ભારતીય કાવ્યસિદ્ધાંત/ભટ્ટ નાયકનો મત
ભટ્ટ નાયક આગળના બંને મતોનો વિરોધ કરે છે, તેમ આલંકારિકોના અભિવ્યંજનાવાદનો પણ અસ્વીકાર કરે છે. એ કહે છે કે રસ સામાજિકમાં, તટસ્ય રામાદિ મૂળ પાત્રોમાં કે નટમાં પ્રતીત થતો નથી, ઉત્પન્ન થતો નથી તેમ અભિવ્યક્ત પણ થતો નથી. કાવ્ય અને નાટ્યમાં અભિધાથી ભિન્ન એવો એક ભાવકત્વવ્યાપાર પ્રવર્તે છે. આ ભાવકત્વવ્યાપારને લીધે વિભાવાદિનું સાધારણીકરણ થાય છે, અને સ્થાયી ભાવ પણ ભાવ્યમાન બને છે. આ ભાવકત્વવ્યાપાર પછી ભોજકત્વ કે ભોગવ્યાપાર પ્રવર્તે છે, જેના પરિણામે ચિત્ર સમક્ષ ઉપસ્થિત થયેલ આ સ્થાયી ભોગવાય છે કે આસ્વાદાય છે. આ ભોગવ્યાપારનું સ્વરૂપ સમજાવતાં ભટ્ટ નાયક લખે છે કે સત્ત્વગુણના ઉદ્રેકને કારણે પ્રકાશમય એટલે કે જ્ઞાનમય અને આનંદમય બનેલું સંવિત્ જેમાં વિશ્રાન્તિ પામે છે એવા, પરબ્રહ્માસ્વાદ સમાન એ ભોગવ્યાપાર છે. (૧૩) ૧. શબ્દાર્થનો પ્રકાશ કરતી શક્તિને અભિધાશક્તિ કહે છે. ભટ્ટ નાયક કાવ્ય અને નાટ્યમાં આ અભિધાશક્તિ ઉપરાંત એક ભાવકત્વશક્તિ પણ સ્વીકારે છે, જેને કારણે વિભાવાદિ અને સ્થાયી સામાજિકના ચિત્ત સમક્ષ સર્વ વ્યક્તિગત સંબંધોથી મુક્ત એવા કેવળ ભાવનામય સર્વસાધારણ સ્વરૂપે ઉપસ્થિત થાય છે. કાવ્ય દોષમુક્ત અને ગુણાલંકારયુક્ત હોય છે અને નાટ્યમાં ચતુર્વિધ અભિનય હોય છે. કાવ્યનાટ્યની આ વિશિષ્ટતામાંથી ભાવકત્વવ્યાપાર જન્મે છે, જે વિભાવાદિને દેશકાળ આદિના અવચ્છેદોથી મુક્ત અને કેવળ સાધારણ સ્વરૂપે આપણા ચિત્ત સમક્ષ ઉપસ્થિત કરે છે અને સ્થાયીને આપણી ભાવનાનો વિષય બનાવે છે. શ્રી શંકુકે કાવ્યબળ અને અભિનયકૌશલને કારણે નટમાં સ્થાયીનું અનુમાન થતું બતાવેલું; જ્યારે ભટ્ટ નાયક એ જ કારણે ભાવકત્વ વ્યાપાર પ્રવર્તતો કલ્પે છે. ભટ્ટ નાયકના મતે સામાજિક જો તટસ્થ હોય, એટલે કે સ્થાયી ભાવ મૂળ પાત્રમાં કે નટમાં ઉત્પન્ન થતો હોય, તો એ અનુભવ સામાજિકને આનંદરૂપ ન બની શકે; વળી જો સ્થાયી આત્મગત છે એમ કહેવામાં આવે તો શોકનો ભાવ આનંદદાયક કેમ બને એ સમજાવવું મુશ્કેલ પડે. આથી ભટ્ટ નાયકે સ્થાયી ભાવના સાધા-રણ્ય, એટલે કે સાધારણ સ્વરૂપ ઉપર જ ભાર મૂક્યો. જે સ્થાયીની ભાવના (કે કલ્પના) સામાજિકને થાય છે તે નથી મૂળ પાત્રનો હોતો, નથી નટનો હોતો કે નથી એનો પોતાનો હોતો, એ તો ભાવકવ્યાપારના કારણે વિભાવાદિનું સાધારણીકરણ થતાં આપોઆપ ભાવનાગત બને છે. એટલે એક રીતે જોઈએ તો સ્થાયી ભાવ અને વિભાવાદિ વચ્ચે, ભટ્ટ નાયકના મતે, ભાવ્યભાવક-સંબંધ ગણાય. ૨. પણ ભટ્ટ નાયકના મતે સ્થાયીની માત્ર ભાવના એ રસ નથી, ભાવનાગત થયેલા સ્થાયીનો ભોગ કે આસ્વાદ એ રસ છે. એ માટે એ ભોગ કે ભોજકત્વ એવો જુદો વ્યાપાર સ્વીકારે છે. સત્ત્વ ગુણના ઉદ્રેકથી આત્મચૈતન્યને આવરી લેતી ‘અવિદ્યા’ કે ‘મળ’ દૂર થતાં, પ્રકાશ અને આનંદમય સ્થિતિ પ્રાપ્ત કરી, આત્મચૈતન્ય અપરિમિત સ્વરૂપાનંદનો આસ્વાદ લે છે તે પ્રકારનો ‘આ ભોગવ્યાપાર છે. આ ભોગવ્યાપારના પરિણામે સામાજિકની અહંબુદ્ધિ અપરિમિત પ્રમાતૃભાવમાં – સર્વ સહૃદયોનાં હૃદય સાથે અનુસંધાન સાધતી રસાનુભવની શક્તિમાં–પરિવર્તિત થતાં તે ભાવનાગત થયેલા સ્થાયીનો આસ્વાદ લે છે. ભોગવ્યાપારના સ્વીકારના કારણે ભટ્ટ નાયકના મતને ‘ભુક્તિવાદ’ કહે છે. ૩. એટલે ભટ્ટ નાયકના મતે ‘રસ પ્રતીત થાય છે, ઉત્પન્ન થાય છે, અભિવ્યક્ત થાય છે’ એવી લૌકિક પરિભાષા રસનિષ્પત્તિનું સ્વરૂપ સમજાવવા માટે યોગ્ય નથી. રસ પ્રતીત નથી થતો, ઉત્પન્ન નથી થતો એ તો બરાબર, પણ ભટ્ટ નાયક રસની અભિવ્યકિતનો પણ અસ્વીકાર કરે છે, કેમ કે જે પહેલાં હોય તે જ અભિવ્યક્ત થાય. રસ પહેલેથી જ હોતો નથી. તો પછી તેની અભિવ્યક્તિ થાય છે એમ કેમ કહી શકાય? એટલા માટે, એ કહે છે કે, રસાનુભૂતિનાં બે સોપાન સ્વીકારવા જોઈએ: ભાવના અને ભોગ. ૪. ભટ્ટ નાયકના મતમાં એકબે નબળા અંશો રહી જાય છે. એક તો ભાવકત્વ અને ભોજકત્વ એવા બે ભિન્ન વ્યાપારો સ્વીકારવાથી રસાનુભૂતિમાં જે પૌર્વાપર્ય આવે છે તે બહુ ઈષ્ટ નથી જણાતું; અને બીજું, સ્થાયી ને ભાવનાગત કરવાના અને એને ભોગવવાના બે ક્રમમાંથી એકે ક્રમે ભટ્ટ નાયક સામાજિકની વાસનાનો સ્વીકાર નથી કરતા. તો વાસના વિના રસાનુભવ શક્ય છે ખરો?