ભારતીય કાવ્યસિદ્ધાંત/(૯) સ્ફોટવાદ
કોઈ પણ શબ્દના અર્થનો બોધ આપણને કેવી રીતે થાય છે, એનો વિચાર કરતાં વૈયાકરણોએ સ્ફોટવાદની કલ્પના કરી. આપણે कमल શબ્દ ઉચ્ચારીએ છે, ત્યારે આપણને એક પ્રકારના ફૂલનો બોધ થાય છે; પણ તે કેવી રીતે? સામાન્ય રીતે આપણે એમ માનીએ છીએ કે ‘गौ:’ શબ્દ બોલતાં આપણને गકાર, औકાર અને વિસર્ગનો બોધ થાય છે અને એમાંથી ‘ગાય’ નામના પ્રાણીની પ્રતીતિ થાય છે. વૈયાકરણો એમ નથી માનતા. તેઓ કહે છે કે ग, औ અને વિસર્ગમાંથી અથવા તો क, म અને लમાંથી વ્યક્તિગત રીતે તો કશો અર્થ નીકળે જ નહિ. આપણે એમ માનીએ કે આ બધા વર્ણોના સંઘટનમાંથી અર્થબોધ થાય છે, તો તે પણ શક્ય નથી, કેમ કે વર્ણોનું અસ્તિત્વ ક્ષણિક જ છે, क વર્ણ આપણે ઉચ્ચારીએ છીએ અને તે વાતાવરણમાં વિલીન થઈ જાય છે. म વર્ણ ઉચ્ચારીએ છીએ અને તે પણ વાતાવરણમાં વિલીન થઈ જાય છે. એટલે બધા વર્ણો સાથે મળીને અર્થબોધ કરાવે એ શક્ય નથી. આપણે એમ માનીએ કે છેલ્લો અક્ષર આગલા અક્ષરોની આપણા ચિત્ત પર પડેલી છાપની મદદથી આપણને અર્થબોધ કરાવે છે, તો એના જવાબમાં વૈયાકરણો કહે છે કે આગલા વર્ણોની છાપ આપણે તાજી કરીએ, ત્યારે એ વર્ણો ઉચ્ચારતા એ જ ક્રમમાં યાદ આવે એવું કંઈ નથી. कमल શબ્દ આપણે બોલી ગયા. છેલ્લો વર્ણ ल, આગલા વર્ણો क અને मની છાપની મદદથી આપણને અર્થબોધ કરાવે છે. પણ क અને म ક્રમમાં लની સહાયે આવે એવું ખરું? આપણા જીવનમાં આપણે જોઈએ છીએ કે બનેલી ઘટનાઓ આપણને હંમેશાં એ જ ક્રમમાં યાદ આવતી હોતી નથી. એટલે कमलને બદલે આપણને मकलનો બોધ થાય એમ પણ બને અને એમાંથી તો કશો અર્થબોધ થઈ શકે તેમ નથી એ આપણે જાણીએ છીએ. આપણે કદાચ એમ કહીએ કે શબ્દના બધા જ અવયવોની એકીસાથે અભિવ્યક્તિ થાય છે, તો એ પણ બરાબર નથી, કારણ કે તો પછી ‘નદી’ અને ‘દીન’, ‘રસ’ અને ‘સર’ વચ્ચે કોઈ ભેદ રહેત જ નહિ. આથી વૈયાકરણો એક અખંડ અને શાશ્વત શબ્દ ‘સ્ફોટ’ની કલ્પના કરે છે. ભાષાના આપણા શબ્દો કે વર્ણો, આગળ જોયું તેમ, ક્ષણિક છે. પણ જ્યારે આપણે આ શબ્દો કે વર્ણો ઉચ્ચારીએ છીએ, ત્યારે એ શબ્દો કે વર્ણો ‘સ્ફોટ’ને પ્રગટ કરે છે અને આ ‘સ્ફોટ’ જ આપણને અર્થબોધ કરાવે છે. અલબત્ત, આ સ્ફોટ ‘અન્ત્યબુદ્ધિનિર્ગ્રાહ્ય’ છે. એટલે કે આગલા વર્ણોની છાપની મદદથી છેલ્લા વર્ણના ધ્વનિમાંથી પ્રગટ થાય છે. વૈયાકરણો કહે છે કે જ્યારે ધ્વનિપરંપરા કાનમાં પ્રવેશે છે, ત્યારે તેના તરંગો એક પછી એક આવીને નાશ પામતા જાય છે; તોપણ ધ્વનિપરંપરાનો છેવટનો અંશ જ્યારે કાનમાં પ્રવેશે છે, ત્યારે એક અખંડ શબ્દ (‘સ્ફોટ’) બોધ થાય છે. ઘંટ વાગે ત્યારે ઘંટનો શબ્દ પૂરો થઈ ગયા પછી પણ જેમ તેના અનુરણનરૂપી એક ધ્વનિ કાનમાં ગુંજ્યાં કરે છે, તેમ ધ્વનિના તરંગો નાશ પામ્યા પછી પણ એનું અનુરણન ચાલ્યા કરે છે અને એક અખંડ શબ્દની પ્રતીતિ થાય છે. આ શબ્દસ્ફોટ અખંડ હોવાથી એને ક્રમનું કોઈ બંધન નડતુ નથી. એ ‘ક્રમાતીત’ કે ‘સંહૃતક્રમ’ છે. એટલે વર્ણોનો ધ્વનિ એ જ ક્રમમાં કેવી રીતે જાગ્રત થાય એ પ્રશ્ન જ અહીં ઉદ્ભવતો નથી. વર્ણોનો ધ્વનિ કે વર્ણની છાપ ગમે તે ક્રમમાં પુનઃ જાગ્રત થાય, એથી અખંડ, નિરવયવ, ક્રમાતીત સ્ફોટમાં કશોયે ફેર પડતો નથી. વળી શબ્દનું ઉચ્ચારણ ઉતાવળે, ધીમે કે મધ્યમ રીતે કરવા જતાં શબ્દના જે વિકાર પ્રતીત થાય છે, તેનાથી પણ સ્ફોટમાં કોઈ પ્રકારનો વિકાર થતો નથી. આમ, વૈયાકરણોના મતે ‘गौ’ શબ્દ ઉચ્ચારતાં ‘ग-કાર’, औ-કાર અને વિસર્ગ ઉપરાંત ભાગવિહીન-અંશવિહીન – અખંડ શબ્દની પ્રતીતિ થાય છે. અને આ શબ્દ જ (જેને તેઓ ‘સ્ફોટ’ કહે છે) અર્થબોધ કરાવે છે. આમ, વૈયાકરણોના સ્ફોટનું સ્વરૂપ વેદાન્તીઓના એક, નિત્ય, નિરવયવ, ક્રમાતીત અને અખંડ બ્રહ્મના જેવું છે. સ્ફોટ શબ્દોથી કે વર્ણોથી વ્યંજિત થાય છે. (આલંકારિકોએ શબ્દની આ વ્યંજનાશક્તિ જ સ્વીકારી છે, સ્ફોટવાદ નહિ.) મીમાંસકો અને નૈયાયિકો વૈયાકરણોના સ્ફોટવાદને માન્ય રાખતા નથી. તેઓ શબ્દ અને વર્ણોમાંથી સીધો જ અર્થબોધ થાય છે એમ માને છે. તેમની વાત વ્યાવહારિક દૃષ્ટિએ સાચી પણ છે. શબ્દોના ઉચ્ચારણમાં પૌર્વાપર્ય છે, લાંબા ઉચ્ચારણમાં શબ્દોની ઝડપના ક્રમમાં ફેર પડી જવાથી ઘણી વાર બીજો અર્થ સમજાતો હોય છે – એ બધું કેમ ભૂલી શકાય? ઉચ્ચારણની વિભિન્નતા છતાં ચોક્કસ અર્થનો બોધ થવાની વૈયાકરણોની વાત સાથે આજના ભાષાવિજ્ઞાનના વર્ણજાતિ (Phoneme)ની સિદ્ધાંતનું સામ્ય છે, એટલું જ અહીં નોંધપાત્ર લાગે છે.