ભારતીય કાવ્યસિદ્ધાંત/વક્રતાના પ્રકારો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
વક્રતાના પ્રકારો :

કુન્તક વક્રતાના છ મુખ્ય પ્રકારો અને એના પેટાપ્રકારોનું જે વર્ણન કરે છે તે પરથી એમનો વક્રતાનો સિદ્ધાંત કેટલો વ્યાપક છે તેનો ખ્યાલ આવશે : ૧. વર્ણવિન્યાસવક્રતા : એટલે વર્ણોની ગોઠવણીનું વૈચિત્ર્ય. યમકાદિ શબ્દાલંકારોનો અને ઉપનાગરિકાદિ વૃત્તિઓનો, સ્વાભાવિક રીતે જ, અહીં સમાવેશ થઈ જાય છે, કેમ કે એમાં વર્ણોની અમુક પ્રકારની વૈચિત્ર્યયુક્ત ગોઠવણી હોય છે. વર્ણવિન્યાસવક્રતામાં પ્રસ્તુતૌચિત્ય જોઈએ, નૂતનનતા જોઈએ, વ્યસન કે પ્રયત્ન ન જોઈએ, અસુકુમારતા ન જોઈએ એવી જે સૂચના કુન્તક આપે છે તે ધ્યાન આપવા લાયક છે. ૨. પદપૂર્વાર્ધવક્રતા : પદપૂર્વાર્ધ એટલે પ્રકૃતિ, શબ્દનો પ્રત્યય સિવાયનો ભાગ, પર્યાય, રૂઢિ, ઉપચાર, વિશેષણ, સંવૃત્તિ, વૃત્તિ, ભાવ, લિંગ, ક્રિયા આદિ અનેક પેટાપ્રકારો રૂપે કુન્તક આનું વર્ણન કરે છે. રૂપકાદિ અલંકારોનો ‘ઉપચાર’માં સમાવેશ થઈ જાય છે, કેમ કે એમાં એક વસ્તુને બીજી વસ્તુનું નામ આપવામાં આવ્યું હોય છે. ૩. પદપરાર્ધવક્રતા : પદપરાર્ધ એટલે પ્રત્યય, કાળ, કારક, સંખ્યા, પુરુષ આદિ પેટાપ્રકારો રૂપે કુન્તક એનું વર્ણન કરે છે, અને પ્રત્યયથી પણ કાવ્યસૌંદર્ય કેવી રીતે સિદ્ધ થાય છે તે બતાવે છે. ૪. વાક્યવક્રતા : વક્રતાનો આ ખૂબ મહત્ત્વનો અને મોટો વિભાગ છે. વસ્તુના વૈચિત્ર્યનો પણ આમાં જ વિચાર થયેલો છે. તેથી ઘણાબધા અર્થાલંકારો અને રસવતનો (તેથી રસનો પણ) અહીં સમાવેશ થાયો છે. ૫. પ્રકરણવક્રતા : કોઈ પ્રસંગને નવી રીતે કલ્પવો તેને કુન્તક પ્રકરણવક્રતા કહે છે. ‘શાકુન્તલ’માં દુર્વાસાના શાપનો કાલિદાસે જે રીતે ઉપયોગ કર્યો છે, શકુન્તલાને દુષ્યંતના દરબારમાં સગર્ભાવસ્થામાં રજૂ થતી બતાવીને જે અસર સાધી છે તે પ્રકરણવક્રતાનાં ઉદાહરણો છે. ૬. પ્રબંધવક્રતા : સમગ્ર પ્રબંધમાં પ્રવર્તતા વૈચિત્ર્યને પ્રબંધવક્રતા કહે છે. મૂળરસપરિવર્તન આદિ એના છ ભેદ કુન્તક વર્ણવે છે. ‘મહાભારત’નો રસ શાંત છે, પણ એમાંથી વસ્તુ લઈ ભટ્ટનારાયણે વીરરસનું ‘વેણીસંહાર’ રચ્યું તે મૂળરસપરિવર્તન નામક પ્રબંધવક્રતાનું ઉદાહરણ કહેવાય. અલંકાર, રીતિ, ગુણ, ધ્વનિ, રસ વગેરે બધાં તત્ત્વોને પોતાનામાં સમાવી લેતો વક્રતાનો આ ખ્યાલ કુન્તકની મૌલિક દૃષ્ટિ બતાવી આપે છે.