ભારતીયકથાવિશ્વ-૫/હેંડો વાત મોડીએ/વાણિયણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વાણિયણ

મુંબઈમાં ગિરધરલાલ નામના એક શેઠ હતા. એમને એક દીકરો હતો. તેનું નામ મૂળજીભાઈ. આ શેઠ પાસે અઢળક ધન હતું. દુકાનો ચાલતી હતી. પેઢીઓ ચાલતી હતી. પણ દીકરામાં અક્કલનો છાંટો થોડો. એટલે શેઠે વિચાર કર્યો કે ‘આ મારી મિલકત કોણ વાપરશે, એનો ઉપયોગ કોણ કરશે? જો છોકરાને પરણાવું ને છોકરાની વહુ આવે તો આ મિલકતનો ઉપયોગ થાય.’ એમણે ગોર મહારાજને બોલાવ્યા ને કીધું કે ‘આ છોકરાનું સગપણ કરી આવો, કોઈ લાયક કન્યા ગોતી લાવો.’ બ્રાહ્મણ તો કન્યા ગોતવા ગ્યા. કોઈક શહેરમાં જઈ છોકરાને લાયક કન્યા શોધી લાવ્યા. મૂરત જોવરાવ્યું ને જાન જોડી. સૌ છોકરાને પરણાવીને આવ્યા.

રાત પડી. શેઠે છોકરાને બોલાવ્યો ને કહે, ‘બેટા મૂળજી, અહીં આવ. જો હું કહું એટલું તારે કરવાનું. રાત પડે તું સૂવાના ઓરડામાં જજે. જતાંવેંત પગમાંથી મોજડી કાઢી વહુને સાત વાર મોજડી ચોડજે. પછી જે થાય તે હકીકત સવારે મને કહેજે. મારો ડાહ્યો દીકરો હોય તો આટલું જરૂર કરજે.’ આ સાંભળી મૂળજી કહે, ‘બાપા, સાતને બદલે ચૌદ ચોડું?’

બાપા કહે, ‘ના ના, ચૌદ ચોડવાની જરૂર નથી. સાત તો બસ છે.’ મૂળજી કહે, ‘સારું.’

મૂળજી સૂવાના ઓરડામાં ગયો. જતાંવેંત પગમાંથી મોજડી કાઢીને વહુને સાત ચોડી. પછી વહુ કશું બોલી નહીં. રાતે પેલા શેઠને ઊંઘ આવી નહીં. આખી રાત જાગ્યા. સવારે વહેલા ઊઠી દુકાન ઉઘાડી. નોકરો આવ્યા. પછી કહે, ‘એલ્યા ભાઈ, મૂળજીભાઈ ઊઠ્યા નથી લાગતા માટે તેમને જગાડો. મોડે સુધી તો ત્રણ જણા ઊંઘે: સૂવર, કુંવર ને કૂતરાં. નોકરે છોકરાને જગાડ્યો. કહે કે ‘શેઠે બોલાવ્યા છે.’ મૂળજી આવ્યો એટલે શેઠ કહે ‘અહીં આવ, બેસ, બોલ, શું હકીકત બની?’ જવાબમાં મૂળજી કહે, ‘બાપા, સૂવાના ઓરડામાં જતાં જ વહુને સાત વાર મોજડી ચોડી. પણ વહુ કશું બોલી નહીં.’

શેઠ કહે, ‘સારું. જાવ.’ પછી શેઠ ઘરમાં ગયા. પાંચસો રૂપિયા કાઢીને વહુના હાથમાં આપ્યા. નોકરને કહે, ‘આને એના બાપના ઘેર પોગાડી દ્યો.’ નોકર જઈને વહુને મૂકી આવ્યો.

થોડાક દિવસ પછી પાછા શેઠે ગોર મહારાજને બોલાવ્યા. કહે, ‘આપણા મૂળજીભાઈ માટે સારી કન્યા ગોતી લાવો.’ બ્રાહ્મણ ગયા. અને બીજો સંબંધ કરી આવ્યા. મૂરત જોવરાવીને જાન જોડી. મૂળજીને ફરી પરણાવ્યો. રાત પડી એટલે શેઠે મૂળજીને બોલાવ્યો. કહે, ‘તને પેલી વાત યાદ છે ને?’ મૂળજી કહે, ‘હા બાપા, યાદ છે.’ શેઠ કહે, ‘મારો ડાહ્યો દીકરો હોય તો આટલું કરજે. સૂવાના ઓરડામાં જઈ વહુને સાત વાર મોજડી મારજે.’ મૂળજી કહે, ‘હા બાપા, ચૌદ ચોડું?’ કહે, ‘ના, હું કહું એટલું જ તારે કરવાનું. વધારે નહીં.’ છોકરો સૂવાના ઓરડામાં ગયો. જઈને તરત પગમાંથી મોજડી કાઢી વહુને સાત વાર ચોડી. પણ એય કશું બોલી નહીં. સવારે શેઠે પૂછ્યું તો મૂળજી કહે, ‘બાપા, સાત વાર મોજડી મારી પણ વહુુ કશું બોલી નહીં.’

શેઠ કહે, ‘સારું જાવ.’ આ વહુને પણ પાંચસો રૂપિયા આપ્યા ને નોકરોને વહુને એના બાપને ઘેર મૂકી આવવાનું કહ્યું. બીજી વહુનેય નોકરો મૂકી આવ્યા.

ત્રીજી વખત ‘આ સંબંધ માટે હું પોતે જઉં’ એમ વિચારી શેઠ પોતે ગ્યા. ફરતા-ફરતા એક ગામમાં આવ્યા. ગામના ઝાંપે કૂવો હતો. કૂવાને કાંઠે ઝાડ નીચે શેઠ બેઠા. ગામમાંથી છોકરીઓ પાણી ભરવા આવે એ જોયું. એક જણાને પૂછ્યું કે, ‘આ દીકરી જે પાણી ભરીને જાય છે એ કોની?’ તો કહે, ‘અમારા ગામના બુદ્ધિમલ શેઠની દીકરી છેે. એમને ત્યાં તમારે જવું હોય તો ઝાંપા આગળ દુકાન છે.’ શેઠ એની પાછળ પાછળ ગયા. દુકાન આવી એટલે રામ-રામ કર્યા ને બેઠા.

બેઠા એટલે બુુદ્ધિમલે પૂછ્યું, ‘ક્યાં રે’વાનું?’ કહે, ‘મારે મુંબઈ રે’વું.’ ‘શું આપનું નામ?’ શેઠે જવાબ આપ્યો કહે ‘ગિરધરલાલ શેઠ.’ પછી બધાએ રિવાજ પ્રમાણે ખાધું, પીધું ને વાતચીત કરી. બુદ્ધિમલે પૂછ્યું, ‘કેમ આવવું થયું?’ શેઠ કહે, ‘આપની દીકરીનાં મેં વખાણ સાંભળ્યાં એટલે સંબંધ માટે હું આવ્યો છું.’ પછી સંબંધ નક્કી કર્યો. મૂરત જોવરાવ્યું. જાન જોડી, દીકરાને પરણાવીને ઘેર આવ્યા. રાત પડી એટલે શેઠ કહે, ‘મારો ડાહ્યો દીકરો હોય તો સાત મોજડી વહુને ચોડે!’ મૂળજી કહે, ‘સારું.’

સૂવાના ઓરડામાં મૂળજી ગ્યો ને તરત જ મોજડી કાઢી ને…એટલામાં વહુ કહે, ‘ઊભા રહો. શું કરો છો?’ મૂળજી કહે ‘તને સાત વાર મોજડી મારવી છે.’ વહુ કહે, ‘હજી વાર છે. તમે કમાવ છો?’ તો કહે ‘ના.’ વહુએ પૂછ્યું, ‘આ કોની મિલકત ખાવ છો?’ તો કહે, ‘મારા બાપની.’ એટલે કહે, ‘તો જ્યારે તમે પરદેશ જાવ ને અઢળક ધન કમાઈને આવો એ દિવસે સાત નહીં ચૌદ ચોડવાનો તમને અધિકાર છે. પણ અત્યારે તો તમે તમારા બાપની રળેલી મિલકત ખાવ છો અને વાપરો છો માટે તમારાથી એક પણ મોજડી નહીં ચોડાય.’ એટલે મૂળજીભાઈ તો ટાઢાબોળ થઈ ગ્યા. બાઈને કહે, ‘હું અઢળક ધન કમાવા પરદેશ જાઉં છું. મને રજા આપો.’ વહુ કહે, ‘મારી રજા છે.’

સવારે શેઠે પૂછ્યું, ‘શું થયું મૂળજીભાઈ? મોજડી ચોડી?’ કહે, ‘ના બાપા.’ વહુ સાથે બનેલી બધી વાત જણાવી. ને કહે, ‘બાપા, હું પરદેશ જાઉં છું. તમેય મને રજા આપો.’ શેઠ કહે, ‘સારું બેટા, મારી પણ રજા છે.’

મૂળજીભાઈ તો ત્રણ વહાણ ભરીને વેપાર કરવા ઊપડ્યા. તેની સાથે નોકરો અને ખારવાઓને મોકલ્યા. ત્યાં એક ધુતારો આવ્યો. એક પગે લૂલો. કહે, ‘ક્યાં રે’વું શેઠ?’ મૂળજી કહે, ‘રે’વું મુંબઈ.’ ધુતારો કહે, ‘તમારા બાપાનું નામ?’ મૂળજી કહે, ‘ગિરધરલાલ શેઠ.’ ધુતારો કહે, ‘ઓ…હો…હો…હો.. ભલા, તમારા બાપાની સાથે તો અમે વેપાર કર્યો’તો. પણ મારે એક વખત નુકસાની આવી. એટલે એમાં મારો એક પગ તમારા બાપને ત્યાં ગિરવે મૂક્યો છે. અત્યારે તો હું માલદાર થઈ ગયો છું. તો તમારા પૈસા લઈ લો પણ મારો પગ મને પાછો આપો.’ મૂળજી કહે ‘જુઓ ભાઈ, મારા બાપે તમારી સાથે વેપાર કર્યો હશે પણ મને એની કંઈ ખબર નથી. ને અત્યારે તો મને શી ખબર કે તમારો પગ ગિરવે મૂકેલો છે? માટે એ નહીં બને.’ પેલો કહે, ‘મારો પગ લાવો ને પછી જતા રહો. નહીં તો આ એક વહાણનો માલ મને આપી દો.’ આમ કહી ધુતારાએ દગાથી એક વહાણનો માલ લઈ લીધો.

હવે બે વહાણ લઈને આગળ ચાલ્યા. ત્યાં એક ઘાંચણ આવી. કહે, ‘ઓ…હો…હો…હો ભાણાભાઈ, ઘણા દિવસે આવ્યા છો ને!’ મૂળજીને મનમાં થયું કે ભાણાભાઈ કહે છે તો માસી થતી હશે. એટલે કહે, ‘હોવે માશીબા!’ સ્ત્રી કહે, ‘નાનો હતો ત્યારે તારી માની સાથે આવ્યો’તો ને ઓ…હો…હો, બહુ મોટો થઈ ગ્યો!’ વળી કહે, ‘પેલા નોકરો ક્યાં ગ્યા? આ ભાણાભાઈને આપણા ઘરે લઈ જાવ.’ મૂળજીને થયું, ‘મારી માસી થતી હશે તે આટલાં અછોવાનાં કરતી લાગે છે.’ માસી પેલા ખારવાને કહે, ‘હાલો બધા.’ એટલે ખારવા, નોકરો બધાને સાથે લીધાં ને મૂળજીને લઈને બાઈ ઘેર આવી. એક દિવસ થયો, બે દિવસ થયા, ત્રણ દિવસ થયા એટલે મૂળજી કહે, ‘માશીબા! મારે ઘેર જવું છે. વેપાર કરીને ધન કમાઈને ઘેર જવું છે. માટે રજા આપો.’ બાઈ તો ધૂતારી હતી. કહે ‘દાસી, મારે ભાણિયાને મૂકવા જવું છે. ઘરમાંથી મોજડી લાવ.’ દાસી ઘરમાં ગઈ. પાછી આવીને કહે, ‘બાઈસા’બ, મોજડી નથી.’ ધૂતારી કહે ‘તારું ચિત્ત ઠેકાણે લાગતું નથી. મોજડી ઘરમાં પડી છે ને તું કહે છે નથી? આપણા ઘેર કોઈ આવતું નથી, જતું નથી. તો મોજડી કોણ લઈ જાય? ફકત ભાણિયો ને તેના માણસો છે. ચોરી કરે તો એ લોકો કરે. બાકી મોજડી ખોવાય નહીં.’ પછી મૂળજીને કહે, ‘ભાણા, તારા કોઈક માણસે મારી મોજડી ચોરી છે.’ મૂળજી કહે, ‘માશી, કોઈએ ચોરી કરી નથી.’ બાઈ કહે, ‘તપાસ કરો. જો તમારા માણસે ચોરી હોય તો તમારી માલ-મિલકત મારી અને જો મારા ઘરમાંથી મોજડી નીકળે તો મારી માલ-મિલકત તમારી. જાવ, તપાસ કરો.’ શરત કાગળમાં લખાવી લીધી. ઘરમાં તપાસ કરી તો મોજડી ન મળી. પછી વહાણમાં તપાસ કરવા ગયાં. ધૂતારીએ વહાણના ભંડકિયામાં દાસીને મોકલીને મોજડી મૂકાવી દીધેલી. આમ, બેય વહાણ ધૂતારીએ લઈ લીધાં. કાગળ કરી લીધેલા એટલે મૂળજીએ મિલકત આપી દેવી પડી. ખારવા અને નોકરો જતા રહ્યા. મૂળજી શહેરમાં ગયો. શહેરમાં કોઈએ નોકરીએ રાખ્યો નહીં. એક મોચીએ નોકર તરીકે રાખ્યો. મૂળજી મોચી ભેગો કામ કરવા માંડ્યો. ચામડું ધોવે, સાફ કરે. ને એમ કરતાં-કરતાં જોડા સીવતા શીખવા માંડ્યો.

મૂળજીને ગયાને ત્રણ મહિના થઈ ગયા એટલે શેઠને ચિંતા થઈ. ‘ત્રણ મહિના થઈ ગ્યા. મૂળજી ગ્યો, એનો કાગળ-પત્ર નથી. શું થયું હશે? ક્યારેય ઘર બહાર નીકળેલો નથી.’ આમ શેઠ એકલા-એકલા વિચાર કર્યા કરે છે. વહુને ખબર પડી ગઈ. તેને થયું, ‘બાપાને કોઈક દુ:ખ છે. ચિંતા છે.’ તેણે શેઠને કહ્યું, ‘બાપા, જો આપ કહો તો તમારા દીકરાને ગોતવા જવા હું તૈયાર છું. મને રજા આપો. હું તમારા દીકરાની વહુ, તમારી પુત્રવધૂ તરીકે ઘરની વારસ ગણાઉં. માટે જો આપની ઇચ્છા હોય તો એમની પાછળ જવા તૈયાર છું. મને રજા આપો.’ શેઠ કહે, ‘ખુશીથી રજા છે.’

પુરુષનાં કપડાં પહેરીને, બીજાં વહાણ ભરીને, નોકરોને લઈને બાઈ ચાલી. પોરબંદર ગઈ. ત્યાં પેલો લૂલો ઠગ મળ્યો. કહે, ‘ક્યાં રે’વું શેઠ?’ બાઈ કહે, ‘રે’વું મુંબઈ.’ વળી ઠગે પૂછ્યું, ‘તમારા બાપનું નામ?’ કહે, ‘ગિરધરલાલ.’ તો કહે, ‘ઓ...હો...હો...હો, તમારે બાપે ને મેં તો ભેગો વેપાર કર્યો’તો. એમાં એક વખત મારે ખાધ આવી. એટલે મારો એક પગ મેં ગિરવે મૂક્યો છે, તમારા બાપ પાસે. હવે તમારા પૈસા લઈ લો ને મારો પગ પાછો આપો.’ પુરુષવેશે બાઈ કહે, ‘જુઓ, મારા બાપા વેપાર કરે છે ને લોકોના પગ, હાથ ગિરવે રાખીને વખારું ભરી છે.’ પેલો કહે, ‘આપણે એક શરત રાખીએ?’ બાઈ કહે, ‘હું માગું એ તમારે આપવું અને ન આપો તો તમારી માલમિલકત ડૂલ.’ ઠગ કહે, ‘કબૂલ!’ પછી કાગળ કર્યા. અને કહે, ‘જુઓ મારા બાપાએ આવા વેપાર બહુ કર્યા છે અને ઘણાં લોકોના હાથ-પગ વખારમાં પડ્યા છે. તેમાં તમારો પગ કયો તે નમૂનો લઈ જઉં તો ખબર પડે ને? માટે તમારો બીજો પગ કાપીને આપી દો.’ નોકરને કહે, ‘ચાલો, પેલો પગ ઝટ કાપી લો.’ ઠગ કહે, ‘ના ભઈસા’બ, મારો પગ ન કાપો. મારે બીજો પગ નથી જોઈતો.’ બાઈ કહે, ‘તો શરત પ્રમાણે હું માગું તે ન આપો તો તમારી માલમિલકત ડૂલ.’ એમ કહી માલ-મિલકત લઈ લીધી.

પછી પુરુષવેશે જ તે આગળ વધી. ત્યાં પેલી ધુતારી મળી. કહે, ‘ભાણાભાઈ, ભાણાભાઈ, ચાલો, મારે ઘેર રહેવા.’ માસીને ત્યાં ત્રણ દિવસ રહી. પછી કહે, ‘ માશીબા, હવે મારે જવું છે.’ એટલે ધૂતારી દાસીને કહે, ‘મારે ભાણાભાઈને મૂકવા જવું છે. મોજડી લાવ.’ દાસી મોજડી લેવા અંદર ગઈ. પણ શેઠાણીબાઈએ નોકરોને કહી રાખ્યું’તું કે તમારે સંતાઈ રહેવાનું ને જે હકીકત બને તે મને કહેવાની.’ ધુતારીએ દાસીને કીધું કે ‘મોજડી વહાણના ભંડકિયામાં સંતાડી આવ.’ દાસી સંતાડીને આવી ગઈ. શેઠાણીના નોકરોએ એ જોઈ લીધું. એટલે મોજડી લઈને શેઠ (બાઈ) ને આપી ને કીધું કે ‘આ પેલી દાસી સંતાડી ગઈ’તી.’ બાઈએ મોજડી લઈને ધૂતારીના ઘરમાં લાકડા વચ્ચે નાખી દીધી.

આ બાજુ દાસી અને ધુતારી મોજડી ગોતવાનું નાટક કર્યા કરતાં’તાં. દાસી કહે, ‘બાઈસા’બ, મોજડી છે જ નહીં.’ ધુતારી કહે, ‘આપણા ઘરમાં કોઈ આવતું જતું નથી. ફકત આ ભાણિયો ને તેના નોકરો છે. માટે ચોરી કરે તો એ લોકો કરે.’ પછી કહે, ‘ભાણાભાઈ, તમારા માણસે અમારી મોજડી ચોરી છે.’ એટલે પુરુષવેશે જે બાઈ છે તે કહે, ‘માશીબા, કોઈએ ચોરી કરી નથી.’ માશીબા કહે, ‘શરત કરો. કાગળ પર લખો કે જો તમારા વહાણમાંથી મારી મોજડી નીકળે તો તમારાં બે વહાણ ડૂલ ને મારા ઘરમાંથી નીકળે તો મારી બધી માલ-મિલકત ડૂલ.’ કાગળ કર્યા. પછી તપાસ શરૂ કરી.

પહેલાં વહાણમાં તપાસ કરી પણ મોજડી ન મળી. પછી ધુતારીના ઘરમાં તપાસ કરી. ત્યાંથી મોજડી મળી. બાઈ કહે, ‘જુઓ માશીબા, તમારા જ ઘરમાં મોજડી છે ને તમે અમારા પર ચોરીનું આળ ચઢાવો છો?’ નોકરોને કહે, ‘આમની બધી માલ-મિલકત લઈ લો.’ બધી મિલકત લઈ લીધી. વહાણ ભરીને ખારવાઓને ને નોકરોને કહે, ‘હું આવું છું.’ ત્રણ મહિના પહેલાંનો પતિ ગયો છે તો એની તપાસ તો કરવી પડે ને? ચાલતાં-ચાલતાં બજારમાં આવ્યો. મોચીની દુકાને ઊભો રહ્યો. મોચી કહે ‘આવો શેઠ, શું ખરીદવું છે?’ તો કહે, ‘મારે મોજડી ખરીદવી છે.’ મોચી પેલાને કહે, ‘મોજડી બતાવ.’ મૂળજીભાઈ મોજડી બતાવે છે. શેઠ કહે, ‘આવી નહીં. હું તો કાયમ તમારી જ મોજડી પહેરું છું. મુંબઈથી બાર મહિને આવું છું. ને તમારી મોજડી બાર મહિના પહેરું છું. તમારી સીવેલી તો બહુ પહેરી. પણ આ ભાઈ? આ તો કદી તમારી દુકાને હતો નહીં. નવો રાખ્યો છે?’ મોચી કહે, ‘હા, ત્રણ મહિનાથી રાખ્યો છે.’ તો કહે, ‘એના હાથની સીવેલી મોજડી પહેરવી છે.’ મોચી કહે, ‘પણ એણે તો એક જ મોજડી સીવી છે.’ તો કહે, ‘ઈ લાવ.’ મોચીએ લાવીને બતાવી. કહે, ‘બોલો, આની કિંમત?’ મોચી કહે, ‘તમારે જે આપવું હોય એ.’ પછી મોચી મૂળજીભાઈને કહે, ‘લે આ એક રૂપિયો. બજારમાંથી એક રુમાલ લઈ આવ.’ રુમાલમાં મોજડી બાંધી દીધી.

બાઈએ મોચીને પૂછ્યું, ‘ભાઈ મોચી, આ તમારો માણસ ક્યાંનો છે?’ મૂળજીએ જવાબ આપ્યો ‘મારે મુંબઈ રે’વું.’ પુરુષના વેશમાં સ્ત્રી કહે, ‘કોનો છોકરો?’ મૂળજી કહે, ‘ગિરધરલાલનો.’ બાઈ કહે, ‘અરે ભલા માણસ! શું કાંઈ રિસાઈને આવ્યા છો?’ પછી મોચીને કહે, ‘આને મારી સાથે મોકલો. હું એને એના બાપને ત્યાં પહોંચતો કરી દઈશ. એનો બાપ તો બહુ મોટો શેઠ છે.’ મોચી કહે, ‘ભાઈશાબ, લઈ જાવ તો સૌથી સારું. જો રીસઈને આવ્યો હોય કે એવું કાંઈ કરીને આવ્યો હોય તો તમે એને એના બાપને ત્યાં પહોંચાડી દો તો સૌથી સારું. હું એનો પગાર થ્યો છે તે આપી દઉં.’ પછી બન્ને ત્યાંથી ચાલતાં થયાં.

એક વહાણ ખાલી હતું. એમાં એ બેઠાં. બેય ભાઈબંધ તરીકે બેઠા છે. બીજા વહાણમાં માલ ભરેલો છે. એક દિવસનો રસ્તો બાકી રહ્યો એટલે મૂળજીભાઈને માલ ભરેલા વહાણમાં મોકલી દીધો ને કહે ‘આજથી આ બધો માલ તમારો. મારે જો’તો નથી. હું તો મુંબઈનો ધન માલ-મિલકતવાળો છું. ભાઈબંધીમાં આ બધું તમને સોંપી દઉં છું. તમારા બાપાને કહેવડાવીશ કે તમારો દીકરો કમાઈને આવે છે માટે સામૈયું કરજો. આવતી કાલે સવારે ત્યાં પહોંચી જશો. હવે આ વહાણ તમારાં. મારે કામ છે એટલે હું જાઉં છું.’

મૂળજીને પેલા વહાણમાં બેસાડી દીધો ને ખાલી વહાણ લઈને બાઈ ઘેર આવતી રહી. સસરાને કહે, ‘બાપા, તમારા દીકરાનાં વહાણ વહેલી સવારે છ વાગે આવી જવાનાં છે. એનું સામૈયું કરવાની તૈયારી કરવાની છે.’ શેઠે સવારમાં ઢંઢેરો પિટાવ્યો ને બધાને ભેગા કરીને કહે, ‘આપણા મૂળજીભાઈ કમાઈને આવે છે.’ શેઠ તો સાજ, શણગાર સાથે વાગતા ઢોલે સામૈયું કરવા ગયા. મૂળજીભાઈને વધાવ્યાં, વહાણ વધાવ્યાં, સામૈયું કરીને ઘેર આવ્યાં. મૂળજીભાઈ તો ફૂલીને ફાળકો થઈ ગયા. કમાઈને આવ્યા છે! બધી માલ-મિલકત ઘેર ઉતારી દીધી.

પછી રાત પડી એટલે મૂળજીભાઈ સૂવાના ઓરડામાં ગયો. તરત પગમાંથી મોજડી કાઢવા માંડી. મૂળજીભાઈ તો બહુ રુઆબમાં છે. ત્યાં પેલી બાઈ કહે, ‘ઊભા રહો, હજી વાર છે.’ મૂળજી કહે, ‘કેમ? હું અઢળક માલ, ધન કમાઈને આવ્યો છું. હવે તો ચૌદ મોજડી ચોડવાનો મને અધિકાર છે.’ બાઈ કહે, ‘તમારી એ વાત બરાબર. તમારે ચોડવી હોય એટલી ચોડજો. પણ તમે આવવાના હતા એ મેં જાણ્યું. ત્યારે એક મોચી મોજડી વેચવા આવ્યો’તો એની પાસેથી એક જોડ મોજડી મેં ખરીદી છે. એનાથી મારો. માર ખાવો ખાવો ને આ જૂની મોજડીનો ખાવો? એના કરતાં નવી ખરીદી છે એનો માર મારો.’ પછી બાઈએ પેલું પડીકું લાવીને મૂક્યું. પડીકું જોતાંવેંત મૂળજીભાઈના તો હોશકોશ ઊડી ગયા. મોજડી હાથમાં લઈને કહે, ‘આ મોજડી! એ તું હતી?’ મૂળજી એના પગમાં નમી પડ્યો. બાઈએ હાથ પકડીને ઊભો કર્યો.