ભારતીયકથાવિશ્વ-૩/કથાસરિત્સાગરની કથાઓ/સિદ્ધિકરીની વાર્તા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સિદ્ધિકરીની વાર્તા

ઘણા વખત પર ઉત્તર દિશામાંથી અહીં કોઈ વાણીઆનો છોકરો આવ્યો હતો. મારી શિષ્યા પોતાનું રૂપ ફેરવી યુક્તિએ કરી તેને ઘેર કામકાજ કરવા સારુ રહી. કેટલાક એક દિવસ રહી, તે વણિક્ પુત્રનો તેણે પૂર્ણ વિશ્વાસ મેળવ્યો, અને પછી ગુપ્ત રીતે તેનું સર્વ ધન ચોરી લઈ પરોઢિયામાં ઘર બહાર નીકળી ગઈ. તે ઉતાવળી ઉતાવળી નગરથી બહાર જતી હતી, તેને જોઈ મૃદંગને બજાવનારા કોઈ ડોંબને શંકા આવી, તેથી તે પણ તરત તેની પછવાડે તેને લૂંટવા ચાલ્યો. તે સિદ્ધિકરી વગડામાં એક વડનું ઝાડ હતું તેની તળે જઈ બેઠી, અને જુવે છે તો પોતાની પાછળ જ ડોંબ આવી પહોંચ્યો છે, ત્યારે ગરીબ બનીને સિદ્ધિકરી તેને કહેવા લાગી, ‘આજે હું મારા ધણીની સાથે કજિયો કરીને નીકળી છું. હવે મારે ધણીને મોઢું બતાવવું નથી. તેથી મારે માટે એક ફાંસીનો ગાળિયો તૈયાર કરી આપ, તેમાં હું ટૂંપો ખાઈને મરી જઈશ.’ આ સાંભળી ડોંબના મનમાં થયું, આ સ્ત્રીને મારે શા માટે મારવી જોઈએ? એ પોતાની મેળે જ ફાંસો ખાઈ મરતી હોય તો ભલે મરે. આવું વિચારી તે જ વૃક્ષમાં ડોંબે પાશ બાંધી ફાંસી તૈયાર કરી. ત્યારે સિદ્ધિકરી અજાણ થઈ તેને પૂછવા લાગી, ‘આમાં શી રીતે લટકી મરવું એ જરા કૃપા કરી દેખાડો તો ઠીક રહેશે.’ ત્યારે તે મૂર્ખાએ મૃદંગ પગ નીચે મૂકી એ યમપાશ પોતાના ગળામાં નાખ્યો કે તરત સમયસૂચકતા વાપરી તે સિદ્ધિકરીએ એક પગની લાત મારી, તેની નીચેના મૃદંગ દૂર ફેંકી દીધું. તેથી તે ડોંબ ફાંસીએ લટકી મરણ પામ્યો.

એ અરસામાં પેલો વાણીઓ શોધતો શોધતો ત્યાં આવી પહોંચ્યો, અને ત્યાં છેટેથી ખજાનો લૂંટનારી સિદ્ધિકરીને જોઈ. તેમ જ સિદ્ધિકરીએ પણ તેને આવતો જોયો એટલે તરત ન દેખાય તેવી રીતે તે ઝાડની ડાળીઓની ઘટ્ટ ઘટામાં ચડી ગઈ ત્યાં પાંદડાંઓથી તેનું શરીર ઢંકાઈ ગયું. તે વાણીઓ પોતાના ચાકરની સાથે જ્યાં વડ પાસે આવ્યો ત્યાં તો પાશમાં લટકતા ડોંબને જોયો. પણ સિદ્ધિકરી જોવામાં ન આવી. તે વખતે તેના એક નોકરને વિચાર આવ્યો કે કદાચ તે સિદ્ધિકરી આ ઝાડ ઉપર ચડી ગઈ હોય તો ત્યાં પણ શોધવી જોઈએ. એવું વિચારી તે ઝાડ ઉપર ચડ્યો ત્યારે તેને જોઈ સિદ્ધિકરીએ એક યુક્તિ વિચારી તરત તેને કહ્યું કે, ‘હે તરુણ! હંમેશાં તારા ઉપર જ મારું મન આશક રહે છે; અને આ ઝાડ ઉપર પણ તું જ ચડ્યો, આ યોગ બહુ સારો આવ્યો છે. માટે હવે આ ધન તારું છે અને હું પણ તારી જ છું, સુખેથી મોજ કર, ‘એમ કહી આલિંગન કરી તેના મુખનું ચુંબન કરતાં કરતાં દાંતથી તેની જીભ કરડી ખાધી, ત્યારે પીડાથી અકળાયેલો મોઢામાંથી, લોહી ઓકતો લલલલ લલ અલલલ એેવો અસ્ફુટ શબ્દ કરતો, તે નોકર ઝાડ પરથી નીચે પડ્યો. એ જોઈ તે વાણીઓ અત્યંત ભય પામ્યો અને આ વડમાં કોઈ ભૂત રહે છે એવું ધારી, બીજા પોતાના નોકરો સાથે ત્યાંથી નાસી તુરત ઘેર આવ્યો. પછી વડની ડાળ ઉપરથી તે શિષ્યા નીચે ઊતરી, અને સઘળું ધન લઈ ઘેર આવી હતી. એવી મારી શિષ્યા બહાદુર છે, તથા તેના પ્રતાપથી મને આ ધન પ્રાપ્ત થયું છે.

એમ કહી તે વખતે બહાર આંટો લઈ આવેલી શિષ્યા તે વાણીઆના છોકરાઓને બતાવી કહેવા લાગી કે, ‘હે પુત્રો! જેવું હોય તેવું ખરું કહો, કે તમે સ્ત્રીની ઇચ્છા કરો છો? જલદીથી એ તમારુંં કામ હું પાર પાડું,’ આવું સાંભળી, તે વાણીઆના છોકરાઓએ કહ્યું, ‘અહીં ગુહસેન વાણીઆની સ્ત્રી દેવસ્મિતા છે. તેની સાથે અમારો મેળાપ કરાવી દે.’ એ સાંભળી તે વૃદ્ધાએ પ્રતિજ્ઞા કરી, ‘અવશ્ય એ કાર્ય હું સિદ્ધ કરી આપીશ.’ આવું કહી તેઓને પોતાના ઘરમાં ઉતારો આપ્યો. પછી યુક્તિપ્રયુક્તિથી ગુહસેનના ઘરનાં માણસોને ખાવાપીવાનું આપી તેના ઘરમાં શિષ્યાની સાથે તે પેઠી. દેવસ્મિતાને ઘેર આંગણામાં એક કૂતરી બાંધી હતી, તે અજાણ્યું માણસ આવતું દેખી ભસી તેને રોકતી હતી. તેણે નિયમ પ્રમાણે આ તાપસીને પણ રોકી. તરત દેવસ્મિતાએ તેણીને દીઠી, ત્યારે ‘આ કેમ આવી હશે,’ એવું ધારી દાસી મોકલી તેને ઘરમાં બોલાવી, ત્યાં સાધ્વી દેવસ્મિતાએ કેટલોએક ઉપર ઉપરથી આદર દેખાડી બેસાડી. પછી આશીર્વાદ દઈને તે પાપાત્મા તાપસી બોલી, ‘હે સાધ્વી બાઈ! હંમેશાં તને જોવાને મારી ઉત્કંઠા રહે છે. આજે મેં તને સ્વપ્નામાં જોઈ હતી, તેથી હું ઉત્કંઠિત હૃદયે આવી છું. તારો પતિ પરદેશમાં હોવાથી તને વિયોગિની જોઈ મારુંં દિલ દિલગીર થાય છે. કારણ કે,

દોહરો

પ્રમદા કેરાં રૂપ રંગ, જોબન ને શૃંગાર;

પ્રિય મિલન વિના બધું, ફોકટ છે નિરધાર.

ઇત્યાદિ વચનોથી દેવસ્મિતાનું ઘણું આશ્વાસન કરી, તેનો વિશ્વાસ સંપાદન કરી, તેની રજા લઈ, તે દુષ્ટ તાપસી પોતાને ઘેર આવી. બીજે દિવસે મરચાનો ભૂકો ખાંડી માંસના ટુકડામાં ભરી, તે લઈ તે તાપસી દેવસ્મિતાને ઘેર આવી. ત્યાં તે માંસનો કટકો આંગણામાં બાંધેલી કૂતરીને આપ્યો, તે તરત ખાઈ ગઈ. તે પછી મરચાંના પ્રતાપે કરી, તે કૂતરીની આંખોમાંથી ઘણું પાણી ઝરવા લાગ્યું અને નાક પણ ગળવા માંડ્યું. અને તેટલામાં તે પાપાત્મા તાપસી દેવસ્મિતાની પાસે ગઈ, ત્યાં આદરસત્કાર મળ્યો કે તરત તે રોવા લાગી. ત્યારે દેવસ્મિતાએ પૂછ્યું કે શું છે? ત્યારે તેણે કષ્ટથી ઉત્તર આપ્યો કે, ‘હે પુત્રિ! હમણાં તું જો, બહાર કૂતરી કેવી રડે છે, હું પુનર્જન્મમાં તેને મળી હતી. તેથી તેણે આજ મને ઓળખી કાઢી અને તે કલ્પાંત કરે છે, તેથી મને પણ આંસુ આવ્યાં છે.’ આ સાંભળી તે બહાર જઈને જુએ છે તો કૂતરીને રોતી જોઈ. આ તે શું આશ્ચર્ય છે? એવી રીતે દેવસ્મિતા ક્ષણ ભર તો વિચારમાં પડી ગઈ. પછી તે તાપસી બોલી, ‘હે પુત્રી, પૂર્વજન્મમાં હું અને આ કૂતરી એક બ્રાહ્મણની સ્ત્રી હતાં. અમે બેઉ શોક્યોનો પતિ દૂર દેશાંતરમાં ગયો; અને હંમેશા એવી રીતે રાજાની આજ્ઞાથી તે પરગામ જતો હતો. જ્યારે જ્યારે તે પ્રવાસે જાય, ત્યારે ત્યારે ઇચ્છા પ્રમાણે હું પરપુરુષનો સંગ કરતી. મેં મારી ઇન્દ્રિયોને કોઈ દિવસ ભૂખી રાખી નથી. ઇન્દ્રિયોને તૃપ્ત રાખવી એ પરમ ધર્મ છે. આ ધર્મના પ્રતાપથી જ મને જાતિસ્મરણ જ્ઞાન રહ્યું છે; અને આ કૂતરીએ અજ્ઞાનથી શીલની રક્ષા કરી, તેથી આ ભવે તેને કૂતરીનો અવતાર આવ્યો છે; પણ તેને પૂર્વજન્મ સાંભરે છે તેથી રડે છે.’ અરે આ તે કેવો ધર્મ? જરૂર આ દુષ્ટાએ ધૂર્ત રચના કરી છે, ઠીક ઠીક તેનું ફળ એને આપીશ. એવું ડહાપણથી વિચારી દેવસ્મિતાએ કહ્યું કે, ‘હે ભગવતિ! આટલા બધા દિવસ મેં આ ધર્મ જાણ્યો નહોતો; આજે જાણવામાં આવ્યો. તો હવે એ પ્રમાણે ચાલીશ. તું કોઈ છેલ પુરુષ સાથે મારું ચોકઠું બેસાડી આપ.’ ત્યારે તે તાપસી બોલી, ‘કોઈ દ્વીપાંતરથી આવેલા વાણીઆના છોકરા મારે ઊતર્યા છે, તેને અહીં બોલાવી લાવું છું.’ એવું કહી હરખાતી હરખાતી તે તાપસી ઘેર ગઈ. પાછળથી દેવસ્મિતાએ પોતાની દાસીઓને કહ્યું, ‘જરૂર મારા પતિના હાથમાં હંમેશાં ખીલેલું કમળ જોઈ, તેણે દારૂનો નશો કર્યો હશે, તે વખતે કૌતુકથી બધી હકીકત પૂછી લઈ, કોઈ મારી ખરાબી કરવા તે દ્વીપથી અહીં આવેલો હશે. તે લુચ્ચા વાણીઆના છોકરાએ આ તાપસીને અહીં મોકલી છે એમાં સંશય નથી. તો હવે ધંતુરાના ઝેરવાળી મદિરા તમે અહીં લાવો, અને લવારની કોઢે જઈ, લોઢાનો કૂતરાનો એક પગ કરાવી લાવો.’ આવાં દેવસ્મિતાનાં વચનો સાંભળી તેની દાસીઓએ તત્કાળ એમ જ કર્યું, અને તેના કહેવાથી એક દાસીએ દેવસ્મિતાના સરખો વેષ ધારણ કર્યો. તે વાણીઆના છોકરાઓએ તે તાપસીને ત્યાં જ ‘હું પહેલો જાઉં’, ‘હું પહેલો જાઉં,’ એમ પરસ્પર તકરાર કરવા લાગ્યા. પછી તે ચારમાંથી એકને લઈ, તે તાપસી ત્યાં આવી. પોતાની શિષ્યા સિદ્ધિકરીનો વેષ પહેરાવી એક વણિક પુત્રને દેવસ્મિતાના ઘરમાં સાંજ વખતે ઘાલ્યો, અને પોતે ગુપચુપ ત્યાંથી ચાલી ગઈ. પછી દેવસ્મિતાનો વેષ પહેરનારી દાસીએ તે વાણીઆના પુત્રને પેલું તૈયાર કરાવી રાખેલું ધંતુરાવાળું મદ્ય ઘણા આદરમાનથી પાયું. અવિનયથી જેમ ચેતના જાય તેમ તે મદ્યથી ચેતનારહિત થઈ ગયો.

ત્યારે તેનાં વસ્ત્રો ઉતારી લઈ, નગ્ન કરી મૂક્યો અને કૂતરાનો જે પગ તૈયાર કરાવી રાખ્યો હતો તે ધગધગાવી તે દાસીઓએ તેના કપાળમાં ચાંપી દીધો અને પછી તેને ઊંચકી, રાત્રે જ ઉકરડાના ખાડામાં ફેંકી દીધો. છેલ્લે પહોરે જ્યારે તેની સુધબુધ ઠેકાણે આવી, ત્યારે તે જુવે છે તો ત્યાં પોતાના પાપે પ્રાપ્ત કરેલા નરક સમાન ખાડામાં તે પડ્યો જણાયો. ત્યાંથી ઝટપટ ઊઠી તે બહાર આવી ત્યાં સ્નાન કરી કપાળ ઉપર હાથ ફેરવતો, નાગો ને નાગો, તે તાપસીને ઘેર આવ્યો. ત્યાં તેણે વિચાર્યું, કે આવી રીતે બેહાલ થઈ ગયો તેની ખરી હકીકત જો કહીશ, તો મારી એકની જ હાંસી થશે. એવું વિચારી બીજા મિત્રોને કહ્યું કે, ‘હું ત્યાંથી આવતો હતો, ત્યાં માર્ગમાં ચોર મળ્યા, તેમણે મને લૂંટી લીધો છે.’ પછી પ્રભાતમાં કહ્યું, ‘રાત્રે મેં બહુ મદ્યપાન કરેલું છે, અને આખી રાતનો ઉજાગરો થયો છે, તેથી આ વખતે માથું દુઃખી આવ્યું છે,’ એમ કહી પેલો કૂતરાના પગનો ડામ ઢાંકવા માથા ઉપર લૂગડાનો પાટો બાંધ્યો. પૂર્વર્પેરે જ બીજે દિવસે સાંજે વાણીઆના બીજા છોકરાનો વારો આવ્યો. તે પણ તેવી રીતે ત્યાં ગયો, અને તેના પણ તેના જેવા જ બુરા હાલ થયા. તેણે પણ આવી એમ જ કહ્યું, ‘હું ચોરની બીકથી દાગીના ત્યાં જ રાખી આવ્યો છું; તો પણ મને રસ્તામાં ચોરોએ લૂંટી લીધો છે.’ પ્રભાતમાં તેણે પણ પેલાની પેઠે માથા પર પટકો બાંધી માથું દુઃખવાનો ઢોંગ કરી કપાળની નિશાની લૂગડાથી ઢાંકી દીધી. આ પ્રમાણે તે ચારે વાણીઆના છોકરાઓને થયું, પણ તેમાંથી કોઈએ એ વાત પ્રકાશ કરી નહીં. ક્રમેથી બધાને ડામ દેવાયા, ધનનો નાશ થયો અને હેરાન થયા, તેથી સર્વ લજવાઈ ગયા, અને વિચાર્યું કે, આ તાપસી પણ ભલે આવો લહાવો લે, એવું ધારી તેની પાસે તેમાંના કોઈએ કાંઈ પણ વાત કરી નહીં; અને ગુપચુપ રવાના થયા. પછી બીજે દિવસે તે તાપસી હરખભેર પોતાની શિષ્યાને સાથે લઈ દેવસ્મિતાને ઘેર ગઈ. ત્યાં દેવસ્મિતાએ ઘણા આદરમાનથી ધંતુરાવાળું મદ્ય શિષ્યા સહિત તાપસીને પાયું, તેથી તે તાપસી ને ચેલી બન્ને તેથી મત્ત થઈ ગયાં, ત્યારે તેઓનાં નાક કાન કાપી, તેઓને પેલા જ અપવિત્ર ખાડામાં ફેંકી દીધા.

આ પ્રમાણે વૃત્તાંત બન્યા પછી દેવસ્મિતાના મનમાં વિચાર આવ્યો કે એ વાણીઆના છોકરાઓ રીસના બળ્યા મારા પતિને કાંઈ વિઘ્ન કરે તો મહા કૂડું થાય. તેથી આકુળવ્યાકુળ થવાથી પોતાની સાસુ પાસે ગઈ અને આ બધી વાર્તા કહી. એ વાત સાંભળી સાસુએ કહ્યું, ‘વહુજી, તમે એ કામ બહુ રૂડું કર્યું, પરંતુ એમાંથી મારા પુત્રનું કદાચિત્ અણહિત થાય તો મોટો અનર્થ થશે.’ ત્યારે દેવસ્મિતાએ કહ્યું કે, ‘શક્તિમતિએ જેમ પતિની રક્ષા કરી હતી તેમ બુદ્ધિના યોગથી હું પણ તેઓની રક્ષા કરીશ.’ ત્યારે સાસુએ પૂછ્યંુ, ‘શક્તિમતીએ પતિની રક્ષા કેમ કરી હતી?’ આમ પૂછવા ઉપરથી દેવસ્મિતાએ કહ્યું: