મંગલમ્/કોઈ દિ’

કોઈ દિ’

કોઈ દિ’ સાંભરે નહિ.
મા મને કોઈ દિ’ સાંભરે નહિ.
કેવી હશે કે કેવી નહિ
મા મને કોઈ દિ’ સાંભરે નહિ.
કોક કોક વાર મળી રમત વચાળે
મારા કાનમાં ગણ ગણ થાય;
હુતુતુતુની હડિયાપાટીમાં માનો સાદ સંભળાય
મા જાણે હીંચકોરતી વહી ગઈ
હાલાના સૂર થોડા વેરતી ગઈ
કેવી હશે કે કેવી નહિ.

શ્રાવણની કોક કોક વહેલી સવારમાં
સાંભરી આવે બા,
પારિજાતકની મીઠી સુગંધ લઈ
વાડીયેથી આવતો વા.
દેવને પૂજતી ફૂલ લઈ લઈ
મા એની મહેંક મહેંક મેલતી ગઈ.
કેવી હશે કે કેવી નહિ.