ભારતીયકથાવિશ્વ-૩/જાતકની કથાઓ/આસંક જાતક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આસંક જાતક

પ્રાચીન કાળમાં વારાણસીમાં બ્રહ્મદત્ત રાજા થઈ ગયા. તે વેળા બોધિસત્ત્વ કાશી પાસે એક બ્રાહ્મણ કુળમાં જન્મ્યા. મોટા થઈને તક્ષશિલા જઈને અનેક વિદ્યાઓ શીખ્યા, પછી ઋષિએ પ્રવજ્યા લીધી, વનનાં ફળફળાદિ ખાઈને બધી સમાપત્તિઓ પ્રાપ્ત કરીને હિમાલય વિસ્તારમાં રહેવા લાગ્યા.

તે સમયે એક પુણ્યશાળી જીવ સ્વર્ગમાંથી પતન પામી એક કમળસરોવરના કમળમાં કન્યા રૂપે જન્મ્યો. બીજાં બધાં કમળ ખરી પડતાં હતાં. પણ તે કમળ વિશાળ બનીને ટકી રહ્યું. ઋષિ જ્યારે સ્નાન કરવા કમળસરોવરે આવ્યા ત્યારે જોયું — બીજાં બધાં કમળ ખરી પડ્યાં હતાં અને એક કમળ ત્યાં ટકી રહેલું હતું. તેમણે વિચાર્યું, શું કારણ હશે? નહાવા માટેનું વસ્ત્ર પહેરી પાણીમાં ઊતર્યા. અને કમળની પાંદડીઓ ખોલી તો તેમાં એક કન્યા નજરે પડી. તેને પોતાની પુત્રી માનીને કુટીરમાં તે લઈ આવ્યા અને તેનું પાલનપોષણ કરવા લાગ્યા.

સોળ વર્ષની વયે તે અત્યંત સ્વરૂપવાન હતી — મનુષ્ય અને દેવની વચ્ચેની લાગતી હતી. તે વેળા ઇન્દ્ર બોધિસત્ત્વની સેવામાં આવતા હતા. કન્યાને જોઈને તેમણે પૂછ્યું, ‘આ ક્યાંથી આવી?’ પછી કેવી રીતે એ કન્યા મળી તેની વિગતો જાણી, ‘આને માટે શું જોઈએ?’

‘એને રહેવા માટે સ્ફટિકનો મહેલ, દિવ્ય શયનાગાર, દિવ્ય વસ્ત્રાલંકાર, દિવ્ય ખાણીપીણીની વ્યવસ્થા કરો.’

આ સાંભળી ‘ભલે’ કહી તે કન્યા માટે ઇન્દ્રે સ્ફટિક મહેલ, દિવ્ય શયનાગાર, દિવ્ય વસ્ત્રાલંકાર, દિવ્ય ભોજન-પાનની વ્યવસ્થા કરી.

તે મહેલ તેને ચઢવાના સમયે જમીન પર નીચે આવતો અને તે ચઢી જાય ત્યારે આકાશમાં અધ્ધર રહેતો. બોધિસત્ત્વની સેવા કરતી તે કન્યા મહેલમાં રહેતી હતી. એક આદિવાસીએ તેને જોઈને પૂછ્યું, ‘આ કન્યા તમારી શું થાય?’

‘મારી પુત્રી થાય.’

તે આદિવાસીએ વારાણસીના રાજાને ખબર મોકલાવી, ‘દેવ, એક તપસ્વીને ત્યાં મેં એક સુંદર કન્યા જોઈ છે.’

આ સાંભળીને રાજા આસક્ત થઈ ગયો. તે આદિવાસીને માર્ગદર્શક બનાવીને ચતુરંગિણી સેના સાથે ત્યાં પહોંચ્યો. તેણે ત્યાં ડેરાતંબૂ તાણ્યા અને પેલા આદિવાસી તથા મંત્રીઓને લઈને આશ્રમમાં ગયો. બોધિસત્ત્વને પ્રણામ કરીને કહ્યું, ‘સ્ત્રીઓ બ્રહ્મચર્ય માટે મળ સ્વરૂપ છે. તમારી પુત્રીને હું સાચવીશ.’

‘આ કમળમાં શું છે?’ એવી આશંકા કરીને બોધિસત્ત્વ પાણીમાં ઊતરીને તે કન્યા લઈ આવ્યા હતા. એટલે તેનું નામ તેમણે આશંકા રાખ્યું હતું. બોધિસત્ત્વે કહ્યું, ‘જો આ કન્યાનું નામ જાણતા હો તો તેને લઈ જાઓ.’

રાજાએ કહ્યું, ‘ભગવન્, તમે બતાવો તો. મને ખબર પડશે.

‘હું નહીં કહું. તમે તમારી બુદ્ધિથી એનું નામ જાણો અને તેને લઈ જાઓ.’

રાજાએ ‘ભલે’ કહીને તેમની વાત માની. મંત્રીઓની સાથે મળીને વિચારવા લાગ્યો. શું નામ એનું હશે? અસાધારણ નામો લઈને બોધિસત્ત્વને કહેતા, ‘આ નામ, તે નામ.’

બોધિસત્ત્વે કહ્યું, ‘ના, આમાંનું એકે નથી.’

આમ નામનો વિચાર કરતાં કરતાં એક વરસ વીતી ગયું. સિંહ વગેરે જંગલી પ્રાણીઓ હાથી, ઘોડા, માણસોને મારી નાખતા હતા. સાપ હેરાન કરવા લાગ્યા. મધમાખો ત્રાસ આપવા લાગી. વધુ ઠંડીને કારણે ઘણા માણસોનાં મૃત્યુ થયાં. હવે રાજાને ક્રોધ થયો. ‘મારે શું’ બોધિસત્ત્વને કહીને તે ચાલતો થયો.

આશંકા તે દિવસે સ્ફટિકબારી ખોલીને ઊભી હતી, રાજાએ કહ્યું, ‘અમે તારું નામ જાણી ન શક્યા. તું હિમાલયમાં જ રહે. અમે તો હવે ચાલ્યા.’

‘મહારાજ, મારા જેવી સ્ત્રી ક્યાંથી મળશે? મારી વાત સાંભળો. દેવલોકમાં, ચિત્તલતાવનમાં, આશાવલી નામની વેલ થાય છે. તેના ફળનો દિવ્ય રસ નીકળે છે. એને એક વાર પીને ચાર મહિના દિવ્ય શય્યા પર સૂઈ રહેવાનું. હજાર વર્ષે એક વાર તે ફળે છે. સુરાપ્રેમી દેવપુત્રો ‘અહીંથી ફળ મળશે’ એવી આશા રાખીને તરસ વેઠીને હજાર વર્ષ રાહ જુએ છે — વેલ બરાબર તો છે ને? તમે તો એક જ વર્ષમાં કંટાળી ગયા. આશા ફળે તો સુખ સાંપડે. અકળાઈ ન જાઓ. ચિત્તલતાવનમાં આશાવતી વેલ થાય છે. હજાર વર્ષે ફળે, એટલા બધા સમયે ફળતી હોવા છતાં દેવતા એની સેવા કર્યા કરે છે.’

રાજાએ કન્યાની વાત સાંભળીને મંત્રીઓને એકઠા કરીને ફરી દસ દસ નામો વિચાર્યાં. આમ નામ શોધતાં શોધતાં ફરી એક વર્ષ વીતી ગયું. એમાંનું એકે નામ સાચું ન હતું. બોધિસત્ત્વે નામ સાંભળીને ના પાડી. રાજાએ ફરી વિચાર્યું જવા દો, મારે શું અને ઘોડા પર બેસીને ચાલી નીકળ્યો.

તે કન્યા ફરી બારી પાસે ઊભી રહી. રાજાએ તેને જોઈને કહ્યું, ‘તું અહીં રહે. અમે તો આ ચાલ્યા.’

‘મહારાજ, કેમ જાઓ છો?’

‘તારું નામ નથી જાણી શક્યો.’

‘મહારાજ, શું નામ નહીં જાણી શકો? આશા અમર છે. મારી વાત સાંભળો. એક બગલો પર્વતના શિખરે હતો. તેની ઇચ્છા પાર પડી. તમારી ઇચ્છા કેમ પૂરી નહીં થાય? મહારાજ ધીરજ ધરો. બગલો એક કમળસરોવર પરથી શિકાર લઈને પર્વત પર જઈ બેઠો. તે દિવસે ત્યાં જ રહ્યો. બીજે દિવસે તેણે વિચાર્યું, ‘આજે હું આ પર્વત શિખરે બેઠો છું. અહીંથી ઊતરું જ નહીં અને અહીં બેઠા બેઠા જ શિકાર કરું, પાણી પી, આજે અહીં જ રહું તો મારે માટે કેટલું સારુ! તે દિવસે દેવરાજ ઇન્દ્રે અસુરો પર વિજય મેળવ્યો હતો. ઇન્દ્રે પોતાના ભવનમાં ઐશ્વર્ય પ્રાપ્ત કરીને વિચાર્યું, ‘મારી ઇચ્છા પૂરી થઈ. જેની ઇચ્છા પૂરી ન થઇ હોય એવું કોઈ છે?’ તેમણે ધ્યાન ધરીને પેલા બગલાને જોયો, ‘એની ઇચ્છા હું પૂરી કરીશ.’ એવો નિર્ધાર કર્યો. બગલો જ્યાં બેઠો હતો ત્યાં એક નદી હતી. એ નદીમાં પુર પેદા કરીને પર્વતશિખર સુધી નદીને પહોંચાડી. બગલાએ ત્યાં બેઠા બેઠા જ માછલીઓ ખાધી. પાણી પીધું અને એમ તે દિવસ વીતાવી દીધો. પછી પાણી ઊતરી ગયું. મહારાજ, જો બગલાની આશા પૂરી થઈ તો તમારી નહીં થાય? રાજન્, આશા ગુમાવતા નહીં. તે ફળે ત્યારે સુખદાયક હોય છે. તે પક્ષી આશા રાખીને બેઠું હતું, એટલી બધી દૂર દૂરની આશા પણ પૂરી થઈ. રાજન્, આશા રાખો, તે ફળે ત્યારે સુખદાયક હોય છે.’

રાજા તેની વાત સાંભળીને તેના રૂપના તેજે અંજાઈને, તેની વાતોમાં આવીને ત્યાંથી જઈ ન શક્યો. મંત્રીઓને બોલાવીને અનેક નામો વિચાર્યાં, સો સો નામો વિચારવામાં ફરી એક વર્ષ વીતી ગયું. બોધિસત્ત્વ પાસે જઈને એ સો નામોમાંથી આ નામ — તે નામ — એમ કહ્યું.

‘મહારાજ, તમે નામ નથી જાણતા.’

‘તો અમે હવે જઈએ છીએ.’ એમ કહી પ્રણામ કરીને ચાલી નીકળ્યા.

આશંકા ફરી બારી આગળ ઊભી રહી. રાજાએ તેને જોઈને કહ્યું, ‘તું રહે, અમે તો જઈએ છીએ.’

‘કેમ મહારાજ?’

‘તું મને વાણીથી સંતોષ આપે છે. અનંગરતિથી નહી. તારી મધુર વાણીના મોહમાં મને ત્રણ વર્ષ વીતી ગયાં. હવે જઈશ. તું વાણીથી તૃપ્ત કરવા માગે છે, કર્મથી નહીં. તું કોઈ એવા ફૂલની માળા જેમાં રૂપ હોય, સુગંધ નહી. જે મિત્રોને નિષ્ફળ વાણી વચન કહે છે, પણ કશું આપે નહીં, કશો ત્યાગ ન કરે, તેની મૈત્રી તૂટી જાય છે. જે કાર્ય ન કરે, જે બોલ્યા જ કરે તેને પંડિતો ઓળખી કાઢે છે. મારી સેના ઓછી થઈ ગઈ છે, મારી પાસે હવે નાણાં પણ નથી. મને મારો જીવ જવાની આશંકા રહે છે. હવે હું જાઉં છું.’

આશંકા રાજાની વાત સાંભળીને બોલી, ‘મહારાજ, તમે મારું નામ જાણો છો. તમે જે બોલ્યા તે જ મારું નામ છે. આ નામ મારા પિતાને કહી મને સાથે લઈને જાઓ. રાજન્, આ જ તો મારું નામ છે. પ્રતીક્ષા કરો. હું મારા પિતાને બોલાવું છું.’

આ સાંભળી રાજા બોધિસત્ત્વ પાસે ગયો અને તેમને પ્રણામ કરી બોલ્યો, ‘તમારી પુત્રીનું નામ આશંકા છે.’

બોધિસત્ત્વે કહ્યું, ‘હવે જ્યારે નામ જાણી લીધું છે ત્યારે તેને લઈને જાઓ.’

આ સાંભળી રાજાએ બોધિસત્ત્વને પ્રણામ કર્યાં. સ્ફટિક મહેલના દ્વારે પહોંચીને કહ્યું, ‘આજે તારા પિતાએ તને સોંપી દીધી. ચાલ જઈએ.’

એમ સાંભળી તે બોલી, ‘રાજન્, રાહ જુઓ. હું મારા પિતાને મળી લઉં.’ તે મહેલમાંથી ઊતરી, પિતાને પ્રણામ કર્યાં, ક્ષમા યાચી રાજા પાસે આવી. રાજા તેને લઈને વારાણસી આવ્યો, પુત્રપુત્રીઓ સાથે સમૃદ્ધ થયો. બોધિસત્ત્વ ધ્યાનમગ્ન રહી બ્રહ્મલોકમાં પહોંચ્યા.