ભારતીયકથાવિશ્વ-૩/જાતકની કથાઓ/વ્યગ્ધ જાતક
પ્રાચીન કાળમાં વારાણસી નગરીમાં બ્રહ્મદત્ત રાજા થઈ ગયા. તે સમયે બોધિસત્ત્વ એક વનમાં વૃક્ષદેવતા તરીકે જન્મ્યા. તેમના સ્થળેથી થોડે દૂર એક મોટા વનમાં બીજા વૃક્ષદેવતા હતા. તે વનમાં સિંહ અને વાઘ રહેતા હતા. તેમના ભયથી કોઈ મનુષ્યો ત્યાં આવતા ન હતા. કોઈ ખેતી કરતું ન હતું, કોઈ વૃક્ષ કાપતું ન હતું. ત્યાં ઊભા રહીને કોઈ જોઈ પણ શકતું ન હતું. સિંહ અને વાઘ જાતજાતનાં પ્રાણીઓનો શિકાર કરતા હતા, અને જે કંઈ વધે તે ત્યાં જ છોડીને જતા રહેતા હતા. એને કારણે તે વનમાં દુર્ગંધ વરતાવા લાગી.
બીજા વૃક્ષદેવતા દૃષ્ટિહીન, મૂર્ખ, કારણ-અકારણ ન જાણતા ન હતા, તેમણે એક દિવસ બોધિસત્ત્વને કહ્યું, ‘મિત્ર, આ સિંહ અને વાઘને કારણે આપણું આ વન દુર્ગંધમય બની ગયું છે. હું આ વાઘસિંહને ભગાડી મૂકું.’
બોધિસત્ત્વે કહ્યું, ‘મિત્ર, આ વાઘ-સિંહને કારણે આપણું વન સુરક્ષિત છે. એ જતા રહેશે તો આપણું બધું નાશ પામશે. સિંહવાઘનાં પગલાં નહીં દેખાય તો માનવીઓ આખું વન કાપી નાખી મેદાન બનાવી દેશે. ખેતી કરશે, તને પછી એ સારું નહીં લાગે. કહી ઉમેર્યું, ‘જે મિત્રના સંપર્કથી કલ્યાણ વિનાશ પામે તેના દ્વારા પ્રભાવિત થઈ પોતાના યશ વગેરેની રક્ષા આંખની જેમ કરવી. જે મિત્રના સંપર્કથી કલ્યાણ વધે, બધાં કાર્યોમાં પંડિત તેની સાથે પોતાની જાત જેવો વર્તાવ કરે.’
આમ બોધિસત્ત્વે કહેલી સાચી વાત સાંભળ્યા પછી પણ તે મૂર્ખ વનદેવતાએ એક દિવસ ભૈરવરૂપ દેખાડીને તે સિંહ-વાઘને ભગાડી મૂક્યા. માનવીઓએ એમનાં પગલાંના નિશાન ન જોયાં, વાઘસિંહ બીજા વનમાં ચાલ્યા ગયા. એટલે વનનો એક ભાગ કાપી નાખ્યો. દેવતાએ બોધિસત્ત્વ પાસે આવીને કહ્યું, ‘મિત્ર, મેં તારી વાત ન માનીને વાઘસિંહને ભગાડી મૂક્યા. હવે તેમને જતા રહેવાની ખબર માનવીઓને પડી, તેઓ વન કાપે છે, શું કરવું?’
‘વાઘસિંહ જ્યાં અત્યારે રહે છે તેમને પાછા લઈ આવો.’
ત્યાં જઈને તે દેવતાએ હાથ જોડીને કહ્યું,‘ હે વાઘ લોક, ચાલો પાછા. ફરી વનમાં આવો. વાઘ વિનાના વનને લોકો કાપે નહીં, વાઘ પણ વન વિના ન રહે.’
દેવતાએ આવી યાચના કરી તો પણ તેમણે કહ્યું, ‘તમે જતા રહો. અમે નહીં આવીએ.’ તેમને પાછા આવવાની ના પાડી. દેવતા ખાલી હાથે પાછા આવ્યા. લોકો થોડા જ દિવસોમાં વન કાપીને ત્યાં ખેતી કરવા લાગ્યા.