ભારતીય કાવ્યસિદ્ધાંત/ધ્વનિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ધ્વનિ અને વક્રોક્તિ

ધ્વનિ

‘ધ્વનિ’ મુખ્યત્વે વ્યંગ્યાર્થ કે વ્યંજનાવ્યાપાર માટે વપરાતો શબ્દ છે. આપણે આગળ નોંધેલું કે વ્યંજનાવ્યાપારની કલ્પના આલંકારિકોને સ્ફોટવાદ ઉપરથી આવેલી. ‘ધ્વનિ’ શબ્દ પણ એમને ત્યાંથી જ મળેલો છે. વૈયાકરણોની દૃષ્ટિએ સ્ફોટ પ્રધાન છે, શબ્દ ગૌણ છે, અને એ સ્ફોટ શબ્દમાંથી વ્યંજિત થાય છે. પ્રધાનભૂત સ્ફોટને વ્યંજિત કરનાર શબ્દને તેઓ ‘ધ્વનિ’ કહે છે. આ પરથી આલંકારિકોએ જ્યાં વ્યંગ્યાર્થ પ્રધાનપણે સ્ફુરતો હોય તેવા શબ્દાર્થયુગલને એટલે કે કાવ્યને ‘ધ્વનિ’ નામ આપ્યું અને પછી એમણે ‘ધ્વનિ’ સંજ્ઞા આ પ્રક્રિયાના દરેક ઘટક સુધી વિસ્તારી દીધી. પરિણામે ‘ધ્વનિ’ શબ્દ પાંચેક જુદા જુદા અર્થોમાં વપરાતો આપણને જોવા મળે છે. ધ્વનન કરે તે ધ્વનિ. વાચક શબ્દ અને વાચ્યાર્થમાંથી વ્યંગ્યાર્થ સ્ફુરતો હોય છે તેથી (૧) વાચક શબ્દને અને (૨) વાચ્યાર્થને ‘ધ્વનિ’ કહેવામાં આવે છે. જેનું ધ્વનન થાય તે ધ્વનિ. તેથી (૩) વ્યંગ્યાર્થને પણ ‘ધ્વનિ’ કહેવામાં આવે છે. ધ્વનનનો વ્યાપાર તે ધ્વનિ. તેથી (૪) વ્યંજનાવ્યાપારને પણ ‘ધ્વનિ’ કહેવામાં આવે છે. આ ચારેના સમુદાયરૂપ તે પણ ‘ધ્વનિ’ કાવ્યમાં વ્યંગ્યાર્થનું વ્યંજન કરતા શબ્દાર્થ હોય છે તેથી (૫) કાવ્યને પણ ‘ધ્વનિ’ સંજ્ઞા આપવામાં આવી. આમાંથી છેલ્લા ત્રણ અર્થો જ વધારે વ્યાપક છે એ નોંધવું જોઈએ. અલબત્ત, કોઈ પણ પ્રકારનો વ્યંગ્યાર્થ હોવા-માત્રથી કંઈ કાવ્ય બની જતું નથી. એમ તો ‘गङ्गायां घोषः’માં વ્યંગ્યાર્થ છે, પણ એ કંઈ કાવ્ય નથી. વ્યંગ્યાર્થ ચમત્કારી હોવો જોઈએ, સહૃદયોના આસ્વાદનો વિષય બની શકે એવો હોવો જોઈએ, કાવ્યમાં પ્રધાનભૂત હોવો જોઈએ. આથી જ આનંદવર્ધન અને અભિનવગુપ્ત ‘ધ્વનિ’ સંજ્ઞાને કંઈક મર્યાદિત અર્થમાં યોજે છે. તેઓ ગમે તે વ્યંગ્યાર્થ કે વ્યંજનાવ્યાપારને ‘ધ્વનિ’ નામ નથી આપતા, પણ જ્યાં વ્યંગ્યાર્થ કે વ્યંજનાવ્યાપાર પ્રધાનભૂત હોય ત્યાં જ ‘ધ્વનિ’ સંજ્ઞા યોજે છે. તેથી તેમના મતે (૧) ‘ધ્વનિ’ એટલે પ્રધાનપણે સ્ફુરતો વ્યંગ્યાર્થ, (૨) ‘ધ્વનિ’ એટલે પ્રધાનપણે પ્રવર્તતો વ્યંજનાવ્યાપાર અને (૩) ‘ધ્વનિ’ એટલે જ્યાં વ્યંગ્યાર્થ અને વ્યંજનાવ્યાપાર પ્રધાનભૂત છે એવું કાવ્ય. (એવા કાવ્યને તેઓ ઉત્તમ કાવ્યનું સ્થાન આપે છે.)