એક રાત તે વનમાં રહ્યા. લતાઓથી ફેલાઈ ગયેલાં પુષ્પવાળું, ભમરાના ગુંજારવથી મધુર લાગતું, સુવાસિત, મનોહર, બળતી ઔષધિઓના પ્રકાશવાળું તે પહાડી વન વિશ્રાંતિ માટે રાતે તે તળાવનું જળ પીનારા અમને બંનેને રતિના નિવાસગૃહ જેવું થઈ પડ્યું. તે પછી બીજે દિવસે દર ક્ષણે મને તો તાલાવેલી લાગી હતી અને તે કન્યાના આવવાના માર્ગ તરફ જ મારી નજર ચોંટી રહી. મારું અંત:કરણ જાણે તેને આવકારવા સામું ધસતું હોય તેમ આતુર થઈ રહ્યું હતું. મારી જમણી આંખ વારંવાર ફરકીને તે કન્યાના આવવાની સૂચના કરતી હતી. એટલામાં તે મોહિની ત્યાં આવી પહોંચી. કેશવાળીવાળા સંહિની ઉપર બેઠેલી, શરદ્ ઋતુના મેઘના ઉત્સંગના સંગવાળી ને ચંદ્રકળા સરખી તે સુંદર ભ્રૂકુટિવાળી કન્યા મેં જોઈ. તેથી વિસ્મય, ઉત્સુકતા અને ભય અનુભવતો હું ચોંક્યો. તે વખતે હું જાણતો નહોતો કે મારું હૃદય કેમ પાછું વળે? તરત તે કન્યા સંહિ પરથી ઊતરી, પુષ્પો વીણી તળાવમાં સ્નાન કરી તેના કિનારા પરના મંદિરે શંકરની પૂજા કરવા ગઈ. પૂજા પૂરી થઈ એટલે મારા સખા ભીલે તેની પાસે જઈ પ્રણામ કરી પોતાનું નામ કહી આદર કરવાવાળી તે કન્યાને કહ્યું, ‘હે દેવી, તમારે યોગ્ય પતિ મારો મિત્ર છે અને હું તેને તેડી લાવ્યો છું. જો તમે કહો તો હમણાં જ હાજર કરું.’ તે સાંભળી તેણે કહ્યું, ‘બતાવ.’ ત્યારે તે ભીલ મારી પાસે આવ્યો અને મને તેની પાસે લઈ જઈ ઊભો કરી દીધો. તેણે સ્નેહવાળી ત્રાંસી આંખે મને નિહાળ્યો. અને કામદેવનો આવેશ આવવાથી તે વિહ્વળ થઈ ગઈ અને તેણે મારા મિત્રને કહ્યું, ‘તારો આ મિત્ર મનુષ્ય નથી, પણ કોઈ દેવ આજે મને ઠગવા આવ્યો છે. મનુષ્યની આકૃતિ આવી ક્યાંથી હોય?’ તે સાંભળી તેને વિશ્વાસ થાય એટલે મેં કહ્યું, ‘હે લલિત લલના, ખરેખર હું મનુષ્ય છું. સરલ મનુષ્ય પાસે કપટ કરી શું કરવું છે? હું વલભીપુરમાં રહેતા મહાધન નામના વણિકનો પુત્ર છું. મારા પિતાએ પુત્રપ્રાપ્તિ માટે મહાદેવનું તપ કર્યું હતું. તેની ઉપર પ્રસન્ન થઈ શંકર ભગવાને કહ્યું હતું, ‘ઊઠ, તને એક મહાન પુત્ર થશે.’ પણ મારી એ વાત અંગત છે તેનો વિસ્તાર કરવાની જરૂર નથી. આ સાંભળી મારા પિતા જાગી ગયા અને તેમને થોડા સમયે હું વસુદત્ત જન્મ્યો. આ ભીલરાજ પુલંદિક મારો મિત્ર છે. હું બીજા દેશ ગયો હતો, ત્યાં મને તેનો ભેટો થયો છે. તે કષ્ટમાં મને ઘણો સહાયરૂપ થયો છે. આ મારી હકીકત ટૂંકમાં કહી.’

આટલું કહી હું મૂંગો થયો. પછી લાજવશ તે કન્યા બોલી, ‘આ વાત સાચી છે. આજે હું સ્વપ્નમાં શંકર ભગવાનની પૂજા કરતી હતી, તે વખતે પ્રસન્ન થયેલા ભગવાને મને કહ્યું કે પ્રાત:કાળમાં તું પતિ પામીશ. એટલે તું જ મારો ભરતાર અને આ તારો મિત્ર મારો ભાઈ.’ એમ મધુર વાણીથી તેણે મને પ્રસન્ન કર્યો. હવે તેની સાથે વિધિપૂર્વક વિવાહ કરવાનો વિચાર કરી મિત્ર સાથે મેં મારે ઘેર જવાનો વિચાર કર્યો. તે પછી સંકેત કરીને તેણે પોતાના વાહન સંહિને બોલાવ્યો, અને મને સંહિ પર સવાર થવા કહ્યું. મારા મિત્રની સંમતિ લઈ પ્રિયાને ખોળામાં બેસાડી હું સંહિ પર બેઠો. પછી હું કૃતાર્થ થઈ મિત્રની સાથે મારા ઘર ભણી ચાલતો થયો. ભીલરાજથી ઘવાયેલા હરણોનું માંસ આરોગીને અમે ધીમે ધીમે વલભીપુર આવ્યા. ત્યાં સ્ત્રી સાથે સંહિ પર બેસી હું આવ્યો તે જોઈ ગામનાં માણસો નવાઈ પામ્યા અને તરત તેમણે મારા પિતાને વધામણી કરી. તે સાંભળી મારા પિતા ઘણા આનંદથી સામે આવ્યા. હું સંહિ પરથી ઊતરીને તેમને પગે પડ્યો. તેમણે મને ધન્યવાદ આપ્યા. તેમના પગે પડેલી તે પુત્રવધૂ મારે લાયક છે એમ જાણી મારા પિતાના આનંદનો પાર ન રહ્યો. અમને ઘરમાં તેડી જઈ અમારી કથા સાંભળી ભીલરાજની મૈત્રીની પ્રશંસા કરી. પછી જ્યોતિષીઓએ બતાવેલા શુભ મુહૂર્ત પ્રમાણે બધા સ્વજનોનો મેળાવડો કરી મારું લગ્ન કર્યું. તે જોઈ અકસ્માત્ મારી પત્નીના વાહન સંહિ બધાંના દેખતાં પુરુષ બનીને ઊભો રહ્યો. ‘આ વળી શું?’ એમ વિભ્રાંત થઈ બધાં ઊભાં હતાં ત્યાં દિવ્ય વસ્ત્ર અને આભરણવાળા પુરુષે આમ કહ્યું,

‘હું ચિત્રાંગદ નામનો વિદ્યાધર છું. અને મનોવતી નામની આ મારી પુત્રી છે. હંમેશાં આને ખોળામાં બેસાડી જેના કિનારે ઘણાં તપોવન છે એવી ગંગાજી પાસે આવ્યો. ત્યાં તપસ્વીઓને ઓળંગીને જવું ન પાડે એટલે હું નદીની વચ્ચે થઈને ચાલવા લાગ્યો. અચાનક ગંગાજળમાં મારી પુષ્પમાળા પડી ગઈ. તેવામાં અકસ્માત્ જળની અંદર રહેલા નારદે બહાર આવીને મને શાપ આપ્યો, ‘આ ઉદ્ધતપણાને કારણે તું સંહિ થા અને હિમાલયમાં જઈ આ તારી પુત્રીને પીઠ પર બેસાડી વનવન ફર્યા કર. પણ જ્યારે તારી આ પુત્રી કોઈ મનુષ્યને પરણશે ત્યારે તેને જોવાથી તું આ શાપમાંથી મુક્ત થઈશ.’ એ મુનિના શાપને કારણે હું હિમાલયમાં સંહિ થઈ શંકર ભગવાનની પૂજા કરતી આ પુત્રીને લઈને ફરતો રહ્યો છું. પછી ભીલરાજના પ્રયત્નથી આ બધું થયું તે તમે જાણો છો. હવે તમારું કલ્યાણ થાઓ, હું શાપમુક્ત થયો છું.’

આટલું કહી તે વિદ્યાધર તરત આકાશમાં ઊડી ગયો. આ આશ્ચર્યકારક અને ઉત્તમ સંબંધ જોઈ મારા પિતા સમેત બધાં સ્વજનો આનંદ પામ્યા. આવા નિષ્કપટ મિત્રો મૈત્રી ખાતર પોતાના પ્રાણને ભોગે પણ ઉપકાર કરતા જ હોય છે. તે ભીલરાજનું આવું અલૌકિક ચરિત્ર સાંભળી બધા પ્રશંસા જ કરતા હોય છે. પછી આ વાત રાજાએ પણ જાણી ત્યારે તે અમારો સંબંધ જોઈ ઘણો રાજી થયો. મારા પિતાએ પણ રાજાને ઘણાં રત્નો ભેટ આપ્યાં. સઘળું વનનું રાજ્ય અપાવ્યું. તે પછી દેવકન્યા મનોવતી અને મિત્ર ભીલરાજ સાથે હું સુખેથી રહ્યો. તે મિત્ર પણ પોતાના દેશ ન જતાં ઘણો વખત અમારી સાથે જ રહ્યો. અમારા બંને મિત્રનો સમય સારી રીતે વીતતો હતો. પછી પતિવ્રતા મનોવતીને પેટે હિરણ્યદત્ત નામનો પુત્ર જન્મ્યો. તે ધીમે ધીમે મોટો થયો અને પછી મેં તેને પરણાવ્યો. તે જોઈ જીવતરનું ફળ મળી ગયું એમ માની મારા માતાપિતા વૃદ્ધ થવાથી દેહત્યાગ કરવા ગંગાકિનારે ગયાં. તેમને કારણે મને શોક થયો ત્યારે બધાંએ મને ધીરજ આપી. એક બાજુ મનોવતી અને બીજી બાજુ ભીલરાજ, સત્પુત્રનો આનંદ એટલે મારા દિવસો નિરાંતે પસાર થવા લાગ્યા. સમય વીતતાં હું વૃદ્ધ થયો, ‘હે પુત્ર, હજી સુધી તું ઘરમાં કેમ પડી રહ્યો છે?’ એમ કહેતી વૃદ્ધાવસ્થાએ મારી હડપચી પકડી. મને વૈરાગ્ય ભાવ આવ્યો અને મેં વનમાં જવાનો નિર્ધાર કર્યો, કુટુંબની જવાબદારી પુત્રને સોંપી. પછી મારી પત્ની અને ભીલરાજને લઈ કાલંજર પર્વત પાસે ગયો. ત્યાં મને મારી વિદ્યાધરની જાત યાદ આવી. અને શંકરના શાપનો પણ અંત આવ્યો. તેનું સ્મરણ થવાથી મેં એ વાત મનોવતીને તથા ભીલરાજને કરી. પછી મેં માનવદેહ ત્યાગવાની ઇચ્છા કરી અને બીજા જન્મમાં પણ આ જ મારી પત્ની રહે અને આ જ મારો મિત્ર રહે એવું કહી ચિત્તમાં શંકર ભગવાનનું ધ્યાન ધરી મેં તે પર્વતના શિખર પરથી ભૂસકો માર્યો, મારી પત્નીએ અને મિત્રે પણ મારી સાથે દેહત્યાગ કર્યો. પછી હું આ વિદ્યાધરના કુળમાં પૂર્વજન્મના સ્મરણવાળો અને જ્ઞાનવાળો જીમૂતવાહન તરીકે અવતર્યો છું. તે ભીલ જ શંકર ભગવાનની કૃપાથી સિદ્ધના રાજા વિશ્વાવસુનો પુત્ર મિત્રાવસુ થયો છે. તે વિદ્યાધરી મારી પત્ની મનોવતી તે તારી બહેન. આમ તારી બહેન મારા પૂર્વજન્મની પત્ની અને તું મારો પૂર્વજન્મનો મિત્ર. એટલે તે મારે પરણવા યોગ્ય છે પરંતુ મારાં માતાપિતા પાસે જઈ તેમને કહેવું પડશે અને તેઓ સંમત થાય ત્યારે તારી આ ઇચ્છા પાર પડશે.

જીમૂતવાહનની વાત સાંભળી પ્રસન્ન મનવાળો મિત્રાવસુ તેના માતાપિતા પાસે ગયો અને સઘળી કથા કહી સંભળાવી. તેમણે એ વાત માની લીધી. પછી તેણે પોતાની બહેનના વિવાહની સામગ્રી તૈયાર કરી, જીમૂતવાહને વિધિપૂર્વક મલયવતીનો હાથ ઝાલ્યો.

જીમૂતવાહનના સ્વાર્પણની કથા

તે જીમૂતવાહન એક દિવસ પોતાના મિત્ર સાથે સમુદ્રકિનારાનાં વન જોવા ગયો હતો. ત્યાં ભયભીત થયેલી એક સ્ત્રી ‘હે પુત્ર, હે પુત્ર’ બોલતી દેખાઈ. તેને પાછી વાળતો એક યુવાન નાગ પણ દેખાયો. અનુયાયી લડવૈયા સરખા એક બીજા પુરુષે પહોળા અને ઊંચા શિલાપટ પર તે નાગને મૂકી દીધો. તેને જોઈ ‘તું કોણ છે? શું કરવા માગે છે? અને તારી મા કેમ રડે છે?’ જીમૂતવાહને આમ પૂછ્યું એટલે તે નાગે કહ્યું,

પૂર્વે કદ્રૂ અને વિનતા નામની કશ્યપની બે સ્ત્રીઓ હતી. તેમણે પરસ્પર સંવાદ કરતાં વિવાદ કર્યો. કદ્રૂએ કહ્યું કે સૂર્યના ઘોડા કાળા છે અને વિનતાએ કહ્યું કે ધોળા છે. આ તકરારમાં તેમણે જે ખોટી પડે તે બીજીની દાસી થાય એવી શરત કરી. તે પછી જય મેળવવાની ઇચ્છાથી કદ્રૂએ પોતાના પુત્ર નાગોને કહી સૂર્યના ઘોડાઓને ઝેરના ફૂંફાડાથી કાળા કરાવ્યા અને વિનતાને દેખાડી કપટ કરી જય મેળવી તેને દાસી કરી. સ્ત્રીઓને ઘણું કરી સપત્નીની અદેખાઈ બહુ હોય છે. આ ઘટના જાણીને વિનતાનો પુત્ર ગરુડ ત્યાં આવ્યો અને નમ્રતાથી કદ્રૂ પાસે માગણી કરી કે મારી માતાને દાસભાવમાંથી મુક્ત કરો.’ આ કાર્યના બદલામાં કદ્રૂના પુત્રોએ વિચાર કરી ગરુડને કહ્યું, ‘હે ગરુડ, દેવતાઓએ ક્ષીરસાગર મથવાનો આરંભ કર્યો છે. જો તું અમને ત્યાંથી અમૃત લાવી આપે તો અમે તારી માને મુક્ત કરીશું. તું મહાબળવાન છે.’

નાગોની એ વાત સાંભળી ક્ષીરસાગર પાસે જઈ ગરુડે ઘણું પરાક્રમ દેખાડ્યું ત્યારે તેના પરાક્રમથી પ્રસન્ન થયેલા હરિએ કહ્યું, ‘હું તારા ઉપર પ્રસન્ન થયો છું. કોઈ વરદાન માગી લે.’

માતાના દાસપણાથી ગુસ્સે થયેલા ગરુડે માગ્યું, ‘નાગ મારા ભક્ષ્ય થાય.’

એ સાંભળી સ્વપરાક્રમે અમૃત મેળવનારા ગરુડને ભગવાને ‘તથાસ્તુ’ કહ્યું અને ગરુડે અમૃત મેળવ્યું. આ વાત ઇન્દ્રે જાણી એટલે તેણે ગરુડને કહ્યું, ‘તમારે અમૃત કોઈને આપવું નહીં. પણ આ અમૃત તે મૂઢ નાગોના ઉપયોગમાં ન આવવું જોઈએ. એટલે તેમની પાસેથી હું અમૃત હરી શકું તેમ કરવું.’ આ સાંભળી ઉત્તમ વૈષ્ણવોના અગ્રણી ગરુડે તે વાત માન્ય રાખી અને અમૃતકળશ લઈને તે નાગોની પાસે ગયો. વરદાનના પ્રભાવથી મૂઢ થયેલા તે નાગોને ગરુડે કહ્યું, ‘આ અમૃત છે. તમે મારી માને છોડી દો. અને પછી આ અમૃત લો. જો તમને મારી બીક લાગતી હોય તો આ અમૃત તમારા માટે દર્ભના આસન ઉપર મૂકી રાખું છું. હું શરત પ્રમાણે મારી માને છોડાવી જઉં છું. જોઈએ ત્યારે ત્યાંથી અમૃત લઈ લેજો.’

નાગલોકોએ તે વાત માન્ય રાખી, ગરુડે જ્યારે દર્ભના આસન પર કળશ મૂક્યો ત્યારે તેમણે તેની માતાને દાસપણામાંથી મુક્ત કરી. એમ માને દાસપણામાંથી છોડાવી ગરુડ ગયો એટલે નિ:શંક થઈ નાગલોકો જેવા અમૃત લેવા જાય છે તેવામાં ઇંદ્ર ઝડપથી આવીને સર્પોને પોતાની શક્તિથી મોહિત કરીને દર્ભના આસન પરથી અમૃતકળશ ઉઠાવી ગયો. ત્યારે ખેદ પામેલા નાગ કદાચ અહીં અમૃત ઢળ્યું હશે એમ માની દર્ભના આસનને ચાટવા લાગ્યા. તેથી તેમની જીભો ચીરાઈ ગઈ. એવી રીતે તેમની જીભ બે થઈ.

હવે અમૃતનો રસ ન મળવાથી નિરાશ થયેલા નાગલોકોને તેમનો દુશ્મન ગરુડ હરિનું વરદાન મળવાથી વારંવાર ખાવા લાગ્યો. ગરુડના આવવાથી ત્રાસે કરીને નિર્જીવ નાગવાળું, ગભિર્ણીના ગર્ભ પડી જાય એવું અને નાશ પામેલા નાગવાળું પાતાળ થઈ ગયું. ગરુડને પાતાળમાં હંમેશ આવતો જોઈ નાગલોકોના અધિપતિ વાસુકિએ નાગલોક એમ જ નાશ પામશે એમ માની, વિચાર કરી અનિવાર્ય તેજસ્વી વૈનતેય સાથે વિનંતિપૂર્વક સંધિ કરી કહ્યું, ‘હે પક્ષીરાજ, દરરોજ એકેક નાગ સમુદ્રકાંઠાના પર્વત પર તારા આહાર માટે મોકલતો જઈશ. પણ તેમનો નાશ કરવા પાતાળમાં તારે પેસવું નહીં, નાગલોકોનો ક્ષય થવાથી તારો જ સ્વાર્થ નાશ પામશે.’

આ પ્રમાણે વાસુકિએ કહ્યું એટલે ગરુડે તેમની વાત માની લીધી. આ સ્થળે દરરોજ વાસુકિએ મોકલેલો નાગ ખાવાનો તેણે આરંભ કર્યો. આ રીતે ઘણા નાગ નાશ પામ્યા છે. હું શંખચૂડ નામનો નાગ છું. આજે મારો વારો આવ્યો છે. માટે ગરુડના આહાર માટે નાગરાજની આજ્ઞાથી આ વધ્યશિલા પર આવ્યો છું. એટલે મારી મા કલ્પાંત કરે છે.’

શંખચૂડની એ વાત સાંભળી જીમૂતવાહન બહુ દુઃખી થયો. તેના અંત:કરણમાં બહુ ખેદ થયો. પછી તેણે નાગને કહ્યું, ‘બહુ દુઃખની વાત છે કે વાસુકિનું રાજાપણું નિ:સત્ત્વ થયું છે. તે પોતાના હાથે શત્રુને લાંચ રૂપે પોતાની પ્રજા જ ધરે છે. તેણે પ્રથમ પોતાનો દેહ જ ગરુડને કેમ અર્પણ ન કર્યો? અરે એ નપુંસક વાસુકિએ પોતાના કુળના ક્ષયનું સાક્ષીપણું કેમ માગી લીધું? અરે કશ્યપથી ઉત્પન્ન થઈ ગરુડ પણ કેટલું પાપ કરે છે. અરે માત્ર દેહને માટે મોટાઓને પણ કેવો મોહ હોય છે! પણ ફિકર ન કર. શંખચૂડ, તું ડરીશ નહીં, આજે હું મારા પોતાના શરીરને અર્પી ગરુડથી તારા દેહની રક્ષા કરીશ. માટે હે મિત્ર, તું દુઃખી ના થઈશ.’

આ સાંભળી શખચૂડ પણ ધૈર્ય ધરી બોલ્યો, ‘હે મહાત્મા, એ વાત જવા દો. કાચને વાસ્તે કોઈ સરસ મુક્તામણિનો નાશ કરવો એ યોગ્ય નથી. અને હું પણ આ રીતની કુળને કલંક આપનારી વાતમાં નહીં પડું.’ એમ કહી સાધુ શંખચૂડ જીમૂતવાહનને ના પાડી અને હવે ગરુડનો આવવાનો સમય થયો છે એમ જાણી સમુદ્રકિનારે ગોકણેશ્વર નામના શંકરને નમન કરવા ગયો.

તેના ગયા પછી દયાનિધિ જીમૂતવાહને તેના રક્ષણને માટે પોતાનો દેહ અર્પણ કરવાનો સમય નજીક આવ્યો છે એમ જાણ્યું. તે પછી આ થયેલી બધી વાત જાણે પોતે ભૂલી ગયો છે એમ જાણી યુક્તિથી કોઈ બહાનું કાઢી તેણે મિત્રાવસુને પોતાને ઘેર મોકલ્યો. તે વખતે નજીક આવેલા ગરુડની પાંખોના પવનથી કંપતી પૃથ્વી તે જીમૂતવાહનનું ધૈર્ય જોવાના આશ્ચર્યથી જાણે ગાજતી હોય તેવી જણાઈ. આથી સર્પનો શત્રુ ગરુડ આવે છે એમ માની, પરોપકારી જીમૂતવાહન વધ્યશિલા પર જઈ બેઠો. ક્ષણમાત્રમાં ત્યાં આવી ગરુડે ચાંચથી હુમલો કરી મહા ધૈર્યવાન જીમૂતવાહનને ઉપાડ્યો. તેના શરીરમાંથી લોહી વહેવા માંડ્યું અને તેનો શિખામણિ ઊખડી ગયો. ગરુડે જીમૂતવાહનને પર્વતના શિખર પર લઈ જઈ ખાવાનો આરંભ કર્યો. તે વખતે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. તે જોઈ ગરુડને બહુ નવાઈ લાગી. એટલામાં તે શંખચૂડ નાગ ગોકર્ણને નમસ્કાર કરી પોતે પ્રથમ જ્યાં બેઠો હતો ત્યાં લોહીની ધારાથી ભીંજાયેલી શિલા દીઠી. ‘હાય, હાય, મને ધિક્કાર છે, ધિક્કાર છે. મારે માટે તે મહાન માણસે નક્કી પોતાનો દેહ અર્પી દીધો છે. અત્યારે ગરુડ તેને ક્યાં લઈ ગયો હશે? લાવ હું જલદીથી શોધી કાઢું. કદાચ તે મળી પણ આવે.’ એવું ધારી શંખચૂડ લોહીની ધારાને અનુસરતો ચાલ્યો.

હવે અહીં પ્રસન્ન થયેલા જીમૂતવાહનને જોઈ, ભક્ષણ કરવું છોડી દઈ ગરુડ વિસ્મયપૂર્વક વિચારવા લાગ્યો, ‘આ કોઈ બીજો જ છે. હું એને ખાઉં છું છતાં તે દુઃખી થતો નથી. અને ધીર થઈ ઊલટો પ્રસન્ન થાય છે.’ આમ ગરુડને વિચારતો જોઈ ધૈર્ય ધરી જીમૂતવાહન બોલ્યો, ‘હે પક્ષીરાજ, મારા શરીરમાં હજી માંસ અને લોહી છે, છતાં તૃપ્ત થયા વિના ખાતાં ખાતાં અટકી કેમ ગયા?’

તે સાંભળી આશ્ચર્ય પામેલા ગરુડે પૂછ્યું, ‘હે સાધુપુરુષ, મને લાગે છે કે તું નાગ નથી. માટે સાચું કહે, તું કોણ છે?’

જીમૂતવાહને કહ્યું, ‘હું નાગ જ છું. મને ખાવા માંડ. જે આરંભ્યું છે તે પૂરું કર. આરંભ કરેલું કામ પૂરું ન થાય ત્યાં સુધી ધીર પુરુષો તેને છોડતા નથી.’ આમ જીમૂતવાહન બોલતો હતો ત્યાં શંખચૂડ આવી પહોંચ્યો ને દૂરથી બૂમ મારીને કહ્યું, ‘હે ગરુડરાજ, રહેવા દે, રહેવા દે. એ નાગ નથી, હું તારો ભક્ષ્ય નાગ છું. એને છોડી દે. તું ભાન કેમ ભૂલી ગયો છે?’

તે સાંભળી ગરુડ વિભ્રાંત થઈ ગયો. તેમ વાંછિતની અસિદ્ધિથી જીમૂતવાહનને પણ દુઃખ થયું.

આ વિદ્યાધરોના અધિપતિને અફસોસ કરતો જોઈ ગરુડને પસ્તાવો થયો. તેણે વિચાર્યું, ‘અરે, ત્યારે મેં મોહ પામીને આ શું કર્યું? આવું ક્રૂર કર્મ કરવાથી મને પાપ લાગ્યું. એ સાચું છે કે ઉન્માર્ગે ચાલનારાઓ સહજ રીતેપાપી થઈ જાય છે. બીજાને માટે પ્રાણ આપી દેનારા આ મહાન પુરુષ પ્રશંસનીય છે.’ આવો વિચાર કરી પાપથી શુદ્ધ થવા અગ્નિમાં ઝંપલાવવાનો વિચાર કર્યો. આવી ઇચ્છા ધરાવતા ગરુડને જીમૂતવાહને કહ્યું, ‘હે પક્ષીરાજ, શા માટે દિલગીર થાઓ છો? જો તમે ખરેખર પાપથી ડરતા હો તો હવે ફરીથી સર્પોનું ભક્ષણ કરવાનું છોડી દો. પહેલાં ખાધેલા સર્પોનો જ તમારે પસ્તાવો કરવો, એ જ આનો ઉપાય છે. બીજા વિચાર અર્થહીન છે.‘

પ્રાણીઓ પર દયાભાવ રાખનારા જીમૂતવાહનનાં એવાં વચન સાંભળી ઉપદેશક ગુરુની વાણી પેઠે તે ગરુડે સ્વીકારી લીધું અને ખંડિત અંગવાળા જીમૂતવાહનને તથા બીજા સર્પોને પણ જીવાડવા માટે સ્વર્ગમાંથી અમૃત લાવવા ગરુડ વેગેથી નીકળ્યો.

તે પછી જીમૂતવાહનની સ્ત્રીની ભક્તિથી પ્રસન્ન થયેલાં પાર્વતીએ અમૃત સીંચી જીમૂતવાહનને જીવાડ્યો. દેવવાણીની સાથે વધારે કાંતિવાળાં તેનાં અંગો થયાં તે સ્વસ્થ થઈ ઊઠ્યો. તેટલામાં ગરુડ પણ પાછો આવ્યો. તેણે સઘળા કિનારાના વનમાં અમૃત વરસાવ્યું. તેથી બધા સાપ જીવતા થયા અને તે સ્થળ ઘણા સર્પોના વસવાથી નાનું પડવા લાગ્યું. જીમૂતવાહનને જોવા પાતાળ આવ્યું હોય તેમ જણાયું. પછી અક્ષય દેહ અને યશથી શોભતા જીમૂતવાહનને જાણી તેનાં સ્વજનોએ તેનું અભિવાદન કર્યું. તેના માતાપિતા અને પત્ની ખૂબ રાજી થયાં.