ભારતીય કાવ્યસિદ્ધાંત/ધ્વનિના ત્રણ પ્રકારો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ધ્વનિના ત્રણ પ્રકારો :

ધ્વનિ એટલે કે પ્રતીયમાન અર્થ મુખ્યત્વે ત્રણ પ્રકારનો જીવ મળે છે :

૧. વસ્તુધ્વનિ :

જ્યાં કોઈ વસ્તુ એટલે કે હકીકત વ્યંજિત થઈ હોય ત્યાં ‘વસ્તુધ્વનિ’ છે એમ કહેવાય. નીચેનો શ્લોક જુઓ :

गच्छ गच्छसि चेत्कान्त पन्थानः सन्तु ते शिवाः ।
ममापि जन्म तत्रैव भूयाधत्र गतौ भवान् ।।

એક સ્ત્રી પરદેશ જઈ રહેલા પોતાના પ્રિયતમને કલ્યાણય સફર ઈચ્છે છે અને કહે છે – ‘તું જ્યાં જાય છે ત્યાં જ મારો પણ જન્મ થજો.’ આમાંથી એવો અર્થ વ્યંજિત થાય છે કે ‘તું જઈશ તો હું જીવી શકીશ નહિ.’ આ વસ્તુરૂપ વ્યંગ્યાર્થ છે, તેથી એને વસ્તુધ્વનિ કહેવાય. બીજું પણ એક ઉદાહરણ જુઓ :

शिखरिणि क्व नु नाम कियच्चिरं
किमभिधानमसावकरोत्तपः ।
तरुणि येन तवाधरपाटलं
दशति बिम्बफल शुकशावकः ।।

(હે તરુણી, પોપટના આ બચ્ચાને કયા પર્વત ઉપર, કેટલા લાંબા સમય સુધી અને કયા પ્રકારનું તપ કર્યું હશે એ તારા અધર સમાન રાતા રંગનું બિંબફળ ટોચી રહ્યું છે !) અહીં નાયકની તરુણીના અધરનું પાન કરવાની અભિલાષા વ્યંજિત થાય છે, જે વસ્તુરૂપ વ્યંગ્યાર્થ છે. અલબત્ત, અહીં ‘તારા અધર સમાન રાતા રંગનું બિંબફળ’ એ ઉપમા અલંકારને કારણે આ વસ્તુધ્વનિ સ્ફુરે છે. એટલે કે અહીં વાચ્યાર્થ અલંકારરૂપ છે, પણ વ્યંગ્યાર્થ વસ્તુરૂપ છે. પૃ.૩૯-૪૦ પરના ‘अता अत्र.’ ‘तथाभूतां’, ‘तदा मम.’ વગેરે ઘણાં ઉદાહરણોમાં વસ્તુધ્વનિ જ છે.

૨. અલંકારધ્વનિ :

વ્યંજિત થતો અર્થ જ્યારે અલંકારરૂપ હોય ત્યારે એ ‘અલંકારધ્વનિ’નું ઉદાહરણ છે એમ કહેવાય. દાખલા તરીકે, ‘તારામાં અને ગધેડામાં શો ફેર?’ એમ કહેવામાં આવે ત્યારે એનો વ્યંગ્યાર્થ ‘તું ગધેડા જેવો છે’ એવો નીકળે છે, જે ઉપમા અલંકારરૂપ છે. નીચેનું ઉદાહરણ પણ જુઓ :

लावण्यकान्तिपरिपूरितदिङ्मुखेऽस्मिन्
स्मेरेऽघुना तव मुखे तरलायताक्षि ।
क्षोभं यदेति न मनागपि तेन मन्ये
सुव्यक्तमेव जलराशिरयं पयोधिः ।।૧[1]

અહીં ખરો સાગર હોય તો ઊછળ્યા વિના ન રહે એમ કહી એ સુંદરીનું મુખ ચંદ્ર સમાન છે એમ સૂચિત કર્યું છે. આ અલંકારરૂપ વ્યંગ્યાર્થ છે, તેથી એ અલંકારધ્વનિનું ઉદાહરણ થયું. ‘भद्रात्मनो.’ (પૃ.૩૬)માં રાજાની હાથી સાથેની સરખામણી વ્યંજિત થાય છે તેથી એ પણ અંલકારધ્વનિનું ઉદાહરણ છે. ત્યાં અલબત્ત, શ્લેષ અલંકારમાંથી આ ધ્વનિ સ્ફૂરે છે, તેથી વાચ્યાર્થ પણ અલંકારરૂપ છે અને વ્યંગ્યાર્થ પણ અલંકારરૂપ છે તેમ કહેવાય. વસ્તુ અને અલંકાર વચ્ચે, આમ જોઈએ તો, તાત્ત્વિક ભેદ કશો જ નથી. અલંકારમાં પણ હકીકત કે વિચાર જ રહેલો હોય છે. ‘તારું મુખ ચંદ્ર જેવું છે’ એ પણ એક વિચાર જ કહેવાય ને? માત્ર એ વિચાર એક અલંકારના રૂપમાં મૂકવામાં આવેલો છે. આથી જ કેટલીક વાર વસ્તુધ્વનિને ‘વસ્તુમાત્રધ્વનિ’ કહેવામાં આવે છે, કેમ કે ત્યાં હકીકત કે વિચાર સીધાસાદા રૂપમાં – અવિચિત્ર રૂપમાં – વ્યંજિત થાય છે, જ્યારે અલંકારધ્વનિમાં એ વિચિત્ર – અલંકૃત – સ્વરૂપ આવે છે. (૨૧)

૩. રસધ્વનિ :

જ્યાં કોઈ મનોભાવ કે મનોદશા વ્યંજિત થતી હોય ત્યાં ‘રસધ્વનિ’ છે એમ કહેવાય. નીચેનાં ઉદાહરણો જુઓ :

(૧) ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ,
અણદીઠેલી ભોમ પર યૌવન માંડ આંખ.
(૨) યારી ગુલામી શું કરું તારી? સનમ!
ગાલે ચૂમું કે પ્હાનીએ તુંને? સનમ!

બન્ને ઉદાહરણોમાં કોઈ વિચાર કે હકીકતની, સીધાસાદા રૂપે કે અલંકારરૂપે, વ્યંજના નથી. જે કહેવાનું છે તે કહી દીધું છે. પણ પહેલા ઉદાહરણમાંથી આપણને સાહસના મનોભાવનું એક સાક્ષાત્કાર સંવેદન થાય છે, તો બીજા ઉદાહરણમાંથી પ્રણયનો આવેશ સ્ફુરી રહે છે. આ રીતે, આ બન્ને રસધ્વનિનાં ઉદાહરણો છે. જ્યાં સ્થાયી ભાવની વ્યંજના હોય ત્યાં જ શાસ્ત્રીય દૃષ્ટિએ ‘રસ’ સંજ્ઞા યોજી શકાય એ આપણે આગળ પૃ.૬૬ પર જોયું છે. પણ ઘણી વાર કાવ્યમાંથી કોઈ સંચારી ભાવ કે એક કરતાં વધુ ભાવો પણ વ્યંજિત થતા હોય છે. એમને આપણે ‘ભાવધ્વનિ’ ‘ભાવશબલતા’ આદિ સંજ્ઞાઓ આપેલી છે. (જુઓ. પૃ.૬૭-૬૮) આ બધાંનો ધ્વનિના આ ત્રીજા પ્રકારમાં જ સમાવેશ કરવામાં આવે છે અને તેથી એને ઘણી વાર ‘રસધ્વનિ’ને બદલે ‘રસાદિધ્વનિ’ પણ કહેવામાં આવે છે. આ રસધ્વનિ કે રસાદિધ્વનિ વસ્તુધ્વનિ અને અલંકારધ્વનિથી જુદો પડી આવે છે એ સ્પષ્ટ છે. વસ્તુ કે અલંકારધ્વનિને આપણે શબ્દોમાં મૂકી શકતા હતા - ‘તારા અધરનું પાન કરવાની મારી અભિલાષા છે’, ‘તારું મુખ ચંદ્ર જેવું છે’ વગેરે. પણ રસધ્વનિને એ રીતે શબ્દમાં નહિ મૂકી શકાય. ‘યૌવન સાહસિક છે’ કે ‘તારા પ્રત્યે મને ખૂબ પ્રેમ છે’ એવા વાક્યોમાં, આપણે લીધેલાં ઉદાહરણોમાંથી આપણને સાહસ કે પ્રેમભાવનો જે સાક્ષાત્કાર થાય છે તેને સમાવી શકાશે નહિ. એ તો કાવ્યની સામગ્રીમાંથી - વિભાવાનુભાવાદિમાંથી સ્ફુરી રહે છે. માત્ર ‘શૃંગાર’ શબ્દ બોલવાથી શૃંગારની અનુભૂતિ થતી નથી; અને વિભાવાદિનું નિરૂપણ હોય તો, ‘શૃંગાર’ શબ્દ ન હોય તોયે શૃંગારની અનુભૂતિ થાય છે. આ રીતે વસ્તુધ્વનિ અને અલંકારધ્વનિ શબ્દવ્યાપારના સીધા વિષય બની શકે છે, વાચ્યતાને સહી શકે છે; જ્યારે રસધ્વનિ કેવળ કાવ્યવ્યાપારથી જ સંવેદ્ય બને છે અને એ વાચ્યતાને સહી શકતો નથી. આથી જ વસ્તુધ્વનિ અને અલંકારધ્વનિને લૌકિક ધ્વનિ કહેવામાં આવે છે, જ્યારે રસધ્વનિને અલૌકિક ધ્વનિ કહેવામાં આવે છે. તો હવે આપણે ધ્વનિનું વર્ગીકરણ આ રીતે દર્શાવી શકીએ: છેલ્લે એક વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. આનંદવર્ધન અને અભિનવગુપ્તના મતે, અંતે તો, કાવ્યમાં રસધ્વનિ જ મુખ્ય છે, આત્મારૂપ છે. આનંદવર્ધન વારંવાર કહે છે કે રસાદિમય ધ્વનિને માટે કવિએ મથવાનું છે. વસ્તુ અને અલંકારધ્વનિનું પણ પર્યવસાન રસધ્વનિમાં થતું હોય છે અને એ રીતે જ એમનું મૂલ્ય છે. ‘गच्छ गच्छ’ વાળો શ્લોક જુઓ. એમાંથી ‘તું જઈશ તો હું મૃત્યુ પામીશ’ એવો વિચાર વ્યંજિત થાય છે, પણ એ વિચારમાંથીયે એના વિરહપ્રેમનું ઉત્કટ સંવેદન આપણી સમક્ષ સ્ફુરી રહે છે. આ રસધ્વનિ છે. ‘लावण्यकान्ति’ વાળા શ્લોકમાં પણ ‘તારું મુખ ચંદ્ર જેવું છે’ એવા વ્યંગ્યાર્થ આગળ સમાપ્તિ નથી થતી, નાયકના સૌંદર્યાનુરાગનું એ ચિત્ર બની જાય છે, જે રસધ્વનિ છે. એક વ્યંગ્યાર્થમાંથી બીજો વ્યંગ્યાર્થ અને એમાંથી ત્રીજો સ્ફુરી શકે છે એ તો આપણે જાણીએ છીએ. તો પછી વસ્તુ અને અલંકારધ્વનિ રસધ્વનિમાં પર્યવસાન પામે અને આપણે કાવ્યમાંથી કોઈ સંવેદનનો સાક્ષાત્કાર અનુભવી રહીએ એ જ કાવ્યવ્યાપારનું સાચું પૃથક્કરણ જણાય છે.


  1. ૧. હે તરલ અને દીર્ધ લોચનવાળી સ્ત્રી ! દિશાઓને લાવણ્યની કાંતિથી ભરી દેતા તારા આ ઉજ્જવળ મુખને જોઈને આ સમુદ્ર જરાયે ઊછળતો નથી, તેથી એ કેવળ પાણીનો ઢગલો જ છે એવું સ્પષ્ટ દેખાઈ આવે છે એમ હું માનું છું.