મંગલમ્/અમે મોટા થાશું

અમે મોટા થાશું

ભલે નાનાં નાનાં બાળ,
અમે આજે રે કાલ,
અમે મોટાં થાશું ને જગ દોરશું!

ખડતલ શરીર, મન મોટું બનાવશું,
હૈયામાં હિત બધી દુનિયાનું ધારશું;
સાચાં માનવ બનીને જીવતર જીવશું! — અમે૦

ઊંચ-નીચ ભેદો આ દુનિયાના ટાળવા,
નાતો જાતો ને ધર્મ વાડાઓ તોડવા,
બધી શક્તિ અમારી વિશ્વચરણે ધરશું! — અમે૦

જગનાં અંધારાંને દૂર દૂર હાંકવા,
સાચા તે જ્ઞાનનો દીવો પ્રગટાવવા,
અમે જાતે સળગી ઘર ઘર ઘૂમશું! — અમે૦

પૈસાને જોરે આજ માનવી મપાય છે,
કોઈ કરે કામ, કોઈ બેસીને ખાય છે,
કરી સર્વોદય, સાચો સમાજ રચશું! — અમે૦

— પૂનમચંદ શાહ