ભારતીયકથાવિશ્વ-૩/જાતકની કથાઓ/અસદિસ જાતક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અસદિસ જાતક

પ્રાચીન કાળમાં વારાણસી નગરીમાં રાજા બ્રહ્મદત્ત થઈ ગયા. તેમની રાણીના પેટે બોધિસત્ત્વે જન્મ લીધો. સારી રીતે જન્મેલા તે પુત્રનું નામ નામકરણના દિવસે રાખ્યું અસદિસ કુમાર. જે સમયે તે દોડતો થયો, ઠેકડા ભરતો થયો તે સમયે એક બીજા પુણ્યશાળીએ દેવીના ઘેરે જન્મ લીધો. સારી રીતે જન્મેલા તે કુમારનું નામ રાખ્યું બ્રહ્મદત્ત.

એ બંનેમાં જ્યારે કુમાર બોધિસત્ત્વ સોળ વરસના થયા ત્યારે તક્ષશિલાના પ્રસિદ્ધ આચાર્ય પાસેથી ત્રણ વેદ અને અઢાર વિદ્યા ગ્રહણ કરી. અસામાન્ય તીરંદાજી શીખીને તેઓ વારાણસી પાછા ફર્યા, પછી રાજાનું મૃત્યુ થયું. મરતી વખતે તેમણે કહ્યું, ‘અસદિસકુમારને રાજા બનાવજો અને બ્રહ્મદત્તકુમારને ઉપરાજા.’ આમ કહીને તે મૃત્યુ પામ્યા. તેમના મૃત્યુ પછી બોધિસત્ત્વનો રાજ્યાભિષેક કરવાની તૈયારી થઈ, પણ તેમણે રાજ્યનો અસ્વીકાર કર્યો, ‘મારે રાજ્ય નથી જોઈતું.’ બ્રહ્મદત્તનો રાજ્યાભિષેક થયો. બોધિસત્ત્વે કહ્યું, ‘મારે આ નથી જોઈતું. મારે કોઈ ચીજની ઇચ્છા નથી.’ નાના ભાઈના રાજ્યકાળમાં બોધિસત્ત્વ સાધારણ ઢંગથી જ રહેવા લાગ્યા.

નોકરચાકરોએ રાજાને કૂથલી કરી. ‘બોધિસત્ત્વને તો રાજા થવું છે.’ રાજાનું મન બોધિસત્ત્વ વિરુદ્ધ થઈ ગયું. રાજાએ સેવકો પર વિશ્વાસ મૂક્યો અને તેના મનમાં શંકા-કુશંકા ઘેરી વળી.

બોધિસત્ત્વના કોઈ હિતેચ્છુએ તેમને સાવધાન કર્યા. ભાઈ પર ક્રોધે ભરાઈને બોધિસત્ત્વ કોઈ બીજા રાજ્યમાં ચાલ્યા ગયા. ત્યાં રાજદ્વારે જઈને કહેવડાવ્યું કે કોઈ ધનુર્ધારી આવ્યો છે. રાજાએ પૂછ્યું, કેટલો પગાર લેશો? બોધિસત્ત્વે કહ્યું, વર્ષે એક લાખ. રાજાએ હા પાડી. તે પાસે આવ્યા એટલે રાજાએ પૂછ્યું.

‘તું ધનુર્ધારી છે?’

‘હા, મહારાજ.’

‘એમ? તો મારી સેવા કર.’

ત્યારથી તે રાજાની સેવામાં જોડાયો. તેમને જે પગાર મળતો હતો તે જૂના ધનુર્ધારીઓને ખૂંચ્યો, ‘આને વધુ પગાર મળે છે.’

એક દિવસ રાજા ઉદ્યાનમાં ગયા. ત્યાં મંગલ શિલા શય્યા પાસે કનાત બંધાવી આંબા નીચે બેઠા. ઉપર દૃષ્ટિ કરી તો એક કેરી જોઈ. આ કેરી ઝાડ પર ચઢીને લઈ શકાશે નહીં. એટલે તેણે ધનુર્ધારીઓને બોલાવીને પૂછ્યું, ‘શું આ કેરી તીર ચલાવીને પાડી શકાય.’

‘મહારાજ, આ અમારે માટે અઘરું કામ નથી. પરંતુ મહારાજ, અમારી કુશળતા તો તમે ઘણી વાર જોઈ છે. જે નવો ધનુર્ધારી આવ્યો છે, તેને અમારા કરતાંય વેતન વધારે મળે છે. એની પાસે કેરી પડાવો.’

રાજાએ બોધિસત્ત્વને બોલાવીને પૂછ્યું, ‘ભાઈ, તું આ કેરી પાડી શકે?’

‘હા, મહારાજ. થોડી જગ્યા મળે તો પાડી શકું.’

‘કેટલી જગા જોઈએ?’

‘જ્યાં તમારી શય્યા છે ત્યાં.’

રાજાએ શય્યા હટાવીને જગા કરી આપી. બોધિસત્ત્વ હાથમાં ધનુષ રાખતા ન હતા. તે વસ્ત્રોની નીચે સંતાડીને રાખતા હતા. એટલે કહ્યું, ‘કનાત જોઈશે.’ રાજાએ ભલે કહીને કનાત મંગાવીને બંધાવી આપી. બોધિસત્ત્વ કનાતની અંદર જતા રહ્યા. ત્યાં જઈને પહેરેલું શ્વેત વસ્ત્ર ઉતારી લાલ કપડું પહેર્યું, કાછડો વાળ્યો, થેલીમાંથી તલવાર કાઢી ડાબે પડખે બાંધી. સોનેરી ખેસ કમરે વીંટાળી, ઘેટાના શિંગડામાંથી બહાર કાઢી તે જ તીરને આજુબાજુ ઘુમાવી કનાતના બે ટુકડા કરી જાણે ધરતી ચીરીને નાગ બહાર આવ્યો હોય એમ નીકળ્યા. પછી બોધિસત્ત્વે તીર ચલાવવાની જગ્યાએ પહોંચીને રાજાને કહ્યું.

‘મહારાજ, આ કેરીને ઉપર જનારા તીરથી વીંધનારા તો બહુ જોયા છે પણ નીચે જનારા તીરથી વીંધનારા જોયા નથી.’

‘તો નીચે જનારા તીરથી જ વીંધી બતાવ.’

‘મહારાજ, આ તીર દૂર દૂર જશે. ચાતુર્મહારાજિક ભવન સુધી જઈને નીચે આવશે. એ નીચે આવે ત્યાં સુધી તમારે રાહ જોવી પડશે.’

રાજાએ ‘સારું’ કહીને તેની વાત માની લીધી.

બોધિસત્ત્વે ફરી કહ્યું, ‘મહારાજ, આ તીર ઉપર જતી વખતે કેરીની દાંડીને વચ્ચેથી છેદી નાંખશે અને નીચે ઊતરીને કેશાગ્રભાગ આમતેમ ન થાય અને નિશ્ચિત જગાએ વીંધી કેરી લઈને નીચે ઊતરશે. મહારાજ, જુઓ ત્યારે.’

પછી બોધિસત્ત્વે તાકીને તીર માર્યું, તે કેરીની દાંડીને વચ્ચેથી છેદીને ઉપર ગયું. બોધિસત્ત્વે માની લીધું કે હવે આ તીર ચાતુર્મહારાજિક ભવન સુધી પહોંચી ગયું હશે. પછી પહેલા તીરથી પણ વધારે ઝડપથી બીજું તીર માર્યું. તે તીર પહેલા છોડેલા તીરની પાંખમાં લાગ્યું અને એને પાછું વાળીને પોતે તાવતિંસ ભવને પહોંચી ગયું. ત્યાં દેવતાઓએ હાથ વડે ઝાલી લીધું. જે તીર પાછું આવી રહ્યું હતું તે હવાને વીંધતી વખતે વીજગર્જના જેવો અવાજ કરતું હતું.

લોકોએ પૂછ્યું, ‘આ શાનો અવાજ છે?’

બોધિસત્ત્વે કહ્યું, ‘આ તીરના પાછા ફરવાનો અવાજ છે.’

લોકોને બીક લાગી કે રખેને કે એ તીર અમારામાંથી કોઈના માથા પર ન પડે. બોધિસત્ત્વે તેમને આશ્વાસન આપ્યું, ‘તીરને હું જમીન પર પડવા નહીં દઉં.’

નીચે આવી રહેલા તીરે વાળ જેટલુંય આમ તેમ થયા વિના નિશ્ચિત સ્થાને પહોંચીને કેરી તોડી. બોધિસત્ત્વે તીર અને કેરી જમીન પર પડવા ન દીધાં. આકાશમાં જ અધ્ધર અટકાવી એક હાથમાં તીર અને બીજા હાથમાં કેરી પકડી લીધાં.

લોકો અચરજ પામી ગયા. આવું તો અમે ક્યારેય જોયું નથી. એમ કહી બધા બોધિસત્ત્વની વાહવાહ કરવા લાગ્યા, તાળીઓ પાડી, હર્ષનાદ કર્યો. હજારો વસ્ત્રોને ઉછાળવા લાગ્યા. સંતુષ્ટચિત્ત રાજ્યપરિષદે બોધિસત્ત્વને એક કરોડ જેટલું ધન આપ્યું. રાજાએ પણ ધનવર્ષા કરી, તેની ખૂબ જ પ્રશંસા કરી.

આમ બોધિસત્ત્વ ત્યાં રહ્યા એટલે સાત રાજાઓને જાણ થઈ કે હવે અસદિસકુમાર વારાણસીમાં નથી. એટલે તેમણે વારાણસીને ઘેરો ઘાલ્યો અને કહેવડાવ્યું, ‘કાં તો રાજ્ય સોંપી દો, કાં તો યુદ્ધ કરો.’ રાજાને મૃત્યુ નજીક લાગ્યું, પૂછ્યું, ‘અત્યારે મારો ભાઈ ક્યાં છે?’

‘એક સામન્ત રાજાને ત્યાં છે.’

તેણે દૂત મોકલ્યા, ‘જો ભાઈ નહીં આવે તો મારું મરણ નક્કી છે. એટલે તમે મારા વતી તેમના ચરણોમાં પ્રણામ કરજો, તેમની ક્ષમા માગીને અહીં તેમને લઈ આવો.’

તેમણે જઈને બોધિસત્ત્વને બધી વાત કહી. બોધિસત્ત્વે ત્યાંના રાજાની સંમતિ લઈને વારાણસી પહોંચી ભાઈને આશ્વાસન આપ્યું. પછી એક તીર પર લખ્યું: હું અસદિશકુમાર આવી ગયો છું. બીજા તીર પર લખ્યું: બધાને મોતને ઘાટ ઉતારીશ. જેમને જીવ વહાલો હોય તે ભાગી જાય.’ એ તીર અગાસી પર ચઢીને ફંગોળ્યું, જ્યાં સાતેય રાજાઓ ભોજન કરી રહ્યા હતા ત્યાં જઈને બરાબર સોનાની થાળીમાં જઈને એ પડ્યું. તે વાંચીને મૃત્યુમાંથી બચવા તે બધા નાસી ગયા.

આમ બોધિસત્ત્વે નાનકડો મચ્છર જેટલું લોહી પીએ તેટલું પણ લોહી રેડ્યા વિના સાતેય રાજાને નસાડી મૂક્યા. પછી તે નાના ભાઈને મળ્યા. વિલાસી જીવન ત્યજીને ઋષિઓ પાસેથી પ્રવજ્યા લીધી. આયુષ્યના અંતે તેઓ બ્રહ્મલોકમાં ગયા.