ભારતીય કાવ્યસિદ્ધાંત/(૨૨) અલંકારની અસ્ફુટતા
સ્ફુટ અલંકાર ન હોય તોયે કાવ્યત્વને હાનિ થતી નથી તેના ઉદાહરણ તરીકે મમ્મટ નીચેનો શ્લોક આપે છે :
यः कौमारहरः स एव हि बरस्ता एव चैत्रक्षपास्ते
चोन्मीलितमालतीसुरभयः प्रौढाः कदम्बानिलाः ।
सा चैवास्मि तथापि तत्र सुरतव्यापारलीलाविधौ
रेवारोधसि वेतसीतरुतले चेतो समृत्कण्ठते ।।
[જે કૌમાર્યનો હરનાર હતો તે જ વર છે; તેની તે જ ચૈત્રની રાત્રિઓ છે; ઊઘડેલાં માલતીનાં ફૂલોથી સુગંધિત બનેલા એના એ જ કદંબના પ્રૌઢ વાયુ છે; હું પણ એની એ જ છું; છતાં ત્યાં રેવાકાંઠે વેતસીના વૃક્ષ નીચે સુરતવ્યાપારની લીલા રમવા ચિત્ત ઉત્કંઠિત બને છે.] આ અંગે મમ્મટ કહે છે કે અહીં કોઈ સ્ફુટ અલંકાર નથી; શૃંગારરસ પ્રધાન હોવાથી રસવદ્ અલંકાર છે એમ પણ નહિ કહી શકાય. અહીં સ્ફુટ નહિ તો અસ્ફુટ કોઈ અલંકાર છે કે નહિ, અને હોય તો કયો તે મમ્મટે બતાવ્યું નથી. પણ આ શ્લોકમાં વિભાવના અથવા વિશેષોક્તિ અલંકાર જોઈ શકાય તેમ છે. કારણનો અભાવ હોવા છતાં કાર્ય બનતું હોય ત્યારે વિભાવના અને કારણ હોવા છતાં કાર્યનો અભાવ હોય ત્યારે વિશેષોક્તિ અલંકાર ગણાય. અહીં પ્રિયતમ વગેરે એના એ જ છે, સુરતવ્યાપાર માટેની ઉત્કંઠા જળવાઈ રહે એવી કોઈ નવીનતા નથી, કારણનો અભાવ છે, છતાં કાર્ય બને છે — ચિત્ત ઉત્કંઠિત બને છે. આમ, અહીં વિભાવના અલંકાર છે. બીજી રીતે જોઈએ તો પ્રિયતમ વગેરે એના એ જ છે, જેનું સ્વાભાવિક પરિણામ ચિત્તની સુરતવ્યાપાર માટેની અનુત્કંઠામાં આવે, પણ અહીં કારણ હોવા છતાં એ પરિણામ આવતું નથી. ચિત્ત તો ઉત્કંઠિત જ રહે છે એટલે અહીં વિશેષોક્તિ અલંકાર પણ ગણી શકાય. હવે પ્રશ્ન એ છે કે અહીં અલંકાર અસ્ફુટ છે કે કેમ? સામાન્ય રીતે કારણનો અભાવ કે કાર્યનો અભાવ નિષેધાત્મક સંજ્ઞાથી દર્શાવવામાં આવતો હોય છે. જેમ કે, ‘પ્રિયતમ વગરે નવીન ન હોવા છતાં ચિત્ત સુરતવ્યાપાર માટે ઉત્કંઠિત બને છે’ અથવા ‘પ્રિયતમ વગેરે એના એ જ હોવા છતાં ચિત્ત સુરતવ્યાપાર માટે અનુત્કંઠિત બનતું નથી’ એ રીતે આ કાવ્ય વસ્તુને રજૂ કરવામાં આવે તો વિભાવના કે વિશેષોક્તિ અલંકારનું એ રૂઢ રૂપ કહેવાય. હવે, પ્રસ્તુત શ્લોકમાં તો સીધી રીતે કારણ અથવા કાર્યનો અભાવ દર્શાવવાને બદલે એનાથી વિરુદ્ધ સ્થિતિનું વિધાન કરવામાં આવ્યું છે. આ કારણે મમ્મટે આ ઉદાહરણમાં અલંકાર અસ્ફુટ હોવાનું કહ્યું હોય, પણ ‘સાહિત્યદર્પણ’કાર વિશ્વનાથ તો વિભાવના અને વિશેષોક્તિના આ પ્રકારનાં રૂપોને પણ સ્ફુટ અલંકારો તરીકે જ માન્ય કરે છે.