ભારતીયકથાવિશ્વ-૫/કાઠિયાવાડની જૂની વાર્તાઓ/દેવરો તથા ઢોલરો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દેવરો તથા ઢોલરો

પોતાને જે ચહાતું નથી તેને પોતાના સમભાવી હૃદય સાથે જોડી સુખ લેવું એવો દૈવી ભાવ તો ખરેખર સાધુ પુરુષોમાં જ હોય છે. એવું ઉદાર દિલ બીજા પાસેથી કંઈ જ્ઞાન લઈને તેમ કરતું નથી પણ તે કુદરતી રીતે જ તેવું હોય છે. આવાં હૃદય ખરેખર પૂજનીય છે.

ઢોલરો જાતનો તો આયર હતો પણ ઘણા જ ઉચ્ચ દિલનો પુરુષ હતો. તેનું વેશવાળ પોતાની જ જ્ઞાતિની એક આયર કન્યા સાથે થયું હતું. પણ તે કન્યાના દિલને દેવરા નામના એક અન્ય આયર યુવાને વશ કરી લીધું હતું. એક જ ગામમાં, પાસે પાસે પડોશમાં રહી સાથે સાથે નાનપણથી રમતગમતમાં ઉછરેલ તેથી દેવરા તથા તે કન્યાનાં હૃદયો સજ્જડ પ્રેમગાંઠથી સંકળાયાં હતાં. દેવરાને તેની મા તથા બે બેનો સિવાય બીજું જ કોઈ સગુંવ્હાલું નહોતું. પિતા તો તેને છેક બચપણમાં મૂકી મરી ગયેલ હતો. દેવરો માતાને ઘણી જ મદદ કરતો ને તેઓ મજૂરી બજૂરી કરી પોતાનું ચલાવતાં. કન્યા પોતાનાં માબાપને લાડકી હતી, વળી એકની એક જ, પછી તેની સ્વતંત્રતાનું શું પૂછવું? દેવરાને તે અનન્ય પ્રેમભાવથી પોતાનો જ ગણતી હતી. તેનાં માબાપે તેનું વેશવાળ ઢોલરા સાથે કર્યું, અને કન્યાકાળ થતાં લગ્ન આરંભ્યાં. હવે લાડકવાઈ કન્યાને ખરા ખબર થયા કે પોતે ઢોલરા સાથે પરણીને જવાની જ. હવે તેનું હૃદય અચાનક બાણથી ઘવાયું, વ્હાલા દેવરાને તજવો જ પડશે. દેવરો બિચારો શાન્ત મૂંગો થઈ ગયો. તે પણ પામી ગયો કે પોતાનું વ્હાલું હૃદય હવે બીજાના હાથમાં જવાનું. તેના દુ:ખનો પાર રહ્યો નહીં. પણ ગરીબના દુ:ખની કોને પિછાન? પિછાન માત્ર એક નેક હૃદયને જ. લગ્નની તૈયારી થઈ. મંડપ શણગાર્યો. માંડવીયાં સર્વ ફૂલફટાકીયાં થઈને માંડવામાં ફરવા લાગ્યાં. એક માત્ર દેવરો ત્યાં દેખાતો નહોતો. દેવરો ત્યાં ક્યારેક આવતો તો હોંશ વિનાનો, કપડાંબપડાંનું પણ ઠેકાણું નહીં. એની આ સર્વ સ્થિતિ કન્યા જોઈ ગઈ. તે દેવરાને મળી અને કહ્યું કે આ જાન આવી, બધાંય માંડવામાં ડોલરીયાં થઈને ભમે છે. ને તું આમ કાં? તુંય તે:

આ ભાઠાળા ભમે, રૂપાળાસેં રાચું નૈં,

ડોલરીયો થૈને મંડપે માણને દેવરા.

હે દેવરા, આ બધા ખડભૂત, ભાઠાં પડેલ, અહીંયાં ભમી રહ્યાં છે; પણ હું કોઈ રૂપાળાથી રાજી થવાની નથી. તું વ્હાલા ફૂલફટાકિયો થઈને આ માંડવામાં મજા કર ને.

આ બોથાલા બાણું લાખ, રૂપાળાસેં રાચું નૈં,

ડોલરીયો થઈને મંડપમાં દેવરા માણને.

રે દેવરા, આ બધા મૂરખ બાણું લાખ ભેગા થાય ને તેમાં ગમે તેવું રૂપ હોય તો પણ તેની સાથે મારું હૈયું રાજી થશે નહીં. તું તારે આ માંડવામાં ફૂલફટાકિયો થઈને આનન્દ કર ને.

આમ તેને ઉત્તેજન ચડાવવા તે કન્યાએ ઘણું કહ્યું પણ દેવરાનું કરમાઈ જતું હૃદય પ્રફુલ્લ થયું નહીં. તે માંડવામાં સર્વ સાથે આવતો, ઊભો રહેતો, પણ હોંશ વિનાનો. અન્તે ઢોલરા સાથે લગ્ન થયાં અને ચોરી ફરવા વખત થયો. ચોરીમાં વરરાજા સાથે બેસી કંસાર ખાવાનો વખત થયો ને નિ:શ્વાસ નાખતી કન્યા બોલી:

ચોરીના આંટા ચાર, વોય ફરવા માંડવ માંય,

પણ કેમ જમું કંસાર, રે દુ:ખ માને ઈ દેવરો.

અરેરે, હું આ પરપુરુષ સાથે માંડવામાં ચોરીના ચાર આંટા ફરવાના હોવાથી ફરી. પણ આની સાથે બેસીને કંસાર તે એક ભાણે કેમ જમું? એમ કરું તો મારો દેવરો દુ:ખ લગાડે. ઉત્સવના ઉજમને ઠેકાણે આવા નિ:શ્વાસ, આવા ઢીલા ઢીલા હાવભાવ કન્યાના હૃદયમાંથી નીકળતા ઢોલરો જોઈ ગયો. પણ કારણ કલ્પી શક્યો નહીં. ‘માબાપની લાડકીને પારકે ઘેર જતાં સ્વાભાવિક રીતે દુ:ખ થાય જ; વળી દેવરા જેવા કોઈ સ્વજનને માટે પણ લાગે,’ એમ ધારી ઢોલરે મનનું સમાધાન કર્યું. નહીં તો તે એવો તો ઉદાર દિલનો હતો કે દેવરા માટે ઝૂરતી કન્યાનું કદી પણ પાણિગ્રહણ કરે જ નહીં. લગ્ન થયાં; ચોરીએ ચડી ઊતર્યાં. હવે જાનને ઉઘલાવવાનો વખત આવ્યો; ત્યાં દેવરો તથા તે બાલા મળ્યાં. દેવરે તેને શાન્તિ રાખી, ધીરજ ધરી, રહેવા શિખામણ આપી, અને ઢોલરાને ઘેર જઈ એ સુખી થાય એવું ઇચ્છ્યું પણ પ્રેમઘેલી તે બાલાએ કહ્યું, ‘હા દેવરા, તે ખરું, પણ-

દેવરા દી નવ જાય, અરેરે જન્મારો કેમ જાશે,

પણ વળવળતે વેણે, આ દોરી દીધાં દેવરે.

રે દેવરા, તારા વિના મારે એક દિવસ પણ કાઢવો અતિ કઠણ છે; તો પછી, હે પ્રેમી, આખો જન્મારો તે મારાથી કેમ કઢાશે? પણ, અરેરે, આ દેવરે તો મને, હું તો મારે બોલતી રહી ને, એક ઢોરને જેમ વેચીને દોરીયે તેમ આ ઢોલરાને સોંપી દીધી.

આવાં વચન સાંભળી દેવરાનું હૃદય તો કપાઈ ગયું, પણ પોતે કરે શું? તે દુ:ખનો માર્યો આ અસાધ્ય સ્થિતિને ખ્યાલે જરા મોં મલકાવવા લાગ્યો, તે જોઈ વળી તે બોલી:

દેવરા દાંત મ કાઢ્ય, દોખી તારાં દેખશે,

થાશે હાસું ને હાણ્ય, વાતુ બેઉની વકરશે.

અરે દેવરા, તું હસ નહીં. તારા દુશ્મન આ જોઈ જશે ને તેથી હસવું ને હાણ બેઉ થશે. આપણી ફજેતી થશે ને બન્નેની વાત બગડી જશે.

માટે, હે પ્રેમી, મને લઈને તું અત્રેથી ક્યાંય નીકળી જા તો ઠીક. પણ દેવરે કંઈ ઉત્તર દીધો નહીં. ફક્ત આ વિચારથી દુ:ખી થઈ મોં મલકાવ્યું. સવાર થઈને જાન ઉઘલાવી. ઝાંપે માગણનું ટોળું દાત્યુ લેવા એકઠું થયું. ચારણ ભાટને રીઝવવા મેપા નામનો ઢોલરાનો સગો દક્ષણામાં ઢોર દેવા લાગ્યો પણ તે સારૂં નરસું એમ કરવા લાગ્યો ને ઢોરને તારવવા લાગ્યો. આ જોઈ તે બાલાના હૃદય પર ઉદાર દેવરો ખડો થયો. માગણ માગવા આવતે પોતાની એકની એક ગાય મોરી સુધાં તેને દઈ દીધી તથા તેની સાથે ઘાસનો ભાર પણ ચારગણા માટે દીધો એ સખી દેવરાનું દિલ બાલાના હૈયાને પ્રફુલ્લિત કરવા લાગ્યું અને તેણે કહ્યું,

દાત્યુ દેતાં ઢોર, ટોળાના તારવીએ નૈં,

મોરી સોતાં મેપ, દોરી દીધાં દેવરે.

હે મેપા, આમ દક્ષિણામાં ઢોર આપતાં સારું નરસું કરીએ નહીં. જોને મારે દેવરે તો મોરી સુધ્ધાં દઈ દેતાં જરાય વાર લગાડી નથી.

દાત્ય દેવાઈ રહી. જાન પંથે પડી, નવી વહુની નજરમાં મરદ ઠરવા ઘોડા પર બેઠેલ સ્વારો એક બીજા સાથે સ્પર્ધા કરવા લાગ્યા, આ જોઈ તે બોલી.

ટટાં ટાળા ટાળ્ય, અણગમતાં આડાં ફરે,

માંકડીએ અસ્વાર, દશુ વિરાજે દેવરો.

અરેરે, આ ટાટડાં ઘોડાં એક બીજાની આગળ નીકળવા દોડી દોડી મારી નજર આડાં આવ્યાં કરે છે. પણ અહો મારો દેવરો જે વખતે માંકડી ઘોડી પર સવારી કરતો ત્યારે સર્વ દિશા દીપી ઊઠતી.

આ ઘોડાં કુદાવતી, બળદ દોડાવતી, જાન એક નેરાને કાંઠે આવી. સર્વે ટીમણ કરવા ઊતર્યાં. નવી વહુ સહિત જાનની કેટલીક સ્ત્રીઓ નેરાની વેળુમાં વીરડો ગાળી ઉલેચવા લાગી. પણ તેનું પાણી આછું થયું જ નહીં. ઘણી મહેનત કરી પણ બધી ફોકટ ગઈ. આ જોઈ નવી વહુના દિલમાં કોઈ ભાવ ઉભરાઈ આવ્યો. પોતાનો વ્હાલો દેવરો કઈ દિશામાં હશે તે તપાસવાનું તેને મન થયું અને તે બોલી:

વેળુમાં વીરડો ખુંદ્યોય ખમે નૈં,

પણ આછાં આવજો નીર, દશુમાંથી દેવરાની.

આ રેતીમાં જે વીરડો છે તેને ડખોળી ડખોળીને ઉલેચ્યો તોય તે આછરતો નથી; પણ, હે નીર, મારો દેવરો જે દિશામાં હોય તે દિશામાંથી તું આછું વહેજે.

આમ બોલી વ્હાલા દેવરાના પ્રેમની નિર્મળતાને ઉદ્દેશીને તેણે નીરને તેની કસોટી માટે કહ્યું; અને જુઓ તુરત પ્રેમનો પરચો જણાયો. જે દિશામાં દેવરો હતો તે દિશામાંથી આછી સેર ફૂટી. નવવધૂ આમ પોતાના પ્રેમીની સાક્ષી પાણીને પૂરતું જોઈ રાજી થઈ. પછી સર્વ સજ્જ થઈ ત્યાંથી ચાલ્યાં અને જાન ઘેર આવી. રાત્રિ થઈ. રસિક ઢોલરો નવી વહુને રીઝવવા રાત્રે સોગઠાબાજી કાઢી તેને રમવાનું કહેવા લાગ્યો. પણ ભલે ઢોલરો સર્વ જનોની નજરમાં પોતાનો ધણી થયો, પણ હૃદયે તેનો સ્વીકાર કર્યો નહોતો. નિર્મળ હૃદયની વહુએ તડાક દઈને કહી દીધું કે:-

સોનાની સોગઠીએ, પીતળીએ પાસે,

આ હૈયું ને જમણો હાથ, દામાં ડૂબ્યાં દેવરાના.

હે ઢોલરા, હું સોનાની સોગઠી ને પીતળના પાસા વડે મારા દેવરા સાથે રમી હતી ત્યારની આ મારું હૃદય ને જમણો હાથ તેની સાથેની રમતમાં હારી બેઠી છું, માટે હું તો તેની જ છું.

પ્રિય વાચક કયો મરદ આ સાંભળી બેસી રહે? કોણ આમ ચોખ્ખું બોલી દેતી વહુને જીવતી રાખે? માત્ર રસિક શુદ્ધ, ઉદાર દિલનો પ્રેમી સાધુ જ. ઢોલરો તેવો જ પ્રેમી હતો. તે ખરા જિગરથી પોતાની સ્ત્રીને ચાહતો હતો. તે હૈયાને પોતા સાથે સુખ નહોતું વળતું તેથી એ કાંઈ તેનો અદેખો ન બન્યો. અથવા તો ધણીપણું બતાવવા તેના પર સખ્ત પણ ન થયો. ઢોલરો તો દૈવી ભૂમિકાનો વિહારી હતો. અલ્લડ, ગભરુ હૃદયને તૃપ્તિ આપવા તે સદા તત્પર હતો. તે તો વળી નવી વહુનો ચોટલો પોતાને હાથે ગૂંથી રીઝવવા તૈયાર થયો. પણ આમ અન્ય પોતાના ચોટલાને સ્પર્શ કરે તે અયોગ્ય માની તેણે કહ્યું કે તે ગાંઠ ઢોલરા, તારાથી છૂટવાની નથી; કેમકે:

ચોટો ચાર જ હાથ, ગૂંથ્યો ગોરે માણસે,

ગુણની વાળેલ ગાંઠ, દોરો છુટે નૈં દેવરાનો.

આ મારો ચોટલો ચાર હાથ લાંબો છે. તેને ગોરા માણસ દેવરે પોતાને હાથે ગૂંથ્યો છે. અરે ઢોલરા, તેના ગુણની ગાંઠ એવી સજ્જડ બંધાઈ ગઈ છે કે દોરો પણ તારાથી છૂટી શકે જ નહીં.

આમ તેને રીઝવવા ઢોલરો પ્રેમી પ્રયત્ન કરતો ગયો, તેમ વ્હાલા દેવરાને આગળ કરી નવી વહુ તો તેનાં જ વખાણ કર્યે ગઈ. આમ છતાં ઢોલરો લેશ માત્ર પણ હૃદયમાં ડંખ રાખતો નથી ને તેને રીઝવવા પ્રયત્ન કરે છે. સૂવા વખત થતાં ઢોલરો પલંગ ઢાળે છે તે જોઈ વહુ બોલી:

ઢોલા મ ઢાળ્ય ઢોલીઓ ઢોલે મન ઢળે નૈં,

મ ઝાલ મારા કપડની કોર રે દખ માનશે દેવરો.

હે ઢોલરા, તું પલંગ પાથર નહીં. મારું દિલ તું ઢોલરામાં કદી પણ ઠરવાનું નથી. અરે બાપુ, તું મારા કપડાની કોર પણ પકડ્ય નહીં, કેમ કે એથી મારા દેવરાને દુ:ખ લાગશે. મને તારી સાથે ઊંઘ પણ આવશે નહીં કારણ કે,

કીમ સોઉં સજણાં, મું સૂતેય સખ નૈં,

પાંપણનાં પરિયાણ, ભમ્યા વગર ભાંગે નૈં.

હે સજ્જન, હું તે કેમ સૂઉં, ને મને ઊંઘ તે કેમ આવે! મને સૂવામાં જરાય સુખ નથી. આ આંખને આમ જે ઝંખવાનું છે તે તેને જોયા વગર બંધ થવાનું નથી.

આમ ને આમ આ અલડ, ઘેલી નવી વહુને સુખ દેવાને ઢોલરો જે જે સેવા ઉઠાવતો ગયો તે તે સંબંધે તેને ચોખ્ખો જવાબ મળતો ગયો. છેવટે સવાર પડી. ઊઠ્યાં. વખત થતાં જમવા બેઠાં, ને ઊનું ભોજન તેને પીરસ્યું, ત્યાં વળી દેવરો હૈયે આવ્યો ને તે બોલી,

ઉનાં તે આ વાર ભોજનીયાં ભાવે નૈં,

સુતલ હૈયામાંય, રખે દેવરો દાઝતો.

મને આ વખતે ઊનાં ભોજન ભાવે તેમ નથી; કારણ કે મારા હૃદયમાં સૂતેલ દેવરો તેનાથી દાઝી જાય.

આમ કરી ઊનું ભોજન પણ તેણે પાછું ઠેલ્યું. ખરેખર હૃદયમાં વિરાજતો પ્રેમી ઊનાં ભોજન જમવાથી દાઝશે એવો ભ્રમ પ્રેમવશ બાલાને થાય જ. જરા બહાર જશે ને આને સુખ વળશે એમ ગણી ઢોલરે તથા તેની માએ તેને બીજી સ્ત્રીઓ સાથે હેલ આપી પાણી ભરવા મોકલી. બીજી સ્ત્રીઓ ઝટ પાણી ભરી ઘેર આવી ને એક નવી વહુએ તો કૂવા કાંઠે, કૂવામાં ઘડો ને એક હાથમાં દોરડાનો છેડો ઝાલી વળાંભી વળાંભીને જોયા જ કર્યું. ઘણી વાર થઈ ને પછી કોઈએ કહ્યું એટલે પાણી ભરી ઘેર આવી. સાસુએ પૂછ્યું કે આમ મોડું શાથી થયું? ત્યાં તડાક જવાબ મળ્યો કે-

સિંચણ ચાળીશ હાથ, આ પાણી સાથે પુગ્યું નૈં,

જોતાં વાલમની વાટ, દી અથમાવ્યો દેવરે.

સાંભળો: આ સિંચણીયું ઘણું ચાલીસ હાથ લાંબું હતું પણ તે પાણી સુધી પહોંચ્યું જ નહીં. અરે મેં તો મારા વ્હાલાની વાટ જોયા કરી ને એ દેવરે મને દી’ અથમાવ્યો.

હવે તો ઘરમાં સર્વેએ જોયું કે આ વહુ કાંઈ ઘરમાં સુખથી રહી શકશે નહીં. એને એનો દેવરો મળે તો જ જંપ વળે એમ છે, માટે સુખેથી તેને સોંપી દેવી. પછી ઢોલરો દેવરાને ઘેર પોતાની સ્ત્રીને લઈને ગયો ને તેને સોંપી દીધી. બંને સાથે સુખી થયાં. પણ દેવરો કાંઈ જેવો તેવો નહોતો. તેણે આવા ઉદાર સાધુ જીવના ઢોલરાને પોતાની બે બેનો દઈ દીધી, કારણ કે તેણે જોયું કે ઢોલરાના ઉદાર ચરિત્રથી પોતાની બેનો તેના ગુણની દાસી બની હતી. બંને સ્ત્રીઓ વરી ઢોલરો ઘેર ગયો. પણ દેવરાની માએ તેણે આમ પોતાની બે બેનો ઢોલરાને આપી દીધી તેથી જરા કચવાણું મોં કર્યું. આથી દેવરે કહ્યું, મા,-

દીકરીયુ દેવાય, પણ વહુ દેવાય ના;

એક સાટે બે જાય, તોય ઢાલ માગે ઢોલરો.

રે મા, દુનિયામાં માણસ લગ્નમાં પોતાની દીકરીને આપી દે છે. પોતાની સ્ત્રીને કોઈ આપી શકે જ નહીં. અરે, આ એકને બદલે મેં બે આપી તો સદા દેવરાના દેવામાં જ છું.

ભાઈ વાચક, પંડે જ આનો વિચાર કરી લેજે. આ ઉપર વધારે ટિપ્પણ હું શું કરું? ‘જાનત હે દરદી દરદીકી.’ ઢોલરા જેવું દિલ હોય તો જ સમજાએ પ્રેમીની પીડા.

વીકી તથા કમો