ભારતીયકથાવિશ્વ-૩/જાતકની કથાઓ/ગામણીચંડ જાતક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગામણીચંડ જાતક

પ્રાચીન કાળમાં વારાણસીમાં જરાસંધ નામે રાજા થઈ ગયા. બોધિસત્ત્વે તેમની પટરાણીના પેટે જન્મ લીધો. તેમનું મોં સોનેરી કાચ જેવું સ્વચ્છ હતું, તે અતિ સુંદર હતા. નામકરણના દિવસે તેમનું નામ આદાસમુખ કુમાર રાખવામાં આવ્યું. તે સાત વરસના થયા ત્યાં સુધીમાં તેમના પિતાએ ત્રણ વેદ, લોકમાં કર્તવ્ય-અકર્તવ્યનો બોધ વગેરે શીખવાડ્યા અને પછી તેમના પિતાનું મૃત્યુ થયું. મંત્રીઓએ સમ્માનપૂર્વક તેમની ઉત્તરક્રિયા કરી, તેમની પાછળ દાનપુણ્ય કર્યાં, સાતમા દિવસે રાજમહેલના આંગણે એકઠા થઈને વિચાર્યું, કુમાર બહુ જ નાના છે. તેમનો રાજ્યાભિષેક કરી ન શકાય. તેમની પરીક્ષા લઈને પછી અભિષેક કરીશું.

એક દિવસ નગરમાં સુશોભન કર્યું, ન્યાયમંદિરને સજાવ્યું, રાજસંહાિસન ગોઠવ્યું, કુમારની પાસે જઈને મંત્રીઓએ કહ્યું, ‘દેવ, ન્યાયમંદિરે જઈએ.’

કુમારે હા પાડી. ઘણા લોકોથી ઘેરાયેલા કુમાર સંહાિસન પર બેઠા. તે દરમિયાન મંત્રીઓ બે પગે ચાલતા એક વાનરને વાસ્તુવિદ્યાચાર્યનો વેશ પહેરાવીને લઈ આવ્યા. તેમણે કહ્યું, ‘દેવ, આ માણસ તમારા પિતાજીના સમયનો વાસ્તુવિદ્યાચાર્ય છે. તેની વિદ્યામાં તે નિપુણ છે. ભૂમિની છેક અંદરના દોષ પણ તે પારખી શકે છે. રાજમહેલ ક્યાં બનાવવો જોઈએ તે સ્થળ પણ તે નક્કી કરી શકે છે. એની સેવાઓનો આપણે ઉપયોગ કરીએ. એ પદ પર એને બેસાડીએ.’

કુમારે તેને નખશિખ જોયો, પછી ખ્યાલ આવી ગયો કે તે મનુષ્ય નહીં પણ વાનર છે. વાનરો કર્યાકારવ્યા પર પાણી ફેરવી દે છે. નવું કશું બનાવવું કે તેનો વિચાર કરવો તેમને આવડતું નથી. તેમણે મંત્રીઓને કહ્યું, ‘આ માણસ ગૃહનિર્માણમાં નિપુણ નથી. આ વાનરજાતિ અતિ લોલુપ હોય છે. તે લોકો કર્યુંકારવ્યું ધૂળમાં મેળવી જાણે છે.’

મંત્રીઓએ કહ્યું, ‘ભલે.’ પછી તેને રવાના કરીને એકબે દિવસ પછી એ જ વાનરને સુશોભિત કરીને ન્યાયમંદિરમાં લાવ્યા. અને તેમણે કહ્યું, ‘દેવ, આ તમારા પિતાજીના સમયમાં ન્યાયાધીશ હતા. તેઓ ન્યાયસૂત્ર જાણે છે. તેમની સેવાઓનો આપણે લાભ લઈએ.’

કુમારે તેને જોયો. વિચારવાન માનવીના કેશ આવા નથી હોતા. આ વિચારશૂન્ય વાનર છે. તેમણે કહ્યું, ‘આના કેશ કોઈ વિચારકના નથી. તે શાસન કરવા યોગ્ય નથી. મારા પિતાએ તો કહ્યું હતું કે તેને કશું આવડતું નથી.’

મંત્રીઓ બોધિસત્ત્વની વાત માનીને તેને ત્યાંથી લઈ ગયા. ફરી એક દિવસ તેઓ તેને સજાવીને ન્યાયમંદિરમાં લઈ આવ્યા અને કહેવા લાગ્યા, ’આ વ્યક્તિ તમારા પિતાજીના સમયમાં માતાપિતાની સેવા કરનારી, કુટુંબના બીજા વડીલોનો આદર કરનારી હતી. આપણે તેમની સેવાઓનો લાભ લેવો જોઈએ.’

કુમારે તેની સામે જોયું. વાનરજાતિ ચંચળ હોય છે. આ પ્રકારનાં કામ તેઓ કરી શકતા નથી એમ વિચારી તેમણે કહ્યું, ‘મારા પિતાએ શીખવાડ્યું છે કે આ પ્રકારનો માણસ માતાપિતા, ભાઈબહેનનું ભરણપોષણ ન કરી શકે.’

મંત્રીઓએ ‘ભલે’ કહીને તે વાનરને કાઢી મૂક્યો. કુમાર પંડિત છે, રાજ્ય સંભાળી શકશે એમ વિચારીને બોધિસત્ત્વનો રાજ્યાભિષેક કર્યો અને ઢંઢેરો પિટાવ્યો કે હવેથી આદાસમુખની આજ્ઞાનું પાલન થશે. બોધિસત્ત્વે ધર્માનુસાર રાજ્ય કર્યું, તેમની પ્રતિભા સમગ્ર જંબુદ્વીપમાં ફેલાઈ ગઈ.

બોધિસત્ત્વનો રાજ્યાભિષેક થયો ત્યારે જરાસંધ રાજાના એક જૂના સેવક ગામણીચંડે વિચાર્યું, ‘આ રાજ્ય સરખી વયના લોકોને શોભા આપે છે. હું વૃદ્ધ થઈ રહ્યો છું. હવે હું નાના રાજકુમારની સેવા નહીં કરી શકું. ગામમાં જઈને ખેતી કરું. તે નગરથી બે યોજન દૂરના એક ગામમાં રહેવા લાગ્યો. પણ ખેતી કરવા તેની પાસે બળદ ન હતા. વરસાદ પડ્યો એટલે તેણે એક મિત્ર પાસે બે બળદ માગ્યા. આખો દિવસ હળ ચલાવ્યું. બળદોને ઘાસચારો ખવડાવ્યો અને પછી બળદના માલિકને ત્યાં બળદ સોંપવા ગયો. તેનો મિત્ર તે વેળા પોતાની પત્ની સાથે ભોજન કરી રહ્યો હતો. બળદ તો આદત પ્રમાણે ઘરમાં પેસી ગયા. તે પેઠા એટલે મિત્રે પોતાની થાળી ઊંચકી લીધી, તેની પત્નીએ પણ થાળી હટાવી. રખે ને મને ભોજન કરવા બેસાડી દે એમ વિચારી ગામણીચંડ તો બળદની સોંપણી કર્યા વિના જ પોતાને ઘેર ચાલ્યો ગયો.

રાતે ત્યાં ચોર આવ્યા. બળદ બાંધવાની જગાએ પેસીને બળદ ઉઠાવી ગયા. ચોર બળદ લઈ ગયા છે એ વાત મિત્ર જાણતો હતો તે છતાં તેણે વિચાર્યું, હવે હું ગામણીચંડના ગળે પડું. તેની પાસે જઈને તે બોલ્યો,

‘અરે મારા બળદ આપ.’

‘શું બળદ ઘરમાં પેઠા ન હતા?’

‘તેં સીધી સોંપણી મને કરી હતી?’

‘ના.’

‘તો આ તારો રાજદૂત.’

એ પ્રદેશમાં એવો નિયમ હતો કે કોઈ કાંકરો-ઠીંકરું લઈને કહે કે ‘આ તારો રાજદૂત’ અને પછી જો કોઈ ન જાય તો રાજા તેને દંડતો હતો. એટલે ‘દૂત’ સાંભળીને તે મિત્રની સાથે ચાલી નીકલ્યો.

તેઓ રાજદરબારમાં જઈ રહ્યા હતા, રસ્તે એક મિત્રનું ઘર આવતું હતું. એટલે ‘મને બહુ ભૂખ લાગી છે. ગામમાં જઈને ભોજન કરી આવું, ત્યાં સુધી મારી રાહ જોજો.’ એમ કહી ગામણીચંડ ગયો. તેનો મિત્ર ઘરે ન હતો. મિત્રપત્નીએ કહ્યું, ‘રાંધેલું તો નથી. થોડી વાર રાહ જુઓ. હમણાં જ રાંધી આપું છું.’ તે ચોખા કાઢવા વગર સીડીએ ઉપર ચઢી અને નીચે પડી ગઈ. તેનો સાત માસનો ગર્ભ સરી ગયો. તરત જ તેના પતિએ આવીને ગામણીચંડને કહ્યું, ‘તેં મારી પત્નીને પટકીને તેનો ગર્ભ પાડી નાખ્યો છે. આ તારો રાજદૂત.’ તે એને લઈને નીકળ્યો. હવે બે જણ ગામણીને સાથે રાખીને ચાલી નીકળ્યા.

રસ્તામાં એક ગામ આવ્યું. ત્યાં એક ઘોડાનો રખેવાળ ઘોડાને રોકી શકતો ન હતો. ગામણીને જોઈને રખેવાળે કહ્યું, ‘મામા, આ ઘોડાને કોઈ પણ વસ્તુ વડે મારીને તેને રોકો.’ તેણે એક પથ્થર ઉઠાવીને માર્યો. ઘોડાનો પગ બરુની લાકડીની જેમ ભાંગી ગયો. ‘તેં ઘોડાનો પગ ભાંગી નાખ્યો. આ તારો રાજદૂત’ એમ કહીને તેને પકડ્યો. ત્રણ માણસો તેને લઈ જતા હતા ત્યારે ગામણીચંડ વિચારવા લાગ્યો. ‘આ લોકો મને રાજા સામે ઊભો રાખશે. હું બળદોની કંમિત ચૂકવી નથી શકવાનો. તો પછી ગર્ભપાતદંડ અને ઘોડાની કંમિત ક્યાંથી ચૂકવીશ? એટલે મારે માટે આત્મહત્યા જ કલ્યાણકારક છે.’ રસ્તે ચાલતાં ચાલતાં તેણે એક ધોધવાળો પર્વત જોયો. એ પર્વતની તળેટીમાં કોઈ પિતાપુત્ર ચટાઈ વણતા હતા. ગામણીચંડે કહ્યું, ‘મારે શૌચ જવું છે, તમે અહીં ઊભા રહો. હું આવું છું.’ કહી તે પર્વત પર ચડ્યો અને ધોધ તરફ પડ્યો. પણ વણાટ કરી રહેલા પેલા પિતાની પીઠ પર પડ્યો. તે તો તરત મૃત્યુ પામ્યો. ગામણી ઊભો થઈ ગયો. પેલા પુત્રે ‘તું મારા પિતાની હત્યા કરનારો છે. આ તારો રાજદૂત’ એમ કહી તેનો હાથ પકડ્યો.

‘આ શું? ’

‘આ મારા પિતાનો હત્યારો છે.’

એમ કરતાં હવે ચાર જણ ગામણીને વચ્ચે રાખીને ચાલી નીકળ્યા.

બીજા એક ગામમાં મુખીએ ગામણીને જોઈને પૂછ્યું, ‘મામા ચંડ, ક્યાં જાય છે?’

‘રાજાને મળવા.’

‘જો તું રાજાને મળે તો મારો એક સંદેશ લઈ જઈશ?’

‘હા, લઈ જઈશ.’

‘હું આમ તો રૂપવાન, ધનવાન, યશસ્વી અને તંદુરસ્ત છું તો પણ મને પાંડુરોગ છે, શા કારણે? રાજાને પૂછજે. રાજા પંડિત છે. તે તને કારણ કહેશે. પછી તે જે કહે તે મને કહેજે.’

ગામણીએ હા પાડી.

બીજા ગામના સીમાડે એક યુવતીએ તેને જોઈને એ જ રીતે પૂછ્યું, ‘રાજા પંડિત છે. મારો સંદેશો લઈ જા. હું ન મારા પતિને ઘેર રહી શકું છું, ન પિતાને ઘેર. આનું શું કારણ? રાજાને પૂછીને મને કહેજે.’

તેનાથી થોડે દૂર એક રાફડામાં રહેતા સાપે પૂછ્યું, ‘અરે ચંડ, ક્યાં જાય છે?’

‘રાજાને મળવા.’

‘રાજા પંડિત છે. મારો સંદેશો લઈ જા. શિકારની શોધમાં ભૂખ્યો થઈને નીકળું છું ત્યારે દરમાંથી મહામહેનતે નીકળું છું. પાછો આવું છું ત્યારે સારી રીતે પેટ ભરેલું હોવાથી શરીરે પુષ્ટ થઉં છું. અંદર પેસતી વખતે ધારને અડક્યા વિના જલદી પેસી જઉં છું. આનું શું કારણ?’

આગળ જતાં એક હરણે પૂછ્યું, ‘રાજા પંડિત છે. મારો સંદેશ લઈ જા. હું બીજે ક્યાંય ઘાસ ખાઈ શકતું નથી. એક જ વૃક્ષના થડ પાસે ખાઈ શકું છું. આનું કારણ શું? રાજાને પૂછીને મને કહેજે.’

એથી આગળ એક તેતરે પૂછ્યું, ‘હું એક જ સ્થળે બેસીને અવાજ કરું છું તો સારી રીતે અવાજ કરી શકું છું. પણ બીજી કોઈ જગાએ અવાજ કરી શકતું નથી. આનું શું કારણ? રાજાને પૂછજે.’

ત્યાર પછી એક વૃક્ષદેવતાએ પૂછ્યું, ‘ચંડ, ક્યાં જાય છે?’

‘રાજાને મળવા.’

‘રાજા પંડિત છે. પહેલાં મારો બહુ સત્કાર થતો હતો. હવે તો મૂઠી ભરીને વૃક્ષની કૂંપળ પણ મળતી નથી. આનું શું કારણ? રાજાને પૂછીને મને કહેજે.’

હજુ આગળ ચાલ્યા એટલે નાગરાજે એવી જ રીતે પૂછ્યું, ‘રાજા પંડિત છે. પહેલાં આ સરોવરનું પાણી કાંચન જેવું શુદ્ધ હતું. હવે એમાં દેડકાં અને બીજી ગંદકી થઈ છે. એનું શું કારણ? રાજાને પૂછજે.’

આગળ જતાં નગર પાસે આરામથી રહેતા તપસ્વીઓએ તેને જોઈને પૂછ્યું, ‘રાજા પંડિત છે. પહેલાં આ બાગનાં ફળફૂલ મધુર થતાં હતાં. હવે ઝાંખાં, કરમાઈ ગયેલાં થયાં છે. આનું શું કારણ? રાજાને પૂછજે.’

હજુ આગળ નગરદ્વાર પાસે એક શાળાના બ્રાહ્મણ વિદ્યાર્થીઓએ પૂછ્યું, ‘અરે ચંડ, ક્યાં જાઓ છો?’

‘રાજાનાં દર્શન કરવા.’

‘તો અમારો સંદેશ લઈ જજો. પહેલાં અમે જે ભણતા હતા તે અમને બરાબર યાદ રહી જતું હતું. હવે કાણા ઘડામાં જેમ પાણી ન રહે તેમ અમને કશું યાદ રહેતું નથી. જાણે અંધારું અંધારું. આનું શું કારણ તે રાજાને પૂછજો.’

ગામણીચંડ આ પ્રશ્નો લઈને રાજા પાસે ગયો. રાજા ન્યાયાસન પર બેઠા હતા. બળદોનો માલિક ગામણીચંડને લઈને રાજા પાસે આવ્યો. રાજા તો તેને જોઈને જ ઓળખી ગયા. આ મારા પિતાની સેવામાં હતા. અમને ઊંચકી ઊંચકીને ફરતા હતા. અત્યાર સુધી તે ક્યાં હતા એમ વિચારી પૂછ્યું, ‘અરે ચંડ, આટલા દિવસ ક્યાં હતા? ઘણા સમયથી દેખાતા નથી. કેમ આવવું થયું?’

’હા, તમારા પિતા સ્વર્ગવાસી થયા પછી ગામમાં જઈને ખેતીવાડી કરી ગુજરાન ચલાવું છું. આ માણસ બળદોનું કારણ આગળ ધરીને ‘રાજદૂત’ બતાવી મને અહીં લઈ આવ્યો છે.’

’હવે તમે નજરે પડ્યા. ક્યાં છે એ માણસ?’

‘આ રહ્યો.’

‘શું તેં અમારા ચંડને દૂત દેખાડ્યો?’

‘હા મહારાજ.’

‘શું કારણ?’

‘મહારાજ, આ મારા બે બળદ આપતો નથી.’

‘વાત સાચી છે ચંડ?’

‘મહારાજ, હવે મારી વાત સાંભળો.’ એમ કહી ચંડે આખી વાત કહી. આ સાંભળી રાજાએ પૂછ્યું, ‘તેં ઘરમાં પેઠેલા બળદ જોયા?’

‘નથી જોયા.’

‘શું લોકો મને આદાસમુખ રાજા કહીને બોલાવે છે તે તેં સાંભળ્યું નથી? સાચેસાચું કહે.’

‘જોયા હતા મહારાજ.’

‘ચંડ, બળદ નથી સોંપ્યા તે તમારા માથે. આ માણસે જોયા છતાં નથી જોયા કહી જાણીજોઈને જૂઠું બોલ્યો. એટલે રાજ્યના સેવક હોઈ તેની અને તેની પત્નીની આંખો કાઢી લો. બળદની કંમિત પેટે ચોવીસ કાષાર્પણ આપી દો.’

પેલાએ વિચાર્યું, ‘આંખો ફૂટી જાય પછી કાષાર્પણ લઈને શું કરીશ?’ તે ગામણીચંડના પગે પડીને બોલ્યો, ‘સ્વામી ચંડ, બળદની કંમિતના કાષાર્પણ તમારી પાસે જ રહેવા દો. અને આ બીજા પણ લો.’ આમ તે બીજા કાષાર્પણ આપીને જતો રહ્યો.

હવે બીજાએ કહ્યું, ‘સ્વામી, આણે મારી પત્નીને પાડી નાખી તેનો ગર્ભપાત કર્યો.’

‘આ વાત સાચી?’

‘મહારાજ, સાંંભળો.’ કહી ચંડે માંડીને બધી વાત કહી.

‘શું તમે આની પત્નીને પાડી તેનો ગર્ભપાત કર્યો છે?’

‘એવું નથી કર્યું.’

‘હવે તારે શું જોઈએ છે?’

‘મહારાજ, મારે મારો પુત્ર જોઈએ છે.’

‘અરે ચંડ, આની સ્ત્રીને તારે ઘેર લઈ જા. પુત્ર જન્મે ત્યારે એને લાવીને સોંપજે.’

પેલો ગામણીચંડને પગે પડીને બોલ્યો, ‘સ્વામી, મારું ઘર ઉજ્જડ ન કરો.’ તે કાષાર્પણ આપીને જતો રહ્યો.

હવે ઘોડાવાળાએ કહ્યું, ‘મહારાજ, આણે મારા ઘોડાનો પગ ભાંગી નાખ્યો.’

‘આ વાત સાચી છે?’

‘મહારાજ, મારી વાત સાંભળો.’ એમ કહી ચંડે આખી વાત માંડીને કરી.

‘ઘોડાને મારીને રોકો. શું તેં ખરેખર આવું કહ્યું હતું?’

‘એવું કહ્યું ન હતું.’

બીજી વાર પૂછ્યું એટલે તેણે કહ્યું, ‘હા, કહ્યું હતું.’

રાજાએ ચંડને કહ્યું, ‘ચંડ, આણે એવું કહ્યું ન હતું એમ કરીને તે જૂઠું બોલ્યો. એની જીભ ખેંચી લો. મારી પાસેથી નાણાં લઈને ઘોડાની કંમિત પેટે એક હજાર કાષાર્પણ આપી દો.’

ઘોડાવાળો પણ બીજા કાષાર્પણ આપીને ભાગી ગયો.

પછી વણકરે કહ્યું, ‘દેવ, આણે મારા પિતાની હત્યા કરી છે.’

‘ચંડ, આ વાત સાચી?’

‘દેવ, સાંભળો ત્યારે.’

‘સાંભળું છું, કહો ત્યારે.’

ચંડે એ વાત પણ માંડીને કરી.

રાજાએ પેલાને પૂછ્યું, ‘હવે તારે જોઈએ છે શું?’

‘દેવ, મને મારા પિતા જોઈએ છે.’

‘ચંડ, આ માણસને પિતા જોઈએ છે. મરેલાને તો પાછો લાવી શકાતો નથી. તમે એની માને તમારા ઘરમાં રાખી તેના પિતા બનો.’

પેલાએ કહ્યું, ‘મહારાજ, મારા મૃત પિતાનું ઘર ઉજ્જડ ન કરો.’ તે પણ ગામણીચંડને કાષાર્પણ આપીને જતો રહ્યો.

આમ સાચો ન્યાય મેળવીને સંતુષ્ટ ગામણીચંડે રાજાને કહ્યું, ‘મહારાજ, કેટલાકે સંદેશા મોકલ્યા છે તે સાંભળો.’

‘ચંડ, કહો ત્યારે.’

ચંડે બ્રાહ્મણ વિદ્યાર્થીઓના સંદેશાથી માંડીને પહેલા સંદેશા સુધીના કહ્યા. રાજાએ વારાફરતી બધાનું સમાધાન કર્યું.

વિદ્યાર્થીઓનો સંદેશ સાંભળી રાજાએ કહ્યું, ‘પહેલાં તેમના આશ્રમમાં સાચા સમયે બોલનાર કૂકડો હતો. તેનો અવાજ સાંભળી મંત્રો શીખતા, સ્વાધ્યાય કરતાં કરતાં સવાર પડતી. એટલે તેમને બધુું યાદ રહી જતું હતું. હવે તેમના આશ્રમમાં કસમયે બોલનારો કૂકડો છે. રાતે ગમે ત્યારે તે બોલે છે. ક્યારેક મોડી સવારે બોલે છે. રાતે કસમયે ઊઠી ગયેલા વિદ્યાર્થીઓ પાઠ વાંચીને ઊંઘી જાય છે. મોડી સવારે ઊઠવાથી પાઠ યાદ રહેતા નથી. એટલે તેઓ કશું યાદ રાખી શકતા નથી.’

બીજો સંદેશ કહ્યો. ‘પહેલાં એ લોકો શ્રમણધર્મની સાથે ખેતી કરતા હતા. હવે શ્રમણધર્મ છોડી દીધો છે અને ખોટાં કામ કરે છે. બાગમાં થયેલાં ફળ સેવકોને વેચે છે, તેના પેટે તેમને ભોજન મળે છે. મિથ્યા જીવિકાથી જીવન વીતાવે છે. આને કારણે હવે તેમનાં ફળ મધુર નથી રહ્યાં. જો પહેલાંની જેમ એક ચિત્ત થઈ શ્રમણધર્મ પાળશે તો તેમનાં ફળ પાછાં મધુર થઈ જશે. એ તપસ્વીઓ રાજકુટુંબોની ચતુરાઈ જાણતા નથી. તેમને શ્રમણધર્મ આચરવા કહો.’

ત્રીજો સંદેશ સાંભળીને રાજાએ કહ્યું, ‘આ નાગરાજ અંદરઅંદર ઝઘડા કર્યા કરે છે. એટલે તે સરોવર ગંદું થઈ ગયું છે. જો પહેલાંની જેમ સંપીને રહેશે તો પાણી ફરી સ્વચ્છ થઈ જશે.’

ચોથો સંદેશ સાંભળીને કહ્યું, ‘આ વૃક્ષદેવતા પહેલાં વનમાં માનવીઓનું રક્ષણ કરતા હતા. એટલે વિવિધ નૈવેદ્ય તેમને મળતાં હતાં. હવે રક્ષણ કરતા નથી. એટલે નૈવેદ્ય મળતાં બંધ થયાં. જો પહેલાંની જેમ રક્ષણ કરશે તો ફરી નૈવેદ્ય મળતાં થશે. રાજાના કર્તવ્યની તેમને જાણ નથી. વનમાંથી પસાર થતા લોકોનું રક્ષણ કરવું જોઈએ.’

પાંચમો સંદેશ સાંભળ્યો. ‘જે ઝાડના થડ પાસે બેસીને તેતર સારો અવાજ કાઢે છે તેની નીચે ચરુ દાટેલો છે. તેને કાઢીને તમે લઈ જાઓ.’

છઠ્ઠો સંદેશ સાંભળ્યો. ‘જે વૃક્ષની નીચે હરણ ઘાસ ખાઈ શકે છે તેની ઉપર મધપૂડો છે. મધથી ભીંજાયેલા ઘાસના લોભે તે બીજું ઘાસ ખાઈ શકતું નથી. એ મધપૂડો ઉતારી સારું મધ મને મોકલજો. બાકીનું તમે વાપરજો.’

સાતમો સંદેશ સાંભળીને રાજાએ કહ્યું, ‘જે રાફડામાં તે સાપ રહે છે તેની નીચે ચરુ છે. સાપ તેની રક્ષા કરે છે. એટલે બહાર નીકળતી વખતે ધનના લોભે શરીરને ઢીલું કરી નાખે છે. શિકાર કર્યા પછી ધન પ્રત્યેની આસક્તિથી ધારે અડક્યા વિના ઝડપથી અંદર પ્રવેશી જાય છે. એ ચરુ કાઢીને તમે લઈ જજો.’

આઠમો સંદેશ સાંભળ્યો. ‘તે યુવતીના પતિના તથા તેના માતાપિતાના ઘરની વચ્ચે આવેલા એક ગામમાં તેનો પ્રિયતમ રહે છે. તે એને યાદ કરીને પતિને ઘેર રહી શકતી નથી. ‘માતાપિતાને મળી આવું.’ એમ કહી તે પ્રિયતમને મળે છે. પછી ત્યાં થોડા દિવસ રહી માતાપિતાને ઘેર જાય છે. ત્યાં થોડા દિવસ રહી પ્રિયતમનું ઘર યાદ આવે છે એટલે ‘પતિને ઘેર જઉં છું.’ એમ કહી તેના પ્રિયતમને ઘેર જાય છે. તે સ્ત્રીને રાજાઓ છે તેની વાત કરજો. પતિને ઘેર જ રહેજે એવી શિખામણ આપજો. અને જો નહીં રહે તો રાજા તને પકડી જશે અને તું જીવતી નહીં રહે એમ કહેજો.’

નવમો સંદેશો સાંભળ્યો. ‘આ વેશ્યાને પહેલાં ખાસ્સું ધન મળતું હતું. હવે તેણે પોતાનો ધર્મ ત્યજી દીધો છે. પહેલાને અવસર આપ્યા વિના બીજાને અવસર આપે છે, અને એમ નાણાં મળતાં નથી. તેની પાસે કોઈ જતું નથી. જો તે પહેલાંની જેમ પોતાના ધર્મમાં સ્થિર રહેશે તો બધું પૂર્વવત્ થઈ જશે. પોતાના ધર્મમાં સ્થિર થવા કહો.’

દસમો સંદેશ સાંભળ્યો, ‘એ મુખી પહેલાં ધર્માનુસાર ઝઘડાઓનો નિકાલ કરતો હતો. એટલે તે લોકપ્રિય હતો. પ્રસન્ન થયેલા લોકો તેની પાસે બહુ ભેટસોગાદ લઈને જતા હતા. એટલે તે સુંદર હતો, ધનયશવાળોે હતો. હવે તે લાંચ લે છે, ઝઘડાઓનો નિકાલ ધર્મવિરુદ્ધ કરે છે. એટલે તે દુર્બળ, દુઃખી અને પાંડુરોગી બન્યો છે. પહેલાંની જેમ તે ધર્મ પ્રમાણે ઝઘડાઓનો નિકાલ કરશે તો હતો તેવો પાછો થઈ જશે. રાજાઓ આ જગતમાં જીવે છે તેની એને જાણ નથી. ધર્માનુસાર આચરણ કરવા તેને કહો.’

ગામણીચંડે રાજાને આટલા સંદેશ કહ્યા. રાજાએ સર્વજ્ઞ બુદ્ધની જેમ પોતાની શક્તિ પ્રમાણે તે બધાના ઉત્તર આપ્યા. ગામણીચંડને પુષ્કળ ધન આપ્યું. તે જે ગામમાં રહેતા હતા તે ગામ તેને દઈ દીધું.

નગરમાંથી નીકળીને બોધિસત્ત્વે આપેલા ઉત્તર બ્રાહ્મણવિદ્યાર્થીઓ, તપસ્વીઓ, નાગરાજા, વૃક્ષદેવતાને કહ્યા. તેતર બેસતું હતું ત્યાંથી ચરુ લીધો. હરણ જે વૃક્ષ આગળ ચરતું હતું ત્યાંના વૃક્ષ પરથી મધપૂડો ઉતારી રાજાને મધ મોકલ્યું. સાપના રાફડા નીચેથી ચરુ મેળવ્યો. યુવતી, વેશ્યા અને મુખીને રાજાનો સંદેશ સંભળાવ્યો. પછી પોતાને ગામ ગયો. કર્માનુસાર આયુષ્ય પૂરું કરી પરલોક સિધાવ્યો. આદાસમુખ રાજા પણ દાનપુણ્ય કરીને સ્વર્ગે સિધાવ્યા.