ભારતીય કાવ્યસિદ્ધાંત/(૫) ઉપાદાનલક્ષણા
આ લક્ષણાપ્રકારનાં મુકુલ ભટ્ટે આપેલાં બે ઉદાહરણોનું મમ્મટ ખંડન કરે છે. તેમાંથી ‘पीनो देवदत्तः दिवा न भुङ्क्ते ।’ એ ઉદાહરણની ચર્ચા કરવી જરૂરી છે. મુકુલ ભટ્ટ તથા પ્રો. ગજેન્દ્રગડકર આ વાક્યને ઉપાદાનલક્ષણાનું ઉદાહરણ આ રીતે માને છે : ‘દિવસે જમતો નથી’નો વાચ્યાર્થ દેવદત્તની જાડાઈ સાથે બંધબેસતો નથી માટે મુખ્યાર્થબાધ; ‘દિવસે અભોજન’ એ વાચ્યાર્થ અને ‘રાત્રિભોજન’ એ લક્ષ્યાર્થ વચ્ચે કાર્યકારણભાવ જેવો સંબંધ, આશ્ચર્યપ્રતીતિ એ પ્રયોજન; અને ‘રાત્રિભોજન’માં દિવસે અભોજન એ અર્થનો સમાવેશ. મમ્મટ આને લક્ષણાનું નહિ, ‘અર્થાપત્તિ’નું ઉદાહરણ માને છે. અર્થાપત્તિ પ્રમાણનો એક પ્રકાર છે. આપણા જ્ઞાનને આધારે કોઈ વસ્તુ (જેને ઉપપાદ્ય કહેવામાં આવે છે તેને) માટેના કારણ (ઉપપાદક)ની ધારણા કરીએ તે અર્થાપત્તિ કહેવાય. અહીં દેવદત્તની જાડાઈ ઉપપાદ્ય છે અને રાત્રિભોજનની ઉપપાદક તરીકે આપણે કલ્પના કરીએ છીએ, કારણ કે દિવસે તો દેવદત્ત ભોજન કરતો નથી. બીજી રીતે જોઈએ તો અહીં મુખ્યાર્થબાધ છે કે કેમ એ પ્રશ્ન જ વિચારવા જેવો છે. ‘જાડા હોવું’ અને ‘દિવસે ન ખાવું’ એ બે વચ્ચે કાંઈ વિરોધ છે ખરો? કારણ કે ખાવા માટેનો સમય દિવસ જ છે એમ નથી; આપણને સ્વાભાવિક રીતે જ અનુમાન થાય કે દેવદત્ત રાત્રે ખાતો હોવો જોઈએ. (અહીં કદાચ તાત્પર્યબાધ જોઈ શકાય— વક્તા માત્ર દિવસે અભોજન નહિ, રાત્રિભોજન પણ કહેવા માગે છે, એટલે એ દૃષ્ટિએ વાચ્યાર્થ અધૂરો નીવડે છે, જેમ ‘काकेभ्यो दधि रक्ष्यताम् ।’ વગેરેમાં.) તદ્યોગ પણ અહીં જે રીતે સ્થાપવામાં આવ્યો છે તે બરાબર નથી. ‘રાત્રિભોજન’ ખરી રીતે ‘દિવસે અભોજન’ના કારણરૂપ નથી, પણ દેવદત્તની જાડાઈના કારણરૂપ છે. એટલે પ્રો. સુકથંકર કહે છે તેમ ‘રાત્રિભોજન’ અને ‘દિવસે અભોજન’ વચ્ચે પર્યાયસંબંધ માનવો વધારે યુક્ત છે. બધી રીતે જોતાં ‘पीनो देवदत्तः दिवा न भुङ्क्ते ।’ લક્ષણાનું સારું ઉદાહરણ તો નથી જ.