મંગલમ્/ઈશોપનિષદ
ઈશોપનિષદ
પૂર્ણ એ છે પૂર્ણ આ છે,
પૂર્ણથી તો પૂર્ણ ઊગ્યું છે બધું.
પૂર્ણમાંથી પૂર્ણ આપી દો ભલે,
શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા.
ઈશ-ભવન છે આ સચરાચર, સ્વર્ણ-નિયમ ત્યાં આવો;
કમાઓ તે દઈ દઈને ખાઓ, પરધન પર ના ધાઓ.
ખાઈ ભોગવી શું ખુશ થાઓ, માણસ છો કે ગીધ?
ત્યાગમાં જ છે ભોગ ખરોને, ખરું ખાધું જે દીધ.
કામ કરો બહુ ખૂબ ઘસાઓ, સુખે શતાયુ થાઓ.
માનવ તુજ પથ આજ અવર નહિ, કર્મે કાં ગભરાઓ.
જે જન દેખે નિજની માંહી, સર્વે જીવ સમાયા.
સર્વ જીવમાં જુએ આપને, તેને કોણ પરાયા.
જે જ્ઞાનીને મન નિજ આત્મા, સર્વે જીવ સ્વરૂપી,
એ શીદ કોને દુભે એને, કોઈ શકે શેં દુભી.
હે સૂર્ય આત્મજ્ઞ! હે વિશ્વપોષક,
હે જન્મદાતા, હે મૃત્યુમોચક,
તારાં રૂડાં રશ્મિ મુજમાં ભરી દે,
મારાં પ્રતિ રશ્મિ તુજમાં હરી લે,
ઊંચે ત્યહાં જોઉં તો જોઉં શું હું?
કલ્યાણકારી આત્મા પ્રભુ તું,
નીચે અહીં આ હૃદયે હસી રહ્યો,
ચૈતન્ય મૂર્તિ આત્મા પ્રભુ તું.