ભારતીય કાવ્યસિદ્ધાંત/(૪) શુદ્ધા અને ગૌણી લક્ષણા
લક્ષણાના આ જાતના વર્ગીકરણ પરત્વે એક પ્રશ્ન ઊઠે તેમ છે. ગૌણી એટલે ગુણસાદૃશ્ય પર આધાર રાખતી, તે વ્યુત્પત્તિની વાત જવા દઈએ તો શુદ્ધા અને ગૌણી એ બે ભેદ પાડવાનું પ્રેરક કારણ કયું? એટલે કે એકમાત્ર સાદૃશ્યના સંબંધને એક બાજુ એક બીજા બધા સંબંધોને બીજી બાજુ મૂકવાનું કારણ શું? ગુણસાદૃશ્ય પરથી ‘ગૌણી’ શબ્દ બની શકે છે માટે જ જુદો વિભાગ કર્યો કે બીજો કોઈ મૂળભૂત સિદ્ધાંત એ વર્ગીકરણ પાછળ રહેલો છે? આનો જવાબ ભારતીય આલંકારિકો પાસેથી મળતો નથી. પણ આપણે આ બે મુખ્ય લક્ષણાભેદોનાં ઉદાહરણોને ધ્યાનમાં રાખીને વિચારીશું તો જણાશે કે સાદૃશ્યેતર સંબંધ એક જાતનો પ્રકૃતિગત સંબંધ છે, જ્યારે સાદૃશ્યનો સંબંધ એક રીતે આપણે ઊભો કરેલો હોય છે. ગંગા અને ગંગાતટ, દવા અને જીવન એમની પ્રકૃતિથી જ સંબંદ્ધ છે - આપણે એમની વચ્ચેના સંબંધને ઓળખીએ કે ન ઓળખીએ; જ્યારે અશ્વિન અને ગધેડો, મુખ અને ચંદ્ર, શત્રુ અને કાંટો એમની પ્રકૃતિથી સંબદ્ધ નથી — આપણે એમને સંબદ્ધ કરીએ છીએ, ગુણસાદૃશ્ય આરોપીને, આમ, એ પોતાની પ્રકૃતિથી નહિ, આપણી ઇચ્છાથી સંબંધ પામે છે. આપણે જેને શુદ્ધા લક્ષણા કહીએ છીએ તેની વ્યાખ્યા આપતાં કુમારિલ ભટ્ટ કહે છે : अभिधेयाविनाभूतप्रतीतिलक्षणोच्यते । એટલે કે વાચ્યાર્થની સાથે અવિનાભાવી સંબંધે જોડાયેલ અર્થની પ્રતીતિ થાય ત્યારે એ લક્ષણા (શુદ્ધ) ગણાય. મમ્મટ કહે છે કે અહીં અવિનાભાવ એટલે ‘એક નહિ તો બીજું નહિ’ એવો — ગાયવ્યક્તિ અને ગોત્વ વચ્ચે છે તેવો — નિયત સંબંધ નહિ, પણ કેવળ સંબંધ સમજવાનો છે. પણ મમ્મટની એ વાતમાં બહું તથ્ય નથી, કેમ કે શુદ્ધા લક્ષણામાં અવિનાભાવી સંબંધ નથી હોતો; એવો સંબંધ હોય તો અનુમાનથી અર્થપ્રાપ્તિ થાય. છતાં એને सम्बन्धमात्रं કહેવો એ પણ બરાબર નથી કારણ सम्बन्धमात्रं તો ગૌણી લક્ષણામાં પણ છે. એટલે અવિનાભાવી સંબંધને ‘પ્રકૃતિગત સંબંધ’ જેવા અર્થમાં સમજીએ તો આપણા ઉપરના વિવરણ સાથે એ સુસંગત બની રહે.