ભારતીય કાવ્યસિદ્ધાંત/(૮) અભિધામૂલ વ્યંજના અને શ્લેષ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(૮) અભિધામૂલ વ્યંજના અને શ્લેષ : (પૃ.૩૭) :

અભિધામૂલ વ્યંજના અને શ્લેષ અલંકાર વચ્ચે જે ભેદ છે તે ધ્યાનમાં રાખવો જરૂરી છે. બંનેમાં અનેકાર્થ શબ્દો હોય છે, પણ અભિધામૂલ વ્યંજનામાં એનો એક અર્થ સંદર્ભ-આદિને કારણે વાચ્યાર્થ તરીકે નિશ્ચિત થાય છે અને બીજો અર્થ વ્યંગ્યાર્થ ગણાય છે. શ્લેષમાં કોઈ પણ એક અર્થમાં શબ્દના વાચકત્વને નિયંત્રિત કરનાર તત્ત્વની ગેરહાજરી હોય છે અને બંને અર્થો વાચ્યાર્થ તરીકે આપણને એકસાથે પ્રતીત થાય છે. દા.ત. ‘भद्रात्मनो’ એ શ્લોક મમ્મટે અભિધામૂલ વ્યંજનાના ઉદાહરણરૂપે આપ્યો છે. તેમાં શબ્દના વાચકત્વને એક અર્થમાં નિયંત્રિત કરનાર સંદર્ભ પ્રત્યે દુર્લક્ષ કરીએ – એ ઉક્તિ રાજા પ્રત્યેની છે, એ વાત વીસરી જઈએ – તો બંને અર્થો વાચ્યાર્થ ગણાય અને એ શ્લેષનું જ ઉદાહરણ બને. બીજું એક સાદું ઉદાહરણ લઈએ : ‘જતા ઘરની આશમાં, ધૂળ ઉડાડતા ડોલતા’ એ પંક્તિમાં ‘આશ’ શબ્દના બંને અર્થ – આશા અને દિશા – ને એકીસાથે વાચ્યાર્થ તરીકે કોઈ પણ સંદર્ભમાં સ્વીકારી શકાય. એટલે એ કેવળ શ્લેષનું દષ્ટાંત થયું. ત્યાં અભિધામૂલ વ્યંજના છે એમ નહિ કહી શકાય.