ભારતીયકથાવિશ્વ-૩/જાતકની કથાઓ/અલિનચિત્ત જાતક
પ્રાચીન કાળમાં વારાણસી નગરીમાં બ્રહ્મદત્ત રાજા રાજ કરતા હતા. વારાણસી પાસે જ સુથારોના એક ગામમાં પાંચસો સુથાર રહેતા હતા. તેઓ નૌકા લઈને નદીના ઉપરવાસમાં જતા હતા. ત્યાં જંગલમાં ઘર બાંધવા માટેની લાકડીઓ કાપીને એક માળનું મકાન બનાવી થાંભલાથી માંડીને બધી લાકડીઓ પર નિશાન કરીને ત્યાં મૂકતા. પછી નદીકિનારે લઈ જઈ નૌકા પર લાકડીઓ ચઢાવી દેતા, અને નગરમાં જતા. જેને જે પ્રકારની લાકડી જોઈએ તેવી બનાવી આપતા. નાણાં લઈ એમાંથી ઘરનો સામાન લઈ આવતા.
તેઓ એક વખત આમ જ ગુજરાન માટે પડાવ નાંખીને લાકડીઓ કાપતા હતા ત્યારે ત્યાં પાસે જ એક હાથી હતો. તેનો પગ ખેરના લાકડાના ઢીમચા પર પડ્યો. એનાથી એનો પગ વીંધાયો અને બહુ વેદના થવા લાગી. પગ સૂજી ગયો અને તેમાંથી પરુ નીકળવા લાગ્યું. બહુ વેદના થતી હતી તે વખતે લાકડીઓ કાપવાનો અવાજ તેને સાંભળ્યો. આ સુથારો મને મદદ કરશે એમ માનીને ત્રણ પગે ચાલીને તે ત્યાં ગયો અને પાસે જ પડી રહ્યો.
સુથારો તેનો સૂજેલો પગ જોઈને તેની પાસે ગયા. એમાં તેમને મોટી ફાંસ દેખાઈ. તેમણે ધારદાર કુહાડી વડે ફાંસની ચારે બાજુ ઊંડું નિશાન કરીને તેને દોરીથી બાંધી ફાંસ ખેંચી કાઢી. પછી દબાવીને બધું પરું કાઢ્યું, પગ ગરમ પાણીથી ધોયો. યોગ્ય ઔષધ કરવાથી થોડા જ સમયમાં ઘા સારો થઈ ગયો.
હાથીએ સાજા થઈ ગયા પછી વિચાર્યું, ‘આ સુથારોએ મારો જીવ બચાવ્યો છે. મારે એમની થોડી સેવા કરવી જોઈએ.’ ત્યાર પછી તે સુથારોની સાથે વૃક્ષ લાવતો થયો. લાકડું વહેરવાનું થાય ત્યારે તે થડ ઊલટસુલટ કરી આપતો. કુહાડી જેવાં સાધન લાવી આપતો. સૂંઢમાં લપેટીને કાળા દોરાને વીંટી લેતો. સુથારો પણ ભોજન વેળા તેને એક એક કોળિયો આપતા અને એ રીતે પાંચસો કોળિયા થઈ જતા.
તે હાથીનું એક મદનિયું હતું. તેનો રંગ બિલકુલ ધોળો હતો, તે હતો મંગલ હાથી. હાથીએ વિચાર્યું, હવે હું ઘરડો થયો છું. હવે મારે મારા આ બચ્ચાને સુથારોના કામે જોતરવું જોઈએ, અને મારે જાતે જ જવું જોઈએ. તે સુથારોને કશું કહ્યા વિના વનમાં ગયો. ત્યાંથી પોતાના બચ્ચાને લાવીને સુથારોને કહ્યું, ‘આ મારું બાળક છે. તમે મને જીવનદાન આપ્યું છે. હું એના વળતર રૂપે આ બાળક આપું છું. હવેથી તે તમારી સેવા કરશે.’ આમ કહીને પુત્રને કહ્યું, ‘પુત્ર, અહીં હું જે કામગીરી કરું છું તે હવેથી તું કરજે’ એમ કહી પુત્રની સોંપણી સુથારોને કરી તે પોતે વનમાં જતો રહ્યો.
ત્યારથી હાથી શિશુ સુથારો કહે તે પ્રમાણે બધાં કામ કરવા લાગ્યો. તેઓ પણ તેને પાંચસો કોળિયા ખવડાવીને પોષતા. પોતાનું કામ પૂરું કરીને નદીમાં રમતમસ્તી કરતો. સુથારનાં બાળકો પણ તેની સૂંઢ સાથે રમત કરતા, જમીન પર બધે તેની સાથે રમતા. શ્રેષ્ઠ હાથી હોય, અશ્વ હોય કે મનુષ્ય હોય — તે કોઈ પણ પાણીમાં મળમૂત્રનું વિસર્જન કરતા નથી. આ હાથી પણ પાણીમાં મળમૂત્ર ન કરીને નદીકિનારે એ ક્રિયાઓ કરતો.
એક દિવસ નદીના ઉપરવાસમાં વરસાદ પડ્યો. હાથીનો અર્ધો સુકાયેલો મળ પાણીમાં વહીને નદીના રસ્તે વારાણસી નગરમાં એક ઝાડી આગળ જઈને પડી રહ્યો.
રાજાના હાથીસેવકો પાંચસો હાથી નવડાવવા માટે લઈ ગયા. શ્રેષ્ઠ હાથીના મળની ગંધ પારખીને એક પણ હાથીએ પાણીમાં ઊતરવાની હિંમત ન કરી. બધાં પૂંછડાં ઉલાળીને ભાગવા લાગ્યા. હાથીસેવકોએ મહાવતોને સમાચાર આણ્યા. તેમણે વિચાર્યું પાણીમાં કોઈ જોખમ હશે. પાણીમાં ખાંખાંખોળાં કરતા તેમને ઝાડીમાં શ્રેષ્ઠ હાથીનો મળ જોયો. એટલે તેમને કારણ સમજાઈ ગયું. તેમણે કોઈ દ્રવ્ય મંગાવીને પાણીમાં તેનું મિશ્રણ કર્યું અને હાથીઓના શરીરે લેપ કર્યો. તેમનાં શરીર સુગંધિત થઈ ગયા ત્યારે હાથી નદીમાં ઊતરીને નાહ્યા.
મહાવતોએ રાજાને આ સમાચાર આપ્યા, ‘મહારાજ, આ હાથી શોધીને લાવવો જોઈએ.’ રાજાએ નૌકાઓ મોકલી, નદીમાં આગળ વધતાં વધતાં તેઓ સુથારોની વસ્તીમાં જઈ ચઢ્યા. તે હાથી નદીમાં રમત કરતો હતો. માણસોનો કોલાહલ સાંભળીને તે સુથારોની પાસે ઊભો રહી ગયો.
સુથારોએ રાજાને કહ્યું, ‘અરે મહારાજ, જો લાકડાં જોઈતાં હતાં તો કહેવડાવવું હતું ને? જાતે કેમ કષ્ટ લીધું? કોઈને મોકલીને મંગાવી શકાત.’
‘અરે, હું લાકડાં લેવા આવ્યો નથી. હું તો આ હાથી માટે આવ્યો છું.’
‘દેવ, પકડીને લઈ જાઓ.’
પણ હાથી જવા તૈયાર ન હતો.
‘અરે, આ હાથી શું કરે છે?’
‘સુથારોનું પોષણ થાય એ બધી કામગીરી તે કરે છે.’
રાજાએ કહ્યું, ‘ભલે.’ હાથીની સૂંઢ આગળ, પૂંછડાં આગળ, ચારે પગ આગળ એક એક લાખ કાષાર્પણ મૂક્યા. હાથી તો પણ ન ગયો. બધા સુથારોને ખેસ, તેમની સ્ત્રીઓને પહેરવાનાં વસ્ત્ર રાજાએ આપ્યાં, પોતાની સાથે રમનારાં બાળકોના ભરણપોષણનો પ્રબન્ધ કરાવી આપ્યો. પછી હાથીએ સુથારોને પોતાની પાછળ પાછળ આવવા ન દીધા અને સ્ત્રીઓ તથા બાળકોને જોતો રાજાની સાથે તે ચાલ્યો ગયો.
રાજા હાથીને લઈને નગરમાં ગયો. ત્યાં નગર અને હસ્તીશાળાને સુશોભિત કર્યાં. હાથીને નગરયાત્રા કરાવીને હસ્તીશાળામાં લઈ ગયા. તેને બધી રીતે અલંકૃત કર્યો, તેનો અભિષેક કરાવ્યો અને રાજાની સવારી માટે યોગ્ય બનાવ્યો. પછી તેને પોતાનો મિત્ર બનાવીને અડધું રાજ હાથીને આપી દીધું. રાજાએ તેને પોતાનો બરોબરિયો બનાવ્યો.
હાથીના આગમન પછી જાણે સમગ્ર જંબુદ્વીપનું રાજ્ય રાજાના હાથમાં આવી ગયું એમ લાગ્યું.
અને આમ સમય વહેવા લાવ્યો. બોધિસત્ત્વે રાજાની પટરાણીના ઉદરમાં પ્રવેશ કર્યો. તે ગર્ભ વિકસ્યો અને તેની સાથે જ રાજાનું મૃત્યુ થયું. લોકોએ વિચાર્યું, જો હાથીને રાજાના મૃત્યુની ખબર પડશે તો હાથીનું હૃદય ફાટી જશે. એટલે રાજાના મૃત્યુની વાત હાથીને કર્યા વિના તેની સેવા કરતા રહ્યા. તે વેળા પડોશના કોશલનરેશે જાણ્યું કે વારાણસીના રાજાનું મૃત્યુ થયું છે, રાજ્ય નધણિયાતું થયું એટલે સેના લઈને વારાણસીને ઘેરો ઘાલ્યો. નગરજનોએ બધા દરવાજા બંધ કરીને કોશલરાજાને સંદેશો મોકલાવ્યો.
‘અમારા રાજાની પટરાણી ગર્ભવતી છે. અંગવિદ્યાના નિષ્ણાતોનું કહેવું છે કે આજથી બરાબર સાતમા દિવસે પુત્રજન્મ થશે. જો તે પુત્રજન્મ આપશે તો આજથી સાતમા દિવસે અમે રાજ્ય નહીં સોંપીને યુદ્ધ કરીશું. એટલા દિવસ રાહ જોજો.’
કોશલ રાજાએ તેમની વાતનો સ્વીકાર કર્યો.
દેવીએ સાતમે દિવસે પુત્રને જન્મ આપ્યો. પ્રજાજનોએ કહ્યું, ‘અમારા મનની ઉદાસીનતાને દૂર કરનાર જન્મ્યો છે.’ બાળકનું નામ પાડ્યું અલીનચિત્ત.
તેનો જન્મ થયો અને તે સાથે નગરજનો કોશલરાજા સાથે યુદ્ધ કરવા લાગ્યા. યુદ્ધનો કોઈ નેતા ન હોવાને કારણે મોટી સેના પણ થોડી થોડી પીછેહઠ કરવા લાગી.
મંત્રીઓએ રાણીને એ સમાચાર આપીને કહ્યું,
‘દેવી, આ પ્રકારે સેના પીછેહઠ કરી રહી છે એટલે બીક લાગે છે આપણે હારી તો નહીં જઈએ ને! રાજાનો મિત્ર મંગલ હાથી રાજાના મૃત્યુની વાત જાણે છે, પુત્રજન્મની પણ તેને જાણ નથી, કોશલરાજા સાથે આપણે યુદ્ધ કરી રહ્યા છે તેની પણ જાણ નથી. અમે તેને આ બધી વાત કરી દઈએ?’
રાણીએ હા પાડી. પછી પુત્રને અલંકૃત કર્યો, સુંવાળા વસ્ત્રની ગાદી પર સૂવડાવીને મહેલની ઉત્તરે મંત્રીઓને સાથે રાખીને હસ્તિશાળામાં ગઈ. ત્યાં હાથીના પગ આગળ બોધિસત્ત્વને મૂકીને તે કહેવા લાગી,
‘સ્વામી, તમારા મિત્રનું મૃત્યુ થયું. તમારું હૃદય એ સાંભળીને ફાટી જશે એમ માનીને કશું કહ્યું ન હતું. આ તમારા મિત્રનો પુત્ર છે. કોશલરાજા નગરને ઘેરો ઘાલીને તમારા પુત્ર સામે લડી રહ્યો છે. સેના પીછેહઠ કરી રહી છે. હવે તમે કાં તો આ પુત્રને મારી નાંખો કાં તો રાજ્ય જીતીને આ પુત્રને આપો.’
તે સમયે હાથીએ બોધિસત્ત્વને સૂંઢ વડે ઊંચકીને માથા પર મૂક્યો. તે રડ્યો. પછી બોધિસત્ત્વને ઉતારી દેવીના હાથમાં સોંપ્યો અને કોશલરાજાને પકડવા હસ્તિશાળામાંથી બહાર નીકળ્યો.
મંત્રીઓ પણ કવચ ઉતારી, સજીધજીને દરવાજા ઉઘાડી હાથીની પાછળ પાછળ ચાલી નીકળ્યા. નગરમાંથી નીકળીને હાથીએ ક્રોધે ભરાઈને ગર્જના કરી. લોકોને બીવડાવીને ભગાડી દીધા. સેનાની દીવાલ તોડી કોશલ રાજાના કેશ પકડીને બોધિસત્ત્વના પગમાં ફંગોળ્યો. તે મારવા ગયો પણ તેને અટકાવ્યો. ‘હવે સાવધાન રહે. આ કુમાર બાળક છે એવું ન માનીશ.’ આમ કહીને તેને ઉત્સાહિત કર્યો.
તે દિવસથી સમગ્ર જંબુદ્વીપનું રાજ બોધિસત્ત્વના હાથમાં આવી ગયું. એકે શત્રુએ વિરોધ ન કર્યો.
સાત વર્ષની વયે બોધિસત્ત્વનો અભિષેક થયો. તે અલીનચિત્ત રાજાના નામે ઓળખાઈને મૃત્યુ પછી સ્વર્ગે સિધાવ્યો.