મંગલમ્/જીવનસાગર ઘાટ
જીવનસાગર ઘાટ
જીવન સાગર ઘાટ રે
મને કોણ બતાવે વાટ?
દિન ઊગે, દિન આથમે ને આથમે સૂરજ-સોમ;
વણ ખૂટ્યો મુજ પંથ પડ્યો છે,
ક્યાં છે તારી ભોમ રે. — મને…
આભમાં નિર્મલ તારક કો’ક દિ’ વરસે તેજની ધાર;
મારગની કાંઈ ઝાંખી પડે ત્યાં,
વીંટી વળે અંધકાર રે. — મને…
જગના વાયે વાયરા ને મૂર્છિત પ્રાણ રૂંધાય;
ધ્રુવ શો ધ્રુવ તારક પણ ડોલે,
એકે ન પંથ ભળાય રે. — મને…
કાળ સમોવડ તરંગ ઉપર ઊછળે આતમ નાવ;
અમૃત દીપક દાખવી તારો,
મંગળ પંથ બતાવ રે. — મને…
— સ્નેહરશ્મિ