ભારતીય કાવ્યસિદ્ધાંત/ઔચિત્ય
કાવ્ય એક અખંડ પુદ્ગલ છે. એના કોઈ પણ ઘટક – વસ્તુ, અલંકાર, ગુણ, રીતિ, છંદ વગેરે -નું પોતાનું આગવું અને અન્યનિરપેક્ષ મૂલ્ય હોતું નથી. કોઈ પણ ઘટકનું જે કંઈ મૂલ્ય છે તે સમગ્ર કાવ્યની દૃષ્ટિએ છે, એટલે કે કોઈ પણ ઘટકની રસવત્તા કે સૌંદર્યવત્તાનો આધાર કાવ્યનાં બીજાં ઘટકો સાથે એ મેળમાં છે કે નહિ, સમગ્ર કાવ્યમાં એ ઉચિત છે કે નહિ તેના ઉપર છે. આ મુદ્દો ક્ષેમેન્દ્ર ‘ઔચિત્યવિચારચર્ચા’માં ખૂબ સ્પષ્ટતાથી સ્થાપિત ખરી આપે છે. ક્ષેમેન્દ્ર કહે છે કે વિચાર કરતાં પણ જેમાં ઔચિત્યરૂપી જીવિત દેખાતું નથી એવા અલંકારો કાવ્યમાં હોય તો તેથી શું? અને એવા ગુણોની મિથ્યા ગણના કર્યા કરવાનો શો અર્થ? અલંકારો ખાલી અલંકારો જ છે અને ગુણો માત્ર ગુણો છે. ઉચિત સ્થાને ગોઠવાયેલા હોય તો જ અલંકારો ખરેખર અલંકારણરૂપ એટલે કે સૌન્દર્યસાધક બની શકે છે અને ઔચિત્યપૂર્વક યોજાયેલા હોય તો જ ગુણો ગુણરૂપ એટલે કે ઉત્કર્ષસાધક બની રહે છે. ઔચિત્ય વિના ગુણાલંકારયુક્ત કાવ્ય પણ નિર્જીવ ભાસે છે. એટલે કાવ્યનું – રસસિદ્ધ કાવ્યનું – સ્થિર, અવિનશ્વર જીવિત તો ઔચિત્ય જ છે. ક્ષેમેન્દ્રની વાત ખરી છે, હાર પણ સુંદર અને મેખલા પણ સુંદર છે. પરંતુ હારને કટિ ઉપર અને મેખલાને ગળામાં પહેરવામાં આવે તો એ કેવું લાગે? એથી શરીરની શોભા વધે કે ઘટે? અને નિર્જીવ શબને ઉત્તમ આભૂષણો પહેરાવીએ તો એ શોભે ખરું? મુદ્દાની વાત એ છે કે કાવ્યની સમગ્ર યોજના સંવાદી હોવી જોઈએ અને તો જ કાવ્યનું ખરું સૌંદર્ય કે એની ખરી રસવત્તા સિદ્ધ થાય. આનંદવર્ધને પણ કહેલું જ ને કે અનૌચિત્ય સિવાય રસભંગનું બીજું કોઈ કારણ નથી અને પ્રસિદ્ધ ઔચિત્યપૂર્વકનું નિબન્ધન એ જ રસનું પરમ રહસ્ય છે. કાવ્યનો પ્રાણ જો રસ છે તો રસનું એક નિયામક તત્ત્વ ઔચિત્ય છે અને એ રીતે ઔચિત્યનું કાવ્યમાં મહત્ત્વનું સ્થાન છે. ઔચિત્ય કાવ્યના અંગેઅંગમાં હોવું જોઈએ. આનંદવર્ધને સંઘટના (એટલે કે સમાસરચના) રસને તથા વક્તા અને વાચ્ય અર્થને કેવી રીતે અનુસરતી હોવી જોઈએ એની વીગતે ચર્ચા કરેલી છે. તેમજ પ્રબંધમાં રસવ્યંજના માટે વિભાવ, ભાવ, અનુભાવ અને સંચારી ભાવનું ઔચિત્ય કેવી રીતે સાચવવું જોઈએ એ પણ વીગતે બતાવ્યું છે. ક્ષેમેન્દ્ર આથી પણ આગળ વધી કાવ્યમાં ઔચિત્ય સાચવવાનાં અઠ્ઠાવીસ સ્થાનો ગણાવે છે (જેમાં લિંગ, વચન, દેશ, કાળ, વ્રત, સ્વભાવ આદિનો સમાવેશ થયો છે અને છતાં કાવ્યનાં ‘અનંત’ અંગોનો ઉલ્લેખ કરીને સૂચિ પૂરી કરી છે) અને દરેક સ્થાનનાં ઔચિત્યનાં તથા ઔચિત્યભંગનાં ઉદાહરણો આપે છે. કાવ્યનાં ભિન્ન ભિન્ન સ્થાનોનાં ઔચિત્યને સમજવા માટે આપણે આનંદવર્ધને આપેલું એક જ ઉદાહરણ લઈએ :
न्यक्कारो ह्ययमेव मे यदरयस्तत्राप्यसो तापसः ।
सोऽप्यत्रैव निहन्ति राक्षसकुलं जीवत्यहो रावणः ।
धिक् धिक् शक्रजितं प्रबोधितवता किं कुम्भकर्णेन वा
स्वर्गग्रामटिकाविलुण्ठनवृथोच्छूनैः किमेभिर्भुजै ।।૧[1]
રામ સાથે યુદ્ધ થયું તે વખતની રાવણની આ ઉક્તિ છે. આમાંથી બેત્રણ અંગોનું ઔચિત્ય જ આપણે નોંધીએ. ‘રાવણ’ શબ્દ જ જુઓ. રોવડાવે, બીજાને કમ્પિત કરે તે ‘રાવણ’ એની શી દશા થઈ રહી છે? ‘શક્રજિત’ શબ્દ પણ જુઓ. શક્રને —ઇન્દ્રને જેણે જીત્યો છે એ પણ અહીં પરાસ્ત થયો એ કેવું ધિક્કારરૂપ કહેવાય! ‘પ્રબોધિત’માંનો ‘પ્ર’ ઉપસર્ગ જુઓ. કુમ્ભકર્ણને કેટલી મહેનત કરીને જગાડ્યો હતો અને એનું હવે શું વળ્યું? ‘નિહન્તિ’નો ‘નિ’ પણ નિઃશેષ સંહાર સૂચવે છે. ‘તાપસ’ દ્વારા પણ જેનામાં તપ છે પણ શૌર્ય નથી એવી વ્યક્તિ સૂચવાય છે. એ રાવણની શત્રુ ! રાવણને માટે આ કેટલું શરમજનક અને તિરસ્કારરૂપ કહેવાય ! આમ, આ ઉક્તિમાં અનેક ઔચિત્યોને લીધે રાવણનો આત્મતિરસ્કાર અત્યંત તીવ્રતાથી અને વેધક રીતે પ્રગટ થાય છે. આથી જ ઔચિત્ય કાવ્યસૌંદર્યની એક આવશ્યક શરત બની જાય છે. (૧૯)
- ↑ ૧. મારે શત્રુઓ હોય એ જ ધિક્કારરૂપ છે, તેમાં વળી આ તાપસ મારો શત્રુ! એ પાછો અહીં જ રાક્ષસકુળને હણે છે અને રાવણ જીવે છે! શક્રજિતને ધિકકાર છે; કુંભકર્ણને જગાડ્યાનોય શો અર્થ સર્યો? સ્વર્ગરૂપી ગામડાને રોળી નાખી વૃથા ફૂલી ગયેલી આ ભુજાઓથીયે શું સર્યું?