ભારેલો અગ્નિ/કૃતિ-પરિચય
‘ભારેલો અગ્નિ'(૧૯૩૫) ભારતમાં અંગ્રેજો સામે થયેલા ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય-સંગ્રામને કલ્પનાના રંગો પૂરીને આલેખતી નવલકથા છે. એમાં જાણીતાં ઐતિહાસિક પાત્રો – ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, મંગલ પાંડે, તાત્યા ટોપે, વગેરે છે, તો રુદ્રદત્ત જેવું કાલ્પનિક પાત્ર છે, જે નવલકથાનું સૌથી વધુ પ્રભાવક પાત્ર છે. સ્વરાજ્ય-પ્રાપ્તિ માટે યુદ્ધ અને હિંસાને અનિવાર્ય માનતા એ જમાનામાં રુદ્રદત્ત અહિંસાનો આગ્રહ આગળ કરે છે – એમાં ઘણાએ ગાંધીજીનો પ્રભાવ જોયો છે ને આવી વિચારસરણીનો એ સમય સાથે મેળ કેમ પડે?-એવો પ્રશ્ન કર્યો છે. જો કે, લેખકે નવલકથામાં એ સમય આબેહૂબ ઉપસાવ્યો છે.
વળી, ગૌતમ, ત્ર્યંબક, કલ્યાણી, લ્યુસી, વગેરે પાત્રો દ્વારા મનુષ્યસંબંધનું – પ્રેમસંબંધ અને ત્યાગ-ભાવનાનું રુચિર, મધુર આલેખન પણ આ નવલકથાનું એક વિશેષ આકર્ષક પાસું છે.
ઐતિહાસિક નવલકથા તરીકે ‘ભારેલો અગ્નિ’ ઘણી રસપ્રદ અને નોંધપાત્ર કૃતિ છે. તો પ્રવેશીએ ….
આ પુસ્તકના લેખકનો અને પુસ્તકનો પરિચય રમણ સોનીનાં છે એ માટે અમે તેમનાં આભારી છીએ.