ભારતીયકથાવિશ્વ-૫/કાઠિયાવાડની જૂની વાર્તાઓ/વિજાણંદ ને શેણી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિજાણંદ ને શેણી

કાઠિયાવાડમાં ધારીગુંદાળી નામે ગામ છે ત્યાં આ રસિક ને હૃદય હચમચાવી મૂકે તેવી વાત બની છે. ધારીગુંદાળીમાં વેદાઈ કુળનું એક ચારણ કુટુંબ રહેતું હતું; ચારણ પંડે શ્રીમંત હતો ને તેને એકની એક શેણી નામની લાડકવાઈ દીકરી હતી. ચારણે તેને અતિશય વ્હાલથી ઉછેરી હતી. શેણી પોતાના પિતાના મુખમાંથી પ્રેમની વાર્તા સાંભળી સાંભળીને અતિ પ્રેમવાન્ હૃદયની થઈ હતી. તે જ ગામમાં વિજાણંદ નામનો એક ચારણ હતો. તે જંતર બજાવવામાં અતિશય કુશળ હતો. તેની ઉંમર ચોવીશેક વર્ષની હતી. વારંવાર વિજાણંદ જંતર બજાવતો ને શેણીને સાંભળવાનો પ્રસંગ આવતો. આથી શેણીનું હૃદય વિજાણંદ તરફ વળ્યું હતું. પણ વિજાણંદનું લગ્ન છેક બચપણથી થઈ ગયું હતું ને ખીમરી નામની કર્કશા સ્ત્રી તેના ઘરમાં હતી. શેણીએ તો પોતાની માને કહી દીધું કે મારે તો વિજાણંદને વરવું ને આ કંઠમાં વરમાળ ઘાલું તો વિજાણંદની જ, બીજાની નહીં. વિજાણંદને આની ખબર થઈ ને ખીમરી સાથે એનાં પાનાં પડવાથી તેની દુર્દશા થશે ગણી, તે બિચારો બહુ જ દુ:ખી થવા લાગ્યો.

શેણીનું વેશવાળ તેના પિતાએ અન્ય સાથે કરી નાંખ્યું, એવું ગણીને કે ‘શેણી બાળક છે, તેને શી ખબર ને તે શું સમજે.’ જાન આવી ને માયરામાં જેવો વરમાળ ગળામાં નાંખવા ગોર ઊભો થયો કે તુર્ત જ શેણી સર્વ વચ્ચે બોલી ઊઠી.

વિજાણંદની વરમાળ, હું બીજાની બાંધું નૈં,

ચારણ મળે છનું લાખ, એને બાંધવ કહી બોલાવીએ.

‘હું તો મારા ગળામાં વિજાણંદની જ વરમાળ પહેરવાની, બીજા કોઈની પહેરનાર નથી. ભલે તે છન્નું લાખ ચારણ ભેગા થાય તો પણ હું તો સર્વને ભાઈ ગણી બોલાવીશ.’ આ સાંભળી સર્વ સ્તબ્ધ થઈ ગયાં. આવી વહુને લઈ જઈ શું કરીએ? ગણી વરરજા ઊઠી ગયા ને જાન પોતાને ઘેર ચાલી ગઈ. આ તો ભૂંડું થયું, પણ બાલહૃદય- પ્રેમીહૃદયને કેમ વાળી શકાય! શેણી તો વિજાણંદનાં વખાણ કરવા લાગી કે

જંતર વડે તું બડે, ઈ છત્રીશ રાગ લવે,

ઈ ત્રીશ લાવણ લવે, વાલા વિજાણંદને ખવે.

મારા વ્હાલા વિજાણંદને ખભે મોટા તુંબડાવાળું જંતર રહી ગયું છે, તે છત્રીશ રાગ ગાય છે, અને ત્રીશ પ્રકારની બોલી બોલે છે, વળી કહ્યું:

ગમે ગમે ગોઠડી, અને નવ તાંત્યુંમાં નેહ,

ઈ વાલાં વિજાણંદનાં તુંબડાં મારા હૈડામાં છે.

અહાહા, જંતરથી જે મનહર ગમ ઊઠે છે તેની સાથે મારા હૃદયની કેવી મનહર ગોઠડી થાય છે. અને તે જંતરની નવે તાંતોમાંથી સ્નેહ જ ઊભરાઈ ઊઠે છે. મને તો એ વિજાણંદનાં તુંબડાં મારા હૃદયમાં બહુ જ વ્હાલાં લાગે છે, અન્ય ચારણ ગમે તેટલો શ્રીમાન હોય, રૂપવાન્ હોય, યુવાન હોય, પણ તે તો મારે ભાઈ છે. મને તો તુંબડાં ધરેલ વિજાણંદ હૈડામાં ચોડાઈ ગયો છે એમ ચોખ્ખે ચોખ્ખું સર્વ સમક્ષ શેણીએ બોલી દીધું. ઘડી બે ઘડી ના હા કરી સર્વ સમાજ વિખરાઈ ગયો. વિજાણંદે આ જાણ્યું. પોતે શેણીને અનન્ત સ્નેહથી ચાહતો હતો, પણ ખીમરી ખેધો કરે માટે હવે મારે પંડે જ આ ગામમાં ન રહેવું, કરી કાંધે જંતર ધરી વિજાણંદ રાત્રિએ ચાલતો થયો. અહીં શેણી રાત્રે વિજાણંદને ઘેર આવી, એવી જ દૃઢ ઇચ્છાથી કે વિજાણંદ સ્વીકારે કે ન સ્વીકારે તોય તેના ઘરમાં બેસવું જ. ખીમરી આ સર્વ સમજી ગઈ ને હજુ શેણી આવી ઊભી રહે છે ત્યાં તેને કટુ વેણ સંભળાવવા લાગી. આથી શેણીએ કહ્યું.

ખેધો મ કર ખીમરી, ખેધાથી ખાટીશ નૈં,

જો ઉડાવીશ આકાશ, પછી ભારથીયો ભાળીશ નૈં.

રે ખીમરી, તું મારી અદેખાઈ કર નહીં, કેમ કે તેથી તું ફાવવાની નથી. હું જો તને આકાશમાં ઉડાવી દઈશ તો પછી તું એ વિજાણંદ ભારથીયાને જોવાની જ નથી. વળી તું ખીમરી વિજાણંદની ખરી પ્રીતિવાન્ સ્ત્રી નથી. કારણ કે જો તેવી હોય તો પછી કદી વિજાણંદ ઘર તજી ચાલ્યો જાય?

ઉધડકતો આ સ્નેહ, એનો ધોખો મન ધરીએ નૈં,

હત સગપણનો નેહ, તો વિજાણંદને વેડત નૈં.

અરે ખીમરી, તારો પ્રેમ તો ઉછીનો લીધેલ હતો એટલે તારે માટે મારે જરાય ખોટું લગાડવું ન જોઈએ. જો તારો સ્નેહ ખરેખરો હોત તો પછી વ્હાલા વિજાણંદને કદી પણ તું દુ:ખ દેત નહીં. આમ બોલી ખીમરીને ખંખેરી કાઢી. ત્યાં આસપાસનાં લોકો તેને સમજાવવા લાગ્યાં તે જોઈ આકુળવ્યાકુળ શેણી બોલી.

મૃત્યુ શું દીઓ માનવી, જણ જણની જૂજવી,

ડાહ્યો હતો જો દેશ, તો વિજાણંદ કાં વાળ્યો નૈં.

અરે માણસો, તમો ડાહ્યાં થઈ મને શી બુદ્ધિ આપો છો! તમો જુઓ, તમારા પ્રત્યેકની શિખામણ જુદી જુદી થાય છે. તમો જો એવાં ડાહ્યાં હતાં તો પછી વિજાણંદને કાં પાછો ન વાળ્યો? માટે હે માનવી, મને તમો શિખામણ આપો નહીં. હું તો એ વ્હાલાને શોધવાની જ. જુઓ:

મારગ કાંઠે મઢી કરું, લઉં જોગણનો વેશ,

ગોતું દેશ વદેશ, વાવડ કાઢું વિજાણંદના.

હું તો હવે મારગને કાંઠે ઝૂંપડી રાખીશ ને જોગણનો વેશ ધરીશ; વળી દેશ વિદેશ તેને શોધવા માટે ભટકીશ અને આખરે વ્હાલા વિજાણંદનો પત્તો મેળવીશ. ખરેખર ખરી સ્નેહાળ સ્ત્રી કદી પણ વ્હાલા વિના જંપીને રહેતી નથી. ત્યાં કોઈએ કહ્યું કે ‘તારો વિજાણંદ તો આ ચાલ્યો જાય’ અને જુઓ, આ સાંભળી તે વિજાણંદ જે રસ્તે ગયો તે રસ્તે ઝપાટાબંધ ઊપડી. માર્ગમાં જતાં ટીંબા ટીંબડી ધાર ધારોડી આડી આવી તેને પણ વટાવી અને ઓજત નદી નજરે પડી. છેટેથી પ્રેમી બાલાએ ઓજતને પ્રાર્થના કરી કે.

ચડી ટીંબા ટીંબડી ચડી ગુંદાળી ધાર,

ઓજત એક ઉછાળો લૈ, વાલમ પાછો વાળ્ય.

હે ઓજત, હું તો આ ટીંબા-ટેકરા ચડી પસાર કરી ગઈ; અને આ ગુંદાળી ધાર છે તે પણ મેં તો વટાવી; હવે તો તું ઓજત, એક મોટો ઉછાળો ભરી તારામાં પૂર લાવી મારા વ્હાલ વિજાણંદને રોકી પાછો વાળ્ય ને. એમ કરતી ઓજતની મદદ માગતી પ્રેમઘેલી શેણીએ એક પીપળાને જોયો ને તેને પૂછ્યું:

પીંપળા તું છે પીંપળો, તારાં પૂંછડીયાળાં પાન,

ભાઈ વીરા તને વિનવું- જોયો જંતરવાળો જુવાન?

હે પીપળા, તું મને કહે કે તેં કોઈ જંતરવાળા જુવાનને અહીંથી જતાં જોયો છે? અને જુઓ, જાણે પીપળો તેને એમ જવાબ દેતો હોય કે:

પીપળો કે હા હું પીપળો, મારાં પૂંછડીયાળાં પાન,

હાલી જાને આ મારગે, ત્યાં ગયો જંતરવાળો જુવાન.

પીપળે કહ્યું કે મારાં પાન પંૂછડીવાળાં છે ને હું પીપળો છું તું તારે માર્ગે જા, ત્યાં જંતરવાળો જુવાન ગયો છે. આમ પીપળા જેવા વૃક્ષને સજીવારોપણ કરતી અને પૂંછડીવાળો વૃક્ષ મર્કટ સમાન હોવાથી તેને વનવગડાની ખબર હોય તેથી તેને પૂછતી બાલા રસ્તે ઝપાટાબંધ ચાલવા લાગી. અનેક પ્રેમઘેલી બાલાઓ જડમાં ચેતન જુએ છે, ને પોતાના હૃદયને શાંતિ આપે એવું તેની પાસેથી માગે છે. આમ શેણી સ્થળે સ્થળે વ્હાલા વિજાણંદના સમાચાર પૂછતી જાય છે. માર્ગમાં પાવાનો સૂર સંભળાયો, ને એક ગોવાળિયાને મીઠે સૂરે પાવો ફૂંકી આનંદ કરતો જોયો. આ જોઈ તે બોલી,

કાંઉ વગાડે વાંસડો, રે પાવે મન પલળે નૈં,

પણ જંતરવાળે જુવાન, રે વેરાગી કર્યા વિજાણંદે.

અરે તું શું આ વાંસડો ફૂંકે છે. તારા પાવા તરફ મારું મન જરાય ઠરે તેમ નથી. પણ અહાહા, મારો જંતરવાળો જુવાન કેવો? ખરેખર તે વિજાણંદે તો મને પોતા પાછળ વેરાગી કરી છે. કારણ કે,

જંતર વાયું રાત, ભાંગવી શત્યને ભારથીએ,

કાળજને આ કાપ સટ વાઢી ગયો વિજાણંદો.

અહહ, તે ભારથીયો વિજાણંદ મધ્ય રાત્રિ સુધી જંતર વગાડી ગયો ને સટાક દઈને મારા હૃદય પર તે ઊંડો કાપ મેલતો ગયો છે. આમ ચારેકોર લવતી, હૃદયમાં વ્હાલા વિજાણંદની ગુંજ ઉઠાવતી શેણી ભમતી ભમતી ભાલ દેશમાં આવી; અને ભાલના ગામને મધ્ય ચોક આવી બોલી કે-

કોઈ જંતરવાળો જુવાન આ ભાલમાં ભૂલો પડ્યો,

હું શેરીએ પાડું સાદ મને વાવડ વિજાણંદના દ્યો.

અરે, આ ભાલમાં કોઈ જંતરવાળો જુવાન ભૂલો પડી આવ્યો છે? અરે હું શેરીએ શેરીએ સાદ પાડું છું કે કોઈ મને વિજાણંદનો પત્તો આપો. આમ તે બોલે છે ત્યાં કોઈએ કહ્યું કે :

લાલ સુરંગી ધોતીએ, કેશરભીને વાન,

હમણાં હતો હાટડે જંતરવાળો જુવાન.

હે બાઈ, સુંદર લાલ રંગનું ધોતિયું પહેરેલ ને કેશરિયા રંગનો જરાક કાળાશ પડતો હજુ હમણાં જ મેં એક જંતરવાળો જુવાનીયો જોયો છે. આ સાંભળી તુર્ત જ શેણી બજારે ગઈ પણ ક્યાંય તેને જોયો નહીં, વળી બોલી:

આવળ્ય પીળે ફૂલડે, કેશરભીને વાન,

શેરીએ પડાવું સાદ, જોયો જંતરવાળો જુવાન.

પીળાં ફૂલભરી આવળ્ય જેમ શોભે તેવો અને કેશરી રંગથી જરા ભીનેવાન એવો જંતરવાળો જુવાન કોઈએ જોયો છે? હું શેરીએ સાદ પડાવું છું કે કોઈએ જોયો હોય તો કહેજો. આમ કરતી શેણી ગામ બહાર આવીને રસ્તે ચડી ચાલવા લાગી. જે કોઈ આવે તેને પૂછતી જાય કે કોઈ જંતરવાળો જુવાન મળ્યો? ને કોઈ કહે કે ‘હા, આ જાય’ ત્યાં ત્વરાથી ચાલવા માંડે છે. છેવટે સ્ત્રી જાતિ તે કોમળાંગી જ. કેટલું ચાલે? ચાલી ચાલીને થાકી ગઈ. શરીરમાં તાકાત રહી નહીં. પગ થાકીને સૂઝી ગયા, કોઈએ કહ્યું કે ‘આ જાય’ ત્યાં ઉતાવળથી ચાલવા તો લાગી પણ હવે એક ડગલું પણ આગળ ભરવાની તાકાત રહી નહીં. છેવટે એક ઊંચી ધાર પર ચડી જોવા લાગી. ત્યાં દૂરથી કોઈ પુરુષ જેવું જતું જોયું ને બોલી,

હાલું તો હલાય નૈં દોડું તો લાજી મરું,

આ વિજાણંદ વાગડ ઊતર્યો, હવે ઊભી પોતું કરું.

હું ચાલું તો મારાથી ચલાતું નથી. કદાચ દોડું તો મને શરમ થાય છે. અરેરે આ વિજાણંદ તો વાગડનો દેશ પણ પાર કરી ગયો. હવે તો હું તેને અત્રે ઊભી રહી હાથથી પોત કરી — ઇશારત કરી ઊભો રાખું. આમ કહી એક કપડાને હાથમાં લઈ તેને આમ તેમ હલાવી બૂમ દેવા લાગી કે,

ખેતર પાક્યું કણ ઝરે, મનડું બેઠું માળે,

વળ્ય ને વિજાણંદા અમને રોજડા રંજાડે.

હે વિજાણંદ; આ મારું યૌવન રૂપી ખેતર પાકી ગયું છે ને દાણાઓ ખરી જવા માંડ્યા રે વ્હાલા, પાછો વળી મારી ખબર લે ને; કારણ અણસમજુ રોજ જેવાં મનુષ્યો મને સદાય પીડે છે. આમ ઘણુંય કહ્યું પણ કોણ સાંભળે. વળી તે બોલી,

ધખતી મેલી ધુંણીઈ અતિતડો ઊઠી ગયો,

આ અભાગણીનો આધાર, વિજાણંદો વયો ગયો.

અરે, આ મારા હૈયાની હોળીને પ્રચંડ સળગતી મેલી તેને તાપનાર અતીત તો ચાલ્યો ગયો. અરેરે, મારો અભાગણીનો આધાર વિજાણંદ ચાલ્યો ગયો. ખરેખર શેણી તારા હૃદયની ધૂણીને સળગતી જ મૂકી અતીત ચાલી ગયો છે. હવે તેને ઠારે એમ કોઈ નથી. તે અતીત તને ઠારે તેમ હતો તે તો ચાલ્યો ગયો. વળી તે બોલી,

ધુણીયું મેલી ધખતી, આ અતીતડો ઊઠી ગયો,

પેરી ભગવો વેશ, વિજાણંદ વેરાગી થયો.

અરે આ અતીત તો મારા હૃદયમાં બળતી હજારો ધૂણીને સળગતી મેલી ચાલ્યો ગયો. અરેરે, એ બિચારો પણ ભગવાં વસ્ત્ર પહેરી વિરાગી બની ધૂણી તાપવાનું મૂકી દઈ સ્થળે સ્થળ ભટકવાનું લઈ બેઠો. ખરેખરી પ્રેમ શીલ સાધ્વીને અન્યનાં દુ:ખનો પણ વિચાર થાય છે. અરે તે તરફ પણ તેનું હૃદય ન ઢળ્યું. મારા તરફ તો રહ્યું એમ કરી બોલી,

વિજાણંદ ચાલ્યો વદેશ, છોરૂડાં છોડી કરી,

કાપી ગયો અમારા કેશ, ભાંગતી રાત્યનો ભારથીયો.

ખરેખર વિજાણંદ પોતાનાં છોકરાં છૈયાંને તજીને વિદેશ જવા ઊપડી ગયો. અરે, એ ભારથીયો તો મધ્ય રાત્રે મારા કેશ કાપી ચાલ્યો ગયો. હા શેણું, તે ગયો ને તેના પાછળ તું મુંડ મુંડાવી જોગન બને એ તારા હૃદયને યોગ્ય છે. કારણ કે શુદ્ધ સાચા પ્રેમથી વશ થયેલ બાલાને પ્રેમી જતાં પછી જગત્માં પોતાનું કશું રહેતું નથી. અંતે ઘેર જવું એ કાંઈ શેણું જેવા હૃદયને માટે હોય જ નહીં. થોડો થાક ઊતર્યો ત્યાં ઊભી થઈ બોલી,

ખેતર પાક્યું, પોંક થીઓ, મનડું બેઠું માળે;

અધવચ મલ્યાં એકલાં, હાલ્યા હૈડાં હવે હેમાળે.

અરેરે, મારું યૌવન રૂપી ખેતર તો પૂરું પાકી ગયું છે, અને તેમાં પોંક પણ તૈયાર થયો છે. મારું મન પણ જ્યાં શાંત થઈ ઠેકાણે બેઠું કે હવે વિજાણંદને વરશું, ત્યાં અરર, મને બરોબર રણવગડે અધવચ્ચ એકલી મેલી. અરે હૈયા, હવે તો તું હિમાલયે જ ચાલ્ય, ત્યાં તને શાંતિ મળશે. આમ કરી શેણી ત્યાંથી ઊઠી ઉત્તરમાં હિમાલય તરફ ચાલવા માંડી. વિજાણંદ પામવાની સર્વ આશા નિર્મૂળ થઈ ગઈ.

શેણી હિમાલયમાં તો આવી, પણ પોતે અવિવાહિત હતી તેથી હિમાલયે તેને ગળી નહીં. થોડી વાર તો તે બિચારી વિમાસણમાં પડી ગઈ; પણ તુર્ત જ શાસ્ત્રની આજ્ઞા તેને યાદ આવી તેથી દર્ભનો વિજાણંદ બનાવી તેની સાથે લગ્ન કર્યાં.

હવે અત્રે વિજાણંદ ધારીગુંદાળી તજી ચાલ્યો ગયો ને શેણી પરણી સાસરે જાય પછી આવવાનો વિચાર કરી થોડા રોજ અહીં તહીં ભટકી પાછો ઘેર આવ્યો. આવ્યો ત્યાં ખીમરીની દુષ્ટ જીભ તેના હૃદયને ભેદવા લાગી; ત્યાં વળી ખબર મળ્યા કે શેણી તેની પછવાડે ચાલી ગઈ છે. બસ હવે તે વિજાણંદથી ત્યાં રહેવાય ખરું? તે બિચારો તુર્ત જ કાંધે જંતર નાખી ચાલતો થયો, ને શેણીના વાવડ કાઢતો કાઢતો ઠેઠ હિમાલયમાં આવ્યો.

હાડ ન ગળે હેમાળે, સોહામણાં શેણીનાં,

કાસનાં કોઈ કરી, પછી પરાણે પરણી ઉતર્યાં.

અરેરે આ સુંદર શેણીનું શરીર હિમાલયમાં ગળતું નથી તેથી દર્ભનો વિજાણંદ કરી પરાણે તેની સાથે લગ્ન કર્યાં, ને તુર્ત જ ગળાવા લાગી. આંહીં ગળાવા લાગી ને વિજાણંદ આવ્યો. આવ્યો ને તુર્ત જ કહેવા લાગ્યો. ‘અરે શેણી, ઊભી રહે જરા થોભ.’ આ સાંભળી તે બોલી.

કાસનાં કોઈ કરી અમે પરાણે પરણી ઊતર્યાં,

ગુડા સુધી ગળેલ, હવે હૈયે હિમાળો હલકુ દીએ,

અરેરે, હું ઘાસનો વિજાણંદ કરી પરાણે તેની સાથે લગ્ન કરી ઊતરી. હવે તો મારા ગોઠણ સુધી ગળાઈ ગઈ છું ને આ હિમાળાની હલક મારે હૈયે લાગી રહી છે. માટે હવે તો રામરામ, વિજાણંદ! રામરામ. કારણ કે,

ગળીયો અરધો ગાત્ર, અરધમાં અરધો રહ્યો,

હવે મસળતા હાથ, વિજાણંદ પાછા વળો.

હવે મારું અરધું શરીર ગળાઈ ગયું છે. અરે અરધાનું પણ અરધું બાકી રહ્યું છે, હવે તો વિજાણંદ તું હાથ ચોળતો પાછો જા. હું હવે તારા કામની નથી. આ હિમથી મારાં ગાત્ર પાંગળાં થઈ ગયાં છે, મને જવા દે. આ મર્મભેદક વેણ સાંભળી વિજાણંદ બોલ્યો,

વળને વેદાણી, રે પાંગળી હોય તોય પાળશું,

કાંધે કાવડ ધરી જાત્રા બધી જુવારશું.

રે વેદાણી શેણી, ભલી થઈને તું પાછી વળ્યને, તું પાંગળી થઈ તોય હું તારું પોષણ કરીશ. અરે વ્હાલી, મારા કાંધ પર કાવડ ધરી તેમાં તને બેસારી દરેક જાત્રા સાથે રહી કરાવીશ પણ વ્હાલી પાછી વળ્ય ને. ત્યારે શેણીએ જવાબ દીધો

આ ભવ તો એળે ગયો, ઓ ભવ નહીં અવાય,

ફોકટ ફેરો થાય, વળતાં હવે વિજાણંદા.

રે વિજાણંદ, આ જન્મારો તો મારો વૃથા ગયો છે ને આવતે જન્મારે કાંઈ આંહીં અવાશે નહીં. હવે જો હું પાછી વળું તો મારા જન્મનો ફેરો ફોકટ થાય. માટે હવે રામરામ વ્હાલા ઘેર જા. કારણ કે હવે હું

વળું તો રહું વાંઝણી, મુઆં ન પામું આગ,

આ લુખો અવતાર, લૈ વણસાડ્યો વિજાણંદા.

હે વિજાણંદ, તેં તો મારો જન્મારો રદ કરી નાંખ્યો છે. હવે હું પાછી વળી શું કરું. જો હવે વળું તો હું વાંઝણી રહું ને મારા શબને કોઈ આગ પણ મૂકનાર નથી. તેં તો મારો જન્મારો રદ કરી નાંખ્યો છે. માટે રામ રામ. આમ બોલી વિજાણંદ સામું જોઈ વળી બોલી

હૈડું મારું હેમાળામાં, ગુડા સુધી ગળેલ,

ઘોળ્યા જાને ઘેર વાલા સગા વિજાણંદા.

હે વિજાણંદ,હે વ્હાલા સગા, મારું હૈયું હિમાલયમાં છે. હું ગળાઈ ગઈ છું. તું હવે (વળી જરા રીસ કરી)પીટ્યા ઘેર જાને, પણ રે વ્હાલા સગા, ઘેર જાને હવે રામ રામ, આમ એ સંબંધ વચન ઘડીકમાં ‘ઘોળ્યા’ તો ઘડીકમાં ‘વાલા સગા’ કહી ગાંડાની જેમ હવે ગળાતી શેણી બોલી. પોતાની સ્થિતિ આમ વિજાણંદે કરી તેથી ‘ઘોળ્યા’ત્યાં વળી ‘વાલા સગા’, હૃદયનાથ, કહી બોલાવે છે- વળી હૃદયમાં જંતર સાંભળતાં સાંભળતાં મરવાનો વિચાર સ્ફુરે છે ને કહે છે;

વિજાણંદ જંતર વગાડ્ય, જળ માછલીયુ જોવા મળે,

દુ:ખનો ભાંગણ હાર, આ હેમાળો હલકુ દીએ.

રે વિજાણંદ, તું તારું જંતર વગાડ્ય કે આ જળની માછલીઓ તેને સાંભળવા ટોળે મળે, વળી આ મારા જેવાં દુ:ખીનાં દુ:ખ કાપનાર હિમાલય પણ હલકથી રેલી રહે. આટલું વચન આટલી ઇચ્છા તો વિજાણંદને માટે બસ હતી. વ્હાલીને છેલી ઘડીએ સુખ કરવા, તેના દુ:ખી હૃદયને શાંતિ વાળવા, વિજાણંદ તૈયાર હતો. તેણે જંતર વગાડવા માંડ્યું ને મધુર રેલ ચારે દિશાએ રેલી રહી. જલમાંથી માછલીઓ સાંભળવા ટોળે મળી ને તેને પકડવા ઉત્સુક ઢીમર જાળ પકડી સ્તબ્ધ થઈ ઊભા રહ્યા. આને હજુ પાનો ચડાવવા શેણીએ કહ્યું:

વિજાણંદ જંતર વગાડ્યા ચડાવી બત્રીશ ગમે,

મોહ્યા મચ્છીમાર, જળ માછલીઓ ટોળે મળે.

રે વિજાણંદ, તું જંતરની બત્રીશે ગમ ચડાવીને જંતરને બજાવ્ય. જો વ્હાલા, મેલા હૃદયના ક્રૂર મચ્છીમાર પણ મોહ પામી ઊભા છે ને આ પેલી માછલીઓ પણ ટોળે મળી સાંભળે છે. આમ પાનો ચડાવે છે. વિજાણંદ જંતર બજાવે છે; પણ ધીમે ધીમે ગળાતી શેણીને જોઈ વિજાણંદનું કાળજ કપાતું જાય છે. શેણીના હૃદય પર વ્હાલા વિજાણંદની છબી છે. મીઠા જંતરની રેલ છે, ને ગળાય છે. અંતે ગળાઈને જુઓ,

જંતર ભાંગ્યું, જડ પડી, ત્રુટ્યો મોભી તાગ,

વેદાણી શેણી હલ ગઈ, હવે જંતર ન કાઢે રાગ.

આ જંતર એકાએક કટકા થયું ને જડ પડી ગઈ, મુખ્ય તાર તડ દઈને ત્રુટી ગયો. અરેરે વેદાણી શેણી બરફમાં ગળાઈ ગઈ ને જંતર મૂંગું થઈ ગયું. પછી જંતરને ત્યાં ફેંકી દઈ વિજાણંદ પાછો ઊતર્યો ને પેટમાં ભૂખ લાગતાં ભીખ માગી અન્ન ખાધું. જમી રહ્યા પછી બોલ્યો:

ભૂખે ખાધું ભાત પામર પેટ ભરી,

શેણી જેસો સાથ, વળાવી વિજાણંદ વળ્યો.

હે પશુ સમાન હૃદયશૂન્ય વિજાણંદ! તેં તો આ શેણી જેવાનો સંગ તજી તેને એકલી વળાવી, ભૂખ લાગી ને પેટ ભરીને અનાજ ખાધું. તને ફટ્ય છે. આમ કરી વળી હૃદયમાં અતિ દુ:ખ થયું ને પાંસરો હિમાલયમાં ગયો, ગયો તે ગયો. પાછો વળ્યો જ નહીં. પ્રેમ શા શા અટપટા ખેલ કરે છે તે પ્રેમીઓ જુઓ આ રસિક જોડાના વૃત્તાંત પરથી.