ભારતીયકથાવિશ્વ-૩/કથાસરિત્સાગરની કથાઓ/વેતાલ ચોવીસમો — એક વિલક્ષણ કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વેતાલ ચોવીસમો — એક વિલક્ષણ કથા

પછી વીર રાજા ત્રિવિક્રમસેન, કાળા અંધારાથી છેક નિશામય થઈ ગયેલી અને ચિંતાના અગ્નિરૂપી જેની ઝગઝગતી દૃષ્ટિ છે એવી રાત્રિરૂપ રાક્ષસીને ન ગણકારતાં, પુન: તે ભયંકર સ્મશાનમાં ગયો અને અશોક વૃક્ષ ઉપર ચઢીને પુન: તે વેતાલને પકડી પોતાના ખભા ઉપર ચઢાવીને પહેલાંની માફક ચાલવા માંડ્યો. પુન: તે વેતાલે રાજાને કહ્યું: ‘રાજાજી! હવે તો હું આવજા કરવાથી થાકી ગયો છું. પણ તું આવજા કરતાં થાક્યો નથી; માટે હું તને એક અઘરો પ્રશ્ન પૂછું છું, તેના પર લક્ષ દે.’

દક્ષિણ દિશાના એક ભાગના એક નાના ગામમાં ધર્મ નામનો એક માંડલિક રાજા રહેતો હતો. તે અતિઘણો સદ્ગુણી હતો,પણ તેના ભાયાતો દુર્જન હોવાથી તેને સ્થાનભ્રષ્ટ કરવા ઇચ્છતા હતા. તેને એક સ્ત્રી હતી. જેનું નામ ચંદ્રવતી હતું. તે માળવા દેશમાં કોઈક મોટા કુલવાનને ત્યાં જન્મી હતી. તે પ્રમદા, ઉત્તમ પ્રમદાઓની મુકુટમાળા જેવી હતી. આ રાણીએ લાવણ્યવતી નામની એક કન્યાને જન્મ આપ્યો હતો. તે કન્યા પોતાના નામ પ્રમાણે જ ગુણ ધરાવતી હતી.

જ્યારે તે કન્યા વિવાહ કરવાને યોગ્ય થઈ, ત્યારે ધર્મરાજા, લાવણ્યવતીનો સંબંધ કરવા તૈયાર થયો. તે વખતે તેના ભાયાતોએ એકઠા મળી ધર્મરાજાના દેશને પાયમાલ કરી નાંખ્યો અને તેને રાજ્યગાદી ઉપરથી, પદભ્રષ્ટ કર્યો. જ્યારે નગરમાં રહેવાને તે લાચાર થઈ પડ્યો ત્યારે તે, અમૂલ્ય, હીરા, માણેક, રત્નો વગેરે લઈ, પોતાની સ્ત્રી તથા કન્યા સહિત તે જ રાત્રે નગરમાંથી નાસી ગયો અને પોતાના સસરાને ઘેર જવા માટે માળવા તરફ ચાલ્યો, ચાલતાં ચાલતાં પોતાની સ્ત્રી તથા પુત્રી સહિત તે વિંધ્યાચળના ભયંકર જંગલમાં આવ્યો. તેટલામાં રાત પડી અને રાજાને આટલે સુધી ઘસડી લાવનાર દિવસ પણ અસ્ત પામ્યો. રાજા ત્યાં જ રાતવાસો રહ્યો, ઝાકળનો વર્ષાદ વધતો હતો, તેથી જાણે રાત્રિ રડતી હોય તેવી જણાતી હતી. પ્રભાત થયું કે, સૂર્યનારાયણનાં કિરણો, જાણે તું આગળ જા મા, કારણ કે આ જંગલમાં ઘણા લૂંટારાઓ રહે છે તેમ તે રાજાને ના કહેતાં હોય તેમ ઉદયાચળ ઉપર ડોકિયું કરવા લાગ્યાં. માર્ગમાં પગે ચાલવાથી, દર્ભના કાંટા વડે રાજાની રાણીના ને લાવણ્યવતીના પગમાં ઘા પડી ગયા હતા. તો પણ શું કરે? ચાલ્યા વગર છૂટકો નહીં, તેથી તે બાપડાં ચાલતાં ચાલતાં ભીલોના એક ગામમાં જઈ ચઢ્યાં. તે ગામમાં બીજાના ધનમાલ તથા પ્રાણનો નાશ કરનારા પાપી ભીલો રહેતા હતા અને ત્યાં કોઈ ધર્માત્મા રહેતો ન હતો, તેથી જાણે પાપીઓથી ભરેલી ભયંકર યમરાજની નગરી હોય, તેવું તે ગામ જણાતું હતું.

આ ભીલોના ગામમાં જેવો રાજા દાખલ થયો કે ભીલ લોકોએ વસ્ત્ર તથા ઘરેણાંથી શણગારેલા રાજાને અને તેની સાથે તેની સ્ત્રી તથા કન્યાને પણ દીઠી, તરત જ તે લોકો જુદાં જુદાં હથીઆરો હાથમાં લઈને લૂંટવા માટે આવ્યા. જ્યારે રાજા ધર્મે ભીલોને પોતાના તરફ આવતા જોયા, ત્યારે તેણે પોતાની સ્ત્રીને અને પુત્રીને કહ્યું; ‘આ ભીલ લોકો શરૂઆતમાં તમારી લાજ લૂંટશે, માટે તમે તો હમણાં જ અહીંથી પાસેના વનમાં ચાલ્યાં જાઓ.’ રાણી પોતાની પુત્રી લાવણ્યવતીને સાથે લઈ, ભયની મારી પાસેના વનમાં પેસી ગઈ. પછી વીર રાજા એકલો ઊભો રહ્યો: તેની પાસે ઢાલ અને તરવાર જ તેનાં સાથી હતાં. પેલા ભીલ લોકો સામા આવી રાજા ઉપર કામઠાવતી બાણ ફેંકવા લાગ્યા, પણ રાજાએ તે સઘળાને ઢાલ પર ઝીલી લઈ, તરવારથી ઘણા ભીલને ધૂળ ચાટતા કરી દીધા, જ્યારે કેટલાએક ભીલો મરણ પામ્યા, ત્યારે તે ગામનો નાયક ક્રોધે ભરાયો ને તેણે સઘળા ભીલોને તેના પર એક સામટા તૂટી પડવાનો હુકમ કર્યો, એટલે બધા હથિયાર લઈ તેની ઉપર તૂટી પડ્યા; અને તીર મારીને તેના શરીરના બખ્તરને ચીરી નાંખી, એકલા ઊભેલા રાજાને મરણશરણ કરી દીધો. પછી તેની પાસે જે કંઈ માલમત્તા હતી તે લૂંટી લઈને ભીલોની સેના જયવાદ્ય વગાડતી પાછી પોતાના ગામ ભણી ગઈ.

હવે રાણી ચંદ્રવતી, પુત્રી સહિત વનમાં ભરાઈ જઈ એક ઝાડની કુંજલતાના ઓઠામાં સંતાઈને આ સર્વ યુદ્ધ જોતી હતી તેણે જ્યાં પોતાના પ્રાણજીવનને મરણ પામતો જોયો ત્યારે તેના કલેજામાં વજ્રબાણ વાગ્યાં જેવું દુઃખ થઈ આવ્યું. તે બેબાકળી બનીને પુત્રી સહિત તે વનમાંથી ઘણે દૂર બીજા ગીચ જંગલમાં નાસી ગઈ. તે વખતે બરાબર મધ્યાહ્નનો સમય થઈ રહ્યો હતો અને સૂર્યનો તાપ પડતો હતો. ચાલતાં ચાલતાં એક વૃક્ષ તેના જોવામાં આવ્યું, તેની છાયા વિશ્રામ કરવા માટે વટેમાર્ગુને નિમંત્રણ કરતી હોય તેવી જણાતી હતી. થાકેલાં પાકેલાં ચંદ્રવતી અને લાવણ્યવતી બન્ને જણાં, આસોપાલવના ઝાડની નીચેના કમળવાળા સરોવર પર જઈને બેઠાં, ત્યાં બેઠા પછી રાણી શોકની મારી અત્યંત રુદન કરવા લાગી.

હવે એવું બન્યું કે કોઈ એક રાજા, પોતાના દીકરા સહિત તે જંગલમાં મૃગયા કરવા માટે આવ્યો. બાપનું નામ ચંડસિંહ હતું અને પુત્રનું નામ સિંહપરાક્રમ હતું. બાપ દીકરો બન્ને જણા ઘોડા ખેલવતા ખેલવતા જતા હતા, એવામાં ચંડસિંહે ધૂળમાં સ્ત્રીનાં પગલાં પડેલાં દીઠાં. ત્યારે તેણે પુત્રને કહ્યું: ‘બેટા! આ જમીન ઉપર ધૂળમાં જે પગલાં પડેલાં છે, તે કોઈ પદ્મિનીનાં પગલાં હોય એમ લાગે છે; કારણ કે આ પગલામાં ઉત્તમ રેખાઓ આબાદ પડેલી છે. તે સુંદર પ્રમદાનાં સુરેખ પગલાંને આધારે ચાલો આપણે જઈએ ને શોધીએ કે તે કોણ છે. જો તે મળશે તો તેમાંથી તને જે પસંદ પડે તેની સાથે તું પરણજે.’ આ પ્રમાણેનું પિતાનું બોલવું સાંભળી, સિંહપરાક્રમ બોલ્યો: ‘આ પગલાંમાં જેનાં નાનાં પગલાં જણાય છે, તે ખરેખર દીકરી હશે અને તેની અવસ્થા પણ નાની હશે માટે, તે મારે લાયક છે; અને જેનાં પગલાં મોટાં છે તે અવસ્થામાં મોટી હશે, માટે તે તમારે લાયક છે.’ આ પ્રમાણે પુત્રનું વચન સાંભળી ચંડસિંહ બોલ્યો: ‘બેટા! એ તું શું બોલે છે? તારી મા હજુ તો હમણાં જ સ્વર્ગવાસી થઈ છે, તેવી ગુણવાન સ્ત્રીના મરણ પછી પરણવાનું મન કેમ થાય? માટે મારે બીજી સાથે પરણવાની ઇચ્છા નથી.’ તે સાંભળીને પુત્રે પિતાને કહ્યું: ‘પિતાજી! જે ગૃહસ્થનાં ઘરમાં સ્ત્રી ન હોય તે ગૃહસ્થનું ઘર અરણ્યતુલ્ય જાણવું. આ વિષયમાં મૂળદેવે ગાયેલી ગાથા શું તમે સાંભળી નથી?

યત્ર ઘનસ્તનજઘના નાસ્તે માર્ગાવલોકિની કાંતા |

અજડ: કસ્તદનિગડં પ્રવિશતિ ગૃહસંજ્ઞકં દુર્ગં ||

‘જે ગૃહસ્થના ઘરમાં પીન પયોધરવાળી અને ભરાઉ જાંઘવાળી કાંતા દરરોજ માર્ગ ઉપર નજર કરીને પોતાના પતિની વાટ જોેતી ઊભી ન હોય, તેને ઘર નહિ પણ બેડી વગરનું એક કેદખાનું જાણવું અને તે કેદખાનામાં મૂર્ખ સિવાય બીજો કયો મનુષ્ય પ્રવેશ કરે છે?’ માટે પિતાજી! મેં જે સ્ત્રીને પસંદ કરેલી છે તે સિવાયની બીજી સ્ત્રી સાથે તમારે પરણવું પડશે. જો તેમ ન કરો તો તમને મારા સોગન!’

પિતાએ, પુત્રનો આવો આગ્રહ જોઈ, તેનું વચન સ્વીકાર્યું, પછી ચંડસિંહ પોતાના પુત્રની સાથે તે પગલાંને આધારે ધીમે ધીમે આગળ ગયો. જતાં જતાં સરોવરના કિનારા ઉપર તેઓ આવી પહોંચ્યા. આ વખતે મધ્યાહ્ન કાળ થયો હતો, તો પણ આસોપાલવનાં વૃક્ષ નીચે, અંધારાની રાણી ચંદ્રવતીને, મોતીરૂપ પ્રકાશતી મધ્યરાત્રિ જેવી દીસતી હતી. તેની પાસે તેની પુત્રી લાવણ્યવતી, ચોમેર પ્રકાશ કરતી શુદ્ધ સ્વચ્છ ચાંદની જેવી દીપતી હતી. રાજા ચંડસિંહ અને તેનો પુત્ર, તે બન્ને સ્ત્રીઓને જોઈ, ઉત્કંઠિત હૃદયે તેમની પાસે ગયા, એટલે રાણી ચોરની શંકા થવાથી ધૂ્રજતી ધૂ્રજતી ઊભી થઈ.

પણ તેની પુત્રી લાવણ્યવતી બોલી: ‘જીજી! તું ડર નહીં, આ કંઈ ચોર નથી, પણ કોઈ સુંદર વેશધારી ઉત્તમ સજ્જનો છે, જે મૃગયા કરવા માટે આવ્યા જણાય છે.’ આ પ્રમાણે પુત્રીએ માતાને કહ્યું, તો પણ રાણીના મનનો ભય ઓછો થયો નહીં. એટલામાં તો રાજા ચંડસિંહ અને સિંહપરાક્રમ, બન્ને જણા ઘોડા ઉપરથી નીચે ઊતર્યા અને ચંડસિંહ બન્નેને કહેવા લાગ્યો, ‘તમે શા માટે ગભરાવ છો? તમારી તરફ અમારો ઘણો પ્રેમ છે, તેને લીધે તમને જોવા આવ્યા છીએ. તમે ધીરજ ધરો, અને કહો કે તમે બે કોણ છો? તમને અમારી તરફથી જરા પણ દુઃખ થશે નહીં. તમે બન્ને જાણે શંકરના નેત્રાજળની જ્વાળાથી બળી ગયેલા કામદેવના દુઃખથી દુઃખી થયેલી રતિ અને પ્રીતિ આ વનમાં આવીને વસી હોય એવી જણાઓ છો. કહો, તમે આ નિર્જન વનમાં કેવી રીતે આવીને વસ્યાં છો? કેમ કે તમારા બન્નેનું સુકુમાર અંગ તો ફક્ત રાજમહેલમાં રહેવાને યોગ્ય છે અને તમારા બન્નેના ચરણ સારી દાસીઓના ખોળામાં રહેવા ઉચિત છે. તે ચરણ આ કાંટા અને કાંકરાવાળી જમીન ઉપર રખડે છે તે જોઈ અમારા મનમાં બહુ ખેદ થાય છે. તમારાં કોમળ અને ગોરાં તથા તડકામાં લાલચોળ થઈ ગયેલાં મુખ ઉપર, પવનથી ઊડીને અતિશય ગરમ સૂર્યનાં કિરણો, તમારા પુષ્પ જેવા કોમળ અંગ ઉપર પડીને તમને બાળે છે, તેથી તમારા અંત:કરણમાં ઘણો જ અફસોસ થાય છે! માટે તમારું વૃત્તાંત સત્વર કહો. આ વનમાં ઘણાં માંસાહારી પશુઓ રહે છે, માટે અમે તમને અહીં એકલાં રહેલાં જોઈ શકતા નથી, પણ અમે તમોને અમારે ઘેર લઈ જવા ઇચ્છીએ છીએ.’

જ્યારે ચંડસિંહે આ પ્રમાણે વિનયવચન કહ્યાં, ત્યારે રાણી, લજ્જા તથા શોકથી આકુળવ્યાકુળ થઈ ગઈ. તે ઊંડો નિઃશ્વાસ મૂકી ધીમે ધીમે તેની આગળ પોતાનું સર્વ વૃત્તાંત કહેવા લાગી. ચંડસિંહે તેના ચરિત્ર ઉપરથી જાણ્યું કે, એનો પતિ મરણ પામ્યો છે; એટલે તેને મધુર મધુર વાણીથી સમજાવી, મા અને દીકરીને રાજી કરી, પોતાને આધીન કરી લીધાં અને બંનેને પોતાના કુટુંબમાં સામેલ થવાને જણાવ્યું.

પછી ચંડસિંહ બન્ને ઘોડાની પીઠ ઉપર મા અને દીકરીને બેસાડી, ઘોડેસવાર થઈ, કુબેરની રાજધાની જેવી પોતાની નગરીમાં લઈ ગયો. ચન્દ્રવતી રાણીએ પણ પોતાનો નવો અવતાર થયો એમ માન્યું. કારણ કે તેને જીવવાની જરા પણ આશા નહોતી. વળી તે અનાથ હતી, એટલે તેનું કંઈ પણ ચાલી શકે તેમ નહતું. વળી તે અબળા, વળી નિરાધાર, વળી પરદેશમાં પડેલી, વળી શોકમાં ડૂબેલી, તે શું કરી શકે? રાણી ચન્દ્રવતીએ પરણવા કબૂલ કર્યું. સિંહપરાક્રમ સૂરત પ્રમાણે જેના ટૂંકા પગ હતા તે ચન્દ્રવતી રાણીની સાથે પરણ્યો. ચંડસિંહ મોટા પગવાળી તેની દીકરી સાથે પરણ્યો. કારણ કે બાપદીકરાએ પ્રથમ પ્રતિજ્ઞા કરી હતી કે મોટા પગવાળી પિતાએ પરણવી અને નાના પગવાળી દીકરાએ પરણવી. સત્યનો અનાદર કોણ કરે છે? આ પ્રમાણે ભુલભુલામણીથી નાના મોટા પગની સરત ઉપરથી-દીકરી હતી તે પિતા સાથે પરણી અને માતા તે પોતાની દીકરીની વહુ થઈ. કેટલોએક વખત ગયા પછી બન્ને જણીઓને દીકરા અને દીકરીઓ થયાં અને તે છોકરાંઓને ઘેર પણ છોકરાઓ, વખત વીતતાં થયાં. આ પ્રમાણે ચંડસિંહ અને સિંહપરાક્રમ બન્ને જણા લાવણ્યવતી અને ચન્દ્રવતીને પરણીને તે જ નગરમાં આનંદમાં દિવસ ગુજારતા હતા.

એ પ્રમાણે માર્ગમાં ચાલતાં ત્રિવિક્રમસેન રાજાએ વેતાલે કથા, કહી, રાજાને પૂછ્યું; ‘હવે રાજન્! દીકરી અને માતાને વખત જતાં સારી સંતતિ થઈ તે બાપ દીકરાની સંતતિ હતી. તો તેઓનાં છોકરાંનું સગપણ શું? તે તમે મને કહો. જો જાણવા છતાં પણ તમે નહીં કહો તો તમારા મસ્તકના હજારો કટકેકટકા થઈ જશે.’

વેતાલનો તે પ્રશ્ન સાંભળીને રાજાએ મનમાં તેનો ઘણો વિચાર કીધો, પણ તેને કંઈ પણ જવાબ સૂઝ્યો નહીં, એટલે તે ગૂપચૂપ ચાલ્યો જ ગયો. ત્યારે મડદાના શરીરમાં રહેલો ને ખભા પર પડેલો વેતાલ, હસીને સ્વગત જ બોલવા લાગ્યો, ‘આ પ્રશ્ન ઘણો અટપટો છે. એટલે રાજા સમજી શકતો નથી કે એનો ઉત્તર કેમ આપવો. એ તો તેથી મનમાં ઘણા જ રાજી થઈ મૂગા મૂગા, ઝડપથી પગલાં ભરતા ભરતા ચાલતા જાય છે, પણ એને ખબર નથી કે તેના માથા પર ભયનું વાદળ કેવું છે. આ રાજા મોટો પરાક્રમી છે અને પેલા ભિક્ષુકે આટલા દિવસ સુધી રખડાવ્યો તો પણ તે હાર્યો નથી તો એને હવે હું ઠગી શકીશ નહીં; પણ હવે હું પેલા દુષ્ટાત્મા જતિને છેતરી, તેની સિદ્ધિ આ કલ્યાણકર્તા રાજાને અપાવું તો ઠીક થાય.’

આવો વિચાર કરી, વેતાલે તત્ક્ષણ રાજાને કહ્યું; ‘રાજાજી! તમે રાત્રિમાં અત્યંત ભયંકર સ્મશાનમાં આ પ્રમાણે આવજાવ કરવાથી બહુ બહુ દુઃખ સહન કર્યાં છે. હવે તમે સુખને લાયક થયા છો, એમાં જરા પણ સંદેહ નથી. હું તમારા ધૈર્યથી ઘણો જ પ્રસન્ન થયો છું અને તમારા સંબંધથી હું આશ્ચર્ય ને અદ્ભુતતામાં ગરકાવ થઈ જાઉં છું. તમે આ શબને હવે લઈ જાવ. હું હવે આમાંથી બહાર નીકળી જાઉં છું, પણ તમારા હિતનું એક વચન કહું છું તે તમે સાંભળો અને તેનો અમલ કરજો. તમે જે દુષ્ટ જતિને માટે આ શબ લઈ જાઓ છો, તે આજે આ શરીરમાં મારું આવાહન કરી મને તેડાવીને મારું પૂજન કરશે. પછી તે લુચ્ચો અને મેલા મનનો જતિ તમને કહેશે. હે રાજા! તું બત્રીસ લક્ષણો છે, માટે તારું બલિદાન આપવા તને કહેશે કે,‘મહારાજ! એને તમે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરો.’ ત્યારે ઓ મહાપુરુષ! તમારે જમીન ઉપર સૂઈને પ્રણામ કરવા નહીં, પણ તે જતિને કહેવું કે, ‘તમે મને પ્રથમ કરી બતાવો, પછી હું તે પ્રમાણે કરીશ.’ એટલે તે જતિ જમીન ઉપર પડીને પ્રણામ કરી બતાવશે. પણ જેવો તમને પ્રણામ કરવા તે બતાવવા જાય તેવું જ તમારે તરવારથી તેનું મસ્તક કાપી નાખવું; એટલે પછી તે વિદ્યાધરની ઐશ્વર્યસિદ્ધિ તેણે મેળવવા માટે ઇચ્છી છે, તે સિદ્ધિ તમને પ્રાપ્ત થશે. પછી તે જતિના દેહનું બલિદાન કરી, તમે આ પૃથ્વી ઉપર રાજ્ય કરજો અને પછી વિદ્યાધરની લક્ષ્મી મેળવજો. પરંતુ તમે જો જતિના કહેવા પ્રમાણે કરશો તો તે તમારું બલિદાન આપશે. મેં આટલા દિવસ આ કામમાં વિઘ્ન નાંખ્યું હતું, તેનું કારણ આ જ છે. હવે જાઓ, તે જતિની સિદ્ધિ તમને પ્રાપ્ત થાઓ! જય જય!’ આટલું કહી વેતાલ, વીર ત્રિવિક્રમસેનના ખભા ઉપર રહેલા મડદામાંથી બહાર નીકળીને ચાલ્યો ગયો.

ત્યાર પછી રાજા ત્રિવિક્રમસેન, પ્રસન્ન થયેલા વેતાલ પાસેથી, શાંતિશીલ ગોરજીને પોતાનો શત્રુ સમજી, વડવૃક્ષ નીચે જ્યાં ગોરજી મહારાજ બિરાજ્યા હતા ત્યાં મડદું લઈને ખુશી થતો થતો ગયો.