ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/સિંહચંદ્ર — પૂર્ણચંદ્રનો સંબંધ અને તેમના પૂર્વભવ
Jump to navigation
Jump to search
સિંહચંદ્ર — પૂર્ણચંદ્રનો સંબંધ અને તેમના પૂર્વભવ
સિંહસેન રાજાને બે પુત્રો હતા — સિંહચંદ્ર અને પૂર્ણચંદ્ર. મોટા પુત્ર સહિત રાજા અનાભિગ્રહિક (કોઈ પ્રકારની પકડ — ઝનૂન વગરનો) મિથ્યાત્વી હતો અને દાનમાં રુચિ રાખનારો હતો. દેવી અને પૂર્ણચંદ્ર જિનવચનમાં અનુરક્ત હતાં. આ પ્રમાણે કાળ જતો હતો.
ભવિતવ્યતા વડે પ્રેરાયેલો રાજા એક વાર ભંડારમાં પ્રવેશ્યો, અને ત્યાં જ્યારે રત્નો ઉપર રાજાની દૃષ્ટિ ચોંટેલી હતી ત્યારે સર્પ થયેલો પુરોહિત તેને ડસ્યો. પછી સર્પ ચાલ્યો ગયો. રાજાના શરીરમાં વિષનો વેગ પ્રસરવા લાગ્યો. ચિકિત્સકો તેનો પ્રતિકાર કરવા લાગ્યા. ગરુડતુંગ નામે ગારુડીએ સર્પોનું આવાહન કર્યું; નિરપરાધી સર્પોનું વિસર્જન કર્યું, પણ પેલો અગંધન સર્પ ઊભો રહ્યો. વિદ્યાબળ વડે ગારુડીએ તેને ઝેર ચૂસવાને પ્રેર્યો, પણ અતિશય માનને કારણે તેણે ઝેર ચૂસવાની ઇચ્છા કરી નહીં. પછી તેને બળતા અગ્નિમાં નાખવામાં આવતાં તે કાળ કરીને કોલવનમાં ચમર (એક પ્રકારનો મૃગ) થયો. વિષથી અભિભૂત થયેલો રાજા મરીને સલ્લકીવનમાં હાથી થયો. સિંહચંદ્ર રાજાનો સિંહપુરમાં અભિષેક કરવામાં આવ્યો, અને પૂર્ણચંદ્ર યુવરાજ થયો.