ભારતીય કાવ્યસિદ્ધાંત/શ્રી શંકુકનો મત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨. શ્રી. શંકુક : અનુમિતિવાદ : નૈયાયિકોનો મત :

શ્રી. શંકુકનો મત ભટ્ટ લોલ્લટના મતની કેટલીક ક્ષતિઓ દૂર કરે છે, છતાં રસપ્રક્રિયાનો સંપૂર્ણ યોગ્ય ખુલાસો તેમાથી મળતો નથી, શ્રી. શંકુકના મત પ્રમાણે નટમાં રામાદિ અનુકાર્યની આપણને પ્રતીતિ થાય છે તે વાસ્તવિક જગતમાં થતી પ્રતીતિથી ભિન્ન છે. વાસ્તવિક જગતમાં આપણને કાં તો સમ્યક્ પ્રતીતિ થાય છે - જેમ કે ‘આ રામ જ છે’ કે ‘આ જ રામ છે’ અથવા મિથ્યા પ્રતીતિ થાય છે જેમ કે પહેલાં આપણે જેને રામ માનેલ હોય, તે રામ નથી એવી પાછળથી ખાતરી થાય; અથવા મિથ્યા પ્રતીતિ થાય છે જેમ કે પહેલાં આપણે જેને રામ માનેલ હોય, તે રામ નથી એવી પાછળથી ખાતરી થાય, અથવા સંશયપ્રતીતિ થાય છે – જેમ કે આ રામ હશે કે નહિ, અથવા સાદૃશ્યપ્રતીતિ થાય – જેમ કે ‘આ રામ જેવો છે.’ પણ નટમાં આપણને રામની પ્રતીતિ થાય છે તે ઉપરની ચારે પ્રતીતિઓથી ભિન્ન છે, ચિત્રમાં દોરેલ ઘોડામાં આપણે ઘોડાની પ્રતીતિ સ્વીકારીએ છીએ એ જ ન્યાયે નટમાં રામની પ્રતીતિ આપણને થાય છે. ચિત્રમાં દોરેલ ઘોડાને આપણે ‘આ ઘોડો જ છે’ એમ કહેતા નથી, એટલે ‘આ ઘોડો નથી’ એવું જ્ઞાન પાછળથી થવાનું કોઈ કારણ નથી. ‘આ ઘોડો છે કે નહિ’ એવો એના વિશે આપણને સંશય થતો નથી, તેમ ‘આ ઘોડા જેવું પ્રાણી છે’ એમ પણ આપણે કહેતા નથી. ટૂંકમાં, કથાની આ વિશિષ્ટ પ્રતીતિ છે. હવે, શ્રી શંકુક કહે છે કે વિભાવાદિ શબ્દથી ઓળખવામાં આવતાં કાર્ય, કારણ અને સહકારી નટ દ્વારા પ્રકાશિત થાય છે; એ છે તો કૃત્રિમ, પણ કાવ્યાનુસંધાનના બળે તેમજ શિક્ષા અને અભ્યાસથી થતા એના અભિનયને લીધે તે કૃત્રિમ લાગતાં નથી. હવે સ્થાયી ભાવ અને વિભાવાદિનો જે સંયોગ થાય છે તે ગમ્યગમકરૂપે થાય છે; એટલે કે વિભાવાદિને કારણે સ્થાયિત્વના ગુણવાળા સ્થાયી ભાવનું આપણે નટમાં અનુમાન કરીએ છીએ. આમ, રત્યાદિ ભાવ અનુમીયમાન - અનુમેય – છે, પણ વસ્તુસૌન્દર્યને બળે રસનીય બનવાને લીધે બીજા લૌકિક અનુમેય પદાર્થોથી એ વિલક્ષણ છે. આ રત્યાદિ ભાવ નટમાં હોતા નથી. છતાં નટમાં તેનું અનુમાન કરવામાં આવે છે અને ભાવકની વાસનાને લીધે એ ચર્વ્યમાણ થતાં રસરૂપે પરિણમે છે. (૧૨) ૧. રત્યાદિ ભાવ પ્રધાનપણે મૂળ પાત્રોમાં હોય છે, અને નટમાં હોય છે કે નહિ એના વિવાદમાં ઊતર્યા વગર, નટમાં એ પ્રતીત તો થાય છે. એમ ભટ્ટ લોલ્લટે કહેલું. શ્રી શંકુક સ્પષ્ટ રીતે કહે છે કે નટમાં રત્યાદિ ભાવ હોતા નથી, એટલું જ નહિ પણ નટ દ્વારા પ્રકાશિત થતા વિભાવાદિ પણ કૃત્રિમ હોય છે. ભટ્ટ લોલ્લટે રામાદિ મૂળ પાત્રની આપણને નટમાં પ્રતીતિ થાય છે તેમાં તદ્રૂપાનુસંધાનને કારણરૂપ ગણેલું. શ્રી શંકુક વિભાવાદિ કૃત્રિમ નથી લાગતા અને નટમાં રત્યાદિ ભાવની પ્રતીતિ થાય છે તેમાં માત્ર અભિનવકૌશલને નહિ, કાવ્યબળને પણ કારણભૂત ગણે છે. વળી ‘ચિત્રતુરગન્યાય’ને આગળ ધરી, એ કલાપ્રતીતિ બધી તાર્કિક પ્રતીતિઓથી વિલક્ષણ છે એમ સૂચવે છે. અંગ્રેજીમાં જેને willing suspension of disbelief કહે છે તે જ ‘ચિત્રનુરગન્યાય’ અને કલાપ્રતીતિના મૂળમાં રહેલો સિદ્ધાંત જણાય છે. ૨. શ્રી શંકુક ભટ્ટ લોલ્લટની જેમ વિભાવાદિને કારણ, કાર્ય અને સહકારી કહે છે; પણ ત્યાં તેમનો ઉદ્દેશ વિભાવાદિને લૌકિક વ્યવહારની સંજ્ઞાઓથી ઓળખાવવા ઉપરાંત બીજો કંઈ હોય એમ લાગતું નથી; કારણ કે તેઓ સ્થાયી ભાવ અને વિભાવાદિ (માત્ર વિભાવો નહિ, વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવ) વચ્ચે ગમ્યગમક-સંબંધ કલ્પે છે. ભટ્ટ લોલ્લટે સ્થાયી ભાવ અને વિભાવો વચ્ચે જન્યજનક-સંબંધ, સ્થાયી ભાવ અને અનુભાવો વચ્ચે ગમ્યગમક-સંબંધ અને સ્થાયી ભાવ અને વ્યભિચારી ભાવ વચ્ચે પોષ્યપોષક-સંબંધ કલ્પેલો. હવે, સ્થાયી ભાવ અને અનુભાવો વચ્ચે ગમ્યગમક-સંબંધ માનવામાં એક રીતે કશું ખોટું નથી, માણસ મોટે અવાજે બોલતો હોય, એની આંખો લાલ થઈ હોય ને શરીર ધ્રૂજતું હોય, તો આપણે સહેજે અનુમાન કરીએ કે એ ગુસ્સે થયો છે. આમ, અનુભાવો પરથી સ્થાયી ભાવનું અનુમાન કરી શકાય; પણ શ્રી. શંકુક માત્ર અનુભાવો પરથી નટના ભાવનું અનુમાન થાય છે એમ નથી કહેતા; એ તો વિભાવાદિ સમગ્ર કાવ્યસામગ્રીને એમાં હેતુભૂત ગણે છે. દુષ્યન્ત સામે ઊભો હોય ત્યારે શંકુતલા આંખો ઢાળી દે, તીરછી નજરે જુએ અને જતાં જતાં કાંટાને બહાને થંભે તથા લજ્જા, ઔત્સુકય આદિ ભાવો પ્રગટ કરે, તો તેનામાં રતિભાવનું અનુમાન કરવું અત્યંત સ્વાભાવિક બની રહે. ખાસ નોંધવા જેવું એ છે કે શ્રી શંકુક આ અનુમાનવ્યાપારને શુદ્ધ તાર્કિક અનુમાનવ્યાપાર – કોઈ બૌદ્ધિક પ્રક્રિયા – નથી ગણતા. કાવ્ય સામગ્રી સૌન્દર્યસભર હોય છે અને જેનું અનુમાન કરવાનું છે તે રત્યાદિ ભાવ રસનીય બનવાનો છે, એટલે એ અનુમેય બીજા અનુમીયમાન કરતાં વિલક્ષણ છે. આ અનુમાનવ્યાપારના સ્વીકારને કારણે શ્રી. શંકુકના આ મતને કેટલીક વાર ‘અનુમિતિવાદ’ કહે છે. ૩. ભટ્ટ લોલ્લટ કરતાં શ્રી શંકુક આગળ વધે છે તે એ બાબતમાં કે રસાસ્વાદને એ માત્ર પ્રતીતિવ્યાપાર નથી ગણતા, ચર્વણાવ્યાપાર પણ ગણે છે અને એમાં સામાજિકની વાસનાને નિમિત્તભૂત પણ ગણે છે. છતાં શ્રી શંકુકની વિચારણામાં એક દોષ રહી જાય છે. સામાજિક, ભલે પોતાની વાસનાને કારણે પણ, નટગત સ્થાયી આસ્વાદે છે એવો તેમનો અભિપ્રાય જણાય છે.