ભારેલો અગ્નિ/૨ : ઉજાગરાભરી રાત
સ્નેહીનાં સોણલાં આવે, સાહેલડી!
ઉરનાં એકાંત મારાં ભડકે બળે,
હૈયાનાં હેત તો સતાવે, સાહેલડી!
આશાની વેલ મારી ઊગી ઢળે.
ન્હાનાલાલ
દરેક જમાનો એમ જ માને છે કે તેના પછીનો જમાનો વધારે બહેકી ગયો છે. સ્ત્રીપુરુષનો સંબંધ ખાસ કરીને એવી ટીકાને પાત્ર બન્યા જ કરે છે; છતાં એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. એ સર્વવ્યાપી ભાવના સઘળા કાળમાં અને સઘળે સ્થળે વિવિધ બાહ્ય સ્વરૂપે વ્યક્ત થાય છે જ. એટલે એક યુગ કરતાં વધારે નીતિમાન છે જ એમ કહેવાની જરૂર નથી.
ભગવાન કામદેવ સર્વ યુગમાં એના એ જ છે. માનવજાતનો વિવેક દરેક યુગમાં સારાસાર પારખવા માટે તત્પર રહે છે. માતાપિતાની વરકન્યા માટેની પસંદગી સ્વયંવર કરતાં વધારે નીતિમય પરિણામ ઉત્પન્ન કરતી હતી એમ માનવું એ ભ્રમ છે.
એક પાસ જેમ મંગળ જાગતો હતો તેમ બીજી પાસ ગૌતમ પણ જાગતો જ હતો. અને કલ્યાણી આંખો મીંચ્યા છતાં ગૌતમને ધ્યાનમાં જોયા જ કરતી નહિ હોય એમ શા ઉપરથી કહેવાય? તારાઓની સાથે સ્નેહી અને દેશભક્તની આંખો ટપકતી જ રહે છે.
પરંતુ રાત્રે ઉઠાય કેમ? બોલાય કેમ? નિદ્રાવિહીન સરખું અસ્વસ્થ ભાગ્યે જ કોઈ હોઈ શકે. ગૌતમ પાસાં બદલ્યાં કરતો હતો. સાદડી અને કામળી કોઈ ગર્ભશ્રીમંતને સૂવા ન દે એ ખરું પરંતુ ગૌતમ સરખા સૈનિકને તો પથ્થર ઉપર પણ ઊંઘ આવવી જોઈએ. ત્યારે તે કેમ ઊંઘતો નહોતો?
તેને યુદ્ધ યાદ આવતું હતું? દરિયાનાં મોજાં યાદ આવતાં હતાં? ફાંસીની શક્યતા એની આંખ ઉઘાડી નાખતી હતી? દિવસનો ઉગ્ર અનુભવ તેને બાળતો હતો? ના ના; સૈનિકને એ તો નિત્યનો અનુભવ એને તો કોઈ ચંદ્રકિરણ બાળતું હતું; મધુર પુષ્પપરાગ તેના હૃદયને ધડકાવતો હતો; અને કોઈ રૂપકલ્પના તેની આંખને ઉઘાડી નાખતી હતી.
એ શું રૂપકલ્પના હતી? પચીસ હાથ છેટે ગુરુની પથારી પાસે એ રૂપકલ્પના સત્ય રૂપલેખા રૂપે પ્રત્યક્ષ હતી; પરંતુ એ પચીસ હાથનું છેટું કેમ ભાગે? દરિયો ઓળંગી જવાયો, પરંતુ શિષ્ટતાનો સાગર કેમ ઓળંગાય? એમાં તો એક હાથ વધવું પણ અશક્ય થઈ પડે છે.
કલ્યાણી પાસે અત્યારે જવાય એમ હતું જ નહિ. છતાં અશક્યને શક્યનું આવરણ ઓઢાડતી આશા ગૌતમને જાગતો જ રાખી રહી હતી. પાસું બદલીને, આંખ મીંચી ઉઘાડીને થાકેલા ગૌતમે જોયું તો સહજ દૂર ખાટલા ઉપર મંગળ બેઠો થઈ ગયેલો હતો. ગૌતમે તેને સૂઈ રહેવાની સલાહ આપી. મંગળ ગાઢ નિદ્રામાં પડયો હોત તોય ગૌતમથી કલ્યાણી પાસે જવાય એમ નહોતું. છતાં મંગળને જાગતો જાણી ગૌતમ અકળાયો.
જેમ જેમ તે વધારે અકળાયો તેમ તેમ મંગળની જાગૃતિ વધવા લાગી. ન મીંચાતી આંખ તેણે બળ કરી મીંચી રાખી, સહજ દૂર સૂતેલી કલ્યાણી તેની પાસે આવતી દેખાઈ. તે પાસે આવી એટલું જ નહિ; પણ પૂર્વજીવનના સઘળા પ્રસંગોને સચેતન કરવા લાગી. ગૌતમથી રહેવાયું નહિ. કલ્યાણીનો નજીક આવેલો હાથ પકડયો અને હાથને બદલે ખાલી હવાનો તેને અનુભવ થયો. તેણે આંખ ઉઘાડી, કલ્યાણી તો માત્ર કલ્પના બની ગઈ હતી. મંગળ ઓસરીમાં ફરતો હતો!
મંગળને બળજબરીથી ખાટલામાં સુવાડવાની ગૌતમને તીવ્ર ઇચ્છા થઈ આવી, પરંતુ એ ઇચ્છા પ્રમાણે વર્તન અશક્ય હતું. નિરાશ થઈ તેણે હાથ ઉપર માથું મૂક્યું અને પાછી આંખ મીંચી. જરા વાર રહીને તેને સમજાયું કે તેની ઇચ્છા ફળીભૂત થાય છે, મંગળ અને રુદ્રદત્ત બને નદીકિનારે સ્નાન કરવા જતા હતા! કેવું સારું?
બંને ગયા. પણ તેથી શું? સૂઈ રહેલી કલ્યાણી પાસે જવાય કેમ? તેને બોલાવાય ખરી, પણ એમ બોલાવવાનું કાંઈ કારણ? કલ્યાણીને બોલાવ્યા સિવાય તેનું હૃદય શાંત નહિ પડે એ વાત ખરી હતી; પરંતુ એ ખરી વાત સબળ કારણ તરીકે કેમ રજૂ થાય?
તેણે ફરી આંખ મીંચી, પરંતુ તેથી તો અકળામણ વધારે વધી ગઈ. વીર યોદ્ધાને મૂંઝવતી આ કઈ લાગણી? દુશ્મનો વચ્ચે ઘેરાતાં પણ જેને મૂંઝવણ થતી નહોતી તેને આ પરિસ્થિતિ કેમ આવી પરવશતા અર્પતી હતી? શું કરવું? કેમ કરવું? તે એકદમ બેઠો થયો. સામે કલ્યાણી ઊભી હતી!
ખરેખર કલ્યાણી જ ઊભી હતી કે પછી કલ્પનાની જાળ રચાતી હતી? તેણે આંખ ઉપર હાથ ફેરવ્યો. તે જાગૃત હતો. કલ્યાણી જ ત્યાં ઊભી હતી. એમ પુરવાર કરતો કલ્યાણીનો કંઠ પણ તેણે ઓળખ્યો.
‘ગૌતમ! ઊંઘ ન આવી?’
‘પણ તેં ક્યાંથી જાણ્યું?’
‘આખી રાત તો જંપ્યો નથી!’
‘તને ક્યાંથી ખબર પડી?’
‘મને કેમ ખબર ન પડે?’
‘ત્યારે તુંયે સૂતી નહોતી; ખરું ને?’
‘શું સુવાય? આખો દિવસ કેવો ગયો છે?’
અંધારામાં રહેલું પ્રકાશતત્ત્વ એકત્રિત થઈ જાણે કલ્યાણીરૂપે પ્રગટ થયું હોય એમ ગૌતમ કલ્યાણીને જોઈ રહ્યો. આછો અંધકાર કલ્યાણીના દેહને આછી સ્પષ્ટતાભરી રૂપરેખાઓ અર્પતો હતો. ઊંડા સાગરમાં ઊપસી આવતી અપ્સરાને તે આશ્ચર્યભરી આંખે નિહાળતો હતો. કલ્યાણીનું રૂપ એવું કેટલું વધી ગયું હતું!
અને કલ્યાણી પણ ગૌતમને જોઈ રહી હતી. ગૌતમની આંખો બાવરી બની ચમક્યા કરતી હતી. એ બારવાપણામાં રહેલો ભાવ કલ્યાણીએ ઓળખ્યો અને તેનું હૃદય પુલકિત બન્યું. ગૌતમનું મુખ સહજ સુકાયું હતું, છતાં તેમાં પૌરુષની રેખા પૂરી ખીલી નીકળી હતી. તેની બેસવાની ઢબમાં અજબ મર્દાનગી ઊઘડી આવી હતી. વિશાળ છાતી અને બળવાન ભુજા વચ્ચે સ્થાન મળે તો કેવું લાગે? કલ્યાણીના દેહમાં કંપ ઊપજ્યો.
કલ્યાણી સહજ ભય પામી. ગૌતમના સરખી તેની પણ આંખ બાવરી તો નહિ બની ગઈ હોય? વાણીમાં તેણે અભય શોધ્યો.
‘કેવો નઠોર બની ગયો છે?’
‘હું? કેમ? શાથી?’ ગૌતમે પૂછયું.
‘બેસવાનું તો કહેતો નથી, ક્યારની હું ઊભી છું!’
‘હા, હા, એ મારી ભૂલ થઈ. તને શું કહેવું એ સમજાયું નહિ. બેસ.’
કલ્યાણી જમીન ઉપર બેસી ગઈ. સ્ત્રીઓ બેસતાં બેસતાં રૂપમય કલામય રેખાઓ અવકાશમાં ઊભી કરતી હશે એમ ગૌતમને આજે જ સ્પષ્ટ થયું. કલ્યાણી ઊભી હતી ત્યારે વધારે સારી દેખાતી? કે બેસતી ત્યારે તે વધારે સારી દેખાતી? અને તે બેઠી હતી તે પણ શું સૌંદર્યચિત્ર નહોતું? કલ્યાણીને એ ત્રણે અભિનય ફરીથી કરવાનું કેમ કહી શકાય? કોઈ દિવસ પણ એવો નહિ આવે.
‘શું જોયા કરે છે? બોલ તો ખરો?’
‘હા. કેમ છે? તમારી તબિયત કેવી છે?’ ગૌતમ પૂછયું.
વાત કરવાનું કાંઈ જડે નહિ ત્યારે તબિયતના સમાચારમાં સારો આશ્રય મળે છે.
કલ્યાણી હસી : ‘ગૌતમ! લશ્કર માનવીને જડ બનાવે છે નહિ?’
‘જડ? એ રીતે એ માનવીને જડ બનાવે છે – યંત્ર બનાવે છે. હુકમ મળ્યો કે તેનો અમલ કરવો; મરવું અને મારવું.’ ગૌતમે સહજ વિચાર કરીને જવાબ આપ્યો.
કલ્યાણી લશ્કરના લાભાલાભનું વિવેચન માગતી નહોતી. તેણે વધારે સ્પષ્ટતાથી પૂછયું : ‘માનવીની રસિકતા પણ એમાં ઓછી થતી હશે, ખરું?’
‘રસિકતા? માનવી પશુ બની જાય છે. પ્રત્યેક પળે મૃત્યુને સામે જુએ એટલે એક પળમાં આખા જીવનનું સુખ ભરી લેવા તે મથે છે.’
‘ત્યારે તું પણ એવો જ બની ગયો હોઈશ. જડ, અરસિક!’
‘હા. પણ પશુનેયે પ્રભુ કે પ્રિયતમા સાંભરે ત્યારે ભરયુદ્ધમાં પણ તેનું સુષુપ્ત માનવહૃદય… બ્યૂગલ વાગ્યું!’ ગૌતમ વાક્ય પૂરું કરતાં પહેલા બોલી ઊઠયો; ખરે જ પીટર્સની ટુકડી બ્યૂગલના નાદ સાથે ભેગી થતી હતી. ગૌતમના યુદ્ધસંસ્કારો બળ કરી પ્રગટ થયા. તેની આંખ અને તેનું મુખ પ્રેમનું માદર્વ તજી બેઠાં. યૌદ્ધાને રણશિંગું રણવાસ છોડાવે જ છે ને?’
‘કેમ, પાછો પશુ બન્યો?’ કલ્યાણીએ પૂછયું. પૂછતાં પૂછતાં તેણે ગૌતમની સામે જોયું, અજવાળું વધ્યું હતું.
‘મને પાંડેજીની ચિંતા થાય છે, એમને પકડશે.’ ગૌતમે ઝડપથી કહ્યું.
‘કોણ, મંગળ પાંડે?’
‘હા.’
‘તું છૂટયો એમ છૂટશે.’
‘ના, ના. મારે એની સહાયે જવું જોઈએ.’
બ્યૂગલ ફરી વાગ્યું અને ગૌતમ ઊભો થયો. ના, તે દોડયો જ. પાઠશાળાની બહાર નીકળી તેણે પાછું જોયું. પ્રિયતમાની મૂર્તિ ઝડપથી જોવા તેણે ધારણા રાખી. કલ્યાણી માર્દવની મૂર્તિસમી ઊભી હતી.
પરંતુ એનાથી થોડે દૂર શું તગતગતું હતું? ઝાંખા બની ગયેલા બે તારા? કે બે આંખો?