મંગલમ્/એનું જીવનકાર્ય
Jump to navigation
Jump to search
ગાંધી ગીતો
એનું જીવનકાર્ય
એનું જીવનકાર્ય
એનું જીવનકાર્ય અખંડ તપો,
અમ વચ્ચે બાપુ અમર રહો;
એના જીવનમંત્ર સમો ચરખો,
પ્રભુ, ભારતમાં ફરતો જ રહો.
અમ જીવનમાં અમ અંતરમાં,
એની ઉજ્જ્વળ જ્યોત જ્વલંત રહો;
અમ દેશનાં દૈન્ય ને દુર્બળતા,
એની પાવક આતમ-જ્વાળ દહો.
એના સત્યનો સૂર્ય સદાય તપો,
અમ પાપ નિરાશાના મેલ દહો;
એનાં પ્રેમ-અહિંસાનાં પૂર પ્રભો,
અમ ભારતના સહુ ક્લેશ વહો.
એણે જીવતાં રામ સદાયે રટ્યા,
એ તો ‘રામ’ વદીને વિદાય થયા;
લઘુ માનવમાં મહિમા ભરવા,
નિજ લોહી અશેષ વહાવી ગયા.
— જુગતરામ દવે