મંગલમ્/હે ગાવાવાળા!

હે ગાવાવાળા!

તમે કેમ કરીને ગાઓ હે ગાવાવાળા!
હું તો મંત્રમુગ્ધ પીઉં કેવળ પ્યાલા!
સૂરનાં તેજો ભુવન છાઈ રહે છે,
સૂરની હવા ગગન ભરી વહે છે;
પાષાણ તોડતી દોડતી વ્યાકુળ વેગે
સર્યે જાય છે સૂરની સરિત-ધારા!
હું તો…

મનેય થાય હું એવા જ સૂરે ગાઉં,
શોધું શોધું તોય કંઠમાં સૂર ન પાઉં;
બોલવા ચાહું બોલતાં બોલ જ નડે,
મૂંઝાઈ મૂંઝાઈ પ્રાણિયો મારો રડે;
કેવો મને તમે સૂરના ત્રાંગડા વડે,
જાળ વણી હે બાંધ્યો બાંધવાવાળા!
હું તો…