ભારતીયકથાવિશ્વ-૫/હેંડો વાત મોડીએ/બ્રાહ્મણ અને બ્રાહ્મણી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


બ્રાહ્મણ અને બ્રાહ્મણી

એક ઠાકોર હતા. ઠાકોરના ગામમાં એક બ્રાહ્મણી રહેતી હતી. એ બ્રાહ્મણીને પરણાવી. એક છોકરાનો જન્મ થયો. ત્યાં જ બ્રાહ્મણ મરી ગયો. એટલે ઠાકોરે બ્રાહ્મણીને કીધું કે ‘તમારે હવે કુટુંબ નથી રહ્યું તો તમે મારે ઘેર આવીને રહો.’ પછી ઠાકોર બાઈને એમના ઘેર લઈ ગયા. ઠાકોરના છોકરાઓ ભેગો બાઈનો છોકરો પણ મોટો થયો. ભણ્યો પણ ખરો. એક વખત ઠાકોરે પોતાના છોકરાઓને કીધું કે ‘તમ તમારે સાસરે જઈને તમારી પત્નીઓને લઈ આવો.’ બધા છોકરાઓ સાસરે ગયા.

આ સાંભળીને બ્રાહ્મણીનો છોકરો એની માને કહે, ‘હું તો સાવ એકલો છું. જો મને પરણાવ્યો હોત, તો હું પણ સાસરે જાત.’ બ્રાહ્મણી કહે, ‘તને પરણાવેલો જ છે, પણ તું સાસરે જતો નથી.’ છોકરો કહે ‘હુંય જાઉં, પણ ઠાકોર પાસે તો ઘોડી છે, હથિયારો છે એટલે એ તો ઘોડી પર સવારી કરીને જાય, હું કેવી રીતે જાઉં?’ ઠાકોર આ વાત સાંભળી ગયા. બ્રાહ્મણના દીકરાને બોલાવીને કહે, ‘તારે ઘોડી જોવે છે?’ પેલો કહે, ‘હા.’ ને ઠાકોરે સારામાં સારી ઘોડીને બરાબર તૈયાર કરીને છોકરાને આપવાનો હુકમ કર્યો.

બ્રાહ્મણ સાસરે ચાલ્યો. રસ્તામાં એક કણબીનું ખેતર આવ્યું. ખેતરમાં રખેવાળ બેઠો છે. બાજરીનું ધ્યાન રાખે છે. પણ અત્યારે એ ઊંઘી ગયો છે. ને ખેતરમાં ગાયું મજાની ચરી રહી છે. આ જોઈને છોકરાએ એને પૂછ્યું, ‘એલા, તું કેવો માણસ છે? આમ ઊંઘતો પડ્યો છે. આ બાજરી તો જો ગાય ખાઈ જાય છે.’ તરત તે ઊઠ્યો ને લાકડી લઈને ગાયને મારવા માંડ્યો. ગાય મરી ગઈ. પછી બ્રાહ્મણ ત્યાંથી આગળ ચાલ્યો.

હવે ઈશ્વરને કરવું તે પેલી ગાયને જે મારેલી તે ગાય સ્ત્રી બની ગઈ. અને છોકરાની ઘોડીની લગામ પકડી લીધી. ને કહે કે ‘તું અહીંથી ન જા. જઈશ તો હું તને શાપ આપું છું.’ પેલો કહે, ‘મને શા માટે શાપ આપે છે?’ સ્ત્રી બોલી, ‘પેલા ઊંઘતાને ઊઠાડ્યો ને તેણે મને લાકડી મારીને હું મરી ગઈ. એટલે હું તને શાપ આપંુ છું.’ છોકરો કહે ‘હા પણ તેનો કોઈક ઉપાય પણ કરજે.’ વળી ઊમેર્યુંં કે ‘મારા વાંક વગર તું મને શાપ આપે છે.’ તો ગાય/સ્ત્રી કહે કે ‘નહીં. તારા જ વાંકથી હું મરી.’ એણે શાપ આપ્યો કે ‘તું તારા સાસરે જઈને અનાજ ખાઈશ તો ગધેડો બની જઈશ.’

પેલો કહે ‘સારું.’

છોકરો એના સાસરે જઈને એક-બે દિવસ રહ્યો પણ અનાજ ખવાય નહીં એટલે પછી તેના સસરાને ને સાળાને વાત કરી કે ‘હવે તમારી બેનને મોકલો, મારે ઘેર જવું છે.’ તો કહે ‘તમારે ઘેર જવું હોય તો જજો પણ ઉપવાસ છોડ્યા વગર અમારી બેનને મોકલશું નહીં.’ પછી તેની પત્નીએ પૂછ્યું કે ‘કેમ ઉપવાસ કરો છો? તમે ઉપવાસ છોડી દો ને ખાવ તો આપણે ઘેર જવાય.’ પેલો કહે, ‘ઉપવાસ છોડવામાં એક દુ:ખ છે. ગાયે મને શાપ આપેલો છે કે જો હું અનાજ ખાઉં તો ગધેડો બની જાઉ. તું મને વચન આપ કે હું કહું એટલું તારે કરવાનું તો હું અનાજ ખાઉં, નહીંતર નહીં ખાઉં.’ તેની પત્નીએ વચન આપ્યું. છોકરો કહે ‘ભગવાન સાક્ષી છે. જો હું અનાજ ખાઈને ગધેડો બની જાઉં તો તારે મને કાશીની નદીએ લઈ જવો પડશે ને બાર વરસ સુધી નવડાવવો પડશે.’ બાઈ કહે, ‘સારું હું એમ કરીશ.’

પછી છોકરાએ અનાજ ખાધું ને તરત તે ગધેડો બની ગયો. તેની પત્ની તેને લઈને કાશી ગઈ ને ત્યાં બાર વરસ નવડાવ્યો. છેલ્લા દિવસે પણ રોજની જેમ નવડાવવા ગઈ. પણ આજે તેને રીસ ચડી. ગધેડાને જોરથી ધક્કો માર્યો, રોજની જેમ નવડાવ્યો નહીં. પાણીની અંદરથી બારેક કલાક થવા છતાં ગધેડો બહાર નીકળ્યો નહીં. એટલે બાઈને ચિંતા થઈ. પ્રાર્થના કરવા લાગી. તેને થયું હવે હું કોઈ અર્થની નથી રહી તો આપઘાત કરીને મરી જાઉં.

ભગવાને તેની પ્રાર્થના સાંભળીને ગધેડાને પુરુષ બનાવ્યો. જેવો પુરુષ પાણીમાંથી બહાર નીકળ્યો એવો ઊડવા જ માંડ્યો.

એક તપસ્વીએ તેને ઊડતો જોયો એટલે કહે, ‘અરે ભાઈ, તું કેમ ઊડે છે?’ તો કહે ભગવાનને મળવું છે. તપસ્વી કહે, ‘એમ ઊડવાથી ભગવાન ન મળે. અમે બાર-બાર વરસથી તપ કરીએ છીએ તોય ભગવાન મળતા નથી તો ઊડવાથી કેવી રીતે મળે?’ પેલો કહે, ‘મળશે.’

એ એમ દોડ્યા જ કરતો હતો. ફરી રસ્તામાં મહારાજ મળ્યા. તે અને તેનો ચેલો બેઠા હતા. તેમણે બોલાવ્યો. કહે, ‘કેમ ઊડે છે?’ તો કહે ‘મારે ભગવાનને મળવું છે.’ વળી મહારાજ કહે, ‘તારે ભગવાનને મળવું હોય તો ગાંડા ઊડ નહીં. બેસી જા. અમે ભગવાનની માળા ફેરવીએ છીએ. તોય ભગવાન નથી મળતાં તો ઊડવાથી પણ ભગવાન નહીં મળે.’

પેલો કહે, ‘ના, મને તો ઊડવાથી જ મળશે.’ મહારાજ કહે, ‘સારું જા, ભાઈ, તને ભગવાન મળે તો મને પણ કહેતો જજે.’

ઊડતાં-ઊડતાં ઘણું ઊડ્યો એટલે ભગવાનનું સિંહાસન એની આગળ ડોલવા લાગ્યું. એ પગે પડ્યો. નમસ્કાર કર્યા. ભગવાન કહે, ‘કેમ ઊડતો હતો?’ પેલો કહે, ‘મારે તમારાં દર્શન કરવાં હતાં.’ ભગવાન કહે, ‘તારે જે માગવું હોય તે માગ.’

પેલો કહે, ‘મારે કંઈ જ માગવું નથી. મારે આપનાં દર્શન કરવાં હતાં.’ એમ કહીને એ ચાલતો થયો.

ભગવાનને થયું, આ તો ખાલી હાથે જાય છે. કહે, ‘આમ આવ. કંઈક માગ.’

છોકરો કહે, ‘મારે તો બાપજી કંઈ જ માગવું નથી. માત્ર તમારાં દર્શન કરવાં હતાં.’ તોય ભગવાન કહે, ‘આ વચની ડબ્બો છે. આ ડબ્બો તું લઈ જા.’

તેણે પૂછ્યું, ‘આ ડબ્બાનું શું થાય છે?’ તો ભગવાન કહે, ‘તારે જે વસ્તુ જોઈતી હશે એ વસ્તુ થઈ જશે. ખાવાનું, પીવાનું, પૈસો ટકો જે માગીશ એ ડબામાં તૈયાર થઈ જશે.’ પેલો કહે, ‘સારું.’

ડબ્બો લઈને એ ચાલતો થયો. એટલામાં વચ્ચે પેલા તપસ્વી બેઠા’તા એમણે પૂછ્યું, ‘આંય આવ, આંય આવ. ભાઈ, તું ભગવાનને મળવા ઊડતો’તો. તને ભગવાન મળ્યા?’ પેલો કહે, ‘હોવે, મળ્યા.’

તપસ્વી: ‘પછી ભગવાને શું કીધું?’

છોકરો: ‘કાંઈ કીધું નહીં. મારે ભગવાનનાં દર્શન જ કરવાં હતાં.’

તપસ્વી: ‘પણ તોય તને કાંઈ આપ્યું-કર્યું?’

છોકરો: ‘મને આ ડબ્બો આપ્યો છે. ડબ્બામાં જે જોઈએ તે મળે.’

તપસ્વી: ‘મારે બત્રીસ ભોજન જમવાં છે. મને જમાડ.’

છોકરાએ ભગવાનના નામનો પાણીનો છાંટો ડબ્બા પર નાખ્યો એટલે ડબ્બામાં ભોજન બની ગયું. બાવાએ ને ચેલાએ બેયે ધરાઈ-ધરાઈને ખાધું.

પછી છોકરો ત્યાંથી ચાલવા લાગ્યો. ત્યાં બાવો કહે, ‘ઊભો રહે. આ ડબ્બો મને આપ.’

છોકરો કહે, ‘આપું…પણ તેના બદલામાં તમે મને શું આપશો?’

બાવો કહે, ‘હું તને ધોકો આપું.’

છોકરો કહે, ‘ધોકો શું કામ આવશે?’

બાવો કહે, ‘તું કહીશ એ બધુંય કરશે.’

એટલે છોકરો ડબ્બો આપીને ધોકો લઈને ચાલતો થયો. ચાલતાં ચાલતાં થાકી ગયો. ધોકાને કહે, ‘તું કેમ મને કંઈ મદદ કરતો નથી?’

ધોકો કહે, ‘તું કહે તો જ હું મદદ કરું.’

પેલો કહે, ‘મારે ખાવાનું જોઈએ છે.’ ધોકો કહે, ‘મારી પાસે ખાવાનું કંઈ નથી.’

એટલે પેલો કહે, ‘ધોકા, મારો ડબ્બો પાછો લઈ આવ.’ ધોકો ડબ્બો લેવા બાવા પાસે ગયો, બાવાને કહે, ‘મારા બ્રાહ્મણનો ડબ્બો પાછો આપી દો.’

બાવો કહે, ‘ડબ્બો નહીં આપું. ડબ્બાના બદલામાં ધોકો આપ્યો છે.’

ધોકો કહે, ‘તમે મને આપ્યો પણ હવે હું તમારો નથી. હું બ્રાહ્મણનો છું. તેણે મને ડબો લાવવા કહ્યું છે. ડબો મને આપી દો, નહીં આપો તો હું તમારું કપાળ તોડી નાખીશ.’

બાવો કહે, ‘તને હાથ જોડ્યા. કપાળ નહીં તોડતો. તારો ડબ્બો પાછો લઈ જા.’

ડબ્બો મળી ગયો એટલે બ્રાહ્મણ ડબ્બો અને ધોકો લઈને આગળ ચાલ્યો. રસ્તામાં મહારાજ મળ્યા. મહારાજે પાણી માગ્યું. ખાવાનું માગ્યું. ખાઈને પાછા ચાલવા લાગ્યા. મહારાજે પૂછ્યું, ‘તારે ભગવાન ભેળા થયા?’

બ્રાહ્મણ કહે, ‘હોવે.’

મહારાજ કહે, ‘શું કીધું?’ તો કહે, ‘કંઈ નહીં. દર્શન કરીને પાછો વળ્યો.’

મહારાજે પૂછ્યું, ‘કંઈક આપ્યું તો હશે ને?’

બ્રાહ્મણ કહે, ‘આ ડબ્બો આલ્યો સે. ડબ્બામાં જે વસ્તુ જોઈએ તે મળે.’

મહારાજ કહે, ‘હું ને મારો ચેલો ભૂખે મરીએ છીએ. તું ડબ્બામાંથી ભોજન બનાવીને અમને જમાડ.’

બ્રાહ્મણે પાણીની છાલક મારી ને ડબામાં ભોજન બની ગયું. બાવાએ ને ચેલાએ બન્નેએ ખાધું.

બાવો કહે, ‘હું તને પંખો આપું તેના બદલામાં તું આ ડબ્બો મને આપી દે.’

બ્રાહ્મણ કહે, ‘ડબ્બો આપી દઉં પણ આ પંખો શું કામ આવશે?’

બાવો કહે, ‘માણસ મરેલું પડ્યું હોય, તેના ટુકડા કરી નાખ્યા હોય તોય તેના ઉપર આ પંખો સાત વખત ફેરવ્યો હોય તો માણસ સજીવન થઈ જાય.’

બ્રાહ્મણ કહે, ‘સારું. તો ડબ્બો દઉં છું.’ ડબ્બો બાવાને આપી દીધો ને પંખો લઈ લીધો.’ હવે પંખો અને ધોકો લઈને બ્રાહ્મણ આગળ ચાલવા લાગ્યો.

ચાલતાં ચાલતાં થાકી ગયો. ધોકાને કહે ‘અરે ધોકા, આપણો ડબ્બો પાછો લાવો.’ ધોકો મહાત્મા પાસે ગયો. મહાત્માને કહે, ‘મારો ડબ્બો પાછો આપો.’ મહાત્મા કહે, ‘પણ મેં ડબ્બાના બદલામાં પંખો તો આપ્યો છે.’

ધોકો કહે, ‘પંખો-બંખો કંઈ નહીં. મારો ડબ્બો આપો છો કે નહીં?’

મહાત્મા કહે, ‘નહીં આપું. મારો પંખો લાવો તો ડબ્બો આપું નહીં તો નહીં.’ એટલે ધોકો ઊછળીને બાવાના મોઢા પર પડ્યો. બાવાને વાગ્યું. તે ડરી ગયો. તેણે ડબ્બો પાછો આપી દીધો. બોલ્યો, ‘લ્યો તમારો ડબ્બો. પણ મને મારશો નહીં.’

ડબ્બો લઈને બ્રાહ્મણ ધોકા અને પંખા સાથે આગળ ચાલવા માંડ્યો. કાશીની નદીએ ગયો. ત્યાં તેની પત્ની બેઠી-બેઠી ભગવાનના નામની માળા ફેરવતી’તી. તેનાં કપડાં ચીંથરાં જેવા થઈ ગયાં હતાં. તોય બાઈએ ભગવાનનું નામ છોડ્યું ન હતું. બ્રાહ્મણે જતાં વેંત બાઈને બોલાવી. પણ બાઈ બોલી નહીં. એટલે બ્રાહ્મણે બાઈની પ્રદક્ષિણા કરી અને પછી બોલાવી. તો બાઈ કહે, ‘શહેરમાં જઈને મારાં બીજાં કપડાં લઈ આવ. આ કપડાં ફાટી ગયાં છે. બીજાં કપડાં લાવ તો હું ઊભી થાઉં.’ બ્રાહ્મણે ડબા પાસે કપડાં માગ્યાં. પૂરો પોશાક તૈયાર થઈને આવી ગયો. બાઈ નદીમાં નાહી, જમી. પછી બન્ને કાશી ગયા.

કાશી જઈને બ્રાહ્મણી કહે ‘હું બાર વરસ અહીં રહી છું, તો જો આપણે કાશીનગરીને જમાડીએ તો સારું.’

બ્રાહ્મણ કહે ‘સારું, કાશીનગરીને જમાડીએ. આ ડબ્બામાં તો આખું નગર જમશે તોય નહીં ખૂટે.’ પછી મકાન ભાડે રાખ્યું. સાંજે ગામને નોતરું આપ્યું. એટલે મારા જેવા, તમારા જેવા, ઠાકોર જેવા સારા-સારા માણસે કહ્યું કે ‘આપણે પરસાદી લેવી છે, ભગવાનના નામની.’ એ સવારથી આખી કાશીનગરી જમી પણ ડબ્બો તોય અખૂટ રહ્યો.

ત્યાં એક વાળંદ બેઠો’તો. તેણે આ જાણ્યું. તેને થયું આ બધી વાત ડબ્બાને કારણે જ શક્ય બની છે. તે રાજા પાસે ગયો. રાજાને વાત કરી. રાજા કહે, ‘ચાલો, જોવા જઈએ.’ રાજાએ બધું જોયું. ખાઈ, પીને છૂટા પડ્યા. જ્યારે બ્રાહ્મણ-બ્રાહ્મણી રાતે ઊંઘી ગયા, ત્યારે રાજા ને વાળંદ પેલા ડબ્બાની ચોરી કરવા ગયા.

રાજાએ વિચાર્યું કે ‘જો આની ચોરીની ફરિયાદ સવારે મારી પાસે આવશે તો હું શું કરીશ? એટલે આ બ્રાહ્મણને મારી નાખો.’ એમણે બ્રાહ્મણને મારી નાખ્યો ને પછી વાળંદ અને રાજા પોતપોતાના ઘરે ગયા.

સવાર થતાં બ્રાહ્મણી જાગી, જાગીને જોવે છે તો બાજુમાં બ્રાહ્મણનું શબ પડ્યું છે. તરત તે રડવા લાગી. કહે, ‘મારી નાખ્યો…બ્રાહ્મણને મારી નાખ્યો.’ આ સાંભળીને તેના પડોશીઓ આવ્યા. પૂછ્યું, ‘અરે બાઈ, કેમ રડો છો? તો કહે, ‘મારા બ્રાહ્મણને રાતે કોઈએ મારી નાખ્યો.’ બધા કહે, ‘અરે રામ, રામ, રામ ગજબ થયો.’ થોડી વાર રહીને બાઈ રડતી બંધ થઈ. શબ પર લોહી પડ્યું’તું. તેના પર માખીઓ ફરવા માંડી. બાઈ જોગીએ આપેલો પંખો લઈને તેનાથી માખી ઉડાડવા લાગી. આશરે સાતેક વાર ફેરવ્યો એટલામાં બ્રાહ્મણ આળસ મરડીને બેઠો થયો. કહે, ‘આટલો દિવસ થઈ ગયો ને તે મને જગાડ્યો નહીં?’ બાઈ કહે, ‘કેવી રીતે જગાડું?’

તેણે બધી વાત કરી. પેલો કહે, ‘આટલું બધું થઈ ગયું તો આ પંખો માથે ના ફેરવાય? આ પંખો સજીવન કરી દે છે.’

બાઈ કહે, ‘પણ તમે મને એની વાત કરી હોય તો હું ફેરવું ને?’

બ્રાહ્મણે ધોકાને પૂછ્યું, ‘એલા ભાઈ, મને રાત્રે મારીને ગ્યા તો તેં ચોકી કેમ ન કરી?’

ધોકો કહે ‘હું ચોકી તો કરું પણ સૂતી વખતે તમે ચોકી કરવાનું કીધું’તું? કીધું હોય તો ચોકી કરું, વગર કીધે નથી કરતો.’ બ્રાહ્મણ કહે, ‘બઉ સારું. હવે જા, ડબો ચોરાયો છે તે લઈ આવ.’

ધોકો ડબો લેવા ગયો. તેને ખબર હતી કે ડબ્બો રાજા ને વાળંદ લઈને ગ્યા છે. સીધો કચેરીમાં ગયો. ત્યાં રાજાની સાત રાણીઓ બેઠી’તી. તેમને પૂછ્યું ‘રાજા ને વાળંદ ક્યાં છે?’ રાણીઓ કહે ‘અમને ખબર નથી.’ ધોકો કહે, ‘સાચું બોલો, નહીંતર તમને જાનથી મારી નાખીશ.’ આમ કહીને ધોકો એક-બે રાણીઓના મોઢા પર પડ્યો. મોટી રાણી બી ગઈ. કહે, ‘મને ન મારતો. રાજા ને વાળંદ મહેલમાં સાતમે માળે બેઠા છે. બધે તાળાં દીધેલાં છે.’

ધોકો સીધો સાતે માળ વીંધીને ઉપર ગયો ને બન્નેને બહાર કાઢીને બ્રાહ્મણ પાસે લઈ ગયો. પછી આખી નગરીનું માણસ ભેગું કર્યું, બ્રાહ્મણ કહે, ‘રાજાને દંડ કરો. મારે બીજું કાંઈ કરવું નથી.’ રાજાને લાખ રૂપિયાનો દંડ કર્યો. રાજા કહે, ‘નગરવાસીઓ, હવે તમે મારો દંડ કરો ને મારો ન્યાય કરો.’ બધા કહે, ‘ના ભાઈ, અમે તો કાંઈ ન કરીએ. રાજાને દંડ કોઈ ન કરી શકે.’ રાજાએ લોકોને હાથ જોડ્યા. કહે, ‘તમે મારી રૈયત છો. હું કહું છું કે તમે મારે માથે દંડ કરી શકો છો.’

પછી રાજાને લાખ રૂપિયાનો દંડ કરીને છોડી દીધો. એ ગ્યા એમને ઘેર ને બ્રાહ્મણ-બ્રાહ્મણી ગ્યા એમને ઘેર.