ભારતીયકથાવિશ્વ-૬/હેંડો વાત મોડીએ/મણિરાણી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મણિરાણી

એક ગામ હતું. એ ગામમાં મા-દીકરો રહે. દીકરો નાનો હતો, સમજણો થયો નહોતો. મા મહેનત-મજૂરી કરે ને દીકરાને ખવરાવે. એવામાં દુકાળ આવ્યો. દુકાળમાં મા પોતાના દીકરાનું કઈ રીતે પેટ ભરે? એટલે એ પરદેશ કામ કરવા ગયાં.

જે દેશમાં ગયા ત્યાંના રાજાનો હુકમ હતો કે બીજા દેશનું માણસ આવે તો એને અહીં રહેવા દેવું નહીં. જે રહેવા દેશે એને સો રૂપિયા દંડ અને છ મહિનાની સજા. એટલે મા-દીકરો જેના-જેના ઘર પાસે જાય ત્યાં કોઈ એમને રાખે નહીં અને રાજાના હુકમની વાત જણાવે. જો રાજાજી હા પાડે તો રાખી શકાય તેમ કહે.

ત્યાં એક પટેલનું ઘર હતું. એ પટેલ રાજાજી પાસે ગયો. જઈને કહે કે ‘રાજાજી, મારા ઘરે એક સ્ત્રી અને તેનો છોકરો બન્ને આવ્યાં છે. મારે ત્યાં રહેવા માગે છે. એમના દેશમાં દુકાળ પડ્યો છે. દુકાળમાં કઈ રીતે પેટ ભરે, એટલે આવ્યા છે. વળી, એમણે કહ્યું છે કે જો રાજાજી રહેવા દેશે તો રહેશે નહીં તો ચાલ્યા જશે.’ રાજા પટેલને કહે, ‘એને રહેવા દેજો. લો આ વીસ રૂપિયા એને આપજો અને તમે એને લાકડાનું ઝૂંપડું પણ બાંધી આપજો.’ પટેલ તો હરખાતો હરખાતો ઘેર આવ્યો. આવીને ડોશીને વીસ રૂપિયા આપ્યા. હવે ડોશીને મજૂરી કરવા નથી જવું પડતું. એેને એટલામાં જ અનાજ દળવાનું-ખાંડવાનું કામ મળી રહે છે. ડોશી તો કામ કરે છે ને દીકરાને ભણવા મોકલે છે. છોકરો રોજ શાળાએ જાય છે. ભણીને સાંજે ઘેર આવે છે. મા આખો દિવસ દળવા-ખાંડવાનું કામ કરે છે ને એમ સમય પસાર થાય છે.

એમ કરતાં કરતાં છોકરો સમજણો થયો. આ ગામમાં પેટીઓ વેચાવા આવે. એક પેટીના પાંચ રૂપિયા. રાજાએ ડોસીને જે વીસ રૂપિયા આપેલા એ ડોસીએ ફાટેલા ગોદડામાં સાચવીને છૂપાવેલાં. છોકરો સમજણો થયો એટલે એને થયું કે ‘બધાય છોકરા પેટી લે છે તો મારેય લેવી છે.’ એણે ડોસીએ ગોદડામાં વીસ રૂપિયા મૂકેલા તેમાંથી પાંચ રૂપિયા લઈ લીધા પછી પેટીવાળા પાસેથી એક પેટી લીધી. પેટીમાંથી એક પોપટ નીકળ્યો. પોપટ તો એની સાથે ને સાથે રહે છે. એ શાળાએ જાય તો પોપટ પણ જાય. જમવા બેસે તોય પોપટ સાથે. ડોશી વિચારે કે ‘બિચારો છો ને સંગાથ કરે. પાળ્યો હશે એટલે સંગાથ કરે છે.’ પણ ગોદડામાં પંદર રૂપિયા જ રહ્યા છે એ ડોશીને ખબર નથી.

બીજા દિવસે છોકરો બીજી પેટી લેવા ગયો. બીજા પાંચ રૂપિયાની ચોરી કરી. બીજી પેટી લીધી. તેમાંથી બિલાડી નીકળી. બિલાડી પણ છોકરાની સાથે ને સાથે રહે છે. ડોશી વિચારે કે બિચારી બિલાડી છોને સંગાથ કરે. છોકરાએ પાળી હશે. હવે ડોશીના દસ રૂપિયા જ બાકી રહ્યા છે.

આ દસ રૂપિયા પણ છોકરો ત્રીજા દિવસે ચોરી લે છે. પેટીવાળાને કહે છે, ‘એક પેટીમાં પોપટ નીકળ્યો, બીજીમાં બિલાડી. હવે ત્રીજી પેટી દસ રૂપિયાવાળી આપો.’ પેટીવાળાએ દસ રૂપિયાવાળી પેટી આપતાં કહ્યું, ‘જો છોકરા, આમાં નાગ છે. એની પાસે તું વરદાન માગજે. એ તને ગમે તે આપે પણ તું લઈશ નહીં પણ એનો વેઢ માગજે. એ ના કહેશે પણ તું બીજું કંઈ જ માગીશ નહીં.’

છોકરો પેટી લઈને ઘેર આવવા નીકળ્યો ને તેને રસ્તામાં વિચાર આવ્યો કે આ નાગની પેટીને ઘરે કેવી રીતે લઈ જવી. એટલે વેરાન જંગલમાં જઈને એક ખાડામાં પેટી મૂકીને ખોલી. ધગધગતો તાપ હતો ને જમીન ખૂબ તપતી હતી. છોકરો નાગની ફેણ પર કાંકરી ફેંકવા લાગ્યો એટલે નાગે કીધું, ‘મારા પર કાંકરી કોણ ફેંકે છે? જે હોય તે મારી સામે આવી જાય. જો હું દંશ દઉં તો મને મારા બાપ-દાદાનાં વચન છે.’ એટલે છોકરો તો નમસ્કાર કરીને નાગની સામે ઊભો રહ્યો. નાગ કહે, ‘માગ માગ બચ્ચા, માગે તે આપું.’ છોકરો કહે ‘બાપુ, મારે તમારું કાંઈ જોઈતું નથી. માત્ર તમારી ટચલી આંગળીનો વેઢ છે તે આપો.’

નાગ કહે, ‘બેટા, રાજપાટ, ધનમાલ, જે માગવું હોય તે માગી લે પણ આ વેઢ નહીં આપું. વેઢમાં મારો જીવ છે. આ વેઢ તને આપી દઉં તો તરત જ હું તરફડીને મરી જઉં.’ છોકરો કહે, ‘તો તમારાં વચન ખોટાં. મારે બીજું કાંઈ જોઈતું નથી.’ નાગ કહે, ‘લે ત્યારે. તને આ વેઢ આપું છું. આ વેઢ તું ગાયના દૂધમાં બોળીને તારા ઝૂંપડા પર છાંટીશ તો એ સાત માળનો બંગલો થઈ જશે. એમાં મણિ નામની એક રાણી પણ હશે.’ છોકરો વેઢ લઈને ઘરે આવ્યો. ગાયનું દૂધ લાવીને તેમાં વેઢ બોળ્યો. ડોશી તો ઘરે નથી. દળવાં-ખાંડવાં ગઈ છે. છોકરાએ દૂધના છાંટા ઝૂંપડાની ચારે બાજુ નાખ્યા. ત્યાં તો સાત માળનો બંગલો થઈ ગયો. બંગલો થયો એટલે છોકરો ફટ ફટ ફટ કરતો એકદમ ઝટ બંગલા પર ચડી ગયો. ત્યાં ઉપરના છેલ્લા માળે મણિ નામે રાણી મળી. આથી તે ખુશ થઈ ગયો. બન્નેએ ચોપાટ માંડી.

સાંજ પડી એટલે ડોશી ઘેર આવી. પોતાનું ઝૂંપડું દીઠું નહીં, એટલે રડવા માંડી. બૂમાબૂમ કરવા માંડી. બોલતી જાય છે કે ‘હાય મારું ઝૂંપડું ને હાય મારા વીસ રૂપિયા.’ ત્યાં છોકરાને યાદ આવે છે કે મા હજુ સુધી નથી આવી. છોકરો તો મહેલમાં જતાં જ એકદમ રાજકુંવર જેવો થઈ ગયો છે. મા યાદ આવતાં જ તે એકદમ નીચે ઊતર્યો. માને પકડીને કહે, ‘મા, હેંડો. હું તમારો દીકરો છું. આ આપણું મકાન છે.’ ડોશી કહે, ‘ના ભાઈ ના. મારો દીકરો આવો નથી. ને મારે તો ઝૂંપડું હતું. અહીં ક્યાં આ બંગલો હતો?’ દીકરો કહે, ‘મા, હું જ તમારો દીકરો છું.’ ને એમ છોકરો પોતાની માને બંગલામાં લઈ ગયો. બેસાડ્યાં. ને એમ બધાંય ખાય પી ને લહેર કરે છે.

એક દિવસ મણિ અને પોપટ પવનપાવડી પર બેસીને નદીએ નહાવા ગયા. ત્યાં નાહ્યાં, કપડાં ધોયાં. રાણીએ માથું ધોયું. તેના સોનેરી વાળનો ગોટો નદીએ પડી રહ્યો અને એ લોકો ઘેર આવી ગયા.

બીજા દિવસે પરદેશથી એક રાજકુમાર નદીએ ઘોડા પાવા આવ્યો. એ વખતે તેણે સોનેરી વાળનો ગોટો જોયો. ગોટો જોઈને કુંવર તો આશ્ચર્યમુગ્ધ થઈ ગયો. તેણે ગોટો ખિસ્સામાં નાખ્યો ને કહે, ‘પયણું તો આ સોનેરી વાળવાળીને, બીજી બધી મા-બુન.’ પછી પોતાને ઘેર ગયો. ઘોડા બાંધ્યા ને ત્યાં જ નાની ખાટલીમાં સૂઈ ગયો.

રાજા-રાણી તો રાજકુંવરની શોધખોળ કરે છે. ઢંઢેરો પિટાવ્યો છે પણ ક્યાંય કુંવરની ભાળ નથી થતી. એક દિવસ સફાઈ કરનારી ઘોડવાડમાં વાળવા જાય છે. એની નજર કુંવર પર પડી. એટલે કુંવરને કહે, ‘તમને તો ત્રણ-ત્રણ દિવસથી સૌ શોધી રહ્યાં છે અને તમે જડતા નથી.’ કુંવર કહે, ‘જો તું મારા મા-બાપને વાત કરીશ તો તને આ ઘોડવાડમાં જ ચગદી નાખીશ.’ એટલે સફાઈ કરનારી તો બીકની મારી કાંઈ જણાવતી નથી. પણ એક દિવસ લાલચની મારી રાજા પાસે ગઈ. રાજાને કહે, ‘મારું નામ ન લો તો કુંવર ક્યાં છે તે દેખાડું.’ રાજાએ વાત સ્વીકારી. સફાઈ કરનારીએ કીધું, ‘કુંવર ઘોડવાડમાં છે.’ કુંવર તૂટેલી ખાટલી પર સૂતા છે. રાજા કુંવરને કહે, ‘બોલ, તને કોઈની વાડનો કાંટો વાગ્યો હોય તો તેની વાડ સળગાવી દઉં. કોઈએ આંખ કાઢી હોય તો તેની આંખ ફોડી નાખું. આંગળી ચીંધી હોય તો આંગળી કાપી નાખું. પણ તને શું થયું છે તે કહે.’ ત્યારે કુંવરે સોનેરી વાળનો ગોટો બતાડ્યો અને કહ્યું, ‘પયણીશ તો આને જ. બીજી મારે મા-બુન. બોલો, તમે મને પરણાવો છો?’ રાજા કહે, ‘હા, પરણાવશું.’ રાજાએ ઢંઢેરો પિટાવ્યો.

રાજકુંવરને પરણાવવાનું એક દાસીએ બીડું ઝડપ્યું. દાસી તો પેલો બંગલો અને મણિ રાણી છે ત્યાં ગઈ. પગથિયાં ચડીને રડવા લાગી. મણિ પૂછવા બહાર આવી એટલે એણે સગપણ કાઢ્યું ને બોલી, ‘ભાણી, તું અહિયાં?’ મણિ પણ કહે કે ‘તમે મારાં માસી છો?’ કહે ‘હા,’ એટલે મણિ કહે, ‘હેંડો ઘરમાં.’

હવે, પેલા છોકરા પાસે નાગનો જે વેઢ હતો એ વેઢ બાઈએ ફોસલાવીને લઈ લીધો. વેઢ લઈને મણિરાણીને મંત્રેલા અડદના દાણા છાંટીને સીધી પોતાના રાજમાં લઈ ગઈ ને કુંવરને સોંપી દીધી. ત્યારે મણિ કુંવરને કહે, ‘મારે છો મહિનાનું કડલીવ્રત છે. આ વ્રત પૂરું થાય ત્યાં સુધી દરરોજ પક્ષીને સવામણ ચણ નાખવી પડશે.’ કુંવર કહે, ‘ભલે.’ રાણી તો રોજ પક્ષીને દાણા નાખે છે. આ બાજુ પોપટે પણ નીમ લીધું કે ‘મારી ભાભી નહીં જડે ત્યાં સુધી અન્ન નહીં લઉં.’ તે દેશેદેશ ફરે છે. એક દિવસ આ ભૂખ્યા પોપટને સવામણ ચણ ચણનારા પોપટ કહે છે, ‘અમારે તો હમણાં મજા છે. એક નવાં રાણી આવ્યાં છે, તે દાણા બહુ નખાવે છે.’ એટલે આ પોપટ કહે, ‘મને નવાં રાણી બતાવો ને?’ આમ બધાં પોપટ વાત કરે છે. એટલામાં ઓલા પોપટ કહે, ‘જોવો, રાણી અગાશીમાં બેઠાં.’ પોપટે જોયાં. રાતે અગાશીમાં ગયો. રાણીને મળ્યો. રાણીને ઘરે લઈ જવા બિલાડીને બોલાવે છે.

બિલાડી એક નાની ઉંદરડી પકડીને કુંવરના મોઢામાં નાખે છે. કુંવર વેઢ મોઢામાં લઈને સૂતો છે માટે બિલાડી આવું કરે છે. ઉંદરડી મોઢામાં નાખી એટલે કુંવર થૂંકે છે. વેઢ બહાર પડે છે. એ વેઢ પોપટને ગળે બાંધી દીધો. બધાંય પવનપાવડીમાં બેસી પોતાને ઘેર આવ્યાં. ખાધું, પીધું ને રાજ કર્યું.

બસ, ગોખલામાં ગોટી, મારી વાત મોટી આંબે આયા મોર, વાત માંડશું પોર. (ગુજરાતી રૂપાંતર : મમતા પંડ્યા)