ભારેલો અગ્નિ/પ્રારંભિક
‘કૌમુદી’માં ‘દિવ્યચક્ષુ’ની નવલકથા પૂરી થતાં મારા મિત્ર શ્રી વિજયરાયે બીજી લાંબી સળંગ વાર્તા ‘કૌમુદી’ માટે લખવા મને જણાવ્યું. સને 1857ના બળવાનું આછું અવલંબન લઈ એક વાર્તા લખવી. મેં શરૂ કરી હતી. શરૂઆતનાં થોડાં પ્રકરણો લખેલાં હતાં. તે મેં શ્રી વિજયરાયને આપ્યાં. તેમણે વાર્તા પસંદ કરી છાપવા માંડી એટલે મારે તે વાર્તા પૂરી કરવી પડી. વાર્તા ‘ભારેલો અગ્નિ’ હવે પુસ્તકના રૂપમાં પ્રગટ થાય છે.
ધાર્યા કરતાં ‘ભારેલો અગ્નિ’ની વાત ઘણી લાંબી થઈ ગઈ છે. સને 1857નો બળવો એ હિંદના રાજકીય જીવનનો બહુ મહત્ત્વનો બનાવ છે. હિંદુ, મુસલમાન તેમ જ અંગ્રેજ ખ્ર્ એ ત્રણે કોમોની આંખ ઉઘાડનારો એ મહાપ્રસંગ. ગુજરાતમાં એ બળવાની અસર બહુ ઝાંખી હતી. ગુજરાતને પૂર્વ સીમાડે અડકી એના જુવાળ અટકી ગયા.
વાર્તાના પાત્રો કલ્પિત છે. ઐતિહાસિક નામ ધારણ કરતાં બેત્રણ પાત્રોની કાર્યશ્રેણી પણ કલ્પિત છે. માત્ર બળવાને પ્રેરનારાં તત્ત્વો અને બળવાની નિષ્ફળતાનાં કારણોનો વાર્તાના ઘડતરમાં ઉપયોગ કર્યો છે. રુદ્રદત્તની ‘અહિંસા’માં આજના ગાંધીયુગનો કોઈને ભાસ થાય એ સહજ છે. પરંતુ બળવાના વર્ષમાં જન્મેલાં કંઈક સ્ત્રી પુરુષો હિંદમાં હજી હયાત છે. ધર્મ અને મતમતાંતરને સહી લેવાની વૃત્તિ એ વખતે જાગૃત થતી જતી હતી. એમ કહીએ તો વધારે પડતું ગણાશે નહિ. હિંદુધર્મના અહિંસાના મહાસિદ્ધાંતને રાજદ્વારી વલણ આપવાની ઝાંખી દૃષ્ટિનું એ સમયમાં આરોપણ છેક અસત્ય તો નહી જ ગણાય.
આ સ્પષ્ટતા ઉપરાંત વાર્તા વિષે બીજું કાંઈ ખાસ કહેવાનું રહેતું નથી. એટલું તો ખરું જ કે ઠગ, પીંઢારા અને બળવામાંથી વાર્તાકારોને ઘણાં સુંદર વાર્તાબીજો વેરાયેલાં મળી આવશે.
‘પૂર્ણિમા’ લખતી વખતે પૂર્વ-પશ્ચિમની તથા જૂનીનવી ગણિકાસંસ્થા વિષે એક વિસ્તૃત નિબંધ લખવાની ઇચ્છા થઈ હતી તે માટે થોડાં સાધનો ભેગાં કર્યાં હતાં અને નોંધ પણ કરી હતી. ‘ભારેલો અગ્નિ’ લખતાં લખતાં સને 1857ના ઇતિહાસને વિવિધ પુસ્તકોમાંથી વાંચ્યો, અને ‘બળવા’ ઉપર પણ એક વિસ્તૃત લેખ તૈયાર કરવાની ઇચ્છા થઈ. પરંતુ એ બંને કાર્યો માટે જરૂરની સ્થિરતા હું મેળવી શકતો નતી.
નવલકથાની પરીક્ષા વાચકો અને વિવેચકો કરશે જ. વિવેચકો મારા પ્રત્યે કુમળા રહ્યા છે. તેમની સહાનુભૂતિને પાત્ર ‘ભારેલો અગ્નિ’ હોય તો મને કંઈક સંતોષ થશે. મને પૂર્ણ સંતોષ આપે એવી બીજી વાર્તા હજી સુધી તો હું લખી શક્યો નથી.
રમણલાલ વ. દેસાઈ
વ્યારા,
તા. 10.7.1935
‘ભારેલો અગ્નિ’ ચોથી આવૃત્તિ પામે છે એ સમયે બે નોંધ લેવાની ઇચ્છા થાય છેઃ
(1) ઈ. સ. 1857ના કહેવાતા બળતા ઉપરનો લેખ હું હજી તૈયાર કરી શક્યો નથી.
(2) રુદ્રદત્તના પાત્રમાં વિકસેલી અહિંસાની ભાવનાને અનૈતિહાસિક માનવાની કદી થયેલી ટીકાનો હું ખૂબ વિચાર કરી રહ્યો છું. છતાં સને 1857માં એ ભાવના શક્ય હોય એ વિચાર માટે દૃઢ બનતો જાય છે. કારણ?
અ જેમ જેમ હું ભારતીય સંસ્કૃતિને વધારે વધારે ભણતો જાઉં છું તેમ તેમ એમાં રહેલું અહિંસાનું તત્ત્વ વધારે આગળ પડતું દેખાતું જાય છે. અહિંસા તરફ ઉતાવળી ગતિ એનું જ નામ સંસ્કૃતિ, એવી પણ વ્યાખ્યા થાય ખરી… ઝડપથી.
આ ગાંધીજીની અહિંસા ઐતિહાસિક ખરી? કયા ઇતિહાસમાંથી વિકસી? ગાંધીજી મહાત્મા ખરા; છતાં એ પણ સમયનું પ્રતિબિંબ તો ખરા જ ને? ગાંધીજીની અહિંસા પાછળ ઇતિહાસ હોય તો રુદ્રદત્તની પાછળ પણ એ જ ઇતિહાસ હોઈ શકે.
ઈ અર્જુનને યુદ્ધની પ્રેરણા આપતાં કૃષ્ણે ગીતામાં પણ અહિંસાના સ્પષ્ટ ઉલ્લેખ કર્યા છે –ભાવનામાં તો ખરા જ, પરંતુ શબ્દોમાં પણ.
ઇ જે સંસ્કૃતિના પાયામાં નિષ્કામ કર્મનું સતત સંબોધન હોય અને રાગદ્વેષથી પર થવાની પરિસ્થિતિ તરફ દોરવાનું સતત મંથન હોય, એ સંસ્કૃતિમાં અહિંસા સિવાય બીજું શું ઐતિહાસિક તત્ત્વ હોઈ શકે?
ઉ વાનપ્રસ્થ અને સંન્યસ્ત જેવા આશ્રમો હજી પણ જીવંત હોય, અને મહાવીર તથા બુદ્ધ સરખા આજ સુધીના જીવંત ધર્મસંસ્થાપકો હોય, એ સંસ્કૃતિમાં અહિંસાનો ભણકાર કદી પણ સમૂળ અદૃશ્ય થાય ખરો?
ઊ બળવામાં નિષ્ફળતા મળતાં સંન્યસ્ત સ્વીકારી ચૂકેલી વ્યક્તિઓની કથાઓ છેક ઓછી તો નથી જ. રુદ્રદત્તના સર્જન પહેલાંની એ કથાઓ હવે વધતી પણ જાય છે. સરદાર વલ્લભભાઈના પિતાએ પણ કાંઈ બળવામાં ભાગ લીધાની જાહેરાત થઈ છે. જોકે એની સ્પષ્ટ વિગતો આવી નથી. નાનાસાહેબ સાધુ બનીને કાઠિયાવાડ… કદાચ શિહોર(?)… રહ્યા હતા એમ પણ વાંચવામાં આવ્યું હતું. નર્મદાકિનારે નિવાસ કરતા ટોકરાસ્વામી અને બ્રહ્માનંદની આસપાસ પણ બળવાની પાશ્વભૂમિ ઘણાને દેખાય છે. વિજાપુર તાલુકાના આજોલ ગામ પાસેના બોરિયાસ્વામીને તો મેં પણ જોયા છે. આમ આખા સંન્યસ્ત પ્રવેશનું આદ્યપગલું જ અહિંસા, સંન્યસ્ત હજી જીવંત છે, બળવામાંથી સંન્યાસી બની ગયેલી વ્યક્તિઓ આપણને મળી આવી છે. મારા માતામહની પણ એક કુટુંબકથા છે કે બળવા સમયે તેઓ ગ્વાલિયરમાં હતા અને તેમણે પણ સાધુત્વ –કદાચ માત્ર વેશ – ધારણ કર્યું હતું.
અભ્યાસીઓ અને વિદ્યાર્થીઓ ઘણી વાર અહિંસાની ભાવનાને ‘ભારેલો અગ્નિ’માં મળેલા સ્થાન માટે મને પ્રશ્નો પૂછે છે. મારા બચાવનામા તરીકે નહિ, પરંતુ રુદ્રદત્તના સર્જન પાછળ રહેલી મારી વિચારસંકલના સમજાવવા માટે આટલી વિગત આપી છે.
શાંતિ, શસ્ત્રસંન્યાસ, માનવ મહારાજ્ય જેવી ભાવનાઓ આજ સ્પષ્ટ આકાર ધારણ કરવા મથી રહી છે તે એ સમયે એ ભાવનાઓના આત્મા સરખી અહિંસાની શાસ્ત્રીય વિચારણા મહત્ત્વની બની રહે છે… અને સંભવિત છે કે ગાંધી-યોજિત અહિંસક વ્યૂહરચના એક સમર્થ વિશ્વબળ રૂપે પણ વિકસે.
ઐતિહાસિક દૃષ્ટિએ વધારે સ્પષ્ટ કરીએ તો 1857ના બળવાની અને ગાંધીજીના અહિંસક બળવાની સને 1920-21ની સાલ વચ્ચે પાંસઠ વર્ષ પણ વીત્યાં ન હતાં. ગાંધીજીનો આફ્રિકાનો સત્યાગ્રહ વળી એથીયે પંદરેક વર્ષ પહેલો. એ ગાંધીના હૃદયમાં ‘અહિંસા’નો પ્રથમ ઝબકારો એથી પંદરેક વર્ષ પહેલાંનો માનીએ તો બળવાના પચીસેક વર્ષમાં તો અહિંસાની સ્થાપના ગાંધીજીના હૃદયમાં સ્પષ્ટતા ધારણ કરી ચૂકી હતી.
એ માનસ ઉક્રાન્તિ પાછળ કયું સ્પષ્ટ ઐતિહાસિક બળ હતું? ટૉલ્સ્ટૉય? ક્રાઈસ્ટ? બુદ્ધ-મહાવીર? કે ભારતીય સંસ્કૃતિ?
મને લાગ્યા જ કર્યું છે કે એક અગર બીજે સ્વરૂપે અહિંસા, ભારતીય ઇતિહાસમાં અમર રહેલી છે… કદાચ બધી જ ખ્ર્ આખી માનવ સંસ્કૃતિમાં.
ધાર્યા કરતાં પ્રસ્તાવના લંબાઈ ગઈ એની ક્ષમા ચાહું છું. અને ગુર્જરજનતા તથા મારા પ્રકાશનોનો આ ચોથી આવૃત્તિ માટે આભાર માનું છું.
રમણલાલ વ. દેસાઈ
‘કૈલાસ’, મદનઝાંપા રોડ,
વડોદરા, તા. 6.6.1954
‘ભારેલો અગ્નિ’ બારમું પુનર્મુદ્રણ પામે છે તેથી અંગત આનંદ થાય છે.
મુ. ભાઈસાહેબને બહુ જ લોકપ્રિય અને અનેક પ્રકારની ચર્ચાઓ જગાડી વધુ અને વધુ આકર્ષણ ઉપજાવતું આ પુસ્તક હજી વિવિધ પ્રકારના વિવાદો ઉપજાવે એ જ ઇચ્છા.
વાંચકો અને પ્રકાશકોનો આભાર
અક્ષયકુમાર ર. દેસાઈ
‘જય કુટીર’, ટાઈકલાડી રોડ, મુંબઈ-16, તા. 1.4.1980
મુદ્રણો
પ્રથમ : જુલાઈ 1935
દ્વિતીય : જુલાઈ 1937 તૃતીય : માર્ચ 1947 ચતુર્થ : જૂન 1954 પાંચમી : નવેમ્બર 1959 છઠ્ઠી : નવેમ્બર 1963 સાતમી : જૂન 1965 આઠમી : જાન્યુઆરી 1967 નવમી : માર્ચ 1970 દસમી : સપ્ટેમ્બર 1973 અગીયારમી : ડિસેમ્બર 1977 બારમી : એપ્રિલ 1980 તેરમી : ફેબ્રુઆરી 1986
14મું પુનર્મુદ્રણ શતાબ્દી વર્ષ મે, 1992, પ્રત : 2250