મંગલમ્/ગાઓ ગાન
Jump to navigation
Jump to search
ગાઓ ગાન
ગાઓ ગાન ગાન ગાન! રોપો ધાન ધાન ધાન,
માથે અમૃત વર્ષાનાં મીઠાં સ્નાન સ્નાન સ્નાન.
ઘરથી છૂટ્યાં બહેન-ભાઈ, છૂટ્યા ચૌટેથી ભાઈ,
બાળક શાળામાં લેશે કૃષિનાં જ્ઞાન જ્ઞાન જ્ઞાન.
ઊંચે વાદળનાં વારિ, નીચે છલકંતી ક્યારી,
ગીત ગાયે ને રોપે આખું ગામ ગામ ગામ.
ઉપર લાખ લાખ તારા, નીચે શોભે તરુએ ક્યારા,
લીલાં લીલાં લખાણાં હરિનાં નામ નામ નામ.
આ તે કામ કે આ રમ્મત? મહેનત કહેવી કે ગમ્મત?
હસતાં રમતાં ઉભરાણાં ઘરઘર ધાન ધાન ધાન.
સમરો રામજીની માયા, ન કરો પેટ પેટ ગાયા.
કણ કણ ચણજો ને ખોબે દેજો દાન દાન દાન.