મંગલમ્/અમારો દેશ
Jump to navigation
Jump to search
અમારો દેશ
આ અમારો (૩) દેશ છે.
ભારત અમારો (૩) દેશ છે.
મારો નહીં ને તારો નહીં, એનો નહીં, પેલાનો નહીં,
આપણા સૌનો (૩) દેશ છે. આ અમારો૦
નદીઓ બધી આપણી,
દરિયા બધા આપણા, ડુંગર બધા આપણા,
એના મહીંનું સોનું-રૂપું, લોઢું-પથ્થર આપણાં. આ અમારો૦
ઝાડ-જંગલ આપણાં,
ઢોર-ઢાંખર આપણાં, ખેતર-પાદર આપણાં,
એની અંદર જે જે પાકે, તે બધું છે આપણું. આ અમારો૦
રામ-કૃષ્ણ આપણા,
બુદ્ધ-મહંમદ આપણા, ગાંધી-જવાહર આપણા,
આ સંતોને પગલે ચાલે, વિનોબાજી આપણા. આ અમારો૦
સીતા-તારા આપણાં,
લક્ષ્મી-મીરાં આપણાં,
કસ્તૂરબા છે આપણાં,
ભારતમાની સેવા કરતી, સૌ માતાઓ આપણી. આ અમારો૦
એને માટે જીવશે કોણ,
એને માટે મરશે કોણ,
આ બધું સાચવશે કોણ,
એને માટે જીવવાનું છે, મરવાનું છે, સાચવવાનું આપણે.
આ અમારો૦