ભારતીય કાવ્યસિદ્ધાંત/કાવ્યના માર્ગો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કાવ્યના માર્ગો :

વામન વગેરે પહેલાંના આચાર્યોને દેશભેદે રીતિભેદ દર્શાવેલા — વૈદર્ભી, પાંચાલી, ગૌડી વગેરે – તેનો કુન્તક વિરોધ કરે છે; કેમ કે કાવ્યરચનાનો કોઈ નિશ્ચિત દેશધર્મ હોઈ શકે નહિ. કાવ્યરચના તો પ્રતિભા, વ્યુત્પત્તિ આદિની અપેક્ષા રાખે છે અને એનું અનુષ્ઠાન પરંપરાગત રીતે શક્ય નથી. છતાં કાવ્યરચનાની ભિન્ન ભિન્ન રીતિઓ આપણને જોવા તો મળે છે; એમની વ્યવસ્થા કેવી રીતે કરવી? કુન્તક કવિસ્વભાવને માર્ગભેદનું કારણ માને છે (કુન્તકની બધીયે વિચારણામાં કવિ કેટલો કેન્દ્રસ્થાને છે તે આ પરથી દેખાઈ આવે છે) અને કવિસ્વભાવ અનંત છે તેથી માર્ગભેદ પણ અનંત હોઈ શકે છે એમ એ કહે છે. છતાં વ્યાપક દૃષ્ટિએ વિચારતાં કુન્તક ત્રણ માર્ગભેદો – ત્રણ જ, બે પણ નહિ, ચાર પણ નહિ – સ્વીકારે છે અને એનું વર્ણન કરે છે. ત્રણે માર્ગો એમના વક્રતાના સિદ્ધાંતને કેન્દ્રમાં રાખીને ચાલે છે તે જોઈ શકાશે : ૧. સુકુમાર માર્ગ : આ માર્ગનું મુખ્ય લક્ષણ છે કાવ્યરચનાની સુકુમારતા, સાહજિકતા, પ્રયત્ન કે વ્યુત્પત્તિજન્ય કૌશલનો અભાવ. ‘ખીલેલાં કુસુમના વનમાં ભમરાઓ જાય તેમ કવિઓ આ માર્ગે જાય છે.’ એમ કુન્તક કહે છે તેમાંથી જ કવિવ્યાપારની સાહજિક ગતિ સૂચવાઈ જાય છે. આ માર્ગની રચનામાં શબ્દાર્થો નવીનતા અને તાજપવાળા હોય છે, પણ તે કવિપ્રતિભામાંથી આપોઆપ સ્ફુરેલા હોય છે. અલંકરણ હોય તોપણ સ્વલ્પ હોય અને અનાયાસ સિદ્ધ થયેલું હોય. પદાર્થનું અંતર્ગત રહસ્ય, એનો સ્વભાવ અહીં પ્રગટ થતો હોય છે અને કવિની બૌદ્ધિક સજ્જતાનો અભિષેક એના પર થતો નથી. એકંદરે આ માર્ગની રચના રસપ્રધાન હોય છે અને એમાં એક જાતનું અનાલોચિત સૌંદર્ય રહેલું હોય છે. કાલિદાસ, સર્વસેન આદિને કુન્તક સુકુમાર માર્ગના કવિઓ ગણાવે છે. ૨. વિચિત્ર માર્ગ : આ માર્ગનું મુખ્ય લક્ષણ છે કાવ્યરચાનાની વિચિત્રતા, સૌંદર્યોદ્રિક્તતા, વૈદગ્ધ્ય કે સભાન કવિકર્મનું પ્રાબલ્ય. ‘ખડ્ગધારાપથે સુભટોના મનોરથો જાય તેમ આ માર્ગે વિદગ્ધ કવિઓ જાય છે’ એમ કુન્તક કહે છે તેમાં જ કવિવ્યાપારની સભાન ગતિ સૂચવાઈ જાય છે. આ માર્ગની રચનામાં કવિપ્રતિભાના પહેલા સ્ફુરણમાંથી જ જે શબ્દાર્થો આવે છે તે વક્રતાયુક્ત હોય છે; અને કવિને એકાદ અલંકારથી સંતોષ નથી થતો, એ અલંકારને પણ અલંકૃત કરે છે – જેમ શરીરને શોભાવવા આપણે મોતીનો હાર પહેરીએ અને મોતીના હારને પાછો મણિનો પદક મૂકી શોભાવીએ તેમ. સામાન્ય રીતે, આ માર્ગમાં એવું બને છે કે વસ્તુ ગમે તેવું હોય છતાં કવિપ્રતિભા અનુસાર એ જુદું જ સ્વરૂપ ધારણ કરે છે. વસ્તુ અનૂતન, અનભિનવ રૂપે કલ્પાયેલું હોય તોપણ એ લોકોત્તર રમણીયતાયુક્ત બની જાય છે, કેમ કે અલંકારોની ભભકભરી શોભાએ આપેલા અતિશયના એક અંતર્ગત ભાગરૂપે વસ્તુ પ્રકાશે છે. પોતે પહેરેલાં રત્નોનાં કિરણોથી કાન્તાનું શરીર જેમ તિરોધાન પામે છે તેમ વસ્તુનો સ્વભાવ પણ અહીં કંઈક તિરોધાન પામે છે. એકંદેર આ માર્ગની રચના ધ્વનિપ્રધાન હોય છે અને એમાં વૈદગ્ધ્યપૂર્ણ વૈચિત્ર્ય રહેલું હોય છે. બાણ, ભવભૂતિ, રાજશેખર આદિને કુન્તક વિચિત્ર માર્ગના કવિઓ ગણાવે છે. ૩. મધ્યમ માર્ગ : વિચિત્રતા અને સુકુમારતા જ્યાં સેળભેળ થયાં હોય, એકબીજા સાથે સ્પર્ધા કરતાં હોય, સમાનભાવે રહેલાં હોય તે મધ્યમમાર્ગ, એટલે કે એમાં નૈસર્ગિક પ્રતિભાજન્ય રમણીયતા હોય અને વ્યત્પત્તિજન્ય રમણીયતા પણ હોય. ‘રસિક લોકો વિદગ્ધ વસ્ત્રપરિધાનથી પ્રસન્ન થાય છે તેમ આ માર્ગે કેટલાક કવિઓ જાય છે’ એમ કુન્તક કહે છે તે પરથી પણ સહજ-વિદગ્ધ કવિવ્યાપાર સૂચિત થઈ જાય છે. માતૃગુપ્ત, માયુરાજ, મંજીર આદિને કુન્તક મધ્યમ માર્ગના કવિઓ ગણાવે છે. કુન્તક એકંદરે કવિકર્મ પર, કવિકર્મના પરિણામરૂપ શબ્દાર્થ ઉપર અને શબ્દાર્થના સૌંદર્ય ઉપર ઘણો ભાર મૂકે છે તે સ્પષ્ટ છે. આ રીતે એમનો અભિગમ વસ્તુલક્ષી છે એમ કહી શકાય.