ભારતીય કાવ્યસિદ્ધાંત/ધ્વનિનું સ્વરૂપ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ધ્વનિનું સ્વરૂપ :

આનંદવર્ધન (અને એમના ટીકાકાર અભિનવગુપ્ત) ધ્વનિનું સ્વરૂપ આ પ્રમાણે સમજાવે છે : કાવ્યમાં બે મુખ્ય તત્ત્વો છે—શબ્દ અને અર્થ. તેમાંથી શબ્દ કાવ્યના શરીરના સ્થાને છે. શરીરના સ્થૂલતા, કૃશતા આદિ ધર્મો જેમ બધા લોકો પામી શકે છે તેમ શબ્દના પણ એવા ધર્મો છે (જેમ કે વર્ણમાધુર્ય આદિ) જેનું સંવેદન બધા લોકોને થાય છે. પરંતુ અર્થની વાત જુદી છે. અર્થ કાવ્યના આત્માને સ્થાને છે અને એની ચારુતાને સહૃદયો જ પામી શકે છે, એટલું જ નહિ સહૃદયોની પ્રીતિ કાવ્ય ઉપર હોય છે તે આ અર્થતત્ત્વને કારણે જ હોય છે. હવે આ અર્થના પણ બે ભેદો કે અંશો છે - વાચ્ય અને પ્રતીયમાન કે વ્યંગ્ય. તેમાંથી વાચ્ય અર્થ તો પ્રસિદ્ધ છે, ઉપમાદિ અલંકારોરૂપે એનું વિવરણ થયેલું પણ છે. પરંતુ પ્રતીયમાન અર્થ તો જુદી જ વસ્તુ છે અને મહાકવિઓની વાણીમાં જ એ હોય છે. અર્થ કાવ્યના આત્મારૂપે ભાસે છે અને સહૃદયોને પ્રિય થઈ પડે છે તે આ પ્રતીયમાન અંશને લીધે. એટલે ખરેખર તો આ પ્રતીયમાન અર્થ એટલે કે ધ્વનિ જ કાવ્યનો આત્મા છે. આ પ્રતીયમાન અર્થ કે ધ્વનિ વાચ્યથી કે વાચ્યની શોભા(અલંકારાદિ)થી કેવી રીતે જુદો પડે છે તે આનંદવર્ધન એની પ્રસિદ્ધ કારિકામાં વર્ણવે છે :

प्रतीयमानं पुनरन्यदेव वस्त्वस्ति वाणीसु महाकवीनाम् ।
यत्तत्प्रसिद्घावयवातिरिक्तं विभाति लावण्यमिवाङ्गनासु ।।

અંગનાના લાવણ્યની વાત લો. એ શી ચીજ છે? અવયવોમાં કશી ખામી ન હોય, એને અલંકૃત કરવામાં આવ્યાં હોય તેથી લાવણ્યની પ્રતીતિ શું થશે જ? ઘણી વાર એવું બનતું નથી, કારણ કે લાવણ્ય અવયવોની ગોઠવણીમાંથી સ્ફુરતું હોવા છતાંયે અવયવોના સૌંદર્યથી જુદી વસ્તુ છે. વાચ્યાર્થ અલંકૃત અવયવસંસ્થાનને સ્થાને છે. પ્રતીયમાન અર્થ એમાંથી સ્ફુરે છે છતાં એનાથી અલગ છે, એનાથી પર છે. (૨૦) ઘણી વાર એવું બને છે કે કાવ્યમાં અલંકારો હોય, ગુણ હોય છતાં કાવ્યત્વનો ભાસ થતો નથી. ‘अद्रावत्र’ વાળો શ્લોક૧ જુઓ. એમાં ઓજસયુક્ત પદાવલિ છે જ ને? છતાં એના કાવ્યત્વ નથી એમ આપણે કહીએ છીએ, કારણ કે એ પદાવલિથી વિશેષ કંઈ સધાતું નથી. નીચેનું એક ઉદાહરણ પણ જુઓ :

હીનને ગણતા હેય, ધ્યેયના ધ્યાનમાં સદા
સાધનારત શ્રેયાર્થે રાખજે દિનરાત, મા !
વીરતા વીજ-વેગીલી ધીરગંભીરતા ભરી,
સતને સમરે સ્વાત્માર્પણે સ્વર્ધંત શંકરી.

અહીં શબ્દાલંકાર પણ છે અને અર્થાલંકાર પણ છે. છતાં આ પંક્તિઓમાંથી કોઈ સરસ કાવ્યનો આસ્વાદ આવતો નથી. કેમ? કારણ એ જ કે આ શબ્દાલંકાર અને અર્થાલંકારમાંથી કશું ખાસ વિશેષ નીપજતું નથી. શબ્દાલંકાર અને અર્થાલંકારની શોભા આપણને ખાસ કશે આગળ લઈ જતી નથી. કશી ભાવવ્યંજના એમાં હોય તોયે શબ્દોના ખખડાટમાં અને રૂપની છટામાં એ દબાયેલી રહે છે. શબ્દાલંકાર અને અર્થાલંકાર પોતે જ ધ્યાન ખેંચે છે. આથી ઊલટું, કાન્તનું ‘સાગર અને શશી’ કાવ્ય લો. એમાં પણ વર્ણસગાઈ અને ઉપમા-રૂપકાદિ અલંકારો છે. પણ એ બધું એક વિશિષ્ટ ભાવદશાનો આપણને કેવો મનોરમ અને માર્મિક સાક્ષાત્કાર કરાવી રહે છે ! આપણે એ શબ્દાલંકારો અને અર્થાલંકારોની શોભામાં જ બંધાયેલા રહેતા નથી. એ દ્વારા આપણે કાવ્યના ‘લાવણ્ય’ સુધી પહોંચીએ છીએ. આનો અર્થ એ કે શબ્દાર્થોને કેવળ શણગારી દેવાથી કાવ્ય બનતું નથી. શબ્દાર્થોના એ શણગારથી અતિરિક્ત એવું કોઈક તત્ત્વ - જે આપણા હૃદયને ભરી દે - તેની અપેક્ષા રહે છે. આ તત્ત્વ તે જ પ્રતીયમાન અર્થ અથવા ધ્વનિ. કાવ્યની સર્વ સામગ્રી જેને અર્થે પ્રયોજાયેલી હોય તે ધ્વનિ. ધ્વનિસિદ્ધાંત, આમ, કાવ્યના અંતિમ તત્ત્વ - મૂલ તત્ત્વ સુધી જાય છે અને તેથી એ કાવ્યનો એક પાયાનો અને સર્વાશ્લેષી સિદ્ધાંત તથા કાવ્યની સાચી કસોટી બની રહે છે. ધ્વનિ વાચ્યાર્થમાંથી સ્ફુરે છે છતાં એનાથી ભિન્ન છે એટલું જ નહિ પણ કાવ્યમાં આપણું ચિત્ત ધ્વનિનો જ સાક્ષાત્કાર કરે છે, વાચ્યાર્થનું આપણને ભાન રહેતું નથી; જેવી રીતે કોઈ વાક્ય વાંચીએ ત્યારે અલગ અલગ શબ્દાર્થોનું ભાન આપણને રહેતું નથી અને અખંડ વાક્યાર્થ જ આપણા ચિતમાં સ્ફુરી રહે છે તેમ. આથી જ આનંદવર્ધન ‘ધ્વનિકાવ્ય’ની વ્યાખ્યા એ રીતે આપે છે કે ‘જ્યાં શબ્દ અને અર્થ પ્રતીયમાન અર્થને ખાતર પોતાની જાતને ગૌણ બનાવી દે અને કાવ્યનો એક વિશેષ પ્રકાર સર્જે, ત્યાં એ કાવ્યવિશેષને વિદ્વાનો ‘ધ્વનિ’ એવું નામ આપે છે.’૧[1] આ ધ્વનિ કાવ્યમાં આવે છે ક્યાંથી? સર્જાય છે કેવી રીતે? – એવો પ્રશ્ન પણ પૂછી શકાય. તો આનંદવર્ધન કહે છે કે મહાકવિઓની વાણીમાંથી આવો રમણીય પ્રતીયમાન અર્થ નિષ્પન્ન થાય છે અને તે તેમની અસાધારણ વિશિષ્ટ પ્રતિભાની સ્ફુરણા દર્શાવે છે. એટલે કે કાવ્યમાં ધ્વનિતત્ત્વ આવે છે તે પ્રતિભાથી આવે છે. એ જ રીતે એ ધ્વનિતત્ત્વને ઝીલવા માટે પણ વિશેષ સજ્જતા જોઈએ. જેમને માત્ર શબ્દાર્થનું જ્ઞાન છે તેઓ ધ્વનિને પામી શકતા નથી. કાવ્યના મર્મજ્ઞો જ એનું સંવેદન કરી શકે છે. એટલે કે ધ્વનિનો આસ્વાદ લેવા માટે પણ પ્રતિભા-ભાવયિત્રી પ્રતિભા-જોઈએ. તેથી જ તો, અભિનવગુપ્ત ધ્વનિવ્યાપારની કેવી વ્યાખ્યા કરે છે તે જુઓ : ‘ત્રણ શક્તિ (અભિધા, તાત્પર્ય, લક્ષણા)થી થયેલો અર્થબોધ જેના મૂળમાં છે, એ અર્થોના પ્રતિભાસોથી જે પવિત્ર થયેલ છે અને જેને ભાવકની પ્રતિભાની સહાય મળેલી છે એવી દ્યોતનશક્તિ તે ધ્વનનવ્યાપાર.’૧[2] આથી આગળ વધીને એ એમ પણ કહે છે કે ‘કવિ અને ભાવકની પ્રતિભાથી પ્રાણિત થયેલો વ્યાપાર તે ધ્વનનવ્યાપાર.’૨[3] આનંદવર્ધનને અંગનાના લાવણ્ય સાથે સરખાવીને ધ્વનિ વિષે જે કહેલું તે તો ધ્વનિનું એક વર્ણન હતું; ધ્વનિની વધારે સાચી વ્યાખ્યા આ લાગે છે.


  1. ૧. यत्रार्थः शब्द वा तमर्थमुपसर्जनीकृतस्वार्थो ।
    व्यङ्क्तः काव्यविशेषः स ध्वनिरिति सूरिभिः कथितः ।।
  2. ૧. तच्छक्तित्रयोपजनितार्थावगममूलजाततत्प्रतिभातपवित्रितप्रतिपत्तृप्रतिभासहायार्थद्योतनशक्तिर्ध्वननव्यापारः ।
  3. ૨. वक्तृप्रतिपत्तृप्रतिभाप्राणितो ध्वननव्यापारः ।।