મંગલમ્/ચૂંદડી…

ચૂંદડી…

ચૂંદડી ચૌદ લોકમાં ગોતું,
આભમાં ગોતું, ગેબમાં ગોતું;
સાત પાતાળે ઘૂમતી ગોતું…ચૂંદડી૦

ચૂંદડી ચાર રંગમાં બોળી,
લાલ પીળા પરભાતમાં બોળી,
ચાંદલી પૂનમ રાતમાં બોળી,
વીજળી કેરા હોજમાં બોળી,
મેઘધનુના ધોધમાં બોળી…ચૂંદડી૦

ચૂંદડી ચાર ચોકમાં ઓઢું,
માનસરોવર ઝીલતી ઓઢું,
આભની વેલ્યે વીણતી ઓઢું,
ડુંગરે ડુંગરે દોડતી ઓઢું;
વાયરા ઉપર પોઢતી ઓઢું…ચૂંદડી૦

ચૂંદડી ચાર છેડલે ફાટી,
રાસડા લેતાં, તાળીઓ દેતાં,
સાગરે ના’તા નીરમાં ફાટી…ચૂંદડી૦

— ઝવેરચંદ મેઘાણી