મંગલમ્/કોણ?
Jump to navigation
Jump to search
કોણ?
પુષ્પ તણી પાંદડીએ બેસી કરતું કોણ ચિરંતન હાસ?
પૃથ્વી-ઉરથી ઊઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ?
કોણ બદલતું સંધ્યાકાશે પલપલ નવલાં પ્રેમળ ચીર?
કોણ ઊછળતી મોકલતું નિજ કુમળી ઊર્મિ સરવર તીર?
અહો! ગૂંથતું કોણ પૃથ્વીને સેંથે ઝાકળ-મોતીમાળ?
તરુએ-તરુએ ફળતી કોની આશા કેરી સાખ રસાળ?
કોનાં કંકણ બાજે એકલ સરિતા કેરે સૂને ઘાટ?
પર્વતને શિખરે સ્થિર બેસી કોણ સનાતન જોતું વાટ?
ઓ સારસની જોડ વિશે ઊડે છે કોની ઝંખનઝાળ?
અહો ફલંગે કોણ અધીરું વાદળ-વાદળ માંડી ફાળ?
અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતનરૂપ?
કાળ તણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ?