ભારતીયકથાવિશ્વ-૫/રાભા લોકકથાઓ/કચમોનીની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કચમોનીની કથા

એક વિધવા હતી, તેને બે પુત્ર-મોટો ગંજુ અને નાનો હંજુ. બંને કુંવારા. ગંજુ હોશિયાર અને સમાજમાં અગ્રણી. કોઈ તેની સલાહ અવગણે નહીં. એક દિવસ તેણે તેમની ખેતમજૂરણ સાથે પરણવાની રજા હંજુ પાસે માગી. હંજુ તો મૂરખ હતો, તેણે હા પાડી. બંનેનાં લગ્ન સમાજના રીતરિવાજ પ્રમાણે થયાં.

થોડા દિવસ પછી બંને ભાઈઓ વચ્ચે ખટરાગ થવા માંડ્યો અને એક દિવસ તો વાત છેલ્લે પાટલે પહોંચી. બધી મિલકતની વહેંચણી થઈ. મોટાએ ફણસ પ્લમના ઉપલા ભાગ લીધા,અને નીચેના ભાગ ભાઈને આપ્યા. એક ગાય હતી. આંચળથી મોઢા સુધીનો ભાગ ભાઈને આપ્યો અને પાછલો ભાગ પોતે રાખ્યો. રસોડાનાં વાસણ હંજુને ભાગે રાતે જ આવ્યા. એ જ રીતે ગાદલાં વહેંચાયાં. નાના ભાઈએ તો આ વહેંચણી સ્વીકારી લીધી. પછી તેને સમજાયું કે હવે મને ફળ-દૂધ નહીં મળે. તે એક દિવસ બહુ મુંઝાયો એટલે ફણસનો પોતાનો ભાગ કાપી નાખ્યો. મોટાએ આ જોઈને તેને બહુ માર્યો, તેનું મગજ આડુંઅવળું થઈ ગયું. તેમની માને બહુ દુ:ખ થયું પણ તે બંનેને શાંત પાડી ન શકી.

આમ અસ્વસ્થ થયેલો હંજુ એક દિવસ ઘેરથી જતો રહ્યો. પછી રસ્તામાં તેને એક માણસ મળ્યો, તેને તે ‘સસરાજી’ કહેવા લાગ્યો. પેલાએ કહ્યું, ‘હજુ તો મારું લગ્ન થયું નથી, તારો સસરો કેવી રીતે થયો?’

હંજુએ કહ્યું, ‘તમારા લગ્ન પછી જો કન્યા જન્મે તો હું તેની સાથે લગ્ન કરીશ, પછી તો મારા સસરા થશો ને?’

હંજુ ગાંડો છે એમ માનીને પેલાએ હા પાડી, ‘હા-હા. પણ મારું લગ્ન થશે ક્યારે. મારી પાસે પૈસા નથી.’

‘અરે પૈસાની ખોટ નહીં પડે. હું તમારો જમાઈ. તમારી સાથે રહીશ. ખેતીવાડીનું કામ કરીશ. ગામની આસપાસ પડતર જમીન બહુ છે. આપણે ડાંગર ઉગાડીશું.’

પેલા સજ્જન તૈયાર થયા અને હંજુને પોતાને ત્યાં લઈ ગયા. બોલ્યા પ્રમાણે હંજુએ કામ કર્યું. પેલાનું લગ્ન ગોઠવ્યું, એક વરસે કન્યા જન્મી. હંજુએ તેનું નામ પાડ્યું કચમોની. દુર્ભાગ્યે થોડા દિવસે કન્યાના પિતાનું અવસાન થયું.

ચંદ્રની જેમ કચમોની તો વધવા લાગી, તે યુવાન થઈ. કરાર પ્રમાણે તેની માતાએ લગ્નની તૈયારી કરી.

એક દિવસ કચમોની ઘરની પાસે આવેલી નદી કાંઠે ગઈ. ત્યાં એક વેપારીની નૌકા નાંગરી હતી. આવી સુંદર કન્યાને જોઈ તેણે બળજબરીથી નૌકામાં લીધી અને નૌકા હંકારી મૂકી.

કોઈ વેપારીએ કચમોનીનું અપહરણ કર્યું તે સાંભળીને વિધવા માતા કરુણ રુદન કરવા લાગી. હંજુએ તેને ધીરજ બંધાવી. ‘શાંત થાઓ. વિધાતાને તો કોણ બદલી શકશે. હું કચમોનીની શોધમાં જઉં છું. જીવનના છેલ્લા દિવસ સુધી હું તેને શોધતો રહીશ. મને આશીર્વાદ આપો. જેથી હું તેને છોડાવી લાવું.’ વિધવા માતાને પગે લાગીને હંજુ નીકળી પડ્યો. વિધવા આંખોમાં આંસુ સાથે તેને જોતી જ રહી.

આમતેમ ભટકતા ભટકતા હંજુ તે વેપારીને ગામ પહોંચી ગયો. સાંજે તે કોઈને ઘેર ગયો. ઘરના વડીલ વૃદ્ધ હતા. તેમનું નામ ચેન્ગમેન અને તેની પત્નીનું નામ ચેન્ગમની. હંજુએ તો તેમને માતાપિતા તરીકે સંબોધન કર્યું. વૃદ્ધ દંપતીએ તેના આગમનનું કારણ પૂછ્યું. હંજુએ કહ્યું, ‘વડીલ, તમારા ગામમાં કોઈ વેપારી છે?’

‘હા. એક છે.’

‘એ વેપારી કોઈ કન્યાને લઈને આવ્યો છે?’

‘એ વેપારીએ મને કહ્યું હતું-હું એક અનાથ કન્યાને સાથે લાવ્યો છું. સંભળાય છે કે તે વેપારી કન્યા સાથે પરણશે.’

‘ના-ના. વડીલ. તે કન્યાના વિવાહ મારી સાથે થયા છે. નદીકાંઠેથી તેને બળજબરીથી અહીં લાવ્યો છે. હું તેની શોધમાં છું. તમે મારા માબાપ તરીકે એને છોડાવવામાં મદદ કરો.’

‘ઓહ, એમ વાત છે ત્યારે. હવે મને સમજાય છે કે એ વેપારીએ અમને છેતર્યા. જૂઠું બોલવું અને કોઈ કન્યાનું અપહરણ કરવું એ પાપ છે. હવે સાંભળ, તું જ્યારે અમને માબાપ માને છે ત્યારે અમે એને છોડાવવામાં તારી મદદ કરીશું. આ મહિને જ તે લગ્ન કરવા માગે છે. તે પહેલાં તારે એને ભગાડી જવાની. આપણે બધી વ્યવસ્થા કરીશું.’

હંજુએ કહ્યું, ‘આ માટે તમારો ઉપકાર કદી નહીં ભૂલું.’

‘મેં એ કન્યાને જોઈ છે પણ આવી બધી વાતો કરવાની મારી હિંમત ન હતી. હું ઊંઝા તરીકે કામ કરું છું. તેમના કુુટુંબની માંદગીનો ઇલાજ હું જ કરું છું. તે જ્યારે વેપાર કરવા નીકળે છે ત્યારે હું શુકન જોઈ આપું છું, અને થોડી ઘણી ભલામણો કરું છું. હવે તારો વિવાહ તેની સાથે થયો છે એનું કોઈ પ્રમાણ છે? તેનું નામ શુું?’

‘તેનું નામ કચમોની. આ કચમોની બીજ છે. તે એને બતાવશો એટલે મારા આગમનની જાણ તેને થઈ જશે.’

‘કેવું સુંદર બીજ! તેની સુંદરતા સાથે આનો મેળ બરાબર બેસે છે. હવે ધીરજ રાખજે. અહીં તું રહેજે. હું થોડા દિવસમાં એને છોડાવીશ. તેં મને કહ્યું છે એ રીતે હું તેને કન્યાને છોડી દેવા સમજાવીશ-પણ તેને કશી શરમ નહીં નડે. અત્યારે તે ઘેર નથી- એક મહિના માટે ધંધાર્થે ગયો છે. એટલે તે નથી ત્યારે કન્યાને પાછી લાવી શકાશે.’

અને એ રીતે ઊંઝાએ કચમોનીને પેલું બી બતાવ્યું. તે મોકળે મને બોલી. તેના હરખનો પાર ન રહ્યો. તે ત્યાંથી નાસી છૂટવા તૈયાર હતી. ઊંઝાએ તેને ધીરજ બંધાવી, નિર્ભય બનવા કહ્યું.

ઊંઝાએ પાસે રહેતા એક માછીમારને બધી વાત કરી. તેને પણ વાત સાંભળીને દુ:ખ થયું. તે હમેશાં ઊંઝાની વાત માનતો હતો. ઊંઝાએ તેને કહ્યું, ‘જો એ કન્યાના છુટકારાનો ઉપાય મેેં વિચાર્યો છે. તારે મને મદદ કરવાની. તારી નૌકામાં તું એને લોકો સવારે જાગી જાય તે પહેલાં લાવજે. હું તે કન્યાને એ સ્થળે જવા કહીશ. આજે તે યુવાનને તારે ત્યાં રાખજે. બંનેને નૌકામાં બેસાડીને હેઠવાસમાં જજે. પછી અહીંથી થોડે દૂર આવેલા રંગદન ગામમાં તેમને ઉતારી દેજે. આ વાતનો કોઈને ખ્યાલ ન આવે એ ધ્યાનમાં રાખજે.’

માછીમારે વચન આપ્યું, ‘માલિક, તમે કહો છો તેવું જ કરીશ.’

ઊંઝાએ તે કન્યા પાસે જઈને બધી ગોઠવણ સમજાવી.

પછી બીજે દિવસે પરોઢિયે તે કન્યા નદીકાંઠે ગઈ. પણ દુર્ભાગ્યે તે જ વખતે બાઘ નામનો ખૂંખાર ડાકુ અને તેના સાથીઓ નદીકાંઠે જઈ પહોંચ્યા. આવી સુંદર કન્યાને પરોઢિયે જોઈ બાઘ તેને બળજબરીથી પોતાની નૌકામાં લઈ આવ્યો. તે મોટે મોટેથી રડવા લાગી. ‘રડીશ નહીં. હું તને પરણીશ.’

‘મારા વિવાહ થઈ ગયા છે. તમે આ પાપ કરી રહ્યા છો.’

‘આમાં શાનું પાપ? અને પાપ હોય તોય મારે તું જોઈએ જ છે. તારી જિંદગી સુખેથી તું વીતાવીશ.’

આમ કહીને તેણે નૌકા પૂરઝડપે મારી મૂકી. હંજુ અને માછીમાર નદીકાંઠે આવ્યા પણ કન્યાને બચાવી ન શક્યા.

નદીના વેગીલા પ્રવાહમાં નૌકા આગળ ચાલી. નદી પાસે એક મોટું વન હતું. નૌકામાં બેઠેલાઓએ જોયું કે કેટલાક પ્રવાસીઓ માથે સામાન લઈને વનમાંથી પસાર થઈ રહ્યા છે. તેમણે નૌકા નાંગરી અને પ્રવાસીઓ પર આક્રમણ કરવા માંડ્યા. કચમોની નૌકામાં એકલી હતી. તે દરમિયાન કોઈ મંત્રીનો પુત્ર અને બીજા પ્રદેશનો સેનાપતિ શિકાર કરવા ત્યાં આવી ચઢ્યા. નૌકામાં એકલી બેઠેલી કન્યાને દરેક જણ પરણવા ઇચ્છતું હતું, તેમણે કન્યાને નૌકામાંથી ઘસડીને કાંઠે ઊભી રાખી. દરેક કહેવા લાગ્યું-‘મેં એને પકડી છે, એટલે તે માત્ર મારી.’ આમ ત્યાં વિવાદ થવા લાગ્યો. પછી કચમોની બોલી, ‘તમે અંદર અંદર ઝઘડો નહીં. મારી વાત સાંભળો. જે આ વનમાં દોડીને જંગલી ફૂલોનો ગુચ્છ લઈને પહેલો આવશે તેની સાથે હું પરણીશ.’ તેઓ બધા કન્યાની વાતમાં સંમત થયા. તલવારો અને વસ્ત્રાભૂષણો મૂકીને તે ફૂલોનો ગુચ્છ લેવા દોડ્યા. તે ક્ષણવારમાં કન્યાએ પુરુષવેશ સજી લીધો અને એકની તલવાર લીધી, ઘોડા પર બેસીને બીજાં કપડાં લઈ ભાગી નીકળી.

ખાસ્સું અંતર કાપીને તે રંગદન રાજ્યમાં પહોંચી. નિબારી તેનું પાટનગર. ઘોડા પરથી ઊતરીને તેણે રાજકુમારનો પોશાક પહેરી લીધો. રાજાનું નામ અજલ અને તેની એકની એક પુત્રી કચમતી. રાજાને કોઈ પુત્ર ન હતો. કચમોનીએ પોતાની ઓળખ એક વીર ટોળીના અનાથ યુવાન તરીકે આપી. રાજા તેના વર્તાવથી, તેની કામ કરવાની રીતથી, બુદ્ધિમત્તાથી પ્રસન્ન થયો. એક દિવસ રાજાએ તેને પોતાની પુત્રી સાથે પરણવા કહ્યું. પુરુષવેશી કચમોનીએ કહ્યું, ‘હું તમારી વાત સ્વીકારું છું. પણ મને પરણતાં પહેલાં તેણે મારી તલવાર સાથે પરણવું પડશે. તો જ હું લગ્નની હા પાડું.’

રાજાએ તેની વાત માની લીધી અને રિવાજ પ્રમાણે કચમોનીનું લગ્ન તલવાર સાથે થયું. હવે રાજા કચમોનીના માર્ગદર્શન પ્રમાણે રાજ કરવા લાગ્યો. એક દિવસ કચમોનીએ રાજાને કહ્યું, ‘તમે એક મોટું તળાવ ખોદાવો અને રાજ્યમાં જાહેર કરો કે જે કોઈ કચમોનીનું બી એ તળાવમાં નાખશે તેને મોંમાગ્યું ઇનામ મળશે.

રાજાએ તેની વાત સ્વીકારી લીધી અને એ પ્રમાણેનો ઢંઢેરો આખા રાજ્યમાં પીટાવ્યો. આ જાણીને રાજરજવાડાના લોકો, રાજકુમારો, વેપારીઓ, ડાકુઓ, મંત્રીપુત્રો, દૂરદૂરના પ્રદેશના સેનાપતિઓ ભાગ્ય અજમાવવા આવી ચઢ્યા. બધાએ માની લીધું કે જો રાજાની પરીક્ષામાંથી પસાર થઈશું તો રાજાની એકની એક કુંવરી કચમતીને પરણીશું. રાજાએ પણ આવું જ માનીને ઢંઢેરો પીટાવ્યો હશે.

રાજાને કચમોનીએ એમ પણ કહ્યું કે ઉમેદવારો જેવા આવે તેમને કારાવાસમાં નાખવા અને રાજાએ આ સલાહ માનીને બધાને બંદી બનાવ્યા.

હજુ ગાંડાની જેમ ભમ્યા કરતો હતો, તેને પણ રાજાના ઢંઢેરાની જાણ થઈ, તે તો કચમોની બીજથી પરિચિત હતો એટલે તે પણ રાજદરબારમાં હાજર થયો. તે તરત જ કચમોનીને પારખી ગયો પણ હંજુનાં વાળ-મૂંછો બહુ વધી ગયાં હતાં, કપડાં ગંદાં હતાં એટલે તેને તે ઓળખી ન શકી. પછી બંનેએ એકમેકને ઓળખ્યા એટલે દરબારના સેવકો પાસે હંજુને સાફસૂથરો કરાવ્યો.

પછી કચમોની તેને રાજા પાસે લઈ આવી અને ભૂતકાળની બધી દુ:ખદ ઘટનાઓ રાજાને જણાવી. ‘આ તમારો જમાઈ છે અને હું તમારી પુત્રી છું.’ બધી ઘટનાઓની જાણ થઈ ગઈ એટલે રાજાએ તેમનો ભવ્ય લગ્નસમારંભ યોજ્યો. તે પ્રસંગે કારાવાસમાં જે બધા વેપારીઓ, ડાકુઓ, રાજકુમારો, સેનાપતિઓ હતા તે બધાને છોડી મૂક્યા. તેઓ પણ પોતાનાં કુકર્મોનો પશ્ચાત્તાપ કરી રહ્યા હતા, તે બધાએ ક્ષમા યાચી અને નવદંપતીને આશિષ આપ્યા. તેમને વિદાય વેળાએ યોગ્ય ભેટસોગાદો આપવામાં આવી. છેવટે કચમોની પોતાની મા, ઊંઝાને, તેની પત્નીને દરબારમાં લઈ આવી. રાજમાં શાંતિ, સમૃદ્ધિ અને આનંદ છવાયાં.