ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/દેવોએ કરેલી નંદિષેણની પરીક્ષા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દેવોએ કરેલી નંદિષેણની પરીક્ષા

એક વાર પોતાની સભામાં બેઠેલા દેવરાજ ઇન્દ્રે હાથ જોડીને નંદિષેણના ગુણ ગાવા માંડ્યા, ‘વૈયાવૃત્યમાં ઉદ્યત અને દૃઢ નિશ્ચયવાળા આ નંદિષેણને દેવો પણ ક્ષોભ પમાડી શકે તેમ નથી.’ ઇન્દ્રના આ વચનમાં અશ્રદ્ધા રાખતા બે દેવ સાધુનું રૂપ ધારણ કરીને નંદિષેણ પાસે આવ્યા. એમાંનો એક ગામ બહાર માંદગીનો દેખાવ કરીને બેઠો, અને બીજો નંદિષેણની વસતિમાં આવ્યો. તેણે નંદિષેણનો તીખાં, આકરાં અને નિષ્ઠુર વચનોથી તિરસ્કાર કર્યો અને કહ્યું, ‘બહાર માંદા સાધુ પડી રહ્યા છે, અને અહીં તું વૈયાવૃત્યનો અભિગ્રહ લઈને સૂઈ રહ્યો છે.’ એટલે નંદિષેણ એકદમ ઊભો થયો અને બોલ્યો, ‘જે કાર્ય હોય તે કહો.’ સાધુના રૂપમાં રહેલા દેવે કહ્યું, ‘અતિસારથી પીડાતા અને અત્યંત તરસ્યા થયેલા સાધુ ગામની બહાર પડ્યા છે, માટે જે યોગ્ય લાગે તે કર.’ એટલે પારણાં કર્યા સિવાય જ નંદિષેણ પાણી લેવા માટે નીકળ્યો. પણ અનુકંપાથી સ્પર્શાયેલા હૃદયવાળા દેવે અનેષણા કરી — પાણી મળવા દીધું નહીં. પણ તેના ઉપર વિજય મેળવીને, પાણી લઈને નંદિષેણ માંદા સાધુની પાસે ગયો. સાધુએ તેની સાથે લડવા માંડ્યું, ‘હું આવી અવસ્થામાં તારી આશા રાખીને આવ્યો હતો, પણ ખાવાનો લાલચુ તું મારી સામે પણ જોતો નથી. હે મંદભાગ્ય! ‘હું વૈયાવૃત્ય કરનાર છું’ એટલા માત્ર શબ્દોથી જ તું સંતોષ પામે છે.’ પરન્તુ પ્રસન્ન ચિત્તવાળા નંદિષેણે પ્રણામ કરી વિનંતી કરી, ‘મારો અપરાધ ક્ષમા કરો; મને રજા આપો, એટલે આપની સેવા કરું.’ મળથી મલિન એ સાધુને નંદિષેણે ધોઈને સાફ કર્યા અને કહ્યું, ‘આપને મારા ઉપાશ્રયે લઈ જાઉં છું; આપ નીરોગી થઈ જાઓ તેવી રીતે આપની સેવા કરીશ.’ પછી તેણે એ સાધુને ઉપાડ્યા એટલે તે પગલે પગલે બૂમો પાડવા લાગ્યા, ‘અરે, તું મને દુખાવે છે, મને હલાવે છે, તું વિસામો ખાય છે!’ આ પ્રમાણે દબાવાતો નંદિષેણ યાતનાપૂર્વક ચાલતો હતો. પછી દેવે તેના ઉપર અત્યંત દુર્ગંધવાળો ઝાડો કર્યો, અને બોલ્યો, ‘અરે દુષ્ટ! મારો ઝાડાનો વેગ તેં અટકાવ્યો; મને તું મારી નાખવાનો છે!’ પણ પ્રસન્ન મુખવાળો નંદિષેણ ‘માંદાને કઈ રીતે સુખ થાય?’ એનો જ મનથી વિચાર કરતો હતો અને કડવાં વચનો અથવા તેવી દુર્ગંધને નહીં ગણકારતાં તેણે કહ્યું, ‘કહો, તમને કેવી રીતે નીચે મૂકું? અથવા શું કરું? કહો તો ધોઉં.’ આ સાંભળીને કરુણાવાળા થયેલા દેવે પોતાનો અશુભ પુદ્ગલોનો સંચય ક્ષણવારમાં અદૃશ્ય કર્યો અને નાસિકા તથા મનને સુખ આપનારી પુષ્પવૃષ્ટિ કરી. સાધુનાં રૂપ ત્યજીને દેવો દિવ્ય રૂપવાળા બન્યા અને ત્રણ પ્રદક્ષિણા કરી, નંદિષેણને પગે પડી વારંવાર ખમાવવા લાગ્યા અને કહેવા લાગ્યા, ‘ભગવન્! દેવરાજ ઇન્દ્ર તમારું ગુણકીર્તન કરતા હતા, તેમાં અશ્રદ્ધા રાખતા અમે તમારી પરીક્ષા કરવા અહીં આવ્યા હતા. ખરેખર, ઇન્દ્રે સાચું જ કહ્યું હતું. આપ વર માગો, અમે શું આપીએ?’ નંદિષેણે કહ્યું, ‘જિનેશ્વરોએ ઉપદેશેલો મોક્ષનો જે પરમ દુર્લભ માર્ગ તે મને મળ્યો છે. મારે બીજી કોઈ વસ્તુની જરૂર નથી.’ આ પછી વંદન કરીને દેવો ગયા.

આ બાજુ, નંદિષેણ સાધુઓની વૈયાવૃત્ય કરતો લાભાન્તરાયના ક્ષયોપશમથી, જે સાધુ જે ઇચ્છે તે મેળવીને તેને આપતો હતો. આ પ્રમાણે સંયમ, તપ અને ભાવનાપૂર્વક સાધુપણું પાળતાં તેનાં પંચાવન હજાર વર્ષ વીતી ગયાં. સુભગ, સુસ્વર, શુભ, આદેય અને યશો નામકર્મ જેણે ઉપાર્જન કર્યું છે એવો તે અનશનકાળે વિચાર કરવા લાગ્યો, ‘મારા દુર્ભાગ્યના દોષથી ત્રણ કન્યાઓમાંથી એકે પણ મને ઇચ્છ્યો નહીં.’ આ પ્રમાણે સ્મરણ કરીને તેણે નિયાણું કર્યું કે, ‘જો આ તપ, નિયમ અને બ્રહ્મચર્યનું ફળ હોય તો આવતા મનુષ્યભવમાં હું સુંદર અને સ્ત્રીઓને વહાલો થાઉં.’ આમ બોલીને તે કાલધર્મ પામ્યો અને મહાશુક્ર કલ્પમાં ઇન્દ્રનો સામાનિક દેવ થયો. ત્યાંથી ચ્યવીને તે તારો દશમો પુત્ર વસુદેવ થયો.’

આ પ્રમાણે સંસારગતિ સાંભળીને રાજા અંધકવૃષ્ણિએ પોતાના મોટા પુત્રને રાજ્ય આપીને દીક્ષા લીધી. વિશુદ્ધ ચારિત્ર્યવાળા, જેનો વૈરાગ્ય અવિચલિત રહેલો છે તથા જેણે ઘાતિકર્મો (જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય કર્મો) ખપાવેલાં છે, જેને કેવલજ્ઞાન થયું છે તથા જેણે બાહ્ય અને આંતર કર્મનો નાશ કર્યો છે એવો તે રાજા નિર્વાણ પામ્યો.

શ્રેણિક રાજાના એક પ્રશ્નના ઉત્તરમાં હવે વસુદેવ પોતાની આત્મકથા જાણે કહે છે: