ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/પરલોકના અને ધર્મફલના પ્રમાણ વિષે સુમિત્રાની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પરલોકના અને ધર્મફલના પ્રમાણ વિષે સુમિત્રાની કથા

વારાણસીમાં હતશત્રુ રાજા હતો. તેને સુમિત્રા નામે પુત્રી હતી. તે નાની હતી ત્યારે એક વાર ગ્રીષ્મ ઋતુમાં મધ્યાહ્નકાળે જમીને સૂઈ રહી હતી. પાણીથી ભીંજાયેલા તાડના પંખાથી તેને પવન નાખવામાં આવતાં અને એ રીતે શીતલ જલકણનો તેના ઉપર છંટકાવ થતાં તે, ‘નમો અરિહંતાણં’ એમ બોલતી જાગી ગઈ. દાસીઓએ તેને પૂછ્યું, ‘સ્વામિનિ! તમે જેને નમસ્કાર કર્યા તે અરિહંતો કોણ છે?’ સુમિત્રાએ કહ્યું, ‘તેઓ કોણ છે એ તો હું જાણતી નથી, પણ ચોક્કસ તેઓ નમસ્કાર કરવા લાયક છે.’ પછી તેણે પોતાની ધાત્રીને બોલાવી અને કહ્યું, ‘માતા! તપાસ કરો કે અરિહંતો કોણ છે?’ ધાત્રી પૂછતાં પૂછતાં અરિહંતના શાસનમાં રત એવી સાધ્વીઓને મળી અને તેમને તે કુમારી પાસે લાવી. પૂછવામાં આવતાં સાધ્વીઓએ કહ્યું, ‘ભરતઐરવત વર્ષમાં અને વિદેહ વર્ષમાં ધર્મપ્રવર્તક તીર્થંકરોનો જન્મ થાય છે. અત્યારે ભગવાન વિમલનાથનું તીર્થ ચાલે છે.’ કુમારીએ કહ્યું, ‘આજ મેં જાગતી વખતે અરિહંતને નમસ્કાર કર્યા હતા.’ સાધ્વીઓ બોલી, ‘તેં અરિહંતને કરેલા નમસ્કારના પ્રભાવથી જ આ રિદ્ધિ પ્રાપ્ત કરી છે; આથી પૂર્વની ભાવનાથી તેં નમસ્કાર કર્યો હતો.’ કુમારીએ ‘બરાબર છે’ એમ કહીને જિનોએ ઉપદેશેલો માર્ગ સ્વીકાર્યો અને જિનપ્રવચનમાં તે કુશળ થઈ. તે ઉમરલાયક થઈ એટલે પિતાએ તેને સ્વયંવર આપ્યો. પછી તેણે આ લોકમાં તેમ જ પરલોકમાં સુખ પ્રાપ્ત કરાવનારી નીચે પ્રમાણેની ગીતિકા પિતા સમક્ષ નિવેદન કરી.

એવું કર્યું કર્મ છે, જે ઘણા કાળ સુધી ટકે છે, જે અલજ્જનીય છે, જે પાછળથી હિતકારી થાય છે અને શરીર નાશ પામ્યે છતે જે નાશ પામતું નથી?

અને પોતાના પિતાને તેણે કહ્યું કે, ‘તાત! જે પુરુષ આ ગીતિકાનો અર્થ સંભળાવે તેની સાથે તમારે મને પરણાવવી.’ પછી એ ગીતિકા પ્રસિદ્ધ કરવામાં આવતાં વિદ્વાનો વિવિધ પ્રકારની વસ્તુઓ એ સંબંધમાં સંભળાવવા લાગ્યા, પણ એમાંનો કોઈ સુમિત્રાનો અભિપ્રાય જાણી શક્યો નહીં. પણ એક પુરુષે સંભળાવ્યું -

કર્મોમાં તપશ્ચર્યારૂપી કર્મ એવું છે, જે ઘણા કાળ સુધી ટકે છે, જે અલજ્જનીય છે, જે પાછળથી હિતકારી થાય છે અને શરીર નાશ પામ્યે છતે જે નાશ પામતું નથી.

રાજાએ તેને પૂછતાં તે પુરુષે કહ્યું, ‘તમે જે ભાવાર્થ જાણો છો તે જ મેં તમને સંભળાવ્યો છે.’ પછી તે પુરુષને સ્નાન અને ભોજન કરાવીને પૂછ્યું એટલે તેણે કહ્યું, ‘રત્નપુરમાં પુરુષપંડિત છે તેણે આ કહ્યું છે; આવું બોલવાની મારી તો શક્તિ ક્યાંથી?’ એટલે રાજાએ ‘તમે તો દૂત છો’ એમ કહી તેનો સત્કાર કર્યો અને રાજકન્યાએ પણ તેને રજા આપી. પછી સુમિત્રાએ પિતાને વિનંતી કરી, ‘તાત! પુરુષપંડિતે મારો અભિપ્રાય જાણ્યો છે. હવે જો અર્થથી મારી ખાતરી કરાવી આપે તો હું તેની પત્ની થાઉં, બીજા કોઈની નહીં.’ પછી સુમિત્રા ઘણા પરિવાર સહિત રત્નપુર ગઈ, અને અગાઉથી તૈયાર કરવામાં આવેલા ઉતારામાં રહી પુરુષપંડિત સુપ્રભને બોલાવવામાં આવતાં તે ત્યાં ગયો, એટલે રાજકન્યાએ તેને પૂછ્યું, ‘તપ એ બહુ કાળ સુધી ટકે એવું અને શ્લાઘનીય કેવી રીતે? પાછળથી હિતકારી કેવી રીતે? શરીરનો નાશ થયા છતાં પણ તે ફળ આપે એ કેવી રીતે?’ સુપ્રભે ઉત્તર આપ્યો, ‘સાંભળ.